હોયેન (Hauyne) : સોડાલાઇટ સમૂહનું ખનિજ. અસંતૃપ્ત ખનિજો પૈકીનું એક. રાસા. બં. : (Na·Ca)4–8 Al6Si6O24(SO4)1–2. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટે ભાગે ડોડેકાહેડ્રલ અથવા ઑક્ટાહેડ્રલ; સામાન્ય રીતે ગોળાકાર દાણા રૂપે મળે. યુગ્મતા (111) ફલક પર; આંતરગૂંથણી યુગ્મો પણ મળે; સંપર્ક યુગ્મો કે પડ યુગ્મો પણ મળે. દેખાવ : પારદર્શકથી પારભાસક. સંભેદ : (110) સ્પષ્ટ. પ્રભંગ : ખરબચડાથી વલયાકાર, બરડ. ચમક : કાચમયથી ગ્રીઝ જેવી. રંગ : મોટે ભાગે ભૂરો, પરંતુ સફેદ કે રાખોડી, લીલા, પીળા, રાતા રંગની ઝાંયમાં પણ મળે. કઠિનતા : 5.5થી 6. વિ. ઘ. : 2.44થી 2.50.
પ્રાપ્તિસ્થિતિ : ફોનોલાઇટ અને સંબંધિત અગ્નિકૃત ખડકોમાં લ્યુસાઇટ કે નેફેલિનના સંકલનમાં મળે છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., ફ્રાન્સ, કૅનેડા, જર્મની, ઇટાલી, મોરોક્કો.
ગિરીશભાઈ પંડ્યા