હેલીનો ધૂમકેતુ (Halley’s Comet) : જેના પુનરાગમન અંગે આગાહી કરવામાં આવી હતી તેવો પહેલો ધૂમકેતુ. તે દ્વારા સાબિત થઈ શક્યું હતું કે કેટલાક ધૂમકેતુઓ સૌર મંડળના સભ્ય હોય છે. ઈ. સ. 1705માં એડમન્ડ હેલીએ પ્રસિદ્ધ કરેલા પુસ્તક ‘Astronomy of Comets’માં ગણતરી દ્વારા તેણે બતાવ્યું હતું કે 1531, 1607 અને 1682માં જોવામાં આવેલા ધૂમકેતુઓ અલગ નહોતા. વસ્તુત: તે એક જ ધૂમકેતુ હતો, જે લગભગ દર 7576 વર્ષના ગાળા પછી દેખાતો રહ્યો હતો. વધુમાં એ ગણતરી દ્વારા તેણે આગાહી કરી હતી કે 1758માં એ ધૂમકેતુ ફરી દેખાશે. એ ધૂમકેતુ વર્ષ 1758ના અંત ભાગમાં દેખાયો હતો અને માર્ચ, 1759માં તે સૂર્યની સૌથી નજીકના અંતરે પહોંચ્યો હતો. એડમન્ડ હેલીના મહત્વના કાર્યને લીધે તે ધૂમકેતુ ‘હેલીના ધૂમકેતુ’ (Halley’s Comet) તરીકે ઓળખાય છે.
હેલીનો ધૂમકેતુ
ત્યારપછી ખગોળના જૂના ઐતિહાસિક અહેવાલો તપાસતાં જાણવા મળ્યું હતું કે ઈ. પૂ. વર્ષ 240થી એ ધૂમકેતુ 75–76 વર્ષના નિયમિત ગાળા બાદ દેખાતો રહ્યો હતો. હેલીનો ધૂમકેતુ જ્યારે ઈ. સ. 1910માં દેખાયો ત્યારે તેની પૂંછડી લાખો કિમી. લાંબી હતી અને પૃથ્વી તે લાંબી પૂંછડીમાંથી પસાર થઈ હશે. જોકે તેની કોઈ અસર જાણવામાં આવી નહોતી.
હેલીના ધૂમકેતુની કક્ષા અતિલંબવર્તુળાકાર છે અને સૂર્યથી તેનું મહત્તમ અંતર લગભગ 35 ખગોળીય એકમ છે, જે નેપ્ચૂન ગ્રહની કક્ષાની બહાર છે. સૂર્યથી તેનું ન્યૂનતમ અંતર 0.6 ખગોળીય એકમ છે. હેલીની કક્ષા અને ક્રાંતિવૃત્ત વચ્ચેનો નમનકોણ (inclination) 162° છે અને તેની ગતિ પ્રતિ-માર્ગી (retrograde) છે.
હેલીનો ધૂમકેતુ માર્ચ-એપ્રિલ, 1986 દરમિયાન સૂર્યની સૌથી નજીક આવ્યો હતો ત્યારે કેટલાંક અંતરીક્ષયાનો દ્વારા તેનાં નજીકથી અવલોકનો લેવામાં આવ્યાં હતાં. (જુઓ અધિકરણ ‘હેલી મિશન’.) એ અવલોકનોનાં મુખ્ય પરિણામો નીચે મુજબ છે :
હેલીના ધૂમકેતુનું નાભિ કાળા રંગનું લંબગોળ આકારનું હતું અને કાર્બન, ઑક્સિજન અને અન્ય તત્વોનું બનેલું હતું. તેનું કદ 15 કિમી. 8 કિમી. જેટલું હતું અને તેના ગર્ભનો વ્યાસ લગભગ 6 કિમી. હતો. તેના મસ્તક(Coma)નું તાપમાન 330 K ± 20 K જેટલું હતું. ધૂમકેતુની નાભિમાંથી ધૂળ, બરફ અને વાયુ ફુવારાની જેમ ઊડતા હતા.
પરંતપ પાઠક