હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ)
February, 2009
હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ) : શરીરનાં વાયુ, પિત્ત અને કફ અનેક કારણોથી વિકૃત થતાં તે રસધાતુને દૂષિત કરે અને તેથી હૃદયમાં એકત્રિત થાય ત્યારે તેની નૈસર્ગિક ક્રિયાઓમાં અવરોધ પેદા કરતો રોગ. તે હોજરી, યકૃત, ફેફસાં જેવાં અંગોની વિકૃતિથી ઉત્પન્ન હૃદયની પીડાનો રોગ છે. તેમાં હૃદયની માંસપેશી, હૃદયાવરણ, હૃદયખંડ તથા હૃદય-કપાટ વગેરે(અલગ અંગો)ની અલગ અલગ ચિકિત્સા (આધુનિક વિજ્ઞાનની જેમ) દર્શાવી નથી; પણ શરીરનાં આધારભૂત તત્ત્વો (દોષો) વાત, પિત્ત અને કફાદિનો વિચાર કરી, તેના વૃદ્ધિ-ક્ષયથી થતા હૃદયરોગની (મૂળ સર્વાંગ હૃદયની) ચિકિત્સા તેના દોષાનુસાર પ્રકારો મુજબ બતાવી છે, જેથી જ્ઞાતા વૈદ્ય હૃદયના કોઈ પણ અંગવિશેષના રોગની ચિકિત્સા પણ મૂળ દોષને સમજીને કરી શકે છે. આયુર્વેદમાં ‘હૃદ્-રોગ’ શબ્દથી હૃદયની પીડા કે શૂળ (હૃદ્-શૂળ), આધુનિક શબ્દ ઍન્જાઇના(angina)ને નજર સમક્ષ રાખી, તેની ચિકિત્સા દર્શાવી છે.
આયુર્વેદની દૃષ્ટિએ હૃદય (heart) : હૃદય એ માનવીના જીવનની ચેતનાશક્તિનું મુખ્ય કેન્દ્ર છે. તેની સ્પંદનશીલતા જ જીવનનો મૂળ આધાર છે. હૃદયમાં વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોનું વિશિષ્ટ સ્થાન છે. હૃદય પ્રાણવાયુ, સાધક પિત્ત તથા અવલંબક નામના કફનું અધિષ્ઠાન છે. વળી તે ઓજનું સ્થાન, ચેતનાનું અધિષ્ઠાન, પ્રાણવાયુ અને રસધાતુ(રક્ત)ને સમગ્ર શરીરમાં ફેલાવનારું મૂળ અંગ છે. સતત ધબકતા રહેતા હૃદયને કારણે જ વ્યક્તિ જીવિત રહે છે. હૃદય બંધ પડતાં, વ્યક્તિનો જીવનદીપ બુઝાઈ જાય છે. હૃદય મનુષ્યનાં ફેફસાં-છાતીની મધ્યે રહીને દેહને જીવંત રાખનારી (રક્તપરિભ્રમણની) ક્રિયાઓ કરે છે. જીવનનો મૂળ આધાર હૃદય છે.
