હેડ, એડિથ (જ. 28 ઑક્ટોબર 1897; અ. 24 ઑક્ટોબર 1981) : હૉલિવુડના વિખ્યાત વેશભૂષાનિષ્ણાત. તેમણે અભિનેતા અને અભિનેત્રી બંને પ્રકારના ચલચિત્ર કલાકારો માટે વેશભૂષાનું આયોજન કરવામાં નિપુણતા પ્રાપ્ત કરી હતી.
એડિથ હેડ
1949–73ના ગાળા દરમિયાન તેમણે હૉલિવુડનાં ચલચિત્રોના સર્વોત્તમ નેપથ્ય માટે આઠ ઓસ્કાર મેળવ્યા હતા : (1) પૅરેમાઉન્ટ નિર્માણ કંપની દ્વારા નિર્મિત ‘ધ હૅરેસ’ (1949), (2) ટ્વેન્ટીએથ સેન્ચુરી કંપની દ્વારા નિર્માણ પામેલ ‘ઑલ એબાઉટ ઇવ’ (1950), (3) પૅરેમાઉન્ટ કંપની દ્વારા નિર્મિત ‘સૅમસન ઍન્ડ ડીલાઇલાહ’ (1950), (4) પૅરેમાઉન્ટ કંપની દ્વારા નિર્મિત ‘પ્લેસ ઇન ધ સન’ (1951), (5) ‘રોમન હૉલિડે’ (1953), (6) ‘સેબ્રીના’ (1954), (7) યુનાઇટેડ આર્ટિસ્ટ દ્વારા નિર્મિત ‘ધ ફૅક્ટસ ઑવ્ લાઇફ’ (1960) અને (8) યુનિવર્સલ પિક્ચર્સ દ્વારા નિર્મિત ‘ધ સ્ટીન્જ’ (1973).
તેમની આત્મકથા ‘ધ ડ્રેસ ડૉક્ટર’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ છે. તેમના વેશભૂષા-આયોજનને કારણે હૉલિવુડનાં ઘણાં ચલચિત્રોની કથાવસ્તુઓને અધિકૃતતા પ્રાપ્ત થઈ હતી એ તેમની મોટી સિદ્ધિ ગણાય છે.
ઉષાકાંત મહેતા