હૅટ્રિક (હૅટ-ટ્રિક)
February, 2009
હૅટ્રિક (હૅટ-ટ્રિક) : ક્રિકેટ મૅચમાં કોઈ બૉલર તેની આઠ કે છ બૉલની એક ઓવરમાં સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટો ઝડપે તે ઘટના.
આધુનિક ક્રિકેટમાં ‘હૅટ્રિક’નો વિસ્તાર કરવામાં આવ્યો હોઈ, ‘ઓવરની કન્ટિન્યૂઇટી’ને પણ હૅટ-ટ્રિક કહેવામાં આવે છે; શરત એ કે બે સળંગ ઓવરમાં તેણે ત્રણ સળંગ વિકેટો લીધેલી હોવી જોઈએ. માર્ચ 1999માં ઢાકા ખાતે પાકિસ્તાન–શ્રીલંકા વચ્ચેની એશિયન ટેસ્ટ ક્રિકેટ ચૅમ્પિયનશિપ્સની ફાઇનલમાં પાકિસ્તાનના વસિમ અકરમ અને મે 2003માં બ્રિજટાઉન ખાતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના જેરેમાઇન લોસને પહેલી-બીજી ઓવરની ‘કન્ટિન્યૂઇટી’ જાળવીને ‘હૅટ્રિક’ નોંધાવી હતી.
આવી જ રીતે પ્રથમ દાવ અને બીજા દાવની ઓવરોની ‘કન્ટિન્યૂઇટી’ને પણ ‘હૅટ્રિક’ માટે માન્ય ગણવામાં આવે છે. નવેમ્બર 1988માં બ્રિસ્બેન ખાતે પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બૉલર કર્ટની વૉલ્શ અને ડિસેમ્બર 1988માં પર્થ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મર્વ હ્યુજે પ્રથમ અને બીજા દાવમાં ત્રણ સળંગ વિકેટો ખેરવીને ‘હૅટ્રિક’ કરી હતી.
1858ની આસપાસમાં, ઇંગ્લૅન્ડમાં ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ મેચોમાં કોઈ બૉલર તેની એક જ ઓવરના ત્રણ સળંગ બૉલમાં ત્રણ વિકેટો મેળવતો… તો તેની કાઉન્ટી ક્રિકેટ ક્લબ તેને નવી ‘હૅટ’ ભેટ આપતી; પરંતુ આ વિચાર કે યોજના કોઈ નવી નહોતી. એ પૂર્વે હેમલ્ડન ક્રિકેટ ક્લબે તેના પ્રસિદ્ધ બૉલર ડેવિડ હેરીસને સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટો ઝડપવા માટે ‘સોનાની લેસ’થી સજાવેલી ‘હૅટ’ ભેટ આપી હતી અને ત્યારપછી બૉલરો ‘હૅટ’ની ભેટ મેળવવા એક જ ઓવરમાં સતત ત્રણ બૉલમાં ત્રણ વિકેટો ઝડપવાના પ્રયત્નો કરવા લાગ્યા. આ ઘટના ‘હૅટ-ટ્રિક’ કહેવાઈ.
પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ઇંગ્લૅન્ડની કેન્ટ કાઉન્ટીના ડીવીપી વેઇટ નામના બૉલરે સાત વાર ‘હૅટ્રિક’ નોંધાવવાની અસાધારણ સિદ્ધિ મેળવી હતી. એક જ મૅચમાં બે હૅટ્રિક નોંધાવવાની સિદ્ધિ વર્ષ 2006 સુધી છ બૉલરોએ મેળવી હતી.
ઇંગ્લૅન્ડના મિડલસેક્સ કાઉન્ટીના એ. ઈ. ટ્રોટે નોંધાવેલી સિદ્ધિ બેનમૂન હતી. 1907માં લોર્ડ્સના મેદાન પર સમરસેટ સામે પોતાની જ ‘બેનિફિટ મૅચ’માં રમતાં ટ્રોટે પોતાની એક જ ઓવરના સળંગ ચાર બૉલમાં ચાર વિકેટો ઝડપ્યા બાદ, બીજી ઓવરના સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટો ઝડપી હતી. આ સિદ્ધિ આજે પણ અસાધારણ રેકૉર્ડ ગણવામાં આવે છે.
