હેપબર્ન, કૅથરિન (જ. 12 મે 1907, હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, અમેરિકા; અ. 29 જૂન 2003, ઓલ્ડ સેબ્રૂક, કનેક્ટિકટ, અમેરિકા) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ કૅથરિન હફટન હેપબર્ન. તેમણે કારકિર્દીનો પ્રારંભ રંગમંચ પર નાટકોમાં કામ કરીને કર્યો હતો. માતાપિતાએ નાનપણથી જ તેમનું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે ખીલે તે રીતે ઉછેર કર્યો હતો. તેમનો ભાઈ ટૉમ રમતરમતમાં અકસ્માતે ગળે ફાંસો આવી જતાં મૃત્યુ પામ્યો હતો, એ આઘાત લાંબો સમય સુધી તેઓ જીરવી શક્યાં નહોતાં. ભાઈની યાદમાં ઘણાં વર્ષો સુધી તેમણે તેના જન્મદિન 8 નવેમ્બરને પોતાના જન્મદિન તરીકે ઊજવ્યો હતો.
કૅથરિન હેપબર્ન
તેઓ બ્રાયન મોર કૉલેજમાં હતાં ત્યારે જ અભિનયનો તેમને શોખ જાગ્યો હતો અને અભિનેત્રી બનવાનો નિશ્ચય કરી લીધો હતો. સ્નાતક થયાં તે પછી બ્રૉડવેનાં નાટકોમાં તેમને નાની ભૂમિકાઓ મળવા માંડી હતી. 1932માં તેમણે ચલચિત્રોમાં કામ શરૂ કર્યું. પ્રથમ ચિત્ર ‘અ વૉરિયર્સ હસબન્ડ’થી જ તેમણે હરકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. એ જ વર્ષે ‘અ બિલ ઑવ્ ડાઇવોર્સમેન્ટ’ તેમનું પ્રથમ ચિત્ર હતું. આ ચિત્રમાં તેમણે એવો જાનદાર અભિનય કર્યો હતો કે ચિત્રનિર્માણ કંપની આર.કે.ઓ.એ તેમની સાથે પાંચ વર્ષનો કરાર કર્યો હતો. 1932થી 1934 દરમિયાન તેમણે પાંચ ચલચિત્રોમાં કામ કર્યું, જે પૈકી ત્રીજા ચલચિત્ર ‘મૉર્નિંગ ગ્લોરી’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર ઍવૉર્ડ એનાયત કરાયો હતો. કૅથરિને અભિનેત્રી તરીકેની પોતાની કારકિર્દી દરમિયાન શ્રેષ્ઠ અભિનેત્રીના કુલ ચાર ઑસ્કાર ઍવૉર્ડ અને આઠ ઑસ્કાર નામાંકન તેમણે મેળવ્યાં હતાં. 2007 સુધીમાં બીજી કોઈ અભિનેત્રી ચાર ઑસ્કાર જીતી શકી નથી. ‘ધ લિટલ વુમન’ (1933), ‘ધ લિટલ મિનિસ્ટર’ (1934), ‘એલિસ એડમ્સ’ (1935), ‘મેરી ઑવ્ સ્કૉટલૅન્ડ’ વગેરે તેમનાં પ્રારંભનાં ચિત્રોથી જ તેઓ એક સંવેદનશીલ અને ઉમદા અભિનેત્રી તરીકે લોકપ્રિય થયાં અને સમીક્ષકોમાં પણ પ્રિય બન્યાં. અતિસાધારણ કહી શકાય તેવા દેખાવ અને સૌંદર્ય તથા સરેરાશ વ્યક્તિત્વને કારણે માત્ર વ્યાવસાયિક ચલચિત્રોનાં વિતરકો તથા નિર્માતાઓ તેમને પોતાનાં ચલચિત્રોમાં લેતા ખચકાતા હતા. હેપબર્ન પોતે પણ પોતાની આ શારીરિક ખામીઓથી વાકેફ હતાં. ચલચિત્રોની સાથોસાથ તેઓ નાટકોમાં પણ કામ કરતાં રહ્યાં. ખાસ તો વચ્ચે એક સમયે તેમનાં ચલચિત્રોને ઉપરાઉપરી વ્યાવસાયિક નિષ્ફળતા મળતાં તેમણે બ્રૉડવેનાં નાટકોમાં કામ કરવાનો નિર્ણય કરીને 1938માં ‘ધ ફિલાડેલ્ફિયા સ્ટોરી’માં કામ કર્યું. નાટકને ખૂબ જ સફળતા મળતાં તેના પરથી ચલચિત્ર બનાવવાના હકો તેમણે મેળવી લીધા અને હૉલિવુડમાં આ જ નામનું ચિત્ર બનાવ્યું. જે વ્યાવસાયિક રીતે તો સફળ થયું જ, તે સાથે તેમનો અભિનય પણ વખણાયો અને તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કાર નામાંકન મળ્યું.
