હૅન્સન, અલ્વિન એચ. (જ. 1887; અ. 1975) : જે. એમ. કેઇન્સના અમેરિકન ભાષ્યકાર તથા સંનિષ્ઠ પ્રતિપાદક. 1910માં તેમણે અમેરિકાની યાન્કટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક પદવી મેળવ્યા બાદ 1921માં વ્યાપારચક્રના વિષય પર ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ મિશિગન યુનિવર્સિટીમાં 1963 સુધી અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. જૂન 1963માં રિસર્ચ પ્રોફેસર ઑન ઇન્ટરનૅશનલ પ્રૉબ્લેમ્સ આ પદ પર જોડાયા જ્યાં અવસાન સુધી કાર્યરત રહ્યા.

અલ્વિન એચ. હૅન્સન

કેઇન્સની જેમ હૅન્સને પણ રાષ્ટ્રીય આવક, સમાજની બચતો તથા અર્થતંત્રના ખાનગી ક્ષેત્રમાં થતા મૂડીરોકાણનો ઊંડો અભ્યાસ કરેલો. હાયેકની તટસ્થ નાણાની વિભાવના તેમણે વખોડી કાઢેલી, કારણ કે હાયેકના વિશ્લેષણ મુજબ સમાજમાં જ્યારે તકનીકી સુધારા થાય છે ત્યારે તેની અસર હેઠળ વસ્તુની કિંમતો ઉત્પાદન ખર્ચ બરાબર થવાનું વલણ ધરાવે છે. હૅન્સનના મત મુજબ પ્રો. હિક્સનો તટસ્થ નાણાંનો ખ્યાલ અવાસ્તવિક ધારણા પર રચાયેલો છે. હૉટ્રેની જેમ હૅન્સનની પણ માન્યતા હતી કે વ્યાપારચક્ર એ એક નાણાકીય ઘટના હોય છે, જોકે 1929ની મહામંદીનો તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી હૅન્સન એવા તારણ પર આવ્યા હતા કે વાસ્તવિક મૂડીરોકાણના કદમાં થતા ફેરફારોને લીધે જ વ્યાપારચક્ર ઉદભવે છે. વ્યાપારચક્રોને કાબૂમાં લેવા માટે હૅન્સને આર્થિક સ્થિરતાને ઉત્તેજન આપતી ઇષ્ટ નાણાનીતિ તથા સ્થિરતાલક્ષી અંદાજપત્રની નીતિ, સમતોલ અંદાજપત્રનો કાર્યક્રમ તથા સુયોજિત ક્ષતિપૂર્તિ કાર્યક્રમ  આ ત્રણેને વરેલી રાજકોષીય નીતિની જોરદાર હિમાયત કરી છે. તેઓની દૃઢ શ્રદ્ધા હતી કે અર્થતંત્રમાં ચાલતી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ, જેમાં વ્યાપારને લગતી પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે, તેમાં સ્થિરતા દાખલ કરવામાં રાજકોષીય નીતિ જ અસરકારક નીવડી શકે છે. કેઇન્સના અર્થશાસ્ત્રના સંનિષ્ઠ પ્રતિપાદક હોવાથી હૅન્સન ‘અમેરિકન કેઇન્સ’ તરીકે ઓળખાય છે.

તેમણે વિપુલ લેખનકાર્ય કર્યું છે. તેમણે લખેલ ગ્રંથોમાં ‘બિઝનેસ સાઇકલ થિયરી’ (1927), ‘ઇકૉનૉમિક સ્ટેબિલાઇઝેશન ઇન ઍન અન્બૅલન્સ્ડ વર્લ્ડ’ (1938), ‘ ફુલ રિકવરી ઑર સ્ટૅગ્નેશન’ (1938), ‘ફિસ્કલ પૉલિસી ઇન બિઝનેસ સાઇકલ’ (1941), ‘ઇકૉનૉમિક પૉલિસી ઍન્ડ ફુલ એમ્પ્લૉયમેન્ટ’ (1947), ‘મૉનિટરી થિયરી ઍન્ડ ફિસ્કલ પૉલિસી’ (1949), ‘બિઝનેસ સાઇકલ્સ ઍન્ડ નૅશનલ ઇન્કમ’ (1951), ‘અ ગાઇડ ટુ કેઇન્સ’ (1953), ‘ધ અમેરિકન ઇકૉનૉમી’ (1957) તથા ‘ઇકૉનૉમિક ઇસ્યૂઝ ઑવ્ ધ 1960s’(1960)નો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે