હુસૈની, સૈયદ શાહ મોહમ્મદ (ડૉ.) (જ. 29 ડિસેમ્બર 1922, હૈદરાબાદ; અ. 30 માર્ચ 2007) : ઉર્દૂ, અરબી તથા ફારસી ભાષાઓના એક સૂફી વિદ્વાન, શિક્ષક તેમજ પરોપકારી અને સમાજસેવક.
તેમને 12 વર્ષની નાની ઉંમરમાં દરગાહ હજરત ખ્વાજા બંદાનવાજના ‘સજ્જાદા નશીન’ તરીકે નિયુક્ત કરાયા. એમનાં જીવનસાથીનું નામ મોઈનજહાં બેગમ તેમજ પિતાનું નામ સૈયદ શાહ મોહમ્મદ અલ હુસૈની અને માતાનું નામ જમાલુનિસા હુસૈની.
એમનું શિક્ષણ હૈદરાબાદની ‘આલિયા હાઈસ્કૂલ અ દારૂલ-ઉલૂમ કૉલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં થયું હતું. ઉર્દૂ, ફારસી, અરબી અને અંગ્રેજી જેવી અનેક ભાષાઓનું અસાધારણ જ્ઞાન તેઓએ પ્રાપ્ત કર્યું હતું. તેમણે ઇસ્લામના અધ્યયન અને સૂફીવાદ પ્રત્યે ખૂબ ઊંડી રુચિ દર્શાવી હતી. 1958માં ‘ખ્વાજા એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપના કરી, જેણે કર્ણાટકમાં ઉચ્ચતર તથા વ્યાવસાયિક શિક્ષણને ઉલ્લેખનીય પ્રોત્સાહ આપ્યું. 45 વર્ષની કારકિર્દીમાં આ સોસાયટીએ એક એન્જિનિયરિંગ કૉલેજ, એક મેડિકલ કૉલેજ, એક શૈક્ષણિક હૉસ્પિટલ આદિ સાથે 14 શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. 1979થી ઇસ્લામી સાંસ્કૃતિક કેન્દ્રના અધ્યક્ષ તેમજ અનુપમ તરક્કી ઉર્દૂ, ગુલબર્ગાના મુખ્ય સંરક્ષક તરીકે કાર્ય કરેલું. વિભિન્ન શૈક્ષણિક સંગઠનો તેમજ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોના સભ્ય હતા. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સ્થાપક સભ્ય અને ઉપાધ્યક્ષપદે પણ રહેલા. શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરીને ગુલબર્ગા અને તેની બહાર એન્જિનિયરિંગ, ચિકિત્સા અને માનવીકી જેવા વિષયો પર ભાર આપીને શૈક્ષણિક ક્ષેત્રોનો વિસ્તાર કર્યો હતો.
ડૉ. હુસૈનીએ શિક્ષણક્ષેત્રે સૂફીવાદની પરંપરાઓમાં ધર્મનો સાચો અર્થ સમજવા અને સાંપ્રદાયિક મૈત્રીભાવને પ્રોત્સાહિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતમાં શિક્ષણ, સામાજિક ન્યાય અને વિભિન્ન સમુદાયોને એકત્ર (ભેગા) કરવા પ્રતિ સમર્પિત રહ્યા. જેના માટે ગુલબર્ગા વિશ્વવિદ્યાલયે 1992માં ‘ડૉક્ટર ઑફ લેટર્સ’ (ઑનર્સ કૌસા) ઉપાધિથી સન્માનિત કર્યા હતા.
ડૉ. હુસૈનીએ 1990થી 1996 સુધી કર્ણાટક વિધાન પરિષદના સભ્ય તરીકે સેવાઓ આપી તેમજ વિભિન્ન સૂફી અને ધાર્મિક સમુદાયોની વચ્ચે એક સન્માનનીય વ્યક્તિ તરીકે કાર્ય કર્યું હતુ.
ડૉ. હુસૈનીને ‘હિન્દુ મુસ્લિમ એકતા પુરસ્કાર’ (1998) તથા કર્ણાટક સરકાર દ્વારા 1989માં ‘રાજ્યોત્સવ પુરસ્કાર’ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. 2004માં ભારત સરકારે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
કનુભાઈ શાહ
