હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD)
February, 2009
હેન્રી ડ્રેપરની સારણી (Henry Draper Catalogue : HD) : હાર્વર્ડ કૉલેજ ઑબ્ઝર્વેટરીમાં સંશોધન કરતી અમેરિકાની મહિલા ખગોળવિજ્ઞાની ઍની કૅનોને (Annie Jump Cannon : 1863–1941) તારાઓના વર્ણપટનું સંકલન કરીને બનાવેલું તારાપત્રક. આ નામ ખગોળફોટોગ્રાફીમાં અગ્રેસર હેન્રી ડ્રેપર (Henry Draper : 1837–1882) નામના અમેરિકાના ખગોળવિજ્ઞાની અને ઉપકરણો બનાવનારના માનમાં આપવામાં આવ્યું છે. તેની વિધવા મૅરી ડ્રેપરે (Mary Palmer Draper : 1839–1914) તારાસારણીના આ સંશોધનમાં આર્થિક સહાય કરી હોવાથી આ તારાપત્રકને તેના પતિનું નામ આપવામાં આવ્યું. તારાપત્રકની કામગીરી 1924માં પૂરી થઈ. તારાઓની આ સારણીમાં 10–તેજાંકના આશરે 2,25,000 જેટલા તારાઓના, હાર્વર્ડ સિસ્ટમ અનુસાર, એટલે કે O, B, A, F, G, K, M – એવા તારાઓની સપાટીના તાપમાનના ઊતરતા ક્રમમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ અનુસાર, O વર્ગના તારાની સપાટી અતિતપ્ત, જ્યારે M વર્ગની પ્રમાણમાં ઠંડી હોય છે. તે પછી ઈ. સ. 1936માં અગાઉ કરતાં પણ ઓછા તેજસ્વી એટલે કે 11–તેજાંકના 47,000 જેટલા તારાઓનાં વર્ણપટોનું પણ વર્ગીકરણ ઉમેરીને આ તારાપત્રકનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું. જેને હેન્રી ડ્રેપર વિસ્તૃતિ ‘Henry Draper Extension’ (HDE) કહેવામાં આવે છે. આ બંને તારાપત્રકોમાં તારાઓને તેમના ક્રમ આપવામાં આવ્યા છે. આજે પણ તારાઓને બહુધા HD અને HDEમાં આપેલા તેમના ક્રમાંક મુજબ ઓળખવામાં આવે છે.
સુશ્રુત પટેલ