હિમનદીઓ (Glaciers)

નદીની જેમ વહન પામતો અને ગતિશીલતા ધરાવતો હિમજથ્થો.

હિમ અને હિમસ્વરૂપો : વાતાવરણમાં જુદા જુદા વાયુઓ સહિત જલબાષ્પ અને રજકણો રહેલાં હોય છે. ગરમીને કારણે જલાવરણમાંથી ઉદભવતી બાષ્પ વાતાવરણમાં ભેજસ્વરૂપે જળવાય છે. આ ભેજ ઊંચા અક્ષાંશો તથા ઊંચાઈવાળા પર્વતપ્રદેશોમાં ઠંડી આબોહવાની અસર હેઠળ ઠરીને સૂક્ષ્મ કણિકાઓના સ્વરૂપે પડે છે. હિમકણિકાઓની પડવાની આ ક્રિયાને હિમવર્ષા (snowfall) અને કણિકાને હિમ (snow) કહે છે. હિમ તેના મૂળ સ્વરૂપમાં શ્વેત, પીંછાના તંતુ જેવું, સ્પર્શમાં રૂ જેવું પોચું અને નરમ, વજનમાં તદ્દન હલકું (વિ. ઘ. : 0.05), અતિ સછિદ્રતાવાળું, ઠરી ગયેલું જળ હોય છે. તાજા હિમકણો ષટ્કોણીય સંરચનાવાળા સ્ફટિક-સ્વરૂપમાં હોય છે. હિમવર્ષાની પ્રારંભિક કક્ષાએ પડતા જતા હિમકણોનું આ સ્વરૂપ એકત્રિત થતા જતા જથ્થામાં બદલાતું રહે છે, જમા થતો જથ્થો દાણાદાર બને છે, તેમાં હવા ભળતી જાય છે, દાણા ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે, વિ. ઘ. વધીને 0.5 થાય છે, સછિદ્રતા પણ ઓછી થતી જાય છે. શરૂઆતમાં જે 95 % હોય છે, તે ધીમે ધીમે 50 % કે તેથી પણ ઓછી થઈ જાય છે, નીચેનો જથ્થો દબાય છે, ગલન થતું અટકે છે. આ રીતે એકત્રિત થયેલા હિમકણોથી બનેલા દળને ફર્ન (firn) અથવા નેવે (neve) કહે છે. હિમ કરતાં ‘ફર્ન’ ઓછું સફેદ, અભેદ્ય અને સંરચનાવિહીન બની રહે છે. આમ ‘ફર્ન’ અથવા ‘નેવે’ એ હિમનું ઘનિષ્ઠ સ્વરૂપ ગણાય. એકધારી અથવા ક્રમશ: થતી જતી હિમવર્ષાથી ઉપરનું દળ વધે, નીચેનો જથ્થો દબાય અને વધુ ઘનિષ્ઠ બને તેને બરફ (ice) કહે છે. તેની વિ. ઘ. 0.9 થઈ જાય છે, સછિદ્રતા રહેતી નથી, હોય તો નજીવી હોય છે. આ રીતે ‘ફર્ન’ એ હિમ અને બરફના વચગાળાનું સ્વરૂપ છે.

પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ, ભૂપૃષ્ઠનો આશરે 11 % વિસ્તાર વિવિધ જાતનાં હિમસ્વરૂપોથી આવરી લેવાયેલો છે. ઘન બરફજથ્થો વધુ ભેગો થતાં, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આવતાં, નીચે તરફ સરકવાની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ગતિશીલતા ધરાવતા આ પ્રકારના હિમ (બરફ) જથ્થાને હિમનદી તરીકે ઓળખવામાં આવે છે.

આકૃતિ 1 : હિમનદીનું નિર્માણ; વિવિધ પ્રકારના હિમસ્ફટિકો

આકૃતિ 2 : ખીણ-હિમનદી-સ્વરૂપે હબ્બાર્ડ હિમનદી(અલાસ્કા)નું દૃશ્ય

જ્યાં જ્યાં, જ્યારે જ્યારે હિમવર્ષા થાય, એકધારી ચાલુ રહે, તેમાંના હિમકણો ઓગળીને જળ બને તેના કરતાં હિમવર્ષાનો દર વધી જાય ત્યારે ત્યાંનું તાપમાન ઘણું નીચું જતું રહે છે અને હિમનદી સ્વરૂપે હિમજથ્થાની સરકવાની સ્થિતિ ઉદભવે છે. હિમનદીઓ આ રીતે અસ્તિત્વમાં આવે છે. અલાસ્કા, આલ્પ્સ, હિમાલય જેવા વિસ્તારોમાં હિમનદીઓ જોવા મળે છે.

આમ વિશાળ જથ્થામાં, લાંબા કાળગાળા માટે ભૂપૃષ્ઠ પર હિમજન્ય પરિસ્થિતિ પ્રવર્તેલી રહે તેને હિમીભવન (હિમક્રિયા – glaciation) તથા જેટલા કાળગાળા માટે તે ચાલુ રહે તેને હિમકાળ અથવા હિમયુગ (ice age) કહેવાય છે. પૃથ્વીના 460 કરોડ વર્ષના આજ સુધીના લાંબા ઇતિહાસ દરમિયાન ઘણા હિમયુગો પ્રવર્તેલા છે, હિમીભવનની ઘટનાઓ બની છે, જેના પુરાવા ખડકસ્તરોના સંગ્રહમાં જળવાયેલા મળે છે. જુઓ, સારણી.

લક્ષણો : ગતિશીલતા પ્રાપ્ત કરતી હિમનદી ઢોળાવતરફી નીચેના ભાગમાં આવતી જાય ત્યારે તેના છેડાના ભાગને હિમનદીનો મુખાગ્રભાગ (snout) કહે છે, બરફપટ ઓગળ્યા વિના જ્યાં સુધી આવી શકે અથવા જે ઊંચાઈએથી ઓગળવાની ક્રિયા શરૂ થાય તે સીમાને હિમરેખા (snow-line) કહે છે. જેટલો વિસ્તાર કાયમ માટે હિમાચ્છાદિત રહે તે વિસ્તારને હિમક્ષેત્ર (snow field) કહે છે.

આકૃતિ 3 : હિમરેખા

હિમજમાવટનો દર બરફપટ : હિમજન્ય પરિસ્થિતિવાળા વિસ્તારોમાં જોવા મળતાં હિમસ્વરૂપોના તુલનાત્મક અભ્યાસ દ્વારા જાણી શકાયું છે કે અતિ ઠંડા પ્રદેશો(દા. ત., ગ્રીનલૅન્ડ)માં હિમમાંથી ‘ફર્ન’ અને તેમાંથી બરફનું રૂપાંતર 200 વર્ષનો કાળગાળો લે છે. આવા પ્રદેશોમાં સામાન્યપણે હિમગલન થતું નથી અથવા નહિવત્ થાય છે. આલ્પ્સ કે હિમાલય જેવા સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં તે (ગલન) 25થી 40 વર્ષના ગાળામાં થઈ જાય છે. ઍન્ટાર્ક્ટિકામાં હિમમાંથી ‘ફર્ન’માં ફેરવાવાની ક્રિયા 10 મીટરની જમાવટ થતાં તથા ફર્નમાંથી બરફ થવાની ક્રિયા 40થી 50 મીટરના જથ્થાની જમાવટથી થાય છે. અશુદ્ધ–સફેદ અને ચોખ્ખા સ્તરબદ્ધ બરફના દેખાવ પરથી જમાવટનો વાર્ષિક દર માપી શકાય છે.

ઉત્તર ધ્રુવીય પ્રદેશો – ગ્રીનલૅન્ડ, અલાસ્કા, સાઇબીરિયા, ઍન્ટાર્ક્ટિકા કે ઘણા ઊંચા પર્વતોમાં, જ્યાં બરફપટ પથરાયેલા જ રહેતા હોય, સરકતા હોય કે ન હોય એવાં આવરણોને હિમચાદરો (ice-sheets), હિમાવરણો (ice-caps) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યત: ઊંચાઈવાળા સમતળ પ્રદેશો કે આછા ઢોળાવો પરના ભૂમિપટ હિમચાદરોથી તથા શિખરો હિમાવરણોથી આચ્છાદિત રહેલા જોવા મળે છે.

આકૃતિ 4 : હિમાવરણ (Ice cap)

હિમરેખા : આખાય વર્ષ દરમિયાન, ભૂપૃષ્ઠની ઊંચાઈ પરના જે સ્તરે કાયમ માટે બરફ રહેતો હોય અને જેની નીચેના ઢોળાવ તરફ ખુલ્લો ભૂમિભાગ દેખાતો હોય, તે સીમામર્યાદાને હિમરેખા કહેવાય છે. પર્વતોના ઢોળાવો પર જ્યાં કાયમી હિમજન્ય સ્થિતિ કે બરફનાં આવરણ રહેતાં હોય તેની તલસપાટી દ્વારા આ હિમરેખા રજૂ થાય છે. હિમરેખા મુખ્યત્વે તો સૂર્યતાપ (તાપમાન), પવનો, ભેજ તથા અક્ષાંશ જેવાં પરિબળો પર આધારિત હોય છે તથા ઊંચાઈના પ્રદેશભેદે ભિન્ન ભિન્ન સ્તરે જોવા મળે છે. ધ્રુવીય પ્રદેશોમાં તે ક્યારેક સમુદ્રસપાટી સુધી નીચે રહેલી જોવા મળે છે, એટલે કે ઠંડી આબોહવાને કારણે ત્યાં કાયમી હિમજન્ય સ્થિતિ પ્રવર્તેલી રહે છે. 60° ઉ. અક્ષાંશની આજુબાજુના વિસ્તારોમાં હિમરેખા 1000 મીટર અને 5000 મીટર વચ્ચે ગમે તે ઊંચાઈની સીમાએ હોઈ શકે છે. અયનવૃત્તોમાં તે 4500થી 6000 મીટરની વચ્ચે રહેલી જોવા મળે છે. વિષુવવૃત્ત પર તે 5000 મીટરથી ઉપર હોય છે. હિમરેખાની ઉપર તરફના કાયમી હિમાચ્છાદિત વિસ્તારને હિમક્ષેત્ર કહેવાય છે.

શિયાળામાં વધુ હિમવર્ષા થતાં હિમરેખા નીચે આવે છે અને ઉનાળામાં બરફ ઓગળવાથી તે ઉપર તરફ જાય છે, હિમરેખાના ઓછાવધતા ફેરફારો મુજબ હિમક્ષેત્રના વિસ્તારમાં પણ ફેરફાર થતો રહે છે; દા. ત., હિમાલયમાં પૂર્વ વિભાગમાં હિમરેખા 4500 મીટરની ઊંચાઈએ અને પશ્ચિમ વિભાગમાં તે 5000–5600 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. યુ.એસ.ના રૉકીઝ પર્વતો પર તે 3000 મીટરની ઊંચાઈએ, પશ્ચિમ યુરોપની આલ્પ્સ પર્વતમાળામાં તે 2000 મીટરની ઊંચાઈએ, ગ્રીનલૅન્ડમાં તે 1000 મીટરથી પણ ઓછી ઊંચાઈએ જ્યારે ઉત્તર ધ્રુવ પર તેમજ ઍન્ટાર્ક્ટિકામાં તે સમુદ્રસપાટીએ રહેલી હોય છે. હિમરેખાનો આધાર હિમવર્ષાના પ્રમાણ, ઊંચાઈ, અક્ષાંશ અને પ્રાદેશિક આબોહવાની પ્રવર્તમાન પરિસ્થિતિ પર રહેલો હોય છે.

હિમક્ષેત્ર (ice-field) : સમાન ઉદભવસ્રોત ધરાવતી હિમ-નદીઓની ગૂંથણી ધરાવતું ક્ષેત્ર. તે મહદ્અંશે પર્વત-પ્રદેશો સાથે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે હિમક્ષેત્રનો વિસ્તાર મધ્યમ કદનો (7500 ચોકિમી. જેટલો) હોય છે. હિમક્ષેત્રોની હિમનદીઓમાં પહોળાં થાળાં, હિમગુફાઓ અને હિમનદીના પહાડી પ્રકારો જોવા મળે છે. હિમક્ષેત્રના જુદા જુદા વિભાગો રેખીય હારમાળાઓ, ડુંગરધારો અને છૂટાછવાયા ટેકરાઓને અલગ પાડે છે. હિમક્ષેત્ર હિમચાદરો (ice sheets) અને હિમાવરણ(ice cap)થી જુદું પડે છે.

હિમચાદર સાથેનો તફાવત : હિમચાદર એ ખૂબ જ પહોળાઈ ધરાવતું, બરફનું જાડું દળ હોય છે. તેની ઉપરની સપાટી સમતળ હોય છે અને ઢોળાવ આછો હોય છે. હિમચાદરો પર્વતખીણોના સ્થળદૃશ્ય પૂરતી મર્યાદિત હોતી નથી. હિમચાદરનું કદ સામાન્ય રીતે ખંડીય ઉચ્ચસપાટપ્રદેશ (continental plateau) જેવડું હોય છે; દા. ત., ઍન્ટાર્ક્ટિક હિમચાદર અથવા નીચી ભૂમિના ધ્રુવીય દ્વીપસમૂહ પરની હિમચાદર, ગ્રીનલૅન્ડની હિમચાદર, જ્યાં બરફ લગભગ આખું વરસ એટલે કે બરફ કાયમી જામેલો રહે છે. સામાન્ય રીતે તો હિમચાદરોનું કદ મોટું જ હોય છે, તેમ છતાં કેટલાક નાના કદના (ઓછા વિસ્તૃત) હિમજથ્થાઓને પણ હિમચાદર કહેવામાં આવે છે, કારણ કે તેમનાં કદ એક તબક્કે મોટાં હતાં અને સંજોગવશાત્ ઓગળીને તે આજે નાનાં થયેલાં છે.

હિમાવરણ સાથેનો તફાવત : હિમાવરણ એ શિખરો પર જામેલું ઘૂમટ આકાર ધરાવતું બરફનું દળ હોય છે. મોટે ભાગે તે ઊંચાઈવાળા ભાગો (શિખરો) પર આવરણ રૂપે જોવા મળતું હોય છે. હિમનદીઓ જેવાં જુદાં જુદાં હિમક્ષેત્રોને તે બરફનો જથ્થો પૂરો પાડે છે. ક્યારેક તે જુદાં જુદાં શિખરોને ઢાંકતાં, જુદા જુદા એકમો રચતાં, અલગ અલગ આવરણ પણ હોય છે, તેમનો બહારનો સપાટીભાગ બહિર્ગોળ હોય છે.

સમાન લક્ષણો અને કક્ષાઓ : હિમચાદર, હિમાવરણ અને હિમક્ષેત્ર વચ્ચે જુદી જુદી કક્ષાઓ પણ જોવા મળે છે. નજીક નજીક આવેલાં હિમક્ષેત્રોના થરની જાડાઈ વધતી જાય અને તે વિસ્તૃત બને અથવા તળેટી હિમનદીઓ જોડાઈને એક બની જાય તો આવાં અનેક હિમક્ષેત્રોની એક હિમચાદર બની શકે છે; આથી ઊલટું, એક હિમચાદરમાંથી વચ્ચેના વિભાગોનું ગલન થાય તો હિમક્ષેત્રો બની શકે છે.

હિમનદીના પ્રકારો : હિમસ્વરૂપો અને હિમવિસ્તૃતિને આધારે હિમનદીના જુદા જુદા પ્રકારો પાડવામાં આવેલા છે. તળભૂમિનો આકાર, હિમવર્ષાનો દર અને આબોહવાત્મક ફેરફારોને અનુલક્ષીને નીચે મુજબના પ્રકારોમાં તેમનું વર્ગીકરણ કરાયેલું છે :

1. ખીણહિમનદી (valley-glacier) : જે હિમનદીઓ હિમક્ષેત્રોવાળા પર્વતપ્રદેશોના ખીણ-વિસ્તારોમાં વહેતી હોય, તેમને ખીણ-હિમનદી કહે છે. આ પ્રકારને આલ્પાઇન પ્રકાર કે પર્વતીય પ્રકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યારેક તો હિમગુફાઓ (cirque), જો તે ત્યાં વિકસેલી હોય તો તે પણ તેમને બરફજથ્થો પૂરો પાડે છે. જ્યારે તે ખીણપટમાં સરકે છે ત્યારે તે નદીપ્રવાહ જેવી દેખાય છે. તેમની સરકવાની ગતિ ખીણોના ઢોળાવ પર અથવા બરફ-જથ્થા પર આધારિત રહે છે; એટલું જ નહિ, તે હિમરેખાથી નીચે તરફ પણ વહે છે. આ પ્રકારની હિમનદીઓ આલ્પ્સમાં પ્રથમ વાર ઓળખાઈ હોવાથી તેમને ‘આલ્પાઇન હિમનદી’ જેવું વિશિષ્ટ પ્રાદેશિક નામ પણ અપાયું છે. આલ્પ્સ વિસ્તારમાં આ પ્રકારની લગભગ 2000 જેટલી હિમનદીઓ હોવાનું જાણવા મળ્યું છે. હિમાલય અને નવી ગેડ-પર્વતમાળાઓમાં પણ તે જોવા મળે છે. હિમાલયમાં ખીણ-હિમનદીઓ 3થી 6 કિમી.ની લંબાઈવાળી છે, તો કેટલીક 48 કિમી. કે તેથી વધુ લંબાઈની પણ છે. બિયાફો, બાલ્ટોરો, કેદારનાથ, ગંગોત્રી વગેરે જાણીતી ખીણ-હિમનદીઓનાં ઉદાહરણો છે. અલાસ્કાની હબ્બાર્ડ હિમનદી તેની 128 કિમી. જેટલી લંબાઈ માટે જાણીતી છે. (જુઓ આકૃતિ–2.) ખીણ-હિમનદીઓના પટ ખીણના મુખભાગમાંથી બહાર પડે ત્યારે તેમને બાહ્ય ખીણ-હિમનદી કહે છે. નજીક નજીકની ખીણોમાંથી અહીં તે ભેગી થાય છે.

આકૃતિ 5 : ખીણ-હિમનદી : સ્વિટ્ઝર્લૅન્ડની ‘ફિશર ખીણ-હિમનદી’

2. તળેટીહિમનદી (piedmont glacier) : જ્યારે બે કે તેથી વધુ ખીણ-હિમનદીઓ પર્વતોના તળેટી-ઢોળાવો પર કે મેદાની ભાગમાં જોડાય અને બરફપટનો વિસ્તાર આવરી લે ત્યારે તેને તળેટી-હિમનદી કહે છે. અહીં તે બરફરચિત હિમસરોવર જેવું શ્ય ઊભું કરે છે. અલાસ્કાની માલાસ્પિના હિમનદી તેનું વિશિષ્ટ ઉદાહરણ છે.

3. ખંડીય હિમનદી (continental glacier) : આ પ્રકારની હિમનદીઓ ખંડોના વિશાળ વિસ્તારમાં પથરાયેલી હોય છે. તે ઘણા ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેમની તુલના બરફના સમુદ્ર સાથે કરી શકાય, અર્થાત્ જ્યારે કોઈ પણ હિમક્ષેત્ર વિશાળ ખંડીય વિસ્તારમાં વિસ્તરેલું હોય (તે સમુદ્રસપાટીએ પણ હોઈ શકે), ત્યારે તેને ખંડીય હિમનદી તરીકે ઓળખાવાય છે. તેમને તેમના સ્વરૂપની દૃષ્ટિએ જોતાં હિમપટ કે હિમચાદર પણ કહેવાય. આ પ્રકારના હિમપટ ગ્રીનલૅન્ડ અને ઍન્ટાર્ક્ટિકામાં જોવા મળે છે.

ગ્રીનલૅન્ડનો હિમપટ : તે સમગ્ર ગ્રીનલૅન્ડની ભૂમિનો લગભગ 17,26,000 ચોકિમી. એટલે કે 80 % વિસ્તાર રોકે છે. તેની જાડાઈ આશરે 3000 મીટરની છે અને સ્વરૂપ ગોળ, ઘૂમટ આકારનું છે. કેટલીક જગાએ તેનું તળ સમુદ્રસપાટીથી પણ નીચે રહેલું છે. સમુદ્રકિનારા નજીક તેમાંથી બરફપટ તૂટીને તરતી હિમશિલા – તરતા હિમગિરિ(icebergs)-સ્વરૂપે છૂટો પડે છે. ગ્રીનલૅન્ડના પર્વતભાગો અને ખીણોને પણ તે આવરી લે છે. અહીંના હિમપટનો વિસ્તૃતિ-દર પ્રતિ વર્ષે 150 મીટરનો રહે છે.

ઍન્ટાર્ક્ટિકાની હિમચાદરો : ઍન્ટાર્ક્ટિકાની ખંડીય હિમચાદરોની જાડાઈ સ્થાનભેદે સરેરાશ 300થી 1800 મીટર જેટલી ભિન્ન ભિન્ન છે. મધ્ય ભાગમાં તેની જાડાઈ 3000 મી. છે. તેનો વિસ્તાર (area) 14  106 કિમી.2 (1.4 કરોડ ચોકિમી.) જેટલો છે, કદ (volume) 3 કરોડ ઘનમીટર જેટલું છે અને દળ (mass) 27  1015 મે. ટન છે. બરફનો આટલો વિપુલ જથ્થો પૃથ્વી પરના બધા જ બરફના 85 % થવા જાય છે અને પૃથ્વીનું 75 % સ્વચ્છ જળ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે.

આકૃતિ 6 : તરતા હિમગિરિ

આકૃતિ 7 : હિમનદીઓનો વિસ્તાર ‘ઍન્ટાર્ક્ટિકા હિમપટ’

ઍન્ટાર્ક્ટિકા પરના આટલા વિપુલ બરફજથ્થાને કારણે તેનું નીચેનું ભૂમિતળ સમુદ્રસપાટીથી પણ નીચે દબી ગયેલું છે. તેની કિનારીઓ પરનાં અનેક સરોવરો બરફથી અવરોધાયેલાં છે. હિમપટના મધ્ય ભાગમાં બરફ ઉમેરાતો જવાથી દબાણ વધે છે અને બરફ બાજુઓ પર સરકે છે. સીમાન્ત ભાગોના પર્વતોમાંથી હિમનદીઓ નીકળે છે અને સમુદ્રો તરફ વહે છે. અહીં બરફ મર્યાદિત પ્રમાણમાં ઓગળતો હોઈ, કિનારીઓના ભાગોનો બરફપટ તૂટી પડે છે. તેમાંથી તરતી હિમશિલાઓ બને છે. અહીંના બરફપટની અંદરના ભાગોમાં ભૂગર્ભીય સરોવરો પણ રચાયેલાં છે. બરફના વિપુલ જથ્થાને કારણે આબોહવામાં ફેરફારો થાય છે, પરિણામે નજીકના સમુદ્રની જળસપાટી ઠરી જાય છે. અમુક ભાગોમાં તો બરફ ખંડીય છાજલીના વિસ્તાર સુધી પણ પહોંચી જાય છે.

હિમપટ કરતાં પ્રમાણમાં ઓછા વિસ્તારમાં (પર્વતોમાં કે ઉચ્ચપ્રદેશોમાં) બરફ છવાયેલો હોય તેને હિમાવરણ (ice cap) કહેવાય છે. તેમાંથી નીકળતી હિમનદીઓ પર્વતીય હિમનદી (mountain glacier) કે ઉચ્ચપ્રદેશીય હિમનદી (plateau glacier) કહેવાય છે. શિખરો પરથી ઢોળાવો તરફ તે વિકેન્દ્રિત રીતે પ્રસરે છે, જ્યાં શિખરભાગો ખુલ્લા રહેતા હોય તેમને નુનાટૅક્સ (nunataks) કહેવાય છે.

આકૃતિ 8 : હિમસંતુલન

હિમજથ્થાની સમતુલા (ice balance) : હિમરેખાના સંદર્ભમાં હિમજથ્થાના બે વિભાગો પડે છે : હિમરેખાથી ઉપર તરફનો હિમજમાવટનો વિભાગ અને હિમરેખાથી નીચે તરફનો હિમગલનનો વિભાગ. ઉપર તરફના વિભાગમાં હિમવર્ષાને કારણે હિમકણો ઉમેરાતા જવાથી હિમજમાવટ થતી રહે છે, જ્યારે નીચે તરફના મુખાગ્ર વિભાગમાં ગલન થતું જવાથી બરફ ઓછો થતો જાય છે. ગલન-દર કરતાં જમાવટ-દર વધી જાય તો હિમનદી વૃદ્ધિ પામે છે; પરંતુ એથી ઊલટું બને તો હિમનદી ઘટે છે. બાષ્પીભવન અને ગલનની સંયુક્ત અસરને હિમક્ષય (ablation) કહે છે, અસર પામતો વિભાગ હિમક્ષય વિભાગ (ablation zone) કહેવાય છે.

હિમનદીઓની ગતિ (movement of glaciers) : હિમનદીની ગતિનો મુખ્ય આધાર ઢોળાવ, બરફદળની જાડાઈ અને તાપમાન પર રહે છે. બરફદળના બોજને કારણે સરકવાની સ્થિતિ ઉદભવે છે. સરકવાનો દર સામાન્ય રીતે તો ઘણો ઓછો હોય છે; પરંતુ ઉપર્યુક્ત પરિબળોના વધવા સાથે સરકવાનો દર પણ વધે છે. હિમનદીની ઉપરની સપાટીના મધ્ય ભાગનો વહનદર તેના તળભાગ અને બાજુઓ કરતાં વધુ રહે છે, કારણ કે ત્યાં (તળભાગમાં, બાજુઓમાં) ખડકસંપર્કને કારણે પ્રતિકારનું પ્રમાણ વધુ રહેતું હોય છે.

આકૃતિ 9 : હિમનદીના જુદા જુદા ભાગોની ભિન્ન ભિન્ન ગતિ

હિમનદીનો સરેરાશ ગતિદર પ્રતિદિન થોડાક સેમી.થી અર્ધા મીટર જેટલો કે તેથી થોડો ઓછો હોય છે. હિમાલયમાં તે પ્રતિદિન 10 સેમી.થી 30 સેમી.નો રહે છે. કાશ્મીરમાં સોનમર્ગ નજીક પોતે કોરી કાઢેલા U આકાર ખીણમાર્ગમાં થઈને હિમનદીનો પ્રવાહ વહે છે. આ હિમનદીની ગતિ પ્રતિદિન 30 સેમી. જેટલી રહે છે. આ દરનું મુખ્ય કારણ તેના તળનો ઢોળાવ અને બરફની સુઘટ્યતામાં ઉદભવતો વિક્ષેપ છે. હિમવહનને કારણે અહીં તળખડકોના ટુકડા થાય છે અને પાર્શ્વ હિમઅશ્માવલી (lateral moraine) પણ જમાવટ પામતી રહે છે.

દુનિયાભરમાં જુદી જુદી હિમનદીઓનો સરેરાશ ગતિ-દર તે તે સ્થાનોની પરિસ્થિતિ મુજબ વાર્ષિક 3 મીટરથી 3 કિમી. સુધીનો હોવાનું જાણવા મળ્યું છે. હિમનદીની અસાધારણ તેજ ગતિ તાપમાન કે ભૂકંપ જેવાં કારણોથી અથવા બરફના વિપુલ જથ્થાને લીધે પણ પ્રાપ્ત થતી હોય છે; જેમ કે, 1953માં હિમાલયની કુતિઆહ હિમનદી 3 માસના ગાળામાં 11 કિમી. સરકી ગઈ હતી.

ગતિશીલ હિમનદી તળખડકો પર ઘસારાજન્ય લક્ષણો છોડી જાય છે. તેમાં ગતિદિશાને સમાંતર લાંબાં રેખાંકનો, નાળ જેવાં અર્ધચંદ્રાકાર ચિહનો તેમજ સુંવાળી સપાટીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બરફ બરડ હોવાથી તેમાં ચીરા પણ પડે છે.

આકૃતિ 10 : કમાનાકાર ચિહનો, તળખડકની લીસી સપાટી

હિમપ્રપાત (avalanche) : હિમપટનો જથ્થો, ક્યારેક તળખડક કે અન્ય ખડકદ્રવ્ય સહિત, પર્વતોના ઢોળાવ પરથી તેજ ગતિથી નીચે સરકી જઈ એકાએક તૂટી પડે તે ક્રિયાને હિમપ્રપાત કહે છે. તેનું દળ ઓછું હોય કે વધુ હોય, તે જાનમાલની ભયંકર ખુવારી સર્જી શકે છે. હિમપ્રપાતનો આધાર હિમજથ્થાના પ્રકાર પર રહેલો હોય છે, તેથી તેમને નીચે મુજબ વર્ગીકૃત કર્યા છે : ખડકમિશ્ર હિમપ્રપાત, ભેજયુક્ત હિમપ્રપાત, શુષ્ક હિમપ્રપાત, ઢોળાવ-આધારિત લટકી રહેલો હિમરાશિ તથા વાવાઝોડાની આકસ્મિક અસરથી થતો હિમપ્રપાત.

શુષ્ક હિમપ્રપાત એટલે કે ભેજવિહીન, ઘનિષ્ઠ બરફનો પાત હિમવર્ષા થઈ ગયા પછીના અમુક અમુક દિવસોના આંતરે થવાની શક્યતા રહે છે. તે આખા ને આખા ઢોળાવોને આવરી લઈ શકે, પછી ભલે ને ત્યાં વનસ્પતિ-આચ્છાદન હોય કે જંગલ હોય. તેમની પાત-ગતિ કલાકે ક્યારેક 160 કિમી.થી પણ વધુ રહેતી હોય છે. ભેજયુક્ત હિમપ્રપાત સામાન્ય રીતે તો વરસાદની મોસમ હોય, ભેજવાળું હવામાન હોય ત્યારે થતા હોય છે, જોકે તેમની પાત-ગતિ ઓછી ઝડપી હોય છે; તેમ છતાં તે વિનાશ તો સર્જી શકે છે. હવા ભરાઈ રહેલી હોય એવા હિમપટનું દળ મોટું હોય છે, તેમની પાત-ગતિ અતિ ઝડપી હોય છે અને તે ભયંકર વિનાશ વેરે છે.

હિમપ્રપાત થવાની શક્યતા 25°થી ઓછા ઢોળાવો પર ઓછી અને 35°થી વધુ હોય એવા ઢોળાવો પર વધુ હોય છે. બાહ્યગોળ ઢોળાવો પર તેનું પ્રમાણ વિશેષ રહે છે. જૂનો જામેલો હિમપટ હોય કે નવો બનેલો હિમજથ્થો હોય, તે તૂટીને પડી જઈ શકે છે. 30 સેમી. કે તેથી વધુ જાડાઈના પટ, જો ઢોળાવો પર જ જામેલા હોય, તો તૂટી પડવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, તાપમાનના ફેરફારો, આંદોલનો, ભંગાણ તથા ઢોળાવો પર અસર કરતા અન્ય વિક્ષેપો તેમાં સહાયભૂત થઈ પડે છે. આલ્પ્સ અને હિમાલયના ઊંચાણવાળા–ઢોળાવવાળા વિસ્તારોમાં હિમપ્રપાત થયા કરતા હોય છે.

હિમપ્રપાતની આગાહી કરી શકાય કે તેને રોકી શકાય કે કેમ તે આજે વિજ્ઞાનની સમસ્યા છે. પુનર્વનીકરણ, હિમ-છત બાંધવાનું કાર્ય, જરૂરી આડશો તૈયાર કરવાનું કાર્ય — આ પ્રકારનાં જુદાં જુદાં આયોજનો વિચારાઈ રહ્યાં છે. પ્રપાતની ક્રિયાને સંપૂર્ણપણે તો રોકી ન શકાય; પરંતુ તેના પર નિયંત્રણ તો જરૂર મૂકી શકાય. હિમપ્રપાતની શક્યતાવાળા વિસ્તારોનું વારંવાર નિરીક્ષણ કરતાં રહેવાથી, જરૂર જણાય ત્યાં, ઢોળાવો પરના બરફજથ્થાને કૃત્રિમ રીતે ખેસવી દેવાથી, અથવા સ્ફોટકો ફોડી હિમદળને પિગળાવી દેવાથી, પ્રપાતની વિનાશકતા પર થોડુંઘણું નિયંત્રણ તો જરૂર લાવી શકાય.

ઉદાહરણો : (1) 1970માં દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુના હુઆસ્કેરન પર્વત પરથી હિમપ્રપાત થયેલો, જેનાથી 18,000 લોકોનાં મોત નીપજેલાં.

(2) 1980માં યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યના સેન્ટ હેલેન્સ જ્વાળામુખી શિખરમાં એકાએક પ્રસ્ફોટ થયેલો. પરિણામે ત્યાંનો 30,000 ઘનમીટર જેટલો બરફજથ્થો તૂટીને કલાકના 400 કિમી.ના વેગથી પર્વતના ઢોળાવ નીચે ધસી પડેલો.

આકૃતિ 11 : હિમપ્રપાત

હિમચીરા (crevasses) : ગતિશીલ હિમનદીના બરફદળ ઉપરની સપાટી પર ઉદભવતી તડો કે ફાટોને હિમચીરા કહે છે. બરફદળનો નીચેનો ભાગ બોજ હેઠળ રહેતો હોવાથી સુઘટ્ય ગુણધર્મવાળો જ્યારે ઉપરનો ભાગ બોજવિહીન હોવાથી બરડ બની રહે છે. ઉપરનો ભાગ વધુ ગતિશીલ રહેતો હોવાથી ગતિભિન્નતા ઉત્પન્ન થાય છે, તેને કારણે તણાવનું પ્રતિબળ (tensile stress) પેદા થતું હોવાથી જુદી જુદી દિશાકીય ગોઠવણીવાળી તડો પડતી જાય છે. ઉપલી સપાટી પર વધુ ગતિને કારણે આડા–અનુપ્રસ્થ ચીરા કિનારીઓ પર તેમજ બાજુઓ પર ખડકસંપર્કથી થતા અવરોધ અને ઘર્ષણને કારણે ત્રાંસા ચીરા, સાંકડા ખીણભાગમાંથી પહોળા ખીણભાગમાં આવે ત્યારે લાંબા–અનુદીર્ઘ, સમાંતર ચીરા પડે છે. આ પ્રકારના હિમચીરા ક્યારેક તો 30 મીટરની ઊંડાઈવાળા (ઍન્ટાર્ક્ટિકાની હિમચાદરોમાં તે 50 મીટરની ઊંડાઈવાળા) હોય છે. હિમચીરાઓ એ બરફમાં પડેલી ખાલી જગાઓ હોવાથી ત્યાં હિમગલન થાય છે, તેમાં ખડકચૂર્ણ પ્રવેશે છે. ચીરાઓની ગોઠવણી (દિકસ્થિતિ) પરથી હિમનદીની દિશાનો ખ્યાલ મેળવી શકાય છે.

આકૃતિ 12 : હિમચીરા અને તળખડક ઘર્ષણ

હિમનદીજન્ય ઘર્ષણ (glacial erosion) : હિમનદીજન્ય ઘર્ષણ નીચે મુજબ થાય છે :

હિમઅસર (frost action) : તાપમાનના ફેરફારોને કારણે હિમગલન થવાથી ઉદભવતું પાણી તળખડકોની ફાટોમાં ભરાઈ જાય છે, જે ફરીથી ઠરી જતાં કદવૃદ્ધિને પરિણામે ફાટોની આજુબાજુની ખડકદીવાલો કરચો અને ફાચરોમાં તૂટે છે.

ઘર્ષણક્રિયા (abrasion) : હિમનદીનો બરફજથ્થો જેમ જેમ સરકતો જાય છે, તેમ તેમ તળખડક-સપાટી પર ઘર્ષણ થાય છે, તેમાં રેખાંકનો (striations), લીસી સપાટીઓ(polished surfaces)ની રચના થાય છે. આ પ્રકારનાં ઘર્ષણ લક્ષણોનો મુખ્ય આધાર બરફજથ્થા અને ઢોળાવ પર રહે છે. હિમનદીનો મુખાગ્રભાગ તળખડકો પર બુલડોઝરનું કાર્ય કરે છે, ખડકો ખોતરાય છે, નાનામોટા ખડકટુકડાઓ અને ખડકચૂર્ણ તૈયાર થાય છે.

આ ઉપરાંત, ખીણ-હિમનદીના સરકવાના માર્ગ કરતાં બરફજથ્થાનું પ્રમાણ વધી જાય ત્યારે બાજુની દીવાલો પર બરફના અથડાવાથી દબાણ વધે છે. ખડકો ખોતરાતા જઈને તૂટે છે. હિમપ્રપાત અને ખડકપાત થવાના સંજોગો પણ ઉદભવે છે. આમ વિભંજન પામેલું ખડકદ્રવ્ય હિમનદીની સાથે સાથે આગળ વધે છે.

હિમનદીના વિસ્તારમાં ઉદભવતાં ઘર્ષણજન્ય લક્ષણો આ મુજબ છે : (i) ‘યુ’ ખીણ, (ii) ઝૂલતી ખીણ, (iii) હિમગુફા, (iv) ફિયૉર્ડ, (v) એરેટ, (vi) કૉલ (ગર્ત), (vii) હિમનદી ઘર્ષિત શૃંગ, (viii) રૉશ મૂતૉની, (ix) ક્રૅગ અને ટેઇલ.

(i) ‘યુખીણ : ખીણનો એક પ્રકાર. તે હિમજન્ય ઘસારાનું પરિણામ છે. પર્વતીય પ્રદેશના ખીણપથમાં બરફજથ્થાના ગાળા દરમિયાન હિમનદી ત્યાંના તળખડકોને સમતળ સ્થિતિમાં અને ટેકરીઓની બાજુઓને ઊભા સીધા ઢોળાવ આકારમાં ઘસે છે; પરિણામે ‘U’ આકાર જેવો આડછેદ દર્શાવતી ખીણો રચાય છે. કાશ્મીર વિસ્તારના ઉચ્ચ હિમાલયમાં જોવા મળતી મોટા ભાગની ખીણો ‘યુ’ આકારની છે.

(ii) ઝૂલતી ખીણ (hanging valley) : જુઓ વિશ્વકોશ ગ્રંથ 8.

  આકૃતિ 13અ : હિમગુફા – કુદરતી દૃશ્ય

આકૃતિ 13આ : હિમગુફા આડછેદ

(iii) હિમગુફા (cirque) : હિમજથ્થામાં આરામખુરશી જેવા આકારનું પોલાણ. હિમક્ષેત્રીય પર્વતપ્રદેશના ખીણવિસ્તારોમાં હિમજન્ય ઘસારાથી ક્રમશ: ઉદભવતું ગોળાકાર, અર્ધગોળાકાર, પોલાણવાળું ભૂમિસ્વરૂપ. પોલાણનો બેઠકવાળો નીચેનો અગ્રભાગ પહોળા વાડકા જેવો ખુલ્લો, પીઠનો અને બાજુઓનો ભાગ ઊભા ઢાળવાળો, સાથે સાથે બાજુઓની કિનારીઓ ખુરશીના હાથાની જેમ પસારેલા હાથ જેવી હોય છે. આ પ્રકારનાં પોલાણો હિમગુફા તરીકે ઓળખાય છે. તેમનો વ્યાસ થોડાક મીટરથી માંડીને થોડાક કિલોમિટરનો હોઈ શકે છે. મોટે ભાગે તે હિમનદીજન્ય ખીણોના ઉપરવાસમાં જોવા મળે છે. તેમનું દૃશ્ય ઉપરથી જોતાં, પહોળા કટોરા જેવું લાગે છે. પોલાણના બેઠકવાળા મધ્ય ભાગમાં જળભરાવો થતાં નાનકડા સરોવર જેવું બની રહે છે, તેને હિમગુફા સરોવર (tarn) કહે છે. નજીક નજીકની બે હિમગુફાઓ જોડાઈ જતાં ઊભી કરાડ જેવો વિભાજક (arete) રચાય છે; એરેટમાં ઉદભવતાં ગર્ત ‘કૉલ’ કહેવાય છે; બે કે વધુ હિમગુફાઓ જોડાય તો શૃંગ (horn) તૈયાર થાય છે.

હિમનદીપથમાંના ખડકોનાં બંધારણ અને રચના સરકતા બરફજથ્થાને અને તેનાથી થતા ઘસારાને અનુકૂળતા કરી આપે તો જ હિમગુફા બને છે. ખડકોમાંની તડો અને બખોલોમાં ઊતરેલાં પાણી કે હિમ દિવસે ઓગળે અને રાત્રે ઠરતાં જાય, તેથી કદ-સંકોચન, કદ-પ્રસારણ વારાફરતી થતાં જાય; તડો-બખોલોની દીવાલોનું વિભંજન થાય, તૂટેલા ખડકટુકડા છૂટા પડી નીકળતા જાય, તડો બખોલોમાં અને બખોલો પોલાણોમાં ફેરવાતી જાય – આમ હિમગુફાઓ ઉદભવે. બરફ-જથ્થાની જમાવટથી વચ્ચેનો ભાગ નીચે તરફથી વધુ ખોતરાય, બાજુઓ ઊભી ખોતરાય, પરિણામે આરામખુરશી જેવાં પોલાણો તૈયાર થાય. ઊંચા પર્વત-વિભાગોમાં આજે જોવા મળતી ઘણી હિમગુફાઓ વર્તમાન સ્થિતિમાં તો કાર્યરત નથી; પરંતુ છેલ્લા હિમકાળના અવશેષો રૂપે જળવાયેલી છે.

આકૃતિ 14 : હિમજન્ય ઘસારાનાં લક્ષણો

(iv) ફિયૉર્ડ (fiord) : જુઓ વિશ્વકોશ ગ્રંથ 12.

(v) એરેટ, (vi) કૉલ, (vii) હિમનદી ઘર્ષિત શૃંગ : જુઓ હિમગુફા.

(viii) રૉશ મૂતૉની (Roches Moutonnees) : હિમનદીજન્ય ઘસારાનાં પરિબળોથી થતું ઘર્ષણ ખડકોના પ્રકાર પર પણ આધાર રાખે છે. મૃદુ ખડકો સરળતાથી ઘસાઈ જાય છે, સખત ખડકો ઘર્ષણનો પ્રતિકાર કરતા રહે છે અને પ્રમાણમાં ઓછા ઘસાય છે. પરિણામે હિમનદીઓના વિસ્તારમાં ઘસારો પામેલા સખત ખડકોથી રચાયેલા ટેકરાઓ જેવાં ભૂમિસ્વરૂપો જોવા મળે છે, જેમની ઉપરવાસ તરફની બાજુ આછા ઢોળાવવાળી, મોટે ભાગે સરખા પ્રમાણમાં ઘસાયેલી, લીસી સપાટીવાળી અને હેઠવાસ તરફની બાજુ સીધા ઢોળાવવાળી, અનિયમિત તથા ખરબચડી હોય છે. સીધા ઢોળાવ પરના ખડકોમાં સાંધા ઉદભવે તો સોપાન આકારની રચના દેખાતી હોય છે. આ પ્રકારના ટેકરાઓ ‘રૉશ મૂતૉની’ (મૂળ ફ્રેંચ શબ્દ = સૂતેલા ઘેટાના આકાર જેવું દૃશ્ય) તરીકે ઓળખાય છે. જૂના સમયની હિમનદીઓએ કરેલી આ પ્રકારની ઘસારાજન્ય રચના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

આકૃતિ 15 : રૉશ મૂતૉની

(ix) ક્રૅગ અને ટેઇલ : જુઓ વિશ્વકોશ ગ્રંથ 6.

