હૉર્સ્ટ (સ્તરભંગજન્ય ઉત્ખંડ)

February, 2009

હૉર્સ્ટ (સ્તરભંગજન્ય ઉત્ખંડ) : સ્તરભંગને કારણે સરકવાથી રચાતો ભૂમિભાગ. પૃથ્વીના પોપડાના કોઈ પણ ભાગમાં તનાવનાં પ્રતિબળોને કારણે જ્યારે ઓછામાં ઓછા બે લગભગ સમાંતર સ્તરભંગ ઉદભવે, જેમાં વચ્ચેનો ભાગ ઉપર તરફ ઊંચકાઈ આવે અને બાજુઓના ભાગ સ્થાયી રહે અથવા વચ્ચેનો ભાગ સ્થાયી રહે અને બાજુઓના ભાગ નીચે તરફ સરકીને દબાતા જાય ત્યારે ઉત્ખંડની રચના થતી હોય છે. બંને બાજુના સ્તરભંગ ઘણી લંબાઈમાં વિસ્તરેલા હોય તો વચ્ચેનો ઊંચાઈ ધરાવતો સ્તરભંગજન્ય ભૂમિભાગ લાંબી ડુંગરધાર રચે છે.

ઉત્ખંડનાં પરિમાણ સ્થાનભેદે જુદાં જુદાં હોઈ શકે છે. તેમની લંબાઈ-પહોળાઈ અને ઉપર તરફનું સ્થાનાંતર (ખસેડ) થોડાક સેમી.થી સેંકડો મીટર સુધીનાં હોઈ શકે છે. સામાન્ય રીતે આવો ખંડભાગ તેની પહોળાઈની સરખામણીમાં વધુ લાંબો હોય છે.

હૉર્સ્ટ (સ્તરભંગજન્ય ઉત્ખંડ)

સીમાંત સ્તરભંગોનું અધોપાત બાજુઓ પરનું નમન 50 થી 70 નું હોય છે. આ ઉપરથી કહી શકાય કે બંને બાજુના સ્તરભંગ ગુરુત્વ પ્રકાર(Normal or Gravity Fault)ના હોય છે. આ પ્રકારના સંબંધો સૂચવે છે કે ઉત્ખંડ એવા ભૂમિભાગોમાં વિકસે છે, જે તણાવથી થતી વિસ્તૃતિની અસર હેઠળ આવેલા હોય. તે ઊર્ધ્વવાંક કે ઘૂમટના શૃંગ-ભાગો(anticlinal crests or domical tops)માં રચાતા હોય છે અથવા તો પહોળાઈ ધરાવતા પ્રાદેશિક વળાંકોમાં થતા હોય છે. સૌરાષ્ટ્રનો સમગ્ર ભૂમિભાગ તેની બધી બાજુઓ પર વિકસેલા સ્તરભંગો અને તેના પર થયેલી અધ:પાત પામેલી બાજુઓને કારણે ઉત્ખંડનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે.

ગિરીશભાઈ પંડ્યા