હ્યુરોન : યુ.એસ.ના દક્ષિણ ડાકોટા રાજ્યના પૂર્વમધ્યભાગમાં આવેલું શહેર તથા બીડલ પરગણાનું મથક. ભૌગોલિક સ્થાન : 44° 21´ ઉ. અ. અને 98° 12´ પ. રે.. તે જેમ્સ નદીને કાંઠે વસેલું છે. આ શહેરનું હ્યુરોન નામ હ્યુરોન નામની ઇન્ડિયન જાતિ પરથી પડેલું છે. શિકાગોના વિભાગીય મુખ્યમથક તરીકે તેમજ ત્યાંની નૉર્થ વેસ્ટર્ન રેલવેના મથક તરીકે તેની સ્થાપના 1879માં થયેલી. 1898થી તે હ્યુરોન કૉલેજનું મથક બની રહેલું છે, આ કૉલેજ મૂળ 1883માં પિયરે ખાતે શરૂ થયેલી; પરંતુ પછીથી તેને હ્યુરોન ખાતે ખસેડવામાં આવેલી.
આ શહેરનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિપ્રવૃત્તિ તેમજ તેને લગતી અન્ય પ્રવૃત્તિઓ પર નિર્ભર છે.
હ્યુરોન કૉલેજ
તેની આવકનો મુખ્ય આધાર પ્રવાસન તેમજ દર વર્ષે સપ્ટેમ્બરમાં ભરાતા દક્ષિણ ડાકોટા રાજ્ય મેળા પર રહેલો છે. હ્યુરોન યુ.એસ.ના રાજકીય નેતા તેમજ ઉપરાષ્ટ્રપ્રમુખ (1911–78) હ્યુબર્ટ એચ. હમ્ફ્રીનું વતન હતું તેમજ તેમના કુટુંબે શરૂ કરેલી ફાર્મસીનું સ્થળ હતું. વસ્તી : 11,893 (2000).
ગિરીશભાઈ પંડ્યા