ભારતના સર્વિસીઝના જે. એસ. રાવ, વૉર્સેસ્ટરશાયરના આર. જેન્કીન્સ, ઑસ્ટ્રેલિયાના ટી. જે. મેથ્યુ, ગ્લુસેસ્ટરશાયરના સી. ડબ્લ્યૂ. એલ. પાર્કર અને નોટીંગહેમશાયરના એ. શૉએ એક જ દાવમાં બે હૅટ્રિક નોંધાવી હતી.
ટેસ્ટ ક્રિકેટ રમતાં 10 દેશોના 33 બૉલરો દ્વારા કુલ 36 હૅટ્રિક નોંધાઈ છે; જ્યારે વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 18 બૉલરો દ્વારા કુલ 21 હૅટ્રિક નોંધાઈ છે.
ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની સૌપ્રથમ હૅટ્રિક 1878–79માં મેલબોર્ન ખાતે નોંધાઈ હતી, જ્યારે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર એફ. આર. સ્પોફૉર્થે ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રથમ દાવમાં સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટો ઝડપી હતી.
1901–02 અને 1903–04માં ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર એચ. ટ્રમ્બલે ઇંગ્લૅન્ડ સામે બે હૅટ્રિક નોંધાવી હતી. 1912માં ઇંગ્લૅન્ડમાં ‘ત્રિકોણી ટેસ્ટ ક્રિકેટ શ્રેણી’માં માંચેસ્ટર ખાતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના ટી. જે. મેથ્યુએ બંને દાવમાં હૅટ્રિક નોંધાવી હતી. પાકિસ્તાનના ફાસ્ટ બૉલર વસિમ અકરમે 1999માં એશિયન ટેસ્ટ ક્રિકેટ ચૅમ્પિયનશિપ દરમિયાન શ્રીલંકા સામે લાહોર ટેસ્ટ અને ઢાકા ફાઇનલમાં સળંગ બે હૅટ્રિક નોંધાવી હતી. વસિમ અકરમે વન-ડે ક્રિકેટમાં શારજાહ ખાતે 1989માં વેસ્ટ ઇન્ડિઝ સામે અને 1990માં ઑસ્ટ્રેલિયા સામે બે હૅટ્રિક નોંધાવી હતી. આમ, બંને પ્રકારની ક્રિકેટમાં કુલ ચાર હૅટ્રિક નોંધાવનાર તે વિશ્વનો એકમાત્ર બૉલર છે.
1929–30માં ન્યૂઝીલૅન્ડમાં ક્રાઇસ્ટ ચર્ચ ખાતે ઇંગ્લૅન્ડ તરફથી ‘ટેસ્ટ-પ્રવેશ’ મેળવનારા બૉલર મૉરીસ એલોમે ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટના પ્રથમ જ દિવસે પોતાની 8મી ઓવરમાં સળંગ પાંચ બૉલમાં ‘હૅટ્રિક’ સાથે ચાર વિકેટો ઝડપી હતી. 1976–77માં લાહોર ખાતે પાકિસ્તાન સામે ન્યૂઝીલૅન્ડના પીટર પેથરિક અને 1994માં રાવલપિંડી ખાતે પાકિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાના ડેમેઇન ફ્લેમિંગે ‘ટેસ્ટ-પ્રવેશે’ જ ‘હૅટ્રિક’ નોંધાવી હતી.
શ્રીલંકાના ફાસ્ટ બૉલર નુવાન ઝોયસાએ 1999માં ઝીમ્બાબ્વે પ્રવાસમાં હરારે ખાતે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે તેની પ્રથમ ઓવરના પ્રથમ ત્રણ સળંગ બૉલમાં ઝીમ્બાબ્વેની શૂન્ય રનમાં ત્રણ વિકેટો ઝડપી હતી.
ભારતના યુવાન ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણે ફેબ્રુઆરી 2006માં પાકિસ્તાન પ્રવાસમાં કરાંચી ખાતે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટના પહેલા જ દિવસે, મૅચની પહેલી જ ઓવરમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટો ઝડપી ઇતિહાસ સર્જ્યો હતો. આ પૂર્વે, 2001માં કોલકાતા ખાતે પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતના ઑફ સ્પીનર હરભજનસિંહે ભારત તરફથી સૌપ્રથમ ‘હૅટ્રિક’ નોંધાવતાં 7 વિકેટો ઝડપી હતી.
વન-ડે ક્રિકેટમાં ભારત તરફથી ચેતન શર્મા (1987) અને કપિલદેવ (1991)ની ‘હૅટ્રિક’ની ઘટનાઓ પણ નોંધપાત્ર છે.
જગદીશ બિનીવાલે