તત્કાલીન અભિનેતા કેરી ગ્રાન્ટ સાથે પડદા પર તેમની જોડી ખૂબ સફળ રહી હતી. બંનેએ પોતાના સહજ અભિનય દ્વારા ‘બ્રિંગિંગ અપ બેબી’ (1938), ‘હોલિડે’ (1938), ‘ફિલાડેલ્ફિયા સ્ટોરી’ (1940) જેવાં પ્રણયચિત્રોને યાદગાર બનાવી દીધાં હતાં. ‘વુમન ઑફ ધ ઇયર’(1942)માં તેઓ સ્પેન્સર ટ્રેસી સાથે પડદા પર આવ્યાં હતાં. આ જોડી પણ સફળ રહેતાં તેમણે એ પછીનાં 25 વર્ષ સુધીમાં બીજાં આઠ ચિત્રોમાં સાથે કામ કર્યું હતું. દરમિયાનમાં તેઓ એટલાં નિકટ આવી ગયાં હતાં કે અંગત જીવનમાં બંનેનો સંબંધ આજીવન અતૂટ રહ્યો. કૅથરિને 1928માં લુડલો ઓગડન સ્મિથ સાથે લગ્ન કર્યાં હતાં, પણ એ લગ્નજીવન લાંબું ટક્યું નહોતું. ‘વિધાઉટ લવ’ (1945), ‘એડમ્સ રિબ’ (1949), ‘પેટ ઍન્ડ માઇક’ (1952) વગેરે ચિત્રોની સફળતાએ સ્પેન્સર ટ્રેસી સાથેની જોડીને લોકપ્રિય બનાવી હતી. ‘આફ્રિકન ક્વિન’(1951)માં હેપબર્નને અવિસ્મણીય અભિનય માટે ઑસ્કારનું નામાંકન મળ્યું હતું. ‘ગેસ્ટ હૂ ઇઝ કમિંગ ટુ ડિનર’ (1967) ચિત્રે તેમને બીજો ઑસ્કાર અપાવ્યો હતો. એ પછીના વર્ષે તેમણે ‘ધ લાયન ઇન વિન્ડર’માં કામ કર્યું અને પોતાના પાત્રમાં એવો જીવ રેડી દીધો કે સતત બીજા વર્ષે તેમને ફરી ઑસ્કાર એનાયત થયો. કૅથરિન હેપબર્ને હૉલિવુડના તમામ વિખ્યાત દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું. એંસીના દાયકામાં તેમણે કેટલાંક એવાં ચિત્રોમાં કામ કર્યું જે માત્ર ટેલિવિઝન માટે બનાવાયાં હોય. 1981માં ‘ઑન ગોલ્ડન પૉન્ડ’ ચિત્ર માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કાર મેળવ્યો ત્યારે તેમની ઉંમર 75 વર્ષની હતી. 1991માં તેમણે લખેલી આત્મકથા ‘મી’ (Me) પ્રગટ થઈ હતી. તેમનું છેલ્લું ચિત્ર ‘લવ અફેર’ 1994માં નિર્માણ પામ્યું હતું. એ જ વર્ષે તેમણે એક ટીવી ચિત્ર ‘વન ક્રિસમસ’માં પણ કામ કર્યું હતું. 1993માં ટેલિવિઝન પર પ્રસારિત થયેલા દસ્તાવેજી ચિત્ર ‘કૅથરિન હેપબર્ન : ઓલ અબાઉટ મી’માં તેમણે પોતે જ પોતાના અવાજમાં પોતાની કહાણી રજૂ કરી છે.
હરસુખ થાનકી