હેનરિક ફ્રેહર વૉન સ્ટીએનક્રોન
August, 2026
હેનરિક ફ્રેહર વૉન સ્ટીએનક્રોન (જ. 18 જૂન 1933, રોન્કો સોપ્રા, એસ્કોના, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 જાન્યુઆરી 2018) : ભારતીય વિદ્યા(Indology)ના ઊંડા અભ્યાસુ. તેઓ જર્મન હતા.
શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેઓ ટ્યુબીનજેન યુનિવર્સિટીમાં ઇન્ડોલૉજી અને તુલનાત્મક ધર્મ વિભાગના એમેરેટ્સ પ્રોફેસર હતા. તેઓ તે વિભાગના અધ્યક્ષની ચૅર (chair) પણ શોભાવતા હતા. વેલ્ડોર્ફ સ્કૂલમાં તેમણે શિક્ષણ લીધું હતું. શરૂઆતમાં 1957, તેમણે તત્ત્વજ્ઞાન અને પછી ભારતીય વિદ્યાનો અભ્યાસ સ્કૂલ ઑવ્ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીનો અભ્યાસ કર્યો હતો. આ માટે તેમને જર્મન નૅશનલ એકૅડેમિક ફાઉન્ડેશન તરફથી સ્કૉલરશિપ મળી હતી.
1965માં તેમણે છ મહિનાનો ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે ભારતનાં રીતરિવાજો પરંપરાઓ સાંસ્કૃતિક તથા સામાજિક પ્રથાઓથી માહિતગાર થયા. તેમના પ્રબંધ મહાનિબંધ- (dissertation)નું શીર્ષક હતું – ઇન્ડિયન સન પ્રિસ્ટ્સ : સામ્બ ઍન્ડ શક દ્વિપ બ્રાહ્મુનાસ. 1966માં તે હરવસ્સોવિટ્ઝ દ્વારા પ્રકાશિત થયો. 1965ના પ્રારંભમાં સાઉથ એશિયા ઇન્ટિટ્યૂટ ઑવ્ ધ યુનિવર્સિટી ઑવ્ હેડનબર્ગમાં કામ કર્યું. આ સમયગાળામાં હેરમાન બેર્ગર તેમના મદદનીશ હતા. આ પછી તેમણે ઓડિશા પ્રાંત વિશે સંશોધન અને લેખનકાર્ય ચાલુ રાખ્યાં. 1973માં તેમણે યુનિવર્સિટી ઑવ્ ટુબિન્ગનમાં ઇન્ડોલૉજી અને કમ્પેરેટિવ સ્ટડી ઑવ્ રીલિજિયન વિભાગની ચૅર સંભાળી. 2008 સુધી તેમણે આ સ્થાન જાળવી રાખ્યું. 2005 સુધી એમેરેટ્સ પ્રોફેસર તરીકે રહ્યા. તેમના શૈક્ષણિક કાર્યમાં હિંધુ ધર્મ મુખ્ય વિષય હતો. ઓડિશા રિસર્ચ પ્રોજેક્ટના તેઓ સ્થાપક હતા તેમાં પણ તેમણે પ્રદાન આપ્યું હતું. 2004માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં પ્રથમ વર્લ્ડ ઇન્ડોલૉજી કૉન્ફરન્સમાં સ્ટીએનક્રોનને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન દ્વારા વિશિષ્ટ ઇન્ડોલૉજિસ્ટ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઍવૉર્ડ ભારતના તત્કાલીન પ્રેસિડેન્ટ શ્રી પ્રણવ મુખરજી દ્વારા આપવામાં આવ્યો હતો. તેમણે જર્મન ઍસોસિયેશન ફોર ધ હિસ્ટરી ઑવ્ ધ રીલિજીયન ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર હિસ્ટોરિકલ ઍન્થ્રોપોલૉજીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. કૉલેજ દી ફ્રાન્સ, પૅરિસમાં વર્ષો સુધી મુલાકાતી અધ્યાપક તરીકે સેવા આપી હતી.
તેમણે વૈદિકકાળથી માંડીને વર્તમાન સુધીની ભારતીય સંસ્કૃતિ વિશે લગભગ 25થી વધુ પુસ્તકો અને 100 જેટલાં શોધપત્રો લખ્યાં હતાં. જેમાંથી કેટલાંક પુસ્તકો આ પ્રમાણે છે : ‘Ganga and Yamuna River Goddesses and their Symbollism in Indian Temples’, ‘Epic and Purunic bibliography’, ‘Representing Hinduism’ અને ‘Hindu Myth, Hindu History, Religion, Art and Politics’
થૉમસ પરમાર
