હેલી, એડમન્ડ (Halley Edmond) (જ. 8 નવેમ્બર 1656, હૅગરટન, શોરડિચ, લંડન નજીક, ઇંગ્લૅન્ડ; અ. 14 જાન્યુઆરી 1742, ગ્રિનિચ, લંડન પાસે, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ. તેણે પ્રથમ વખત ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની મદદથી એક ધૂમકેતુની કક્ષાની ગણતરી કરી હતી. ત્યારપછી તે ધૂમકેતુ તેના નામ ઉપરથી ઓળખાય છે. આ ઉપરાંત તેણે ન્યૂટનના ઐતિહાસિક પુસ્તક ‘Principia’(‘Mathematical Principles of Natural Philosophy’)ના પ્રકાશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હેલીની કારકિર્દીની મુખ્ય ઉપલબ્ધિઓ આ પ્રમાણે છે :
1678 : ઑક્સફર્ડ યુનિ.ની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયો; 1687 : ન્યૂટનનું પુસ્તક Principia પ્રકાશિત કર્યું; 1698 : નૌકાસૈન્યમાં કપ્તાન તરીકે નિમણૂક. Paramour નામના જહાજમાં કમાન્ડર તરીકે આટલાન્ટિક મહાસાગરની સફર કરી; 1704 : ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘સેવિલિયન પ્રોફેસર ઑવ્ જ્યૉમેટ્રી’ તરીકે નિમણૂક થઈ; 1705 : ‘Astronomy of Comets’ નામનું તેનું પુસ્તક પ્રગટ થયું; 1713 : રૉયલ સોસાયટીના માનદ મંત્રી તરીકે ચૂંટાયો; 1720 : ફલેમસ્ટીડના અનુગામી તરીકે ઇંગ્લૅન્ડનો પ્રમુખ ખગોળશાસ્ત્રી (Astronomer Royal) નિમાયો.
એડમન્ડ હેલી
હેલીનું સદભાગ્ય હતું કે તેના જીવનકાળ દરમિયાન વૈજ્ઞાનિક વિચારસરણીમાં મોટી ક્રાંતિ આવી હતી અને આધુનિક વિજ્ઞાનની બુનિયાદ સ્થાપિત થઈ હતી. હેલી અને ન્યૂટન (1642–1727) બંને સમકાલીન વિજ્ઞાનીઓ અને સહકાર્યકરો હતા. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો આધાર લઈને હેલીએ 1337–1698 દરમિયાન દેખાયેલા પરવલયાકાર કક્ષા ધરાવતા 24 ધૂમકેતુઓની કક્ષા અંગે ગણતરી કરી હતી. ઈ. સ. 1705માં પ્રસિદ્ધ થયેલા તેના પુસ્તક ‘Astronomy of Comets’માં તેણે બતાવ્યું હતું કે ત્રણ ઐતિહાસિક ધૂમકેતુઓ, જે ઈ. સ. 1531, 1607 અને 1682માં દેખાયા હતા એ બધાની લાક્ષણિકતા વચ્ચે ઘણું સામ્ય હતું અને તેથી લગભગ 76 વર્ષના ગાળા પછી દેખાતો તે એક જ ધૂમકેતુ હોવો જોઈએ અને એની સાથે તેણે આગાહી કરી હતી કે ઈ. સ. 1758માં એ ધૂમકેતુ ફરી દેખાશે. જોકે ઈ. સ. 1758ના ડિસેમ્બર માસમાં એ ધૂમકેતુ ખરેખર દેખાયો તે પહેલાં ઈ. સ. 1742માં 85 વર્ષની ઉંમરે હેલીનું મૃત્યુ થયું હતું. અથાગ પરિશ્રમ વેઠીને જે ધૂમકેતુ અંગે હેલીએ અત્યંત મહત્વનું કાર્ય કર્યું હતું એ ધૂમકેતુ ત્યારપછી ‘હેલીનો ધૂમકેતુ’ (Halley’s Comet) – એ નામે ઓળખાય છે.
હેલીનાં અન્ય કાર્યો : હેલીએ ધૂમકેતુઓની કક્ષા અંગે સૌપ્રથમ અત્યંત મહત્વનું કાર્ય કર્યું હતું; પરંતુ તે ઉપરાંત, ખગોળશાસ્ત્ર તથા વિજ્ઞાનનાં અન્ય ક્ષેત્રોમાં પણ તેણે જે પ્રદાન કર્યું હતું તે પણ નોંધપાત્ર ગણાય છે.
તેણે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ના જહાજ ઉપર મુસાફરી કરી ત્યારે બ્રિટિશ સામ્રાજ્યના દ. આટલાન્ટિકના સેન્ટ હેલીનાના ટાપુ પરથી દક્ષિણ ગોળાર્ધમાં દેખાતા તારાની યાદી બનાવી હતી, જે ઈ. સ. 1678માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેણે તારક-ગુચ્છ તથા નિહારિકાઓનો અભ્યાસ કર્યો હતો અને તેજસ્વી તારાઓની નિજ ગતિની શોધ કરી હતી. 1686માં સમુદ્ર પર વહેતા પવનો તેમણે દુનિયાના નકશા ઉપર દર્શાવ્યા હતા, જે હવામાન અંગેનો સૌપ્રથમ નકશો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા કોઈ પણ આંકડા (Data) અર્થપૂર્ણ રીતે દર્શાવવાની આગવી કુનેહ હેલીમાં હતી. 1698માં બ્રેસલે શહેર માટે મરણની સંખ્યા (mortality) અંગે તૈયાર કરેલી સારણીમાં મરણનું પ્રમાણ અને વસ્તી વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો તેણે સૌપ્રથમ પ્રયત્ન કર્યો હતો ત્યારપછી જીવન-વીમાના વ્યવસાયના વિકાસમાં એ કાર્ય ઉપયોગી બન્યું હતું. 1716માં તેણે એવું સૂચન કર્યું હતું કે ધ્રુવીય પ્રદેશમાં દેખાતી ધ્રુવીય જ્યોતિની ઘટના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં થતા વિદ્યુત-વિભાર(electrical discharge)ને કારણે થતી હશે.
પરંતપ પાઠક