હુવર, હબર્ટ (જ. 10 ઑગસ્ટ 1874, વોસ્ટબ્રાંચ, આયોવા, અમેરિકા; અ. 20 ઑક્ટોબર 1964, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : રિપબ્લિકન પક્ષ દ્વારા ચૂંટાયેલા અમેરિકાના 31મા પ્રમુખ (1929–33).
હબર્ટ હુવર
તેમની નવ વર્ષની વયે માતા-પિતાનું અવસાન થતાં કાકાએ ઉછેર્યા. માનવતાવાદી ક્વેકર સંપ્રદાયના તેઓ અનુયાયી હતા. સ્ટેનફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ખાણના ઇજનેરની પદવી પ્રથમ વર્ગમાં 1895માં પ્રાપ્ત કરી. ખાણના ક્ષેત્રે વિવિધ કંપનીઓમાં તેમણે કામ કર્યું હતું. તે દરમિયાન તેમણે ચીનની કંપનીમાં પણ ફરજ બજાવેલી. 1899માં લુ હેવ્રી સાથે લગ્ન કરી ચીન ગયા ત્યારે 1900ના બૉક્સર બળવાના સાક્ષી બન્યા. ત્યાં રાહતકાર્યમાં જોડાવાનો અનુભવ પ્રથમ વિશ્વયુદ્ધ વેળા તેમને બેલ્જિયમ યુદ્ધના રાહતકાર્યમાં ખપ લાગ્યો હતો. સફળ ઇજનેર, વેપારી અને સંચાલક તરીકે 40ની વયે તેમણે કરોડોની સંપત્તિ મેળવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં અમેરિકા 1917ની સાલમાં જોડાયું ત્યારે વુડ્રો વિલ્સન પ્રમુખ હતા. અન્ન-નિયામક તરીકે તેમણે કામ કર્યું હતું. તે પછી તેમની રાજકીય કારકિર્દી ઝડપથી પાંગરી. પ્રમુખ હાર્ડિંગ અને પ્રમુખ કુલિજના વાણિજ્યમંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું. આ કારણે આર્થિક બાબતોના ક્ષેત્રે તેમજ અન્ય વિભાગોમાં તેમને સક્રિય કામગીરીની તક સાંપડી હતી. આર્થિક બાબતો પરત્વેનો તેમનો આ અનુભવ પ્રમુખપદની ઉમેદવારીમાં ઘણો કામમાં આવ્યો. તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે પ્રજાએ આર્થિક સમૃદ્ધિની ઊંચી અપેક્ષા રાખી હતી; પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકા મહામંદી(1929)માં સપડાયું. આ મહામંદીને પહોંચી વળવા રેલમાર્ગ, સડકમાર્ગો, જળમાર્ગો અને લશ્કરી મથકો ઊભાં કરી ભારે નાણાકીય ખર્ચ કર્યો. દેશના અર્થતંત્રની પુનર્રચના માટે વિશિષ્ટ નાણાપંચની રચના કરી; પરંતુ આર્થિક ક્ષેત્રના તેમનાં વિવિધ પગલાં પર્યાપ્ત નહોતાં. અભ્યાસીઓના મતે હુવરે આ ક્ષેત્રે અપનાવેલાં પગલાં પાછળની વિભાવના જ ખોટી હોવાથી મંદી દૂર થવાને બદલે મંદીની સ્થિતિ વધુ વિષમ બની રહી.
વિદેશનીતિના ક્ષેત્રે તેઓ શાંતિના હિમાયતી હતા. લીગ ઑવ્ નેશન્સમાં અમેરિકા જોડાય તે બાબતે તેમનો વિરોધ હોવા છતાં લીગની રચના પછી તેમણે આ સંસ્થાને સહકાર આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા સમસ્યાઓનો ઉકેલ શોધવાના અને નિ:શસ્ત્રીકરણના તેઓ હિમાયતી હતા. નૌકાદળના નિ:શસ્ત્રીકરણ અંગેની એક સંધિ તેમના શાસનમાં 1930માં લંડન ખાતે થઈ હતી.
1931માં જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું ત્યારે 1932માં હુવરે અમેરિકાના વિદેશમંત્રી સ્ટીમસન સાથે મળીને એક ઉદઘોષણા કરી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939–45) વેળા તેમણે અમેરિકાની આ યુદ્ધમાં બિનદખલગીરીની હિમાયત કરી હતી. વિવિધ ક્ષેત્રની તેમની સિદ્ધિઓથી વ્યક્તિગત ક્ષેત્રે તેઓ પ્રતિષ્ઠા પામ્યા હતા; જેમ કે, વ્યવસાયી સફળતા માટે ‘મહાન ઇજનેર’ની; રાહતકાર્યોની સિદ્ધિઓ માટે ‘મહાન માનવતાવાદી’ની; વાણિજ્યમંત્રી તરીકે ‘મહાન મંત્રી’ની; હુવર કમિશન દ્વારા સરકારી તંત્રની પુનર્રચના માટેના અહેવાલો અને અથાગ પ્રયાસોથી ‘મહાન જાહેર સેવક’ની. આમ છતાં રૉબર્ટ ડાલેક તેમને ‘અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઓછા સફળ પ્રમુખોમાંના એક’ તરીકે ઓળખાવે છે. 1932માં તેમના નિર્ણાયક પરાજય સાથે એફ. ડી. રૂઝવેલ્ટ પ્રમુખ ચૂંટાયા હતા. તેમનું નામ એરિઝોના અને નેવાડા રાજ્યોની સીમા પરની કૉલોરાડો નદી પરના બાઉલ્ડર બંધ સાથે સાંકળવામાં આવ્યું અને તેથી તેને ‘હુવર બંધ’ નામથી ઓળખવામાં આવે છે.
તેમનું ‘અમેરિકન ઇન્ડિવિડ્યુઅલિઝમ’ (1922) નાનું પણ પ્રભાવકારી પુસ્તક છે. ‘પ્રિન્સિપલ્સ ઑવ્ માઇનિંગ’ (1909); ‘અમેરિકાઝ ફર્સ્ટ ક્રુઝેડ’ (1942), હ્યુજ ગિબ્સન નામના લેખક સાથેનું ‘ધ પ્રૉબ્લેમ્સ ઑવ્ લાસ્ટિંગ પીસ’ (1942) તેમનાં અન્ય પુસ્તકો છે. તેમનું સહુથી સારું પુસ્તક ‘ધ ઑર્ડિયલ ઑવ્ વુડ્રો વિલ્સન’ (1958) છે. તેમનું ‘ઍન અમેરિકન ઇપૉક’ (195–961) પણ નોંધપાત્ર પુસ્તક ગણાય છે.
મહેન્દ્ર ઠા. દેસાઈ