હૃદયરોગ થવાનાં કારણો : આયુર્વેદે હૃદયરોગ થવાનાં 21 જેટલાં કારણો આપ્યાં છે, જે આ પ્રમાણે છે : (1) અતિશય વ્યાયામ કે શ્રમ; (2) ખારા, ખાટા, તીખા અને ગરમ પદાર્થોનું રોજ કે વધુ સેવન; (3) પહેલાં ખાધેલો ખોરાક પચ્યા પૂર્વે ફરીથી ભોજન (અધ્યશન); (4) છાતી પર કોઈ વસ્તુનો માર પડવો કે પડતાં વાગી જવું (અભિઘાત); (5) અતિમૈથુન; (6) વાજીકરણ (વીર્યસ્તંભક) દવાઓનો અતિરેક; (7) ભય કે ડર; (8) અતિ ચિંતા; (9) મળમૂત્રાદિ કુદરતી વેગોને રોકવાની કુટેવ; (10) તીવ્ર જુલાબ લેવાની ટેવ; (11) તીક્ષ્ણ એનિમા કે બસ્તિક્રિયા; (12) વધારે પડતી ઊલટી (વમન) કરવી; (13) નશીલા પદાર્થો – દારૂ, ભાંગ, ગાંજો, તમાકુનું વધુ સેવન; (14) વધુ પડતાં ક્રોધ, ઉચ્છૃંખલતા કે ઉન્મત્તતા; (15) અભિચાર (જાદુ-ટોણાં, મેલી વિદ્યા); (16) ખૂબ મેદ (ચરબી) વધવો; (17) પ્રાણાયામ ક્રિયાની કુંભક (શ્વાસ પરાણે રોકી રાખવાની) ક્રિયાનો અતિરેક; (18) મનોભાવો; જેમ કે કામ (sex), ક્રોધ, લોભ, મોહ, મદ તથા શોક જેવા ભાવોની ખરાબ અસર; (19) ધાતુક્ષય : લોહી કે વીર્ય ધાતુની વધુ પડતી અછત; (20) અનશન–ઉપવાસ કે વધુ પડતાં લંઘન-એકટાણાંનો અતિરેક; (21) ધર્માનુકૂળ આચરણ ન કરવું; અનીતિ, અન્યાય, જુલ્મ, હિંસા, ચોરી, વ્યભિચાર, અસત્ય બોલવું, છળકપટ, રાષ્ટ્રદ્રોહ વગેરે.
હૃદયરોગનાં લક્ષણો : શરીરનો રંગ બદલાવો (વિવર્ણતા); કદીક મૂર્ચ્છા, હૃદય કંપવું, ખાંસી, હેડકી, શ્વાસ (હાંફ), ઊલટી, મુખ-સ્વાદ બગડવો, ઊબકા, વારંવાર કફ થૂંકવો, તરસ, મોહ, કફ-પ્રકોપ, હૃદયપ્રદેશમાં શૂળ-સબાકા, અજીર્ણ, હૃદયમાં ખેંચાણ, સોય ભોંકાવા જેવી કે કંપાવા જેવી પીડા, શરીરમાં સોજા, કદીક (કૃમિજ પ્રકારમાં) હૃદયમાં તીવ્ર પીડા સાથે ખૂજલી જેવાં અનેક લક્ષણો જોવા મળે છે.
હૃદયરોગના પ્રકારો : આયુર્વેદમાં હૃદયરોગના પાંચ પ્રકારો બતાવ્યા છે; જેમ કે (1) વાતજ; (2) પિત્તજ; (3) કફજ; (4) ત્રિદોષજ અને (5) કૃમિજ. આ પાંચેય પ્રકારોમાં આધુનિક વિજ્ઞાને કહેલા હૃદયના તમામ રોગોની ગણના આવી જાય છે. આયુર્વેદ દોષનાં લક્ષણો સમજીને, હૃદયરોગનો પ્રકાર નક્કી કરી, તેની ચિકિત્સા દર્શાવે છે. તે વૈજ્ઞાનિક છે. આધુનિક ચિકિત્સકો મધુમેહ (diabetes), અતિરક્તદાબ (high blood pressure), મેદોરોગ (obesity), આમવાત, અતિમૈથુન, પિત્તપ્રકોપ તથા ગુલ્મજન્ય હૃદયરોગોની પણ ગણના કરે છે. હૃદય કે શરીરનો કોઈ પણ રોગ ‘ત્રિદોષ’ની બહાર નથી હોતો.
હૃદ્–રોગના પ્રકારોનાં લક્ષણો : (1) વાતજ હૃદ્–રોગનાં લક્ષણો : આ પ્રકારના હૃદયરોગમાં હૃદય-કંપન, ખેંચ કે તણાવ, હૃદ્-ગતિમાં અટકાયત, શૂન્યતા (ખાલીપણું), હૃદયનો દ્રવ (સ્પંદનાધિકતા), ભોજન પચ્યા પછી (3 કલાક બાદ) હૃદયમાં અતિપીડાનો અનુભવ થવો, હૃદય પર કંઈક વીંટાવાનો અનુભવ, મૂર્ચ્છા, સોય ભોંકાવા જેવી પીડા, આરી કે કુહાડીથી થતી કપાવા-ચિરાવા જેવી પીડા જેવાં લક્ષણો જોવા મળે છે.
(2) પિત્તજ હૃદ્–રોગનાં લક્ષણો : હૃદયમાં વધુ ગરમી કે દાહ થવો; ખારી, ખાટી કે તીખી ઊલટીઓ થવી; શ્રમ વિના થાક, વધુ તરસ, ભ્રમ-અંધારાં, મૂર્ચ્છા અને પરસેવો ખૂબ થવો; શોષ કે ચોસ, ખૂબ વ્યાકુળતા કે ગભરામણ, મુખમાંથી ધુમાડો નીકળવાનો અનુભવ, મુખ સુકાવું, ઊંચું રક્તદબાણ જેવાં લક્ષણો જોવા મળે છે.
(3) કફજ હૃદ્–રોગનાં લક્ષણો : આ પ્રકારના હૃદયરોગમાં છાતી-હૃદયમાં ખૂબ ભાર રહેવો, મુખમાંથી લાળ પડવી, ભોજનમાં અરુચિ, હૃદય અટકી અટકીને ચાલવું, મંદાગ્નિ, મુખ-સ્વાદ મીઠો રહેવો, છાતીમાં ભીનાશ અનુભવાવી, હૃદયમાં જકડાટ રહેવી, હૃદયગતિ ધીમી રહેવી, હૃદયના અંદર-બહારના પડદામાં જળસંચય જણાય, રોગીને તંદ્રા રહે અને છાતી પર જાણે પથ્થર મૂક્યો હોય તેમ લાગે, શરીરમાં કફની પ્રવૃત્તિ વધુ જણાય કે કદી શ્વાસનો અવરોધ જણાય — આ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે.
(4) ત્રિદોષજ હૃદ્–રોગનાં લક્ષણો : આ પ્રકારમાં વાયુ-પિત્ત અને કફ આ ત્રણેય દોષોનાં મિશ્ર લક્ષણો જોવા મળે છે.
(5) કૃમિજન્ય હૃદ્–રોગનાં લક્ષણો : આ પ્રકારના રોગમાં હૃદયપ્રદેશ પર ખૂજલી, તીવ્ર પીડા, કફ બહાર પડવો, વારંવાર થૂંકવું, સોય ભોંકાવા જેવી પીડા છાતીમાં થવી, મોળ ચડવી, આંખો આગળ અંધારાં થવાં, અરુચિ, આંખો મેલી જણાવી તથા સોજા રહેવાનાં લક્ષણો દેખાય છે.
હૃદ્-રોગની ઉદાહરણરૂપ ચિકિત્સા : (1) વાતજ હૃદયરોગમાં બે અવસ્થા હોય છે : (1) આમદોષજ; (2) નિરામ.
આમાવસ્થામાં પંચમૂલ સિદ્ધ જળ, લવણ અને ગોમૂત્ર સિદ્ધ ઘૃત અથવા પંચકોલ, સંચળ અને પુષ્કરમૂળથી સિદ્ધ ઘૃત તથા સ્નિગ્ધ (ગરમ તેલથી) સ્વેદ (શેક) આપવામાં આવે છે.
પરેજી : આ દર્દીને દૂધ, દહીં, ઘી, આતૂપ માંસ કે ભારે ખોરાક ખાવાની મનાઈ હોય છે. પ્રાય: વાતજ રોગીને સ્નેહન આપીને વમન કરાવાય છે. તે માટે લઘુ કે બૃહત પંચમૂલના ક્વાથમાં તલનું તેલ તથા નમક મેળવીને અપાય છે અથવા પુનર્નવાદિ તેલનું માલિસ કરાવીને તે પીવા અપાય છે.
નિરામ સ્થિતિમાં પુનર્નવાદિ તેલ, દહીંનું પાણી (તોડ), મઠો અને નમક મેળવી, જરા ગરમ કરી પિવડાવવાથી હૃદયશૂળ તરત શમે છે. પ્રાય: નિરામ સ્થિતિમાં બૃહણ, સ્નિગ્ધ અને વાતઘ્ન ચિકિત્સા કરાય છે; જેમાં સ્નેહન માટે બલા તેલ કે સુકુમાર ઘૃત વપરાય છે. વાયુ સાથે કફનો અનુબંધ હોય તો રૂક્ષ-ઉષ્ણ ચિકિત્સા કરાય છે.
વાતજ પ્રકારમાં હિંગ્વાષ્ટક ચૂર્ણ ગરમ પાણી કે બિજોરાં લીંબુના રસ સાથે અપાય છે અથવા ચંદ્રોદય રસ કે મકરધ્વજ પણ શીઘ્ર ફળદાયી બને છે. ભોજન પછી અર્જુનારિષ્ટ તથા અશ્વગંધારિષ્ટ સમભાગે જળ મેળવીને તથા લક્ષ્મીવિલાસ રસ અપાય છે.
(2) પિત્તજ હૃદયરોગમાં પ્રથમ દર્દીને હળવો જુલાબ અપાય છે. પછી (1) નાગાર્જુનાભ્ર ભસ્મ, કામદુધારસ, મુક્તાપિષ્ટિ તથા પ્રવાલપિષ્ટિની 240–240 મિગ્રા.ની માત્રા મધ કે આમળાના મુરબ્બા સાથે અપાય છે. (2) પ્રથમ વમન કરાવવા માટે – ગંભારી ફળ, જેઠીમધના ઉકાળામાં ખાંડ, ગોળ અને મધ મેળવી પવાય છે. પછી તેને જીવનીય ગણની ઔષધિથી સિદ્ધ ઘી અપાય છે તથા ઠંડી દવાઓનો લેપ તથા તેનાથી સ્નાન કરાવવામાં આવે છે. ફાલસા, કાળી દ્રાક્ષના ઉકાળામાં સાકર અપાય છે. દૂધ તથા ફળો, સુવર્ણ સૂતશેખર, અર્જુનઘૃત, દ્રાક્ષાદિચૂર્ણ, અર્જુનારિષ્ટ, મુક્તાપિષ્ટિ, વિશ્વેશ્વર રસ, ગુલકંદ, દૂધીનો તાજો રસ, અર્જુનક્ષીર, દ્રાક્ષરસ, શેરડીનો રસ, કડુ અને જેઠીમધ તથા સાકરનું ચૂર્ણ વગેરેમાંથી યોગ્ય જણાય તે અપાય છે.
(3) કફજ હૃદયરોગમાં દર્દીને પ્રથમ સ્વેદન, પછી વમન, પછી લંઘન અને પછી કફઘ્ન ઉપચાર કરાય છે. પછી મહારાસ્નાદિ ક્વાથ, મહાયોગરાજ ગૂગળ, જવખાર, દશમૂળ ક્વાથ અને નાગાર્જુનાભ્ર રસ, ચિંતામણિ રસ, હૃદયાર્ણવ રસ, પીપરીમૂળ તથા પુષ્કરમૂળ ચૂર્ણની માત્રા મધ સાથે અપાય છે અથવા પ્રભાકરવટી, મકરધ્વજવટી, માણિક્યાદિ યોગ, અગસ્ત્ય રસાયન, શિલાજિત રસાયન, બ્રાહ્મ રસાયન, વર્ધમાન પિપ્પલીનો પ્રયોગ, દશમૂલારિષ્ટ તથા અર્જુનારિષ્ટ ભોજન પછી – આ બધામાંથી દર્દીને જે અનુરૂપ હોય તે અપાય છે.
(4) સંનિપાતજ હૃદયરોગમાં રત્નાકર રસ, બૃહતવાત ચિંતામણિ રસ, નાગાર્જુનાભ્ર રસ, યાકૂતી, જવાહર મોહરા રસ, યોગેન્દ્ર રસ, મહાલક્ષ્મીવિલાસ રસ, મુક્તાપિષ્ટિ, પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં, નાગબલા ચૂર્ણ દૂધમાં, હિંગ્વાદિ ચૂર્ણ વગેરે અપાય છે; પરંતુ આવા દર્દીને પ્રથમ લંઘન કરાવીને પછી ત્રિદોષહર ખોરાક અપાય છે. પછી દોષની પ્રધાનતા જોઈને યોગ્ય ઔષધિની પસંદગી કરાય છે.
(5) કૃમિજ હૃદયરોગમાં પ્રથમ દર્દીની હોજરીની વમન દ્વારા શુદ્ધિ કરાવાય છે. પછી લંઘન-પાચન અને કૃમિઘ્ન સારવાર અપાય છે. કૃમિનાશક ઉપચારમાં વિડંગ અને કુષ્ઠ ચૂર્ણ ઘી સાથે; કૃમિ મુદ્ગર રસ અને લક્ષ્મીવિલાસ રસ મધમાં, ભોજન પછી વિડંગારિષ્ટ હૃદ્રોગહર રસ, હૃદયાર્ણવ રસ તથા કફજ હૃદયરોગમાં બતાવેલાં ઔષધોમાંથી દર્દીને જે વધુ યોગ્ય હોય તે લક્ષણો જોઈને અપાય છે.
હૃદયરોગમાં વૈદ્યો દ્વારા પ્રયુક્ત ઔષધિઓની સ્વરૂપવાર યાદી :
(1) ભસ્મો–પિષ્ટિ : અભ્રકભસ્મ, માણિક્યભસ્મ, અકીકભસ્મ, મોતીપિષ્ટિ, સંગેયશબપિષ્ટિ, સુવર્ણભસ્મ (તમામ હૃદયની નબળાઈમાં); લોહભસ્મ, સુવર્ણમાક્ષિક ભસ્મ, મંડૂરભસ્મ, તામ્રભસ્મ, તાપ્યાદિ લોહ (તમામ રક્તાલ્પતાજન્ય અશક્તિમાં); શૃંગભસ્મ, અભ્રકભસ્મ (હૃદયશૂળમાં); બંગ-ભસ્મ (વીર્યક્ષયજ હૃદયસંકોચમાં); તૃણકાંતમણિભસ્મ (રસતંત્રસાર અને સિદ્ધયોગસંગ્રહ).
(2) રસ તથા રસાયનો : અભ્રિક-રસાયન, મહાકાલાનલ રસ, ચતુર્ભદ્ર રસ, ચિંતામણિ રસ, જ્વરેભસિંહ રસ, ધાતુ પંચામૃત રસ, નવજીવન રસ, નવાયસ લોહ તથા દંડી લોહ; નાગવલ્લભ રસ, નાગભસ્મ યોગ, નાગસુંદર રસ, નારાચ રસ, નારાયણ મંડૂર, પંચસાર રસ, પંચામૃત રસ, પૂર્ણચંદ્રોદય સિંદૂર, માર્તંડ રસ, શંકરભૈરવ રસ, હીરબદ્ધ રસ, હૃદયેશ્વર રસ, હેમામૃત રસ તથા હૃદયાર્ણવ રસ (તમામ, રસયોગ સાગર); કલ્યાણસુંદર રસ, ચંદ્રામૃત રસ, ચંદ્રોદય રસ, ચિંતામણિ રસ, પ્રભાકરવટી, વસંતતિલક રસ, સુવર્ણ વસંતમાલતી રસ, વિશ્વેશ્વર રસ (તમામ, ભૈષજ્ય રત્નાવલી); ત્રિનેત્ર રસ, છર્દ્યન્તક રસ, પ્રવાલ પંચામૃત, લીલાવિલાસ રસ, ગુલ્મકુઠાર રસ (તમામ, યોગ રત્નાકર); લક્ષ્મીવિલાસ રસ, વસંતકુસુમાકર રસ, સુવર્ણયુક્ત લક્ષ્મીવિલાસ રસ, આરોગ્યવર્ધિની રસ, મહાવાતરાજ રસ, ત્રૈલોક્ય ચિંતામણિ રસ, ચિંતામણિ રસ, તારકેશ્વર રસ, યાકૂતી, શ્વાસકાસ ચિંતામણિ રસ, જવાહર મોહરા રસ, પંચસાર રસ (તમામ રસતંત્રસાર); કૃમિકુઠાર રસ, કૃમિમુદગર રસ, સુવર્ણસૂતશેખર રસ, હિરણ્યગર્ભ પોટલી રસ, મહાવાતરાજ રસ (બધા રસતંત્રસાર); ચતુર્ભુજ રસ, હૃદયશૂલહર રસ (ભૈષજ્ય સારસંગ્રહ).
(3) વટી–ગુટી–ગૂગળ : ભક્ત ભસ્મવટી, વજ્રબલ્યાદિ ગૂગળ, હૃદ્રોગહર વટી, ક્ષુધાવતી વટી (તમામ, રસયોગસાગર); ષડ્શીતિ ગૂગળ, સૂર્યપ્રભાવટી (યોગરત્નાકર); શંબૂકાદિ વટી, સપ્તવિંશક ગૂગળ (ગદ્-નિગ્રહ); શંકરવટી (ભૈષજ્ય રત્નાવલી); સારિવાદી વટી, જાતિફલાદિ વટી, મહાયોગરાજ ગૂગળ, અગ્નિતુંડીવટી, હૃદયરાજવટી, પ્રભાકરવટી (તમામ રસતંત્રસાર); હિંગકર્પૂરવટી.
(4) ચૂર્ણ : સુદર્શન કે મહાસુદર્શન ચૂર્ણ, હૃદ્ય ચૂર્ણ, લવંગાદિ ચૂર્ણ, મહાખાંડવ ચૂર્ણ, નારાયણ ચૂર્ણ, યમાની ખાંડવ ચૂર્ણ, લવણ પ્રિતયાદિ ચૂર્ણ, સૂંઠ્યાદિ ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ, હિંગ્વાષ્ટક ચૂર્ણ, હૃદયપૌષ્ટિક ચૂર્ણ, સિતોપલાદિ ચૂર્ણ, તાલિસાદિ ચૂર્ણ (નસ્ય માટે), ત્રિકટુ ચૂર્ણ (તમામ રસતંત્રસાર); વૈશ્વાનર ચૂર્ણ.
(5) અવલેહ : ચ્યવનપ્રાશાવલેહ, કંટકાર્યાવલેહ, એરંડપાક, ખમીરે ગાવજબાન, ઉદુમ્બરાવલેહ, લશુનાવલેહ, આર્દ્રકાવલેહ, અશ્વગંધાપાક (બૃહત્ યોગ તરંગિણી), ચિંચાલેહ, લશુનપાક, સાલમપાક, ધાત્રી રસાયન (તમામ રસયોગસાગર), સૌભાગ્ય સૂંઠીપાક (ભૈષજ્ય રત્નાવલી); વાસાવલેહ, વસંતોદય પાક, બ્રહ્મ રસાયન અવલેહ (તમામ રસતંત્રસાર).
(6) પ્રવાહી દવાઓ (આસવ–અરિષ્ટ–ક્વાથ) : એરંડાદિ ક્વાથ, દશમૂળ ક્વાથ, અર્જુનારિષ્ટ, દશમૂલારિષ્ટ, અશ્વગંધારિષ્ટ, લોહાસવ, દ્રાક્ષારિષ્ટ, પુનર્નવારિષ્ટ, કુમાર્યાસવ, ત્રિફલારિષ્ટ, રોહિતકારિષ્ટ, અભયાદિ ક્વાથ, ગાજરનો અર્ક (પ્રાય: રસતંત્રસાર), બલારિષ્ટ.
(7) ઘૃત : અર્જુન ઘૃત, બલાદિ ઘૃત (રસતંત્રસાર).
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા