હોનિયારા : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં ટાપુઓના સમૂહથી બનેલા (ટાપુદેશ) સોલોમનનું પાટનગર તેમજ બંદર. ભૌગોલિક સ્થાન : 9° 26´ દ. અ. અને 159° 57´ પૂ. રે.. તે ગ્વાડેલકૅનાલ ટાપુના ઉત્તર કાંઠે વસેલું નાનું નગર છે. તે દરિયા તરફ હંકારી જતાં નાનાં-મોટાં વહાણો માટેના ‘પૉઇન્ટ ક્રુઝ’ બારાની બંને બાજુએ વિસ્તરેલું છે. અહીં નાની-મોટી ઘણી ઇમારતો છે, તે પૈકી સરકારી ઇમારત અને ઍંગ્લિકન ચર્ચ મુખ્ય છે. નગરના મધ્યભાગ નજીકની ટેકરીઓ પરના આવાસોમાં ઘણા લોકો રહે છે.
હોનિયારાનો નકશો
1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી આ નગર સ્થપાયેલું. અહીંના નાળિયેરીનાં વૃક્ષોવાળા સ્થળનો શરૂઆતમાં જાપાને અને પછીથી યુનાઇટેડ સ્ટેટ્સે યુદ્ધ દરમિયાન લશ્કરી મથક તરીકે ઉપયોગ કરેલો. આ જ સ્થળે હોનિયારા વસ્યું છે. 1999 મુજબ હોનિયારાની વસ્તી 68,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા