હૂંડિયામણ વિદેશી

February, 2009

હૂંડિયામણ, વિદેશી : વિદેશી ચલણ અને તેના દ્વારા જુદા જુદા દેશો વચ્ચે થતી લેવડ-દેવડના આર્થિક વ્યવહારોનું માધ્યમ. ભિન્ન ભિન્ન ચલણવ્યવસ્થા ધરાવતા દેશો વચ્ચે પારસ્પરિક દેવાની પતાવટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આવા વ્યવહારો માટે જુદા જુદા દેશોના ચલણ વચ્ચે વિનિમયદર નિર્ધારિત થતા હોય છે. આવા દર નિયંત્રિત નાણાવ્યવસ્થામાં જે તે દેશની મધ્યસ્થ બૅંક દ્વારા વખતોવખત નિર્ધારિત કરવામાં આવતા હોય છે. દા. ત., આઝાદી પછી એક સમયગાળો એવો હતો જ્યારે ભારતમાં વિદેશી હૂંડિયામણની તીવ્ર અછત વર્તાતી હતી અને તેથી આયોજનના પૂર્વનિર્ધારિત ઉદ્દેશો હાંસલ કરવા માટે વિનિમયદર નક્કી કરવાની સત્તા ભારતની મધ્યસ્થ બૅંક – રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી; પરંતુ મધ્યસ્થ બૅંક દ્વારા આપણું ચલણ અને જુદાં જુદાં વિદેશી ચલણો વચ્ચેનો પારસ્પરિક વિનિમયદર નક્કી કરવાની પદ્ધતિ અમુક જ સંજોગોમાં પ્રસ્તુત કે લાભદાયી ગણાય છે. સામાન્ય રીતે જુદાં જુદાં ચલણો વચ્ચેનો વિનિમયદર બજાર દ્વારા કે બજારનાં મુક્ત પરિબળો દ્વારા નિર્ધારિત થતો હોય છે. જુદી રીતે કહીએ તો કોઈ ચલણની કોઈ એક સમયની માગ અને તે ચલણના તે સમયના પુરવઠા વચ્ચેના પારસ્પરિક સંબંધો દ્વારા વિનિમયદર નક્કી થતા હોય છે. આ સંબંધો દરેક દેશની લેણદેણની તુલાની પરિસ્થિતિ પર આધાર રાખે છે અને તેમાં દૃશ્ય અને અદૃશ્ય સ્વરૂપની આર્થિક લેવડ-દેવડ મહત્વનો ભાગ ભજવે છે. દૃશ્ય સ્વરૂપની લેવડ-દેવડ વ્યાપારતુલાનું સ્વરૂપ નક્કી કરે છે, જેમાં ચીજવસ્તુઓની નિકાસનું કુલ મૂલ્ય અને ચીજવસ્તુઓની આયાતનું કુલ મૂલ્ય ધ્યાનમાં લેવાતું હોય છે; પરંતુ દૃશ્ય સ્વરૂપની આયાત-નિકાસ ઉપરાંત અદૃશ્ય સ્વરૂપની, એટલે કે સેવાઓની લેવડ-દેવડનું કુલ મૂલ્ય પણ તેમાં ઉમેરવામાં આવે તો તે લેણદેણની તુલાના સ્વરૂપનો નિર્દેશ કરે છે.

જ્યારે કોઈ દેશ પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ કરે છે અને જ્યારે તેનું કુલ મૂલ્ય તે વર્ષ દરમિયાન તે દેશ દ્વારા કરવામાં આવેલ આયાતો કરતાં વધારે હોય છે ત્યારે તે દેશ પાસે હૂંડિયામણનો અધિશેષ જથ્થો એકત્રિત થતો હોય છે, જેને અધિશેષ (surplus) લેણદેણની તુલા કહેવામાં આવે છે. તેનાથી ઊલટું, જો કોઈ એક વર્ષ દરમિયાન કોઈ એક દેશે કરેલી દૃશ્ય અને અદૃશ્ય સ્વરૂપની આયાતોનું કુલ મૂલ્ય તેની નિકાસોના કુલ મૂલ્ય કરતાં વધારે હોય છે ત્યારે તે દેશની તે વર્ષ દરમિયાનની લેણદેણની તુલા અસમતુલા (deficit) દર્શાવે છે.

આવા બધા જ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારો માટે વિદેશી હૂંડિયામણની જરૂર પડે છે. જે દેશ પાસે વિદેશી હૂંડિયામણનો અધિશેષ જથ્થો હોય છે તે દેશ આર્થિક રીતે સમૃદ્ધ અને સધ્ધર ગણાતો હોય છે.

વિનિમયદર : વિદેશી હૂંડિયામણની ચર્ચામાં વિનિમયદર, તેના પ્રકારો અને તેનું નિર્ધારણ મહત્વની બાબતો ગણાય છે. કોઈ એક દેશના ચલણના મૂલ્યની સામે બીજા કોઈ દેશના ચલણનું મૂલ્ય કેટલું છે તે તેમની વચ્ચેના વિનિમયદર દ્વારા નક્કી થાય છે. દા. ત., અમેરિકાના ડૉલરના એક એકમ સામે આંતરરાષ્ટ્રીય નાણાબજારમાં કોઈ એક સમયે ભારતના રૂપિયાના કેટલા એકમો ચૂકવવા પડશે તે અમેરિકા અને ભારતના ચલણનો તે સમયનો વિનિમયદર બતાવશે. જ્યારે જુદા જુદા દેશોના ચલણ વચ્ચેના વિનિમયદરને તે દેશોની ચીજવસ્તુઓના એકમોમાં રૂપાંતરિત કરીએ ત્યારે વિદેશી વસ્તુઓ આપણા દેશની વસ્તુ કરતાં સસ્તી છે કે મોંઘી તેની આપણને ખબર પડે છે. આમ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, પછી તે વસ્તુઓના રૂપમાં હોય કે સેવાઓના રૂપમાં, હકીકતમાં તે બે ચલણો વચ્ચેની અદલાબદલીનો દર સૂચવે છે. આ પ્રકારની બે ચલણો વચ્ચેની અદલાબદલી સામાન્ય રીતે સંબંધિત દેશોની બૅંકો મારફત થતી હોય છે; કારણ કે તેમની પાસે જુદા જુદા દેશોનાં ચલણોની થાપણો સંગૃહીત થયાં કરતી હોય છે, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોય છે.

બૅંકો કયા દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં પરિવર્તિત કરે છે તેનો જવાબ એ છે કે કોઈ પણ બે દેશોનાં ચલણો વચ્ચેનો વિનિમયદર, કોઈ એક સમયે, હૂંડિયામણની માગ અને પુરવઠાના પરસ્પર સંબંધો દ્વારા નક્કી થતો હોય છે. જ્યારે કોઈ દેશ વિદેશમાંથી ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદે છે ત્યારે તે દેશ દ્વારા તે વસ્તુઓ અને સેવાઓની કિંમતની ચુકવણી કરવા માટે તે દેશની હૂંડિયામણ કે વિદેશી ચલણની માગ ઊભી થાય છે; તેનાથી ઊલટું, જ્યારે કોઈ દેશ પોતાની ચીજવસ્તુઓ કે સેવાઓ બીજા કોઈ દેશને વેચે ત્યારે તેની કિંમત રૂપે તેને વિદેશમાંથી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ સમયે કોઈ દેશની કુલ આયાતોનું મૂલ્ય તેની નિકાસોના કુલ મૂલ્ય બરાબર થાય છે ત્યારે તે દેશની લેણદેણની તુલા સમતોલ થઈ છે એમ કહેવાય; પરંતુ જો કોઈ દેશની કોઈ એક સમયે કરેલી નિકાસોના કુલ મૂલ્ય કરતાં તેની આયાતોનું કુલ મૂલ્ય ઓછું હોય ત્યારે તે દેશની લેણદેણની તુલા અધિશેષ (surplus) દર્શાવે છે. આનો અર્થ એ થાય કે જ્યારે કોઈ દેશ કોઈ એક સમયે જેટલી નિકાસો કરશે તેના મૂલ્ય કરતાં તે દેશ તે સમયગાળામાં કરેલી આયાતોનું-મૂલ્ય વધારે હોય ત્યારે તે દેશની લેણદેણની તુલા ખોટ (deficit) બતાવશે. આવી ગણતરીઓ એક વર્ષના સંદર્ભમાં કરવાનો રિવાજ છે. અધિશેષ લેણદેણની તુલા અને ખોટવાળી લેણદેણની તુલા વિનિમયદરના નિર્ધારણ પર અસર કરે છે.

વિનિમયદરના પ્રકારો : વિનિમયદરના મુખ્ય બે પ્રકારો છે : (1) સ્થિર વિનિમયદર (fixed exchange rate); (2) તરતો અથવા પરિવર્તનશીલ વિનિમયદર (flexible or floating or fluctuating exchange rate).

(1) સ્થિર વિનિમયદર : મધ્યસ્થ બૅંક દ્વારા વિનિમયદરના નિયમનની ગેરહાજરીમાં વિનિમય બજારમાં જે વિનિમયદર અસ્તિત્વ ધરાવશે તેને સ્થિર અથવા તરતો વિનિમયદર કહેવાય. આ પ્રકારના વિનિમયદરની સ્થિતિમાં વિનિમયદરના નિર્ધારણની પ્રક્રિયામાં સોનાની કે વિદેશી હૂંડિયામણની અનામતોની જરૂરિયાત રહેતી નથી, કારણ કે વિનિમયદર આપમેળે તેની માગ અને પુરવઠા વચ્ચે સમતુલા પ્રાપ્ત કરતો રહેશે. આ પ્રકારનો વિનિમયદર આંતરરાષ્ટ્રીય વ્યાપારને સ્થિર બનાવે છે અને તેટલે અંશે દેશના આર્થિક વિકાસનો દર પણ સ્થિરતા પ્રાપ્ત કરશે. સ્થિર વિનિમયદરની વ્યવસ્થામાં વિનિમયદરમાં હૂંડિયામણની માગ અને પુરવઠાના પરસ્પર સંબંધોના સંદર્ભમાં ફેરફાર થતા હોતા નથી; પરંતુ તે ઓછાવત્તા પ્રમાણમાં સ્થિરતા ધરાવતા હોય છે અને જો તેમનામાં ફેરફાર થાય તોપણ તે ફેરફાર જવલ્લે જ થયા કરે છે. અલબત્ત, આ પ્રકારનો વિનિમયદર અર્થતંત્રમાં અગતિશીલતાને કે અપરિવર્તનશીલતાને પ્રોત્સાહન આપશે એનો ભય સેવાય છે. સ્થિર વિનિમયદરના ટીકાકારો એવા વિનિમયદરની વ્યવસ્થાની હિમાયત કરે છે જેમાં સ્થિરતા અને પરિવર્તનશીલતા આ બંનેનો સુભગ સમન્વય સાધવામાં આવે છે, કારણ કે વિનિમયદરમાં થતા ફેરફારો દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અનિશ્ચિતતાને ઉત્તેજન આપશે એવો ભય નકારી શકાય નહિ.

(2) પરિવર્તનશીલ અથવા તરતો વિનિમયદર : વિનિમયબજાર અનિયંત્રિત કે મુક્ત હોય, મધ્યસ્થ બૅંક કે સરકારના અંકુશો તેના પર લાદવામાં આવેલા ન હોય તો હૂંડિયામણની માગ અને તેના પુરવઠાના પરસ્પર સંબંધો દ્વારા વિનિમયદર નિર્ધારિત થાય છે. તેને પરિવર્તનશીલ અથવા તરતો વિનિમયદર કહેવામાં આવે છે. આ પ્રકારનો વિનિમયદર આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અને પરદેશ સાથેના આર્થિક સંબંધોમાં અનિશ્ચિતતા નિર્માણ કરે તેવો ભય સેવાય છે.

સ્થિર વિનિમયદર અને તરતો વિનિમયદર આ બે છેડાની સ્થિતિઓમાં રહેલી ઊણપો ટાળવા માટે એક મધ્યમમાર્ગી ઉપાય સૂચવવામાં આવે છે, જે જુદા જુદા નામે ઓળખાય છે. દા. ત., ગતિશીલ સામ્ય (moving parity), ‘ખસતું સામ્ય’ (sliding parity), ગતિશીલ (dynamic) અથવા ‘સરકતી’ (sliding), મેખ (peg) ઇત્યાદિ. આ બધાંમાં અમુક અંશે સમાનતા અને અમુક અંશે ભિન્નતા હોય છે.

ઉદબદ્ધ સ્થિર વિનિમયદર (pegged up exchange rate) : વિશ્વના વિકાસશીલ દેશો તેમની વિશિષ્ટ સમસ્યાઓના નિરાકરણ માટે જે વિનિમયદર નીતિ અપનાવે છે તેમાંની એક ઉદબદ્ધ સ્થિર વિનિમયદર નીતિ હોય છે. માગ અને પુરવઠાનાં પરિબળો દ્વારા નિર્ધારિત થતા વિનિમયદર – સમતુલિત વિનિમયદર – કરતાં અન્ય કોઈ દર સરકાર કે મધ્યસ્થ બૅંક ટકાવી રાખવા માગતાં હોય તો તે દરને ‘બદ્ધ વિનિમયદર’ની સંજ્ઞા આપવામાં આવે છે. આ નીતિ અખત્યાર કરવા માટે સરકાર કે મધ્યસ્થ બૅંકને વિનિમય બજારમાં હસ્તક્ષેપ કરવો પડે અને તે દ્વારા વિદેશી હૂંડિયામણની માગ અને પુરવઠાનાં પરિબળોના મુક્ત વિહારને રોકવા પડે. આ સ્થિતિમાં જે વિનિમયદર અસ્તિત્વમાં આવશે તે કુદરતી વિનિમયદર નહિ પરંતુ બદ્ધ વિનિમયદર હશે. બદ્ધ વિનિમયદર કુદરતી વિનિમયદરની સપાટી કરતા ઊંચો પણ હોઈ શકે (pegged up) અથવા નીચો પણ હોઈ શકે (pegged down). આમાંથી પ્રથમ પ્રકારનો વિનિમયદર ઉદબદ્ધ વિનિમયદર તરીકે અને બીજા પ્રકારનો વિનિમયદર અવબદ્ધ વિનિમયદર તરીકે ઓળખાય છે. ઉદબદ્ધ વિનિમયદરની નીતિ મોટા ભાગના અલ્પ વિકસિત દેશો અમલમાં મૂકતા હોય છે જેથી આયાતો સસ્તી રહી શકે; ફુગાવા પર નિયંત્રણ મૂકી શકાય; વિદેશી દેવા પર નિયંત્રણ રાખી શકાય; વિદેશી મૂડીની નાસભાગ અટકાવી શકાય અને દેશના આર્થિક વિકાસનો દર સ્થિર બનાવી શકાય. આ પ્રકારની વિનિમયદર નીતિ ત્યાં સુધી જ શક્ય છે જ્યાં સુધી દેશ પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની અનામતો ઉપલબ્ધ હોય અથવા જ્યાં સુધી દેશ વિદેશો પાસેથી હૂંડિયામણ ઉછીનું પ્રાપ્ત કરી શકે છે.

નીચેની આકૃતિમાં વિદેશી હૂંડિયામણની માગ અને વિદેશી હૂંડિયામણના પુરવઠાના સંદર્ભમાં સમતુલાનો વિનિમયદર કેવી રીતે નક્કી થાય છે તે દર્શાવવામાં આવ્યું છે :

 

આકૃતિ 1 : વિદેશી હૂંડિયામણનો જથ્થો

નોંધ : ઉપરની આકૃતિ બતાવે છે કે જ્યારે હૂંડિયામણનો પુરવઠો યથાવત્ હોય ત્યારે જો તેની માગમાં વધારો થાય, તો વિનિમયદર વધે છે (E1થી E2) અને હૂંડિયામણની માગમાં થયેલ વધારાને લીધે નવો વિનિમયદર પ્રસ્થાપિત થાય છે.

સોનાધોરણની વ્યવસ્થામાં વિનિમયદર : જ્યારે કોઈ દેશની ચલણવ્યવસ્થા સોના-ધોરણ પર આધારિત હોય છે ત્યારે દેશની મધ્યસ્થ બૅંક તેના સ્થાનિક ચલણની અવેજીમાં સોનું આપવા બંધાયેલી હોય છે. દા. ત., 1914 પહેલાં ઇંગ્લૅન્ડની ચલણવ્યવસ્થા સોના-ધોરણ પર આધારિત હતી, તે સમયે દેશનો કોઈ પણ નાગરિક બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડ (તે દેશની મધ્યસ્થ બૅંક) પાસે જઈ બૅંકનોટ્સની અવેજીમાં સોનાના જથ્થાની માગણી કરી શકતો હતો અને તેવી માગણી થતાં દેશની મધ્યસ્થ બૅંક તે નાગરિકને તેની પાસેની બૅંકનોટ્સની અવેજીમાં સોનું આપવા બંધાયેલી હતી. બીજી રીતે કહીએ તો સોના-ધોરણની વ્યવસ્થામાં દરેક ચલણ મુક્ત રીતે સોનામાં પરિવર્તિત થવાની ક્ષમતા ધરાવતું હતું અને ત્યારે બધા જ આંતરરાષ્ટ્રીય દેવાની પતાવટ સોનામાં કરવાની વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. 1914માં ઇંગ્લૅન્ડે સોના-ધોરણને જાકારો આપ્યો, ત્યારબાદ 1925માં તે ફરી આંશિક રીતે દાખલ કરવામાં આવ્યું અને 1931માં તે નાબૂદ કરવાની ઇંગ્લૅન્ડને ફરજ પડી હતી. અમેરિકાની ચલણવ્યવસ્થા 1879થી 1933 સુધી સોના-ધોરણ પર આધારિત હતી અને વર્ષ 1968 સુધી દેશના અમુક ટકા ચલણ સામે સોનાની થાપણો ફરજિયાત આપવી પડતી હતી. 1971 સુધી માત્ર દરિયાપારના વ્યવહારોમાં ડૉલર સોનામાં પરિવર્તિત થઈ શકતું હતું. સ્વિટ્ઝર્લૅન્ડે 1954માં સોના-ધોરણને જાકારો આપ્યો હતો, તેમ છતાં તેના કુલ ચલણજથ્થાની સામે અમુક અંશે આજે પણ સોનાનું પીઠબળ અનિવાર્ય ગણવામાં આવે છે.

સુવર્ણ-ધોરણની વ્યવસ્થા અસ્તિત્વમાં હતી ત્યારે આર્થિક નીતિનો મુખ્ય ઉદ્દેશ દેશની લેણદેણની તુલા સમતોલ રાખવાનો હતો અને આ ઉદ્દેશની પ્રાપ્તિના સંદર્ભમાં જ દેશની નાણાનીતિ મધ્યસ્થ બૅંક દ્વારા ઘડવામાં આવતી હતી. સોના-ધોરણની વ્યવસ્થામાં જુદા જુદા દેશોના ચલણ વચ્ચેનો વિનિમયદર આપમેળે નિર્ધારિત થતો હતો અને તે દેશની લેણદેણની તુલાની સમતુલાના સ્વરૂપ પર આધીન રહેતો હતો (automatic adjustment).

1929 પછી જુદા જુદા દેશોએ સોના-ધોરણને તિલાંજલિ આપી અને 1929–44ના ગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાવ્યવસ્થામાં એક પ્રકારનો શૂન્યાવકાશ ઊભો થયો હતો.

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) હેઠળ વિનિમયદરનું નિર્ધારણ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1944માં અમેરિકાના નગર બ્રેટન વૂડ્સ ખાતે એક કરાર દ્વારા જે બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (Twins of Bretton Woods) સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમાંની એક સંસ્થાને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF) નામ આપવામાં આવ્યું અને આ સંસ્થાએ માર્ચ 1947થી પોતાનું કામકાજ શરૂ કર્યું. તેના મુખ્ય ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશી વિનિમય પરના પ્રતિબંધો ક્રમશ: હટાવવા, વિનિમયદરોમાં સ્થિરતા દાખલ કરવી અને સભ્ય દેશો વચ્ચે બહુમુખી (multilateral) નાણાવ્યવહારો સુગમતાથી અને સરળતાથી કરી શકાય તેવી આંતરરાષ્ટ્રીય નાણાવ્યવસ્થા દાખલ કરવી. આ ત્રણ ઉદ્દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાને દેશો દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય તરલતાની ટૂંકા ગાળાની સમસ્યાઓનું નિરાકરણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી જેથી તેમની લેણદેણની તુલા સમતુલા જાળવી શકે. સભ્ય દેશ જ્યારે પણ તેની લેણદેણની તુલામાં ટૂંકા ગાળાની અસમતુલાનો સામનો કરશે ત્યારે તેને પહોંચી વળવા માટે નાણાભંડોળ હેઠળ દાખલ કરવામાં આવેલ ક્વોટા(quota)માંથી ઉપાડ કરવાની સગવડ દાખલ કરવામાં આવી, જેને ‘ઉપાડ અધિકાર’ નામ આપવામાં આવ્યું. આ વ્યવસ્થા મુખ્યત્વે અલ્પવિકસિત દેશોની વિનિમય સમસ્યાઓ અને તેની સાથે સંબંધ ધરાવતી જરૂરિયાતો ધ્યાનમાં રાખીને દાખલ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનાં સાધનો જેમ જેમ ટાંચાં થતાં ગયાં તેમ તેમ તેનું વિસ્તરણ કરવાના ઉદ્દેશથી 1967માં ‘વિશિષ્ટ ઉપાડ હક’(Special Drawing Rights – SDRs)ની વ્યવસ્થા દાખલ કરવામાં આવી. આ વિશિષ્ટ ઉપાડ હક અમુક અંશે આંતરરાષ્ટ્રીય નાણાંની જરૂરિયાત પૂરી પાડે છે. તેને ‘કાગળના સોના’ (paper gold) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ નાણાભંડોળમાં શરૂઆતના તબક્કામાં દરેક એસ.ડી.આર. એકમનું મૂલ્ય 0.888671 ગ્રામ સોના જેટલું નિર્ધારિત કરવામાં આવ્યું. 1971માં એક અમેરિકન ડૉલરનું મૂલ્ય સોનામાં આટલું જ હતું. જુલાઈ 1974માં એસ.ડી.આર.નું મૂલ્ય પુન:નિર્ણીત કરવામાં આવ્યું અને તે વિશ્વના સોળ દેશોના ચલણ સાથે જોડવામાં આવ્યું અને આ સોળ ચલણોના સમૂહને ‘બાસ્કેટ ઑવ્ કરન્સીઝ’ નામથી ઓળખવામાં આવ્યો. 1980માં દરેક એસ.ડી.આર.નું મૂલ્ય 0.4 અમેરિકન ડૉલર જેટલું હતું અને તેના અનુપાતમાં અન્ય પંદર ચલણોનું મૂલ્ય આંકવામાં આવ્યું.

એસ.ડી.આર. (SDR) એ વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય ચલણની જરૂરિયાત સારે છે, જોકે તેને સોનાનું કે અન્ય કોઈ દેશના ચલણનું પીઠબળ આપવામાં આવ્યું ન હતું. સંસ્થાના સભ્ય દેશો તે વિશિષ્ટ ચલણ સ્વીકારતા હોય છે અને દરેક સભ્ય દેશની મધ્યસ્થ બૅંક આંતરરાષ્ટ્રીય ચુકવણીના માધ્યમ તરીકે તેને માન્યતા આપે છે જેમાંથી નાણા તરીકેનું તેનું બળ ઊપસી આવે છે. સભ્ય દેશો તેમના જૂના દેવાની પતાવટ કરવા માટે તથા લેણદેણની તુલાની તેની ખાધ પૂરવા માટે જરૂરી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઉપરાંત, અન્ય દેશો પાસેથી પોતાનું ચલણ પાછું મેળવવા માટે તથા આંતરરાષ્ટ્રીય લેવડદેવડના હિસાબો રાખવાના માધ્યમ તરીકે પણ સભ્ય દેશો તેનો ઉપયોગ કરે છે.

હૂંડિયામણનો દર અને તે દર નિર્ધારિત કેવી રીતે થાય છે તેની સમજૂતી આપતા સિદ્ધાંતો : વિનિમયદર જુદા જુદા દેશોનાં ચલણોનું પારસ્પરિક મૂલ્ય દર્શાવે છે. દા. ત., કોઈ પણ બે દેશો વચ્ચેનો વિનિમયદર તેમનાં પોતપોતાનાં ચલણો વચ્ચેની અદલાબદલી કયા દરે થાય છે તે દર્શાવે છે. ભારતના રૂપિયા અને અમેરિકાના ડૉલર વચ્ચે કોઈ એક સમયે અદલાબદલી કે વિનિમયનો દર રૂપિયા 50 = 1 ડૉલર હોય તો આ ધારેલી હકીકત એમ દર્શાવે છે કે ભારતના રૂપિયા 50 અમેરિકાનો એક ડૉલર અને અમેરિકાનો એક ડૉલર ભારતના રૂપિયા 50 ખરીદી શકે છે. આપણે અગાઉ જોયું કે સોના-ધોરણ જ્યારે અસ્તિત્વમાં હતું ત્યારે આંતરરાષ્ટ્રીય સપાટી પર વિનિમયદર આપમેળે નક્કી થતો હતો, જે automatic adjustmentની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે; પરંતુ સોના-ધોરણની ગેરહાજરીમાં જુદાં જુદાં ચલણો વચ્ચેનો વિનિમયદર કેવી રીતે નિર્ધારિત થાય છે તે સમજાવવા માટે જે સિદ્ધાંતો રજૂ થયા છે તેમાં માગ અને પુરવઠાનો સિદ્ધાંત અથવા લેણદેણની તુલાનો સિદ્ધાંત અને સ્વીડિશ અર્થશાસ્ત્રી ગુસ્તાવ કૅસલ (1866–1945) દ્વારા રજૂ થયેલ સમખરીદશક્તિ(Purchasing Power Parity)નો સિદ્ધાંત આ બે મુખ્ય છે.

માગ અને પુરવઠાનો કે લેણદેણની તુલાનો સિદ્ધાંત : આ સિદ્ધાંત મુક્ત બજારમાં ટૂંકા ગાળામાં વિનિમયદર કેવી રીતે નિર્ધારિત થાય છે તેની સમજૂતી આપે છે. આ સિદ્ધાંતની પાયાની વાત એ છે કે વિનિમયદર એ એક પ્રકારની કોઈ એક ચલણની બીજા ચલણમાં આંકવામાં આવેલ કિંમત છે. અગાઉનો દાખલો જ ચાલુ રાખીએ તો જ્યારે આપણે એમ કહીએ કે ભારત અને અમેરિકા વચ્ચેનો વિનિમયદર રૂ. 50 = $ 1 છે, ત્યારે તેનો સાચો અર્થ એ થાય કે અમેરિકાનો એક ડૉલર ખરીદવો હોય તો ભારત પાસે રૂપિયા 50 હોવા જોઈએ. બજારમાં અન્ય ચીજવસ્તુઓની કિંમતોની જેમ વિનિમયદરનું નિર્ધારણ પણ ચલણોનાં પરસ્પર માગ અને પુરવઠાનાં બે પરિબળો દ્વારા જ થતું હોય છે. આપણા દાખલાના સંદર્ભમાં એમ કહેવાય કે જો ડૉલરની માગ રૂપિયાની માગ કરતાં વધારે હોય તો રૂપિયાની કિંમતની સરખામણીમાં ડૉલરની કિંમત વધવાની. ધારો કે અમેરિકાની ચીજવસ્તુઓની ભારતમાં થતી આયાતનું મૂલ્ય ભારતની ચીજવસ્તુઓની અમેરિકામાં થતી નિકાસના મૂલ્ય કરતાં વધારે હોય તો ડૉલરની માગ રૂપિયાની માગ કરતાં સ્વાભાવિક રીતે વધશે અને તેમ થાય ત્યારે બંને દેશોનાં ચલણો વચ્ચેનો વિનિમયદર અમેરિકા માટે અનુકૂળ અને ભારત માટે પ્રતિકૂળ થવાનો. આનાથી ઊલટી પરિસ્થિતિ સર્જાય તો વિનિમયદર ભારત માટે અનુકૂળ અને અમેરિકા માટે પ્રતિકૂળ થશે. આ ચર્ચા સાબિત કરે છે કે કોઈ પણ બે દેશોનાં ચલણો વચ્ચેનો વિનિમયદર જે તે ચલણની માગ અને પુરવઠા વચ્ચેના પરસ્પર સંબંધો દ્વારા નિર્ધારિત થતો હોય છે.

વિદેશી હૂંડિયામણની માગ લેણદેણની તુલાના ઉધાર (debit) પાસામાંથી તો વિદેશી હૂંડિયામણનો પુરવઠો લેણદેણની તુલાના જમા (credit) પાસામાંથી ઉદભવે છે. વિદેશી ચલણની કિંમત જેટલી ઓછી તેટલી તેની માગ વધારે અને કિંમત જેટલી વધારે તેટલો તેનો પુરવઠો ઓછો હોવાનો. જે બિંદુએ વિદેશી હૂંડિયામણની માગ અને તેનો પુરવઠો સરખાં થાય છે તે બિંદુએ સમતુલિત વિનિમય નિર્ધારિત થવાનો. નીચેની આકૃતિમાં આ હકીકત સ્પષ્ટ કરવામાં આવી છે :

આકૃતિ 2 : ડૉલરની માગ અને પુરવઠો

(अ) વિદેશી હૂંડિયામણની માગ પર અસર કરતાં પરિબળો : (1) ચીજવસ્તુઓ અને સેવાઓની આયાતની ચુકવણી માટે; (2) વિદેશી બકો અને વીમા કંપનીઓની સેવાઓ દેશ જ્યારે ખરીદી કરે છે ત્યારે તેની ચુકવણી કરવા માટે; (3) વિદેશી લોકો કે સંસ્થાઓને વેતન, વ્યાજ અને નફા જેવી ચુકવણી કરવા માટે; (4) દેશના લોકો વિદેશનો પ્રવાસ કરે છે ત્યારે ઉપર્યુક્ત પ્રવાસીઓને તેમના વિદેશ પ્રવાસ દરમિયાન વિદેશોમાં વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવાની હોય ત્યારે તેની ચુકવણી કરવા માટે; (5) જુદાં જુદાં કારણો માટે વિદેશમાં નાણાં મોકલવાં હોય ત્યારે – આ બધી જ ચુકવણીઓ બૅંકો મારફત થતી હોય છે અને તે દેશની લેણદેણની તુલાના ઉધાર (debit) પાસામાંથી ઉદભવે છે.

(ब) વિદેશી હૂંડિયામણના પુરવઠા પર અસર કરતાં પરિબળો : (1) દેશ જ્યારે વિદેશમાં ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ કરે છે ત્યારે તેને વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થતું હોય છે. વિદેશી હૂંડિયામણની પ્રાપ્તિનો આ મુખ્ય સ્રોત છે; (2) આપણા દેશની બૅંકો અને વીમા કંપનીઓ વિદેશોને જ્યારે પોતાની સેવાઓ પૂરી પાડે છે ત્યારે તેના બદલામાં તેની કિંમતની ચુકવણી રૂપે દેશને વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થતું હોય છે; (3) દેશના ઉત્પાદનનાં સાધનોને વિદેશમાંથી વેતન, વ્યાજ, નફારૂપી મળતી આવકો; (4) વિદેશી લોકો આપણા દેશમાં જુદાં જુદાં કારણોસર મુસાફરી કરવા માટે આવે છે ત્યારે તે વિદેશીઓ તેમના પ્રવાસ દરમિયાન આપણા દેશમાં વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે છે ત્યારે તેની ચુકવણી રૂપે આપણા દેશને તેમની પાસેથી વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે; (5) વિદેશીઓ આપણા દેશના નાગરિકો કે સંસ્થાઓને તેમના દેશમાંથી નાણાં મોકલે છે ત્યારે આપણા દેશને વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થતું હોય છે. આ પ્રકારની બધી જ વિગતો દેશની લેણદેણની તુલાના જમા (credit) પાસામાં વ્યક્ત થતી હોય છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના અન્ય સિદ્ધાંતોની જેમ આ સિદ્ધાંત પણ ‘અન્ય પરિબળો યથાવત્ રહે છે’ આ અવાસ્તવિક ધારણા પર રચાયેલો છે, જે તેની મર્યાદા છતી કરે છે.

સમખરીદશક્તિ(PPP)નો સિદ્ધાંત : ગુસ્તાવ કૅસેલ આ સિદ્ધાંત દેશની આંતરિક ભાવસપાટીઓને સમતુલિત વિનિમયદરના પાયાના પરિબળ તરીકે સ્વીકારે છે. આ સિદ્ધાંતનું મુખ્ય વિધાન એ છે કે જુદા જુદા દેશોનાં ચલણોના એકમો વચ્ચેનો વિનિમયદર તે ચલણોની આંતરિક ખરીદશક્તિઓ (purchasing powers) વચ્ચેનો સંબંધ વ્યક્ત કરે છે. બીજી રીતે કહીએ તો જુદા જુદા દેશોનાં ચલણોનાં સાપેક્ષ મૂલ્યો, જે તે ચલણની આંતરિક વાસ્તવિક ખરીદશક્તિ વચ્ચેના સંબંધ બરાબર હોય છે. એક તદ્દન સાદા ઉદાહરણ દ્વારા આ બાબત સમજાવી શકાય. ધારો કે કોઈ ચીજવસ્તુની ખરીદી કરવા માટે અમેરિકામાં એક ડૉલર જેટલી કિંમત ચૂકવવી પડે છે અને ભારતના બજારમાં તે વસ્તુ માટે રૂપિયા 50 ચૂકવવા પડે છે. સ્પષ્ટ છે કે અમેરિકાનો એક ડૉલર અને ભારતના 50 રૂપિયા એકસરખી ખરીદશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પરિસ્થિતિમાં બંને વચ્ચેનો વિનિમયદર ડૉલર 1 = રૂપિયા 50 હશે. જ્યારે કોઈ એક ચલણની આંતરિક ખરીદશક્તિ તેમાં ચીજવસ્તુઓની આંતરિક ભાવસપાટી દ્વારા વ્યક્ત થતી હોય તો આ બે દેશોનાં ચલણો વચ્ચેનો વિનિમયદર સામાન્ય ભાવસપાટીના આંક દ્વારા દર્શાવી શકાય તેમ છે. આ સિદ્ધાંત એ દેશોને લાગુ પડે છે જ્યાં કાયદા દ્વારા કાગદી ધોરણ અસ્તિત્વમાં છે, સોના-ધોરણ નહિ.

આ સિદ્ધાંત એવું પ્રતિપાદન કરવાનો પ્રયાસ કરે છે કે કોઈ દેશની આંતરિક ભાવસપાટીઓમાં આવતાં પરિવર્તનો તે જે જે દેશો સાથે આર્થિક વ્યવહાર કરે છે તે દેશોનાં ચલણો વચ્ચેના વિનિમયદરો પર પણ અસર કરતાં હોય છે. જો કોઈ એક દેશની આંતરિક ભાવસપાટી સ્થિર રહે પણ જે દેશો સાથે તે આર્થિક વ્યવહાર કરે છે તે દેશોમાંથી કોઈ દેશમાં ભાવસપાટીમાં વધારો કે ઘટાડો થાય તો તેના ચલણ વિનિમયદરમાં ફેરફાર થશે. આ સિદ્ધાંતનું નિરપેક્ષ સ્વરૂપ નીચે દર્શાવેલ સૂત્ર દ્વારા સમજી શકાય છે :

 

જેમાં RP = વિનિમયનો નવો દર જે ભાવસપાટીના આંતરિક ફેરફારને આભારી હોય છે.

Rb = અગાઉનો વિનિમયદર

 = સમયના આપેલા ગાળા દરમિયાન આંતરિક ભાવસપાટીઓમાં થયેલ પરિવર્તનોનું ગુણોત્તર દર્શાવે છે.

P1 = ભારતની નિકાસોમાં દાખલ થતી ચીજવસ્તુઓની ભાવસપાટીનો ચાલુ ભાવાંક

P2 = ભારતની આયાતોની ચીજવસ્તુઓની ભાવસપાટીનો ચાલુ ભાવાંક.

સિદ્ધાંતના આ નિરપેક્ષ સ્વરૂપમાં કિંમતોના ફેરફારો અને વિનિમયદરોમાં ફેરફારો વચ્ચે ચોક્કસ ગાણિતિક સંબંધ ધારવામાં આવ્યો છે. તેથી સિદ્ધાંતનું આ સ્વરૂપ તેને થોડું જડ બનાવે છે. આ મર્યાદા દૂર કરવા માટે સિદ્ધાંતના પ્રણેતાઓએ તેને વધુ સ્વીકાર્ય બનાવવા માટે તેમણે તેના સાપેક્ષ કે તુલનાત્મક સ્વરૂપમાં રજૂ કર્યું છે. આ સાપેક્ષ સ્વરૂપ આટલું જ કહે છે કે જો દેશમાં ભાવસપાટી વધે તો દેશના ચલણનું મૂલ્ય પણ ઘટે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ચલણના મૂલ્યમાં ઘટાડો થાય છે. તેનાથી ઊલટું, જો દેશમાં ભાવસપાટી ઘટે તો દેશના ચલણના મૂલ્યમાં વધારો થાય છે અને તેમ થાય ત્યારે તેનો વિનિમયદર ઊંચો જાય છે. આમ દેશના ચલણની ખરીદશક્તિમાં થતા તફાવતો તેના વિનિમયદરમાં પ્રતિબિંબિત થવાના જ. નોંધપાત્ર બાબત એ છે કે સિદ્ધાંતના આ સાપેક્ષ સ્વરૂપની સમજણ પૂરી પાડવામાં ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવેલો નથી. વિચારકો માને છે કે સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ વધુ વાસ્તવિક થયું છે.

આ સિદ્ધાંતમાં કેટલીક ક્ષતિઓ છે; દા. ત., આ સિદ્ધાંત વિનિમયદરના નિર્ધારણની પ્રક્રિયામાં સામાન્ય ભાવસપાટી પર ભાર મૂકે છે, જેમાં બધી જ ચીજવસ્તુઓના ભાવો આવરી લેવામાં આવે છે; પરંતુ હકીકત એ છે કે દેશમાં ઉત્પન્ન કરવામાં આવેલી બધી જ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દાખલ થતી નથી. આ હકીકત સાચી હોય તો જે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દાખલ થતી જ નથી એવી વસ્તુઓની બાબતમાં ચલણની ખરીદશક્તિને કઈ રીતે ધ્યાનમાં લેવી – આ પ્રશ્ન મૂંઝવણ ઊભી કરે છે. બીજું, આ સિદ્ધાંતની મૂળભૂત ધારણા એ છે કે વિદેશી હૂંડિયામણની માગ તેની ખરીદશક્તિ દ્વારા નક્કી થાય છે. આ ધારણા સાચી નથી. વિનિમયદરો કેટલાક ચોક્કસ હેતુઓ માટેની ખરીદશક્તિની માગનું પ્રતિબિંબ પાડતા હોય છે, નહિ કે બધા જ હેતુઓ માટેની ખરીદશક્તિની માગનું. ત્રીજું, ચીજવસ્તુઓની માગ જે અગત્યના પરિબળ પર આધાર રાખે છે તે પરિબળ છે સમાજની આવકની સપાટી, જેની આ સિદ્ધાંતમાં અવગણના કરવામાં આવી છે. ચોથું, આ સિદ્ધાંત વિદેશી ચલણ માટેની માગ અને તેનો પુરવઠો જે જે પરિબળોને આધીન હોય છે તે બધાં જ પરિબળો આ સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવાયાં નથી. પ્રો. સ્કેમલના મતે આ સિદ્ધાંત વિનિમયદર પર અસર કરતી તાત્કાલિક પ્રક્રિયાની સમજૂતી પૂરી પાડવાને બદલે તેની અંતિમ પ્રક્રિયા પર ભાર મૂકે છે. ઉપરાંત આ સિદ્ધાંત ભૂલી જાય છે કે જેમ સર્વસામાન્ય ભાવસપાટીમાં થતા ફેરફારો વિનિમયદર નિર્ધારિત કરવામાં ભાગ ભજવે છે તેવી જ રીતે વિનિમયદરમાં થતા ફેરફારો સામાન્ય ભાવસપાટી પર અસર કરતા હોય છે. એ રીતે વિચારીએ તો આ સિદ્ધાંત એકતરફી છે. છેલ્લે આ સિદ્ધાંતની સમજૂતી સૂચક આંકની પદ્ધતિ પર આધારિત છે; પરંતુ સૂચક આંકની ગણતરીની કેટલીક મર્યાદાઓની તે અવગણના કરે છે, જેને લીધે સિદ્ધાંતનું વ્યવહારુ મૂલ્ય ઘટે છે.

વિદેશી હૂંડિયામણ નિયમન ધારો (Foreign Exchange Regulation Act) : ભારત પાસેની વિદેશી હૂંડિયામણની અનામતોની સાચવણી કે તેના સંરક્ષણ તથા દેશના ઝડપી આર્થિક વિકાસ માટે તેનો ઇષ્ટ ઉપયોગ થાય તે હેતુ સિદ્ધ કરવાના ઉદ્દેશથી પસાર કરવામાં આવેલો ધારો, જે FERAના ટૂંકા નામથી ઓળખાય છે. આ ધારો સૌપહેલાં વર્ષ 1973માં પસાર કરવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 1993માં સુધારાવધારા કરવામાં આવ્યા હતા. ભારતની અન્ય દેશો સાથેની કેટલીક ચુકવણીઓ, વિદેશી હૂંડિયામણમાં અને ધણીજોગ જામીનગીરીઓમાં કરવી પડતી કેટલીક અદાયગીઓ, દેશના વિદેશી હૂંડિયામણના જથ્થાને અસર કરતી કેટલીક લેવડદેવડો તથા દેશવિદેશના ચલણની આયાત-નિકાસનું નિયમન કરવા માટે, તેના પર દેશના આર્થિક હિતમાં નિયંત્રણો મૂકવા માટે આ ધારો ઘડવામાં આવ્યો છે. આ ધારો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સહિત સમગ્ર દેશને લાગુ કરવામાં આવ્યો છે. વળી તે ભારતની ભૌગોલિક સીમાઓ બહાર રહેતા ભારતીય નાગરિકો, ભારતમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી અને રજિસ્ટર્ડ કરવામાં આવેલી કૉર્પોરેટ વ્યાપારી સંસ્થાઓ અને તેમની દેશની બહારની શાખાઓ અને એજન્સીઓને પણ લાગુ પાડવામાં આવ્યો છે. તેનો અસરકારક અમલ કરાવવા માટે એક ડિરેક્ટરેટ ઑવ્ એન્ફોર્સમેન્ટની સ્થાપના કરવામાં આવી છે. ભારતની મધ્યસ્થ બૅંક રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાને અરજી કરવાથી તે વિદેશી હૂંડિયામણના સમગ્ર અથવા આંશિક વ્યવહારો કરવા માટે અરજી કરનારને લેખિત રૂપમાં કેટલીક શરતોને અધીન અધિકાર પ્રદાન કરી શકે છે તથા પ્રદાન કરેલા અધિકારો નિલંબિત કે રદ પણ કરી શકે છે. વિદેશી હૂંડિયામણ મારફત કરવામાં આવતા કોઈ પણ પ્રકારના વ્યવહારો અધિકૃત વ્યક્તિ કે સંસ્થા (dealer) સિવાય અન્ય કોઈ પણ કરી શકશે નહિ. તેવી જ રીતે વિદેશી હૂંડિયામણના વ્યવહારો કરવાની અધિકૃતતા ધરાવતી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા જે હેતુ માટે તેને અધિકૃત કરવામાં આવેલ છે તે હેતુની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ પણ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકે નહિ એવી આ ધારામાં સ્પષ્ટતા કરવામાં આવી છે. જો તે વ્યક્તિ તેમ કરી શકે તેમ ન હોય તો તે, તેને પ્રાપ્ત થયેલ વિદેશી હૂંડિયામણ અન્ય કોઈ અધિકૃત વ્યક્તિને વેચી શકે. આ ધારા હેઠળ અમુક પ્રકારના ચલણની આયાત અને નિકાસ કરવા પર પણ કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો ચીજવસ્તુઓની આંતરરાષ્ટ્રીય ખરીદી અને આંતરરાષ્ટ્રીય વેચાણના વ્યવહારોમાંથી ઉદભવતી વિદેશી હૂંડિયામણની લેવડદેવડને પણ લાગુ પડે છે.

ટૂંકમાં, આ ધારો ભારતમાં વિદેશી હૂંડિયામણની બધા જ પ્રકારની લેવડદેવડ, ખરીદ-વેચાણ, અદાયગીઓ, આયાત-નિકાસ વગેરેને નિયંત્રિત કરે છે. આ ધારાને પરિણામે ભારતમાં વિદેશી હૂંડિયામણનું મુક્ત બજાર નાબૂદ થયું છે અને તેની જગ્યાએ નિયંત્રિત બજાર અસ્તિત્વમાં આવ્યું છે.

1991માં દેશના અર્થતંત્રમાં ઉદારીકરણનું મોજું આવ્યા બાદ વર્ષ 1993માં આ ધારાને બદલે વિદેશી હૂંડિયામણ વ્યવસ્થાપન ધારો (Foreign Exchange Management Act – FEMA) દાખલ કરવામાં આવ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે