હેવી વૉટર પ્લાન્ટ (વડોદરા) : ન્યૂક્લિયર રિઍક્ટરમાં અવમંદક (moderator) તરીકે અને અન્ય હેતુઓ માટે જરૂરી ભારે-પાણી(heavy water)ના ઉત્પાદન માટે વડોદરા ખાતે નિર્મિત સંયંત્ર (plant).
વડોદરા-સ્થિત ભારે-પાણીનો આ સંયંત્ર દેશનો એવો પ્રથમ પ્રકલ્પ છે જે એકલ-તાપીય (mono-thermal) એમોનિયા-હાઇડ્રોજન વિનિમય પ્રક્રિયાના આધારે ભારે-પાણીનું ઉત્પાદન કરે છે. આ સંયંત્ર વડોદરા રેલવે સ્ટેશનની ઉત્તરે આશરે 8 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8ની સમાંતર તથા ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર કંપની(GSFC)ની પાછળના ભાગમાં આવેલ છે. ભારે-પાણી-સંયંત્રને સંશ્લેષણ વાયુના પોતાના ભરણ પુરવઠા (feed-stock) માટે જી.એસ.એફ.સી.ના ઉચ્ચદાબ એમોનિયા સંયંત્રની સાથે જોડવામાં આવ્યો હતો.
એમોનિયા ઉત્પાદનની પ્રૌદ્યોગિકીના અદ્યતન સંશોધનોના ફલસ્વરૂપે ઓછા દાબવાળા એમોનિયા સંશ્લેષણ સંયંત્રો અસ્તિત્વમાં આવી રહ્યા છે. ઉર્વરક (fertilizer) સંયંત્રથી ભારે-પાણી-સંયંત્રને સ્વતંત્ર બનાવવામાં આવ્યો. તે માટે ભારે પાણી બોર્ડે ડ્યૂટેરિયમ સ્રોતનો ઉપયોગ કર્યો. ત્યાં સંશ્લેષણ વાયુના સ્થાને સાદા પાણીનો પ્રયોગ કરીને પહેલી વાર નવી પ્રૌદ્યોગિકીનો વિકાસ કર્યો. ડ્યૂટેરિયમના સ્રોત-સ્વરૂપે પાણીનો પ્રયોગ એમોનિયા પાણી (NH3H2O) વિનિમય એકમ દ્વારા કરવામાં આવે છે. પ્રક્રિયાના અભ્યાસ માટે પ્રયોગાત્મક સંયંત્ર(pilot-plant)ના આધાર પર આ પ્રૌદ્યોગિકીનો વિકાસ કરવામાં આવ્યો. આ સંયંત્ર સ્વદેશી છે.
આ સંયંત્રની કેટલીક વિશિષ્ટતાઓ છે. તેમાં એમોનિયા અપચૂષણ-પ્રશીતન (ammonia absorption refrigeration) પ્રણાલી સામેલ છે. તે અગ્રાંત એકમ(front end unit)નો જ એક ભાગ છે. વિખનિજિત (demineralised) જળ-સંયંત્ર, બાષ્પ-ઉત્પાદક સંયંત્ર અને નાઇટ્રોજન સંયંત્ર વગેરે દ્વારા અગ્રાંત એકમનું કાર્ય સંપન્ન થાય છે.
અગ્રાંત એકમ એ એમોનિયા-પાણી વિનિમય અને એમોનિયા-હાઇડ્રોજન વિનિમય પ્રક્રિયાનું સંકલન કરે છે. તેને કારણે એમોનિયા-આધારિત ભારે-પાણી-સંયંત્ર ફર્ટિલાઇઝર-સંયંત્રથી સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. નવી પ્રક્રિયામાં ડ્યૂટેરિયમના સ્રોત તરીકે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ વિનિમય ટાવરના તળિયેથી ડ્યૂટેરિયમ-પ્રચુર એમોનિયા બીજા સમસ્થાનિક ટાવરમાં મોકલવામાં આવે છે, જ્યાં તે વધુ માત્રામાં પ્રચુર બને છે. બંને સમસ્થાનિક ટાવરો મધ્યમ દબાણે અને નીચા તાપમાને કાર્ય કરે છે. બીજા સમસ્થાનિક વિનિમય ટાવરના તળિયેથી મળતા પ્રચુર વાયુ અને પ્રવાહીના અંશને અંતિમ તબક્કામાં મોકલવામાં આવે છે. અહીં આગળ એમોનિયા વાયુમાં ડ્યૂટેરિયમનું સાંદ્રણ (concentration) વધીને 99.9 % થાય છે. અંતે આ રીતે મળતા પ્રચુર એમોનિયાનું ભંજન કર્યા પછી આ પ્રચુર સંશ્લેષિત વાયુ(syngas)ના કેટલાક ભાગને શુષ્ક હવા વડે બાળતાં તે ભારે-પાણી પેદા કરે છે.
હાલમાં, ભારત વિશ્વમાં સૌથી વધારે ભારે પાણીનું ઉત્પાદન કરે છે.
વડોદરા ભારે-પાણી-સંયંત્ર(HWPB)ની કેટલીક યાદગાર તારીખો નીચે પ્રમાણે છે :
– 1971માં સિવિલ કાર્ય શરૂ થયું.
– 1974માં યંત્રો, સામગ્રી અને પાઇપિંગનું કામ પૂરું થયું.
9–5–1975ના રોજ કાર્યાન્વિત થતાં 4–7–1977ના રોજ ન્યૂક્લિયર કક્ષા(grade)નું ભારે-પાણીનું પ્રથમ બુંદ પ્રાપ્ત થયું. 27–6–1976ના રોજ A-III સંયંત્રનું સ્થાપન, પરીક્ષણ અને કાર્ય પૂરું થયું. 23–12–1999ના રોજ વડોદરા સંયંત્રના પુન:પ્રવર્તન માટે પરિયોજનાની સ્વીકૃતિ મળી.
ભારે-પાણી-સંયંત્ર, વડોદરાની કેટલીક ઉપલબ્ધિઓ નોંધપાત્ર છે. આ સંયંત્રે સતત 3162 દુર્ઘટનામુક્ત કાર્ય-દિવસ(8 વર્ષથી અધિક)નો વિક્રમ કાયમ કર્યો, જે 10.50 મિલિયન શ્રમ-કલાકો બરાબર છે.
1993માં પરમાણુ-ઊર્જા-નિયામક બોર્ડનો અગ્નિશમન-સંરક્ષા ઍવૉર્ડ, 1994થી 1997 તથા 1999 માટે આ જ બોર્ડનો ઔદ્યોગિક સંરક્ષા ઍવૉર્ડ, 1998માં ભારતની રાષ્ટ્રીય સંરક્ષા પરિષદનું રાષ્ટ્રીય સંરક્ષા ઍવૉર્ડ પ્રશંસાપત્ર, 1998માં પરમાણુ ઊર્જા નિયામક બોર્ડનું અગ્નિશમન-સંરક્ષા ઍવૉર્ડ પ્રશંસાપત્ર, 1994થી 2000 ગુજરાત સંરક્ષા પરિષદ તથા ગુજરાત રાજ્ય ફૅક્ટરી નિરીક્ષણાલયના સંરક્ષા-શિલ્ડ તથા પ્રશંસાપત્ર મળ્યા છે.
ભારે-પાણી-સંયંત્ર (વડોદરા) (HWPB) એ પ્રાથમિક રીતે સલામત અને સરળતાથી કાર્ય કરે છે અને વાજબી કિંમતે ભારે-પાણી(HW)નું ઉત્પાદન કરે છે. HWP(B) એ નવી પ્રૌદ્યોગિકી NH3– H2O વિનિમય તેમજ જૂના સંયંત્ર સાથે સ્થિર અને સલામત રીતે કાર્ય કરે છે. પર્યાવરણ સુરક્ષિત રહે તે રીતે આ સંયંત્રનું જતન કરવામાં આવે છે. હરિયાળી લોન, ઉદ્યાનો અને ઘણી સંખ્યામાં મોર સાથેનાં વૃક્ષો સમગ્ર વાતાવરણને હર્યુંભર્યું બનાવે છે. વાયુ કે પ્રવાહી નિ:સ્રાવ(effluent)ને ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના નીતિ-નિયમોને આધીન રહીને પૂરેપૂરા અંકુશમાં રાખવામાં આવે છે. તેને કારણે GPCBએ HWPBને સતત ત્રીજા વર્ષે સ્વચ્છતા જાળવવા બદલ જળ-કર(water-cess)માં છૂટ (વળતર) આપેલ છે. કર્મશીલોની સ્વાસ્થ્ય જાગૃતિ માટે અવારનવાર પરિસંવાદોનું આયોજન કરવામાં આવે છે. નાગરિકોને પરમાણુ-ઊર્જા-વિભાગ(DAE)ની પ્રવૃત્તિઓની જાણકારી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
પ્રહલાદ છ. પટેલ