હેન્રી ગુયોટ આર્નૉલ્ડ (Henry Guyot Arnold)
February, 2009
હેન્રી, ગુયોટ આર્નૉલ્ડ (Henry, Guyot Arnold) (જ. 28 સપ્ટેમ્બર 1807, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1884, યુ.એસ.) : ભૂગોળશાસ્ત્રી. તેમણે જર્મનીની ન્યૂશેટલ કૉલેજમાં અભ્યાસ કરેલો. 1835થી 1839 દરમિયાન પૅરિસની કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ જર્મનીની ન્યૂશૅટલ કૉલેજમાં ઇતિહાસ અને ભૂગોળના પ્રાધ્યાપક તરીકે જોડાયા. આ ગાળા દરમિયાન તેઓ લુઈ અગાસીઝના વિચારોથી પ્રભાવિત થયા અને હિમનદીઓની ગતિ વિશે ઊંડો અભ્યાસ કર્યો. 1848માં તેઓ કેમ્બ્રિજ કૉલેજમાં જોડાયા. ભૂગોળ અને શિક્ષણપદ્ધતિ પર પાઠ્યપુસ્તકો લખ્યાં. તેમાંનું ‘પૃથ્વી અને માનવ’ (The Earth and Man) વધુ જાણીતું બન્યું. 1854માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભૂગોળ અને ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. અહીં તેમણે ઍપેલેશિયન અને કૅટસ્કીલ (catskill) પર્વતોના સ્થળવર્ણન-નકશા તૈયાર કર્યા. કાર્લ રિટરના નિબંધોનો જર્મન ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો.
ગુયોટ આર્નૉલ્ડ હેન્રી
પ્રાકૃતિક ભૂગોળમાં ભૂરચના, ભૂમિસ્વરૂપો અને ઘસારાના સંદર્ભમાં સંશોધનપત્રો લખ્યા. અમેરિકાની હવામાન કચેરીમાં તેમણે પોતાની સેવાઓ આપેલી હોવાથી એક જ્વાળામુખી શિખરને તેમનું નામ આપવામાં આવેલું છે.
નીતિન કોઠારી