હિમનદીની વહનક્રિયા (transport action) : હિમનદીના સરકવાની સાથે સાથે અસર પામતા ખડકોનું ખવાણ, હિમપ્રપાત અને ઘર્ષણ દ્વારા થતું વિભંજન નાના-મોટા પરિમાણવાળા ખડક-ટુકડાઓમાં પરિણમે છે, જે બરફદળ સાથે જોડાઈને ખેંચાય છે. આ રીતે ઉદભવતું ખડકદ્રવ્ય ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય : (i) આચ્છાદિત ખડકદ્રવ્ય (superglacial debris) : હિમનદીની ઉપરની સપાટી પરનું હિમમિશ્રિત ખડકદ્રવ્ય. (ii) આંતરિક ખડકદ્રવ્ય (englacial debris) : બરફદળની અંદર ભળેલું ખડકદ્રવ્ય. (iii) અધોહિમજન્ય ખડકદ્રવ્ય (subglacial debris) : તળખડક પરનું પણ બરફદળ નીચેનું ખડકદ્રવ્ય. આ ત્રણે પ્રકારનું ખડકદ્રવ્ય છેવટે હિમનદીના મુખાગ્રભાગ પર એકત્રિત થતું રહે છે, જે હિમઅશ્માવલીના સ્વરૂપે મળે છે. હિમનદીઓ ક્યારેક આવું ખડકદ્રવ્ય વિપુલ જથ્થામાં આગળ લઈ જાય છે, તેમાં મોટા પરિમાણવાળા ગુરુગોળાશ્મોને અભ્યાગત ગુરુગોળાશ્મ દ્રવ્ય (erratic blocks) કહેવાય છે. આ પૈકી આધારવિહીન, અસ્થાયી સ્થિતિમાં રહેલા અભ્યાગત ગુરુગોળાશ્મ ખડકદ્રવ્યને દુ:સ્થિત શૈલખંડ (perched blocks) તરીકે ઓળખાવાય છે.

હિમનદીજન્ય નિક્ષેપો : હિમનદી દ્વારા વહન પામીને જમા થતા ખડકદ્રવ્યજથ્થાને હિમનદીજન્ય અપવહન (glacial drift) કહે છે. વિવિધ આકાર, પ્રકાર અને કદવાળો દ્રવ્યજથ્થો તેના તળભાગ પર, બાજુઓ પર કે છેડા પર જમા થતો રહે છે. હિમનદીજન્ય અપવહનના બે પ્રકારો પાડવામાં આવેલા છે :

આકૃતિ 16 : બરફ દ્વારા વહન પામતું ખડકદ્રવ્ય

(i) જે જથ્થો સ્તરબદ્ધતાવિહીન અને ગોઠવણીરહિત હોય તેને ટિલ અથવા ટિલાઇટ કહે છે. (જુઓ, અધિકરણ ટિલ (ટિલાઇટ).) તેનું નિક્ષેપદ્રવ્ય સૂક્ષ્મ માટીથી માંડીને ગુરુગોળાશ્મ સુધીનું હોઈ શકે છે. આ દ્રવ્યો જ્યારે છૂટાં, નરમ હોય અને પૂરેપૂરી ઘનિષ્ઠ સ્થિતિમાં ન હોય ત્યારે તેને ‘ટિલ’ અને ઘનિષ્ઠ સ્થિતિમાં હોય ત્યારે તેને ‘ટિલાઇટ’ કહે છે. હિમઅશ્માવલિઓનો પણ આ પ્રકારમાં સમાવેશ થાય છે.

(ii) હિમનદી દ્વારા તેમજ હિમગલનથી તૈયાર થતા જળની ક્રિયા દ્વારા જે નિક્ષેપજથ્થો મિશ્ર સ્વરૂપે જમાવટ પામે તેને હિમજળજન્ય નિક્ષેપ (fluvioglacial deposit) કહે છે, તેમાં સ્તરબદ્ધતા, કણગોઠવણી અને પ્રવાહપ્રસ્તર હોઈ શકે છે. આ લક્ષણો દ્વારા તે ટિલથી જુદો પડે છે. સ્થાન અને આકારને આધારે તે જુદાં જુદાં સ્વરૂપોથી ઓળખાય છે.

નિક્ષેપસ્વરૂપો : 1. હિમઅશ્માવલિઓ (moraines) : હિમનદી દ્વારા સ્થાનિક જમાવટ પામેલા, ખડકટુકડા, રેતીકણો, કાંપ, માટી વગેરેથી બનેલા હિમજન્ય નિક્ષેપને હિમઅશ્માવલિ કહે છે. તેમનું દ્રવ્યબંધારણ મોટે ભાગે તો વિષમાંગ હોય છે અને ઘણુંખરું તે હિમનદીની આજુબાજુનાં નજીકનાં સ્થાનોમાં જોવા મળે છે. આ કારણે તેમનો ‘ટિલ’માં સમાવેશ કરવામાં આવેલો છે; પરંતુ જ્યારે જળજન્ય નિક્ષેપ તેમાં ભળે છે ત્યારે તે સ્તરબદ્ધ અને ગોઠવણીવાળો નિક્ષેપ બની રહે છે. સ્થાનભેદે હિમઅશ્માવલિઓને જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે :

(i) અંતિમ હિમઅશ્માવલિ (terminal moraine) : હિમનદીના છેડા પર, નજીક કે થોડે દૂર, ઓછી કે વધુ જાડાઈવાળા નિક્ષેપો તૈયાર થાય છે. અહીં હિમનદીના બરફનું પાણીમાં રૂપાંતર થવાથી, વહન પામીને સાથે આવેલો દ્રવ્યજથ્થો જમા થતો રહે છે. તાપમાનના બદલાતા સંજોગ હેઠળ તે આગળ-પાછળ પણ એકત્ર થાય છે. કોઈ કોઈ જગાએ 30 મીટરની ઊંચાઈવાળા ઢગ પણ તેમાં બની શકે છે. આ પ્રકારની હિમઅશ્માવલિ પીછેહઠ કરતી જતી હિમનદીને કારણે પણ બનતી હોવાથી તેને પ્રતિક્રમિત હિમઅશ્માવલિ (recessional moraine) પણ કહે છે.

(ii) તળ હિમઅશ્માવલિ (ground moraine) : હિમનદીની નીચેના તળખડકો પર જામીને રહેલા દ્રવ્યજથ્થાને તળ હિમઅશ્માવલિ કહે છે. ખંડીય હિમપટ હેઠળ અથવા હિમનદીના નીચેના ભાગમાં આ પ્રકારના જથ્થા જામેલા જોવા મળે છે. તેમનું પડ પાતળું હોય છે અને સપાટી-લક્ષણ અનિયમિત હોય છે. હિમનદી વિલોપ પામે ત્યારે જ તે દેખાય છે.

(iii) પાર્શ્વ હિમઅશ્માવલિ (lateral moraine) : હિમનદીના પ્રવાહપથની બંને બાજુઓ પર સળંગ કે ખંડિત લંબાઈમાં આ પ્રકારની જમાવટ થતી હોય છે. હિમનદીની ગતિને કારણે તેની જાડાઈ અચોક્કસ રહે છે. ક્યારેક તે 30 મીટરની ઊંચાઈવાળા ઢગ પણ બનાવે છે. હિમનદી વિલુપ્ત થાય ત્યારે જ તે દેખાય છે.

(iv) મધ્યસ્થ હિમઅશ્માવલિ (medial moraine) : નજીક નજીકની બે પાર્શ્વ હિમઅશ્માવલિઓના ઢગ જોડાઈ જવાથી મધ્યસ્થ હિમઅશ્માવલિ રચાય છે. મોટે ભાગે તે તળેટી હિમનદીના શિખાગ્ર ભાગમાં જોવા મળે છે. તે લાંબા ટેકરાઓ(mounds)ના સ્વરૂપમાં અને સ્થાનભેદે જુદી જુદી જાડાઈવાળી હોય છે.

આ ઉપરાંત, હિમનદીના બરફદળની અંદર રહેલો ખડકચૂર્ણજથ્થો હિમસ્રોતાંતર અથવા આંતરિક હિમઅશ્માવલિ (englacial moraine) અને બરફદળના નિમ્નભાગ સાથે વહન પામતો ચૂર્ણજથ્થો નિમ્ન હિમઅશ્માવલિ (subglacial moraine) જેવાં નામથી ઓળખાય છે; નિમ્ન હિમઅશ્માવલિને તળ હિમઅશ્માવલિના પેટાપ્રકાર તરીકે પણ ઘટાવી શકાય. આ દ્રવ્યજથ્થા બરફના ઓગળવાની સ્થિતિ મુજબ ઉપર જણાવેલા કોઈ પણ પ્રકાર સાથે ભળી જઈ શકે છે.

 

આકૃતિ 17 : અંતિમ, પાર્શ્વ, તળ, મધ્યસ્થ હિમઅશ્માવલિ

હિમનદટીંબો (drumlin) : હિમનદીજન્ય ભૂમિસ્વરૂપનો એક નિક્ષેપ પ્રકાર. હિમચાદરો કે હિમનદીના વિસ્તારોમાં હિમજન્ય નિક્ષેપથી રચાયેલી લાંબી ટેકરી કે ડુંગરધાર (ridge) હિમનદ-ટીંબા તરીકે ઓળખાય છે. ટીંબો જેનાથી બનેલો હોય તે દ્રવ્ય ટિલ તરીકે ઓળખાતા ગ્રૅવલ-નિક્ષેપથી, હિમનદીજન્ય ઘસારાથી તૈયાર થયેલા ખડકચૂર્ણથી એટલે કે હિમઅશ્માવલિથી, ગુરુગોળાશ્મ મૃદથી, માટીથી અથવા રેતીથી કે તેમના સંમિશ્રણથી તૈયાર થયેલું હોય છે. તેમાં સ્તરબદ્ધતા હોતી નથી.

તેમનું જમાવટ દ્રવ્ય ક્યારેક 100 % તળખડકના વિભંજન-દ્રવ્યથી તો કેટલાકમાં 100 % હિમનદીજન્ય નિક્ષેપોથી તો વળી કેટલાકમાં અંદરનો મધ્ય ભાગ તળખડકોથી અને ઉપરનું આવરણ હિમનદીજન્ય નિક્ષેપોથી બનેલું હોય છે.

મોટે ભાગે તેનો આકાર વહેલ માછલીની પીઠ જેવો અથવા ઊંધા મૂકેલા ચમચા જેવો હોય છે. તેનો શીર્ષ ભાગ સીધાઊભા ઢોળાવવાળો અને બાકીનો બધો ભાગ આછા ઢોળાવવાળો હોય છે, પુચ્છભાગ પછીના સ્થળદૃશ્યમાં ક્રમશ: ભળી જાય છે. સ્થાનભેદે તેનો તળભાગ અંતર્ગોળ, લંબગોળાકારમાં પથરાયેલો હોય છે. આખુંય સ્વરૂપ હિમનદીના સરકવાની દિશામાં વહનપથને સમાંતર લંબાયેલું હોય છે. સામાન્ય રીતે, તે 1થી 2 કિમી.ની લંબાઈવાળા, 400થી 500 મીટરની પહોળાઈવાળા અને ઊંચાઈમાં 3 મીટરથી 60 મીટર પરિમાણ ધરાવતાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં જોવા મળે છે.

આછા ઢોળાવવાળા વિસ્તારપટમાં અગાઉ અસ્તિત્વ ધરાવતી હિમનદીઓએ આવાં ભૂમિસ્વરૂપો તૈયાર કરેલાં હોય છે. ક્યારેક તે નજીક નજીક એકબીજાને સમાંતર, સમૂહમાં પણ મળે છે; ક્યારેક એકના પુચ્છભાગને આચ્છાદિત કરી દેતો બીજો ટીંબો શરૂ થતો હોય એવાં સ્વરૂપોમાં પણ મળી રહે છે. જમાવટનું મુખ્ય કારણ હિમનદીજન્ય ઘસારો અને તેમાંથી ઉદભવતા જતા નિક્ષેપનું સંવૃદ્ધીકરણ જ હોય છે.

ઉત્તર ગોળાર્ધમાં, ઉત્તર આયર્લૅન્ડમાં, યુ.એસ.ના ન્યૂયૉર્ક તેમજ વિસ્કોન્સિનના વિસ્તારોમાં, કૅનેડાના નૉવા સ્કોશિયા જેવા પ્રદેશોમાં આજે તે જોવા મળે છે.

આકૃતિ 18 : હિમનદ-ટીંબો (ઉત્તર અમેરિકાના મધ્ય-પૂર્વ મૅસેચૂસેટ્સમાં આવેલા હિમનદ-ટીંબાનું પાર્શ્વદૃશ્ય)

હિમજળજન્ય નિક્ષેપો (fluvio-glacial deposits) : હિમપટ આચ્છાદિત વિસ્તારોમાં તેમજ હિમનદી પ્રવાહપથના વિસ્તારોમાં હિમજન્ય અને જળજન્ય મિશ્ર નિક્ષેપો પણ તૈયાર થાય છે. આ પ્રકારના મિશ્ર નિક્ષેપોને હિમજળજન્ય નિક્ષેપો કહે છે. એસ્કરો અને કેઇમો તેનાં ઉદાહરણો છે. હિમજન્ય નિક્ષેપોમાં ઉદભવતાં વાડકા આકારનાં પોલાણો કીટલ તરીકે ઓળખાય છે.ટ

આકૃતિ 19 : હિમનદીજન્ય મિશ્ર લક્ષણો

 (જુઓ, કીટલ.) હિમપટના છેડાના ભાગોમાં વહન પામીને આવેલો નિક્ષેપ બરફ ઓગળવાથી પાણી સાથે ખેંચાતો જઈને પથરાતો જાય છે અને સપા મેદાની વિભાગ રચે છે, જે મુખાગ્ર ભાગનાં મેદાનો (outwash plains) તરીકે ઓળખાય છે. મેદાની વિભાગના બરફપટ નજીક પંખાકાર કાંપ (fluvioglacial fans) જેવી તથા ત્રિકોણપ્રદેશ (fluvioglacial delta) જેવી રચનાઓ પણ થાય છે.

હિમનદી દ્વારા તૈયાર થયેલાં નાના પાયા પરનાં સરોવરોમાં પણ નિક્ષેપ જમા થતો હોય છે, જેનું નિક્ષેપદ્રવ્ય જુદા જુદા કણકદનું હોય છે તેમજ મોસમ મુજબ જમા થતું દ્રવ્ય જુદાં જુદાં ભૌતિક લક્ષણોવાળું હોય છે, પરિણામે આછા અને ઘેરા રંગવાળા નિક્ષેપોનાં વારાફરતી પડ બનાવે છે, એક એક જૂથ એક એક સ્તર રચે છે. આ પ્રકારની હિમજળજન્ય નિક્ષેપરચના રંગવૈવિધ્ય અને પડવાળી હોવાથી ‘વાર્વ્ઝ’ (varves) તરીકે ઓળખાય છે.

બહોળું અર્થઘટન કરતાં એક વર્ષમાં જામેલા કણનિક્ષેપ પડને વાર્વ કહેવાય. વાસ્તવમાં આ પ્રકારના નિક્ષેપો હિમનદીના ઓગળેલા પાણીથી બનેલાં સરોવરોમાં જે કણજમાવટ થાય તે પૂરતા મર્યાદિત ગણાય છે. આ પ્રકારના નિક્ષેપોની વાર્ષિક જમાવટ ઉનાળામાં સ્થૂળ કણકદવાળા અને આછા રંગવાળા પડથી, જ્યારે શિયાળામાં સૂક્ષ્મ કણકદવાળા અને ઘેરા રંગવાળા પડથી થાય છે. વર્ષોવર્ષનાં ક્રમિક ‘વાર્વ્ઝ’ (પડ) સામાન્ય રીતે તો 2.5 સેમી. કે તેથી ઓછી જાડાઈ ધરાવતાં હોય છે. સ્થાનભેદે મળતાં જાડાં અને પાતળાં ‘વાર્વ્ઝ’ પરથી મોસમની અને વર્ષોની ગણતરી કરી શકાય છે. સંખ્યાની ગણતરી અને સહસંબંધ પરથી ઉત્તર ગોળાર્ધ માટે (દ ગિયર અને તેના શિષ્યો દ્વારા) પ્લાયસ્ટોસીનની કાળગણના બારીકાઈથી કરવામાં આવી છે. સ્વીડનમાં ‘વાર્વ્ઝ’ પરથી 18,000 વર્ષનો ભૂસ્તરીય ઇતિહાસ પણ જાણી શકાયો છે. આવાં પડ પ્રાચીન ખડકોમાં પણ જોવા મળેલાં છે; પરંતુ પડ વાર્ષિક છે કે નહિ તેનો નિર્ણય થઈ શકેલ નથી.

હિમજન્ય નિક્ષેપનાં અભ્યાગત સ્વરૂપો (erratic blocks) : જુદાં જુદાં પરિમાણવાળાં ગુરુગોળાશ્મ કે ગચ્ચાં હિમનદીના ઘસારાથી વહન પામી સ્થાનાંતરિત થતાં હોય છે, તેથી જ જે સ્થાનમાં તે જોવા મળે છે ત્યાંના ખડકો સાથે સંબંધ ધરાવતાં હોતાં નથી. આ કારણે તેમને અભ્યાગત ગણાવાય છે; જેમ કે, ગ્રૅનાઇટનું કોઈ વિશાળ ગચ્ચું, કોઈક વાહક પરિબળ દ્વારા સ્થાનાંતરિત થઈને દૂરના ચૂનાખડકથી બનેલી ખીણવિસ્તારમાં જોવા મળે તો તે અભ્યાગત ગણાય. આ પ્રકારે મળતા અભ્યાગત ખડકટુકડા તેમના મૂળ સ્થાનનો અને બરફજથ્થાની ગતિ-દિશાનો અણસાર આપે છે. તરતી હિમશિલાઓ દ્વારા તે વહન પામ્યાનું પણ એક સૂચન કરાયેલું છે. ઉત્તર ગોળાર્ધના મધ્ય અક્ષાંશોના કેટલાક ભાગોમાં તે જોવા મળેલા છે. કાઝનાગ હારમાળાના ગ્રૅનાઇટ-નાઇસમાંથી પ્રાપ્ત સંખ્યાબંધ અભ્યાગત ખડક-ટુકડા ઊરી અને બારામુલા વચ્ચેની જેલમ ખીણમાં જોવા મળેલા છે.

હિમનદીજન્ય ભૂમિદૃશ્ય (glacial topography) : નદીઓની જેમ હિમનદીઓ પણ વિવિધ પ્રકારનાં સ્થળદૃશ્ય બનાવે છે, જે મુખ્યત્વે ઘસારાજન્ય કે નિક્ષેપજન્ય હોય છે. સ્થાન મુજબ તેના ત્રણ પ્રકાર પાડેલા છે :

(i) ઉપરવાસનાં સ્થળદૃશ્ય : ઊંચાઈવાળાં પર્વતશિખરો બરફજથ્થાની અસર હેઠળ આવવાથી અણીદાર શૃંગ, અનિયમિત ઢોળાવ અને આકારોમાં ફેરવાય છે. હિમગુફાઓ, હિમશૃંગો, ‘કૉલ’ (ગર્ત) અને ‘એરેટ’નો તેમાં સમાવેશ થાય છે.

(ii) મધ્ય વિસ્તારનાં સ્થળદૃશ્ય : મધ્ય વિસ્તારના ભાગમાં જોવા મળતાં; પરંતુ ઉપરવાસના ભાગો તરફનાં ભૂમિસ્વરૂપો અણિયાળી ખડકસપાટીઓવાળાં, ઉગ્ર ઢોળાવવાળાં હોય છે. U આકારની ખીણો અહીં રચાય છે, ઝૂલતી ખીણો, જિહવાગ્ર આકારની ટેકરીઓ, ‘ટાર્ન’ (સરોવરો), સોપાનો, ‘કેઇમ્સ’ વગેરે અહીં જોવા મળે છે. અહીં ખીણો વધુ તૈયાર થાય છે; હેઠવાસ તરફના ઢોળાવો લીસા હોય છે; ટૂંકમાં, ઘસારાજન્ય લક્ષણોનું પ્રમાણ મધ્ય વિસ્તારમાં વધુ હોય છે.

(iii) હેઠવાસનાં સ્થળદૃશ્ય : મુખાગ્ર ભાગના સપાટ મેદાની પ્રદેશો, હિમનદ-ટીંબા, ‘એસ્કર’, ‘કેઇમ્સ’, ‘કીટલ્સ’, હિમઅશ્માવલીઓનું વિશેષ પ્રમાણ, અભ્યાગત ખડકટુકડા, ‘ફિયૉર્ડ’ આ વિસ્તારમાં જોવા મળતાં લાક્ષણિક ભૂમિસ્વરૂપો છે.

પ્લાયસ્ટોસીન–અર્વાચીન કાળગાળા દરમિયાન હિમાલયની હિમનદીઓમાં થયેલી વૃદ્ધિ અને પીછેહઠ : હિમાલય પર્વતમાળાને તેની લંબાઈ મુજબ ઉત્તરથી દક્ષિણ તરફ ઉચ્ચ, મધ્ય અને લઘુ હિમાલય જેવા ત્રણ વિભાગોમાં વહેંચેલી છે. તે પૈકીના મધ્ય હિમાલય વિભાગમાં હિમનદીઓનું પ્રમાણ વધુ છે; પરંતુ ત્યાંના નીચા ભાગોમાં આજે તે ઓછી જોવા મળે છે; તેમ છતાં કેટલાક ભાગોમાં પ્લાયસ્ટોસીન સમયમાં હિમીભવન થયેલું તેના પુરાવા મળી રહે છે. પ્લાયસ્ટોસીન દરમિયાન મધ્ય હિમાલય વિભાગ ઓછામાં ઓછો ત્રણ વાર હિમીભવનની અસર હેઠળ આવેલો અને તે દરેક વખતે લઘુ હિમાલયના કેટલાક ભાગોમાં પણ હિમજન્ય સ્થિતિ વિસ્તરેલી. હિમવૃદ્ધિવાળા પ્રત્યેક તબક્કાને તેમની વચ્ચે આંતરે આંતરે પ્રવર્તેલા હિમગલનવાળા તબક્કાઓથી જુદો પાડી શકાય છે. વૃદ્ધિ અને પીછેહઠ (advance and retreat) વખતનાં ચિહનો તે તે સ્થાનોના ખીણભાગોમાં જોવા મળે છે. હિમનદીઓમાં થયેલા આ પ્રકારના ફેરફારોના કાળગાળાનું વય-નિર્ધારણ ફૂગ-લીલમાપન(licheno-metric)-તક્નીકો, વૃક્ષવલય-અભ્યાસ, હિમઅશ્માવલીજન્ય ગોળાશ્મોના વિઘટનનો અભ્યાસ, હિમનદીજન્ય અગાશીઓનું ખોતરાતાં જવાનું પ્રમાણ તેમજ અન્ય અર્વાચીન પદ્ધતિઓથી કરવામાં આવેલું છે. એક નિરીક્ષણ એવું પણ છે કે હિમનદીઓની પીછેહઠનો દર તેમની દિકસ્થિતિ (દિશાકીય ગોઠવણી) પર પણ રહે છે. ઉત્તર તરફ વહેતી નદીઓ પર સૂર્યતાપની ઓછી અસર જોવા મળી છે, તેથી તે સારી રીતે ટકી રહે છે. પૂર્વ કે પશ્ચિમ તરફ વહેતી હિમનદીઓ, જો તેમની દક્ષિણ સીમા પર્વત-દીવાલથી આરક્ષિત હોય તો તે મોટે ભાગે જળવાઈ રહે છે; પરંતુ જે હિમનદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, તેમના પર સૂર્યતાપની અસર થાય છે અને તેમના છેડાઓ તરફ હિમગલનનો દર ઝડપી રહે છે. જોકે આ સામાન્ય નિયમમાં પણ કેટલાક અપવાદો તો છે. આવી અપવાદરૂપ હિમનદીઓનો અભ્યાસ કરી તેનું અર્થઘટન કરવામાં આવેલું છે; દા. ત., પૂર્વ લાહુલ વિસ્તારની બડા શિગરી હિમનદી ઉત્તર તરફ હોવાથી તેનો હિમગલન દર ઓછો રહે છે. પ્લાયસ્ટોસીન કાળની કેટલીક હિમનદીઓના નીચલા ભાગોએ ઉત્તરથી દક્ષિણ વિસ્તરેલી ખીણોને આવરી લીધેલી. ગઢવાલ હિમાલયની સરસ્વતી હિમનદી અને સિક્કિમ હિમાલયની લા ચુંગ કે લા ચેન હિમનદીઓએ બડા શિગરી કે થાજિવાસ નાર હિમનદી કરતાં વધુ ઝડપી દરથી પીછેહઠ કરેલી છે.

હિમનદીઓ સાથે થતી માનવસર્જિત દખલ (human interference) ક્યારેક સમસ્યાઓ ખડી કરે છે. કેટલીક માનવ-પ્રવૃત્તિઓ હિમનદીઓનો ક્ષય કરવામાં આડકતરી રીતે કારણરૂપ બની રહે છે. (હિમનદીનો ક્ષય એટલે ઠરી ગયેલા જળસ્રોતમાં કમી ઊભી થાય તે.) હિમીભવનની સ્થિતિ જળવાઈ રહે અને હિમગલન ન થાય એવા પ્રકારના સંજોગોને ટકાવી રાખવાનું કામ માનવો માટે કપરું છે. માનવપ્રવૃત્તિઓ દ્વારા સર્જાતી જતી વૈશ્વિક તાપમાનવૃદ્ધિને રોકવાની જરૂર છે. હિમાલયની હિમનદીઓમાં થતા જતા હિમગલનનો દર ઘટાડવા માટે ઊંચાઈવાળા ભાગોમાં વનસ્પતિનું આવરણ વધારવાની જરૂર છે.

હિમાલય : હિમનું નિવાસસ્થાન એટલે જ હિમાલય. તે પૂર્વ–પશ્ચિમ વિસ્તરેલી અનેક સમાંતર હારમાળાઓથી બનેલો છે. ઉત્તરમાં ઉચ્ચ હિમાલય, મધ્યભાગમાં મધ્ય હિમાલય અને દક્ષિણે લઘુ હિમાલય અથવા શિવાલિક ટેકરીઓના નામથી તે ઓળખાય છે. 2500 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી શિવાલિક ટેકરીઓ મધ્ય માયોસીનથી નિમ્ન પ્લાયસ્ટોસીન ભૂસ્તરીય વયની છે. મધ્ય હિમાલયની ઊંચાઈ 3600થી 4600 મીટર વચ્ચેની છે, જ્યારે ઉચ્ચ હિમાલય 8000 મીટરની કે તેથી વધુ ઊંચાઈવાળાં શિખરો ધરાવે છે; તેનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ 8848 (હવે 8852) મીટરની ઊંચાઈનું છે. કાયમી હિમરેખા મધ્ય અને ઉચ્ચ હિમાલયની વચ્ચે આવેલી છે, જેની ઉપર તરફ બારેમાસ બરફ જામેલો રહે છે.

હિમાલયમાં હિમીભવન : હિમાલયના ઉત્થાનના પ્રારંભિક તબક્કાઓ દરમિયાન ક્યાંય પણ હિમનદીઓ કે હિમજમાવટ હતાં નહિ. તેની સપાટી પર માત્ર નદીઓ વહેતી હતી. જેમ જેમ હિમાલયનું ઉત્થાન થતું ગયું તેમ તેમ હિમવર્ષા થતી ગઈ, ક્રમશ: હિમક્ષેત્રો રચાતાં ગયાં અને હિમજમાવટ વધુ થતાં ત્યાં વહેતી નદીખીણોને સ્થાને હિમનદીઓ આકાર લેતી ગઈ. હિમનદીઓના બરફજથ્થાથી થતા જતા ઘસારાને કારણે V-આકારની ખીણો U-આકારમાં ફેરવાઈ. શિખરો અને તેમના ઢોળાવો પરના હિમઘસારાએ તેમને અણિયાળાં સ્વરૂપો આપ્યાં. હિમગુફાઓ, ઝૂલતી ખીણો, સ્થાનભેદે વિવિધ પ્રકારની હિમઅશ્માવલિઓ, હિમનદ-ટીંબા, ‘એસ્કર્સ’, ‘કેઇમ્સ’, હિમઘસારાજન્ય મેદાનો તેમજ હિમજન્ય સરોવરો જેવાં લક્ષણો તૈયાર થયાં.

આકૃતિ 20 : કાશ્મીરની થાજિવાસ હિમનદી

આ રીતે જોતાં, હિમાલયના ઊંચાઈવાળા ભાગોમાં આજે હિમક્ષેત્રો જોવા મળે છે તો તેમના ઢોળાવોના નીચા ભાગોમાં આવેલી ખીણો હિમનદીઓવાળી છે. ત્યાંથી વધુ નીચે આવતાં નજીકના ભૂસ્તરીય ભૂતકાળમાં મધ્ય હિમાલયના ભાગોમાં પણ હિમનદીઓ વહેતી હતી, તેના સ્પષ્ટ પુરાવા હિમનદીઓએ છોડેલાં ચિહનો પરથી મળી રહે છે. ત્યારે ઘણી ઓછી ઊંચાઈએ પણ હિમનદીઓ પહોંચેલી, જે ઠંડી આબોહવાના સંજોગો પ્રવર્તેલા હોવાનું સૂચવી જાય છે. કાંગડા ખીણ અને તેની આજુબાજુનાં અન્ય સ્થળો પરના સમતળ પ્રદેશમાં વેરવિખેર જોવા મળતા હિમજન્ય ગોળાશ્મો આ હકીકતની સાક્ષી પૂરે છે. કાશ્મીર હિમાલયની થાજિવાસ નાર અને સ્તોક હિમનદીઓ, લાહુલ હિમાલયની ગંગસ્તાંગ, બડા શિગરી અને ચંદ્રા હિમનદીઓ, કિન્નૌર હિમાલયની બાસ્પા અને અન્ય હિમનદીઓ, ગઢવાલ હિમાલયનાં ગંગોત્રી–કેદાર, બદરીનાથ, કામેટ અને નંદાદેવી-થાળાં, કુમાઉં હિમાલયની પિંડારી, મિલામ પોતિંગ અને સંકલ્પ હિમનદીઓ તેમજ સિક્કિમ હિમાલયની ઝેમુ, તિસ્તા અને કાંગચેનજોઉ હિમનદીઓ પ્લાયસ્ટોસીન અને અર્વાચીન સમયગાળા દરમિયાન તેમના અતિક્રમણ (વૃદ્ધિ)  પ્રતિક્રમણ(પીછેહઠ)ના વિવિધ પુરાવાઓ રજૂ કરે છે.

હિમનદીઓનાં વયનિર્ધારણની તકનીકો : ભૂતકાળમાં વિસ્તૃત હતી એવી હિમનદીઓનાં વયનિર્ધારણ માટે સર્વેક્ષણની ત્રિકોણીય પદ્ધતિઓ (triangulation methods) – ટૅકિયોમિટરનો ઉપયોગ કરીને હિમનદીઓના બરફજથ્થાની ગતિ, તેમના મુખાગ્ર ભાગનાં સ્થાન અને તે પરથી તેમનાં અતિક્રમણ–પ્રતિક્રમણ જાણી શકાયાં છે. હિમઅશ્માવલિઓનાં ટૂંકા ગાળાનાં વયનિર્ધારણ, રહીઝોકાર્પન જ્યૉગ્રાફિકમને પ્રમાણભૂત ગણીને, ફૂગ-લીલમાપન દ્વારા કરવામાં આવેલાં છે. કેટલાંક સ્થાનોમાં વૃક્ષવલય-પદ્ધતિ પણ અખત્યાર કરાઈ છે. પ્રતિક્રમણના વિવિધ તબક્કાઓમાં હિમનદીઓના મુખાગ્ર ભાગનાં સ્થાનોનું વયનિર્ધારણ, હિમઅશ્માવલિઓના ગોળાશ્મોના ખવાણનાં નિરીક્ષણો પરથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઊંચાઈ અને હિમનદીજન્ય અગાશીઓની ખોતરાવાની ક્રિયાને પણ લક્ષમાં લેવાઈ છે. હિમક્ષેત્રોમાંના હિમજથ્થામાં દૈનિક વધારા-ઘટાડાનું માપ રંગીન તથા અંકિત લાકડીઓ ખોસીને લેવામાં આવ્યું છે. હિમકણો, ‘ફર્ન’ અને બરફની ઘનતા માપવા માટે અંકિત પ્લાસ્ટિક નળા, બીકર (beakers) અને તુલા(ત્રાજવા)નો ઉપયોગ કરાયો છે.

હિમ અને બરફમાં થતા લાક્ષણિક ફેરફારો : હિમરેખાથી ઉપર તરફ સદીઓથી રહેલા કાયમી બરફજથ્થામાંથી હિમનદીઓનો ઉદભવ થાય છે. હિમરેખાની ઊંચાઈનો આધાર અક્ષાંશ, હિમવર્ષા, ભેજ, પવન, સૂર્યતાપ તેમજ ઢોળાવ પર રહેલો હોય છે. હિમાલયના ઉત્તર ભાગોની સરખામણીએ દક્ષિણ ભાગોમાં તથા પશ્ચિમ ભાગોની સરખામણીએ પૂર્વ ભાગોમાં વધુ વર્ષા અને વધુ ભેજને કારણે હિમરેખા ઓછી ઊંચાઈએ જોવા મળે છે. હિમાલયના ઉત્તર ભાગમાં નૈર્ઋત્યના મોસમી પવનો પહોંચે ત્યારે તે સૂકા બની ગયા હોય છે, તેથી આ વર્ષાછાયાના પ્રદેશમાં અર્ધશુષ્ક સ્થિતિ પ્રવર્તે છે. અહીં ઓછી વર્ષા અને ઓછા ભેજને કારણે હિમરેખા વધુ ઊંચાઈએ જોવા મળે છે.

લાહુલ અને લદ્દાખની હિમનદીઓ : બડા શિગરી : કુલુ, લાહુલ અને સ્પિટીની સીમા પર આવેલી પીર પંજાલ હારમાળાના ઉત્તર ઢોળાવ પર લાહુલના અગ્નિકોણમાં બડા શિગરી જૂથની હિમનદીઓ વિકસી છે. આ વિસ્તારનાં નિરીક્ષણો દર્શાવે છે કે પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન આખીય ચંદ્રા ખીણ તેમજ ભાગા નદી સાથેના તેના સંગમની પેલી પારના ભાગો અનેક વાર હિમજથ્થાઓથી ભરાઈ ગયેલા. બડા શિગરીમાં છેલ્લામાં છેલ્લું હિમ-અતિક્રમણ ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળમાં થયેલું. આ સદીના ત્રીજા દાયકા દરમિયાન બડા શિગરી હિમનદીનો મુખાગ્ર ભાગ ઝડપથી વિકસતો જઈને આજે છે તેના કરતાં આશરે બે કિમી. વધુ નીચે આવ્યો હતો, ચંદ્રા નદીનો વહનપથ બરફ-આડથી થોડા વખત માટે અવરોધાયો હતો. તે પછીથી સરોવર રૂપે ભરાઈ રહેલા પાણીનો દાબ વધી જવાથી બરફ-આડ તૂટી જતાં હેઠવાસમાં પૂરથી પુષ્કળ તારાજી સર્જાઈ હતી. ત્યાર બાદ આ હિમનદીનું ઝડપથી પ્રતિક્રમણ થતું ગયું હતું, તેના પુરાવા ખીણની પૂર્વ દીવાલના તળ પર બડા શિગરીના ડાબા કાંઠે જળવાયેલા જોવા મળે છે. એ જ રીતે બરફની આડના ચંદ્રા નદીના ઉપરવાસના ખુલ્લા પટ પર લઘુગોળાશ્મથી આચ્છાદિત આવરણ જોવા મળે છે. આ બાબત ઉપરવાસમાં બાતાલ સુધી વિસ્તરેલું જળાશય બન્યું હોવાનો પુરાવો પૂરો પાડે છે. બડા શિગરી હિમનદી ઓગણીસમી સદી પછીથી આજ સુધી પ્રતિક્રમણ (પીછેહઠ) કરતી રહી છે. 1960 પછીથી કરેલાં નિરીક્ષણો પરથી કહી શકાય છે કે પશ્ચિમ લાહુલની ગંગસ્તાંગ હિમનદીની જેમ, લાહુલ હિમાલયની બીજી કેટલીક હિમનદીઓ પણ વાર્ષિક આઠ મીટરના દરથી પીછેહઠ કરતી રહી છે. આ હકીકત સ્પષ્ટપણે સૂચવી જાય છે કે આ વિસ્તાર વીસમી સદીના ઉત્તરાર્ધકાળ દરમિયાન સતત રીતે ગરમ અને શુષ્ક બનતો ગયો છે. આજના તેના મુખાગ્ર ભાગથી દૂર હેઠવાસમાં છૂટો પડેલો બરફવિભાગ પણ હિમનદીના સુકાતા જવાનો નિર્દેશ કરી જાય છે.

આકૃતિ 21 : લાહુલ હિમાલયમાંની બડા શિગરી હિમનદીનું સ્થાન

બડા લાચ લાથી દૂર, મધ્ય વિભાજકની બીજી બાજુ પર, લદ્દાખના સ્તોક ગામની પાછળ એક હિમનદી આવેલી છે, આ હિમનદી પણ પીછેહઠ કરતી જાય છે; પરંતુ તેનો ઘટતા જવાનો દર ગંગસ્તાંગ હિમનદી કરતાં ઓછો છે, કારણ કે તે ઉત્તર તરફ છે, જ્યારે ગંગસ્તાંગ હિમનદી દક્ષિણ તરફ હોવાથી તેને પ્રમાણમાં વધુ સૂર્યતાપ મળી રહે છે. ચંદ્રા હિમનદી એક કાળે આખી ખીણને આવરી લેતી હતી અને ભાગા નદીના સંગમ સુધી વિસ્તરેલી હતી, તે આજે માત્ર 1 કિમી. લંબાઈની જ રહી છે અર્થાત્, આજે તે લગભગ વિલુપ્ત થઈ ગઈ છે. બડા શિગરી હિમનદી સાથે થતા ચંદ્રા હિમનદીના સંગમની ઉપરવાસમાં તેની ઉત્તર–દક્ષિણ રેખીય સ્થિતિ સૂર્યતાપ મેળવતી રહેતી હોવાથી, ઝડપી પીછેહઠ થતી ગઈ છે.

કિન્નૌરની હિમનદીઓ : કિન્નૌર હિમાલયમાં, સતલજ નદીના ડાબા કાંઠા પર, બાસ્પા ખીણની હિમનદીઓ ત્યાંના ઉત્તર ઢોળાવો પર વિકસી છે. તે દક્ષિણ ઢોળાવોની સૂર્યતાપ મેળવતી હિમનદીઓ કરતાં સારી રીતે જળવાયેલી જોવા મળે છે. એ જ રીતે બાસ્પા થાળાની દક્ષિણે યમુના થાળામાં વિકસેલી હિમનદીઓ પણ દક્ષિણ ઢોળાવો પર હોવાથી ઝડપી પીછેહઠ પામતી જાય છે.

આકૃતિ 22 : કિન્નૌર અને ગઢવાલ હિમાલયની હિમનદીઓ

ગંગોત્રી હિમનદી : ગંગોત્રી હિમનદી વાયવ્ય તરફ વહે છે. તે ઉત્તર ઢોળાવ પર વહેતી હોવા છતાં તેની પીછેહઠ ઝડપી દરથી થઈ રહી છે. સામાન્ય સંજોગોમાં થતી આ એક અસંગતતા છે. તેને બે શાખા હિમનદીઓનાં જૂથ મળે છે. ડાબા કાંઠા પર મળતું શાખાજૂથ દક્ષિણથી ઉત્તર તરફ વહે છે અને ઓછો સૂર્યતાપ મેળવે છે, તેથી વધુ બરફજથ્થો આપે છે; જ્યારે જમણા કાંઠે મળતું શાખાજૂથ ઉત્તરથી દક્ષિણ તરફ વહનવાળું છે, તે વધુ સૂર્યતાપ મેળવે છે, તેથી પીછેહઠ કરતું જાય છે અને ક્યાંક ક્યાંક મુખ્ય હિમનદીથી વિખૂટું પડી ગયું છે.

આકૃતિ 23 : ગંગોત્રી હિમનદી

આ કારણે ગંગોત્રી હિમનદીનો મુખાગ્ર ભાગ પાછળ હઠતો જાય છે. ઉપલબ્ધ જાણકારી મુજબ આ હિમનદી તેના મુખાગ્ર ભાગથી ઘણી પાછળ હઠી ગઈ છે. ગંગા નદીનું ઉદગમસથાન ગણાતી ગંગોત્રી હિમનદી (કુલ લંબાઈ 30.2 કિમી.) દર વર્ષે 25 મીટર જેટલી પીછેહઠ કરતી જાય છે. ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણ દ્વારા હિમાલયનાં હિમક્ષેત્ર વિસ્તારનો 1935થી અભ્યાસ કરાઈ રહ્યો છે. આ હિમનદીનું પીગળતા જવાનું પ્રમાણ છેલ્લા ત્રણ દાયકાથી વધતું ગયેલું જણાય છે. એ જ રીતે ઉત્તરાખંડની મોટી ગણાતી ગૌમુખ હિમનદી પણ પીગળી રહી છે. 2007માં તેણે એકથી દોઢ મીટર જેટલી પીછેહઠ કરી છે. આ રીતે જોતાં જો તે ઓછેવધતે અંશે જો દરવર્ષે પીછેહઠ કરતી જાય તો તેના અસ્તિત્વ માટે ખતરો ગણાય. 1850થી લઈને આજ સુધી યુરોપીય આલ્પ્સ પર્વતોમાંથી નીકળતી હિમનદીઓનું ક્ષેત્રફળ પણ 30થી 40 % જેટલું ઘટી જવા પામ્યું છે. વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થતી જવાથી આબોહવામાં પરિવર્તન આવતું જાય છે, પરિણામે નિષ્ણાતો સૂચવે છે કે આ અસરથી હિમક્ષેત્રો પીગળતાં જશે, મહાસાગરોની જલસપાટી ઊંચી આવશે અને સાગરતટ પરનાં શહેરો સંભવત: ડૂબી જશે. તેમ છતાં તેઓ એમ પણ જણાવે છે કે હિમક્ષેત્રો સંપૂર્ણપણે તો પીગળી નહિ જાય.

ભિલાંગના થાળું : ભિલાંગના નદીથાળું રચતી થોડીક હિમનદીઓ ગંગોત્રી હિમનદીજૂથની દક્ષિણે આવેલી છે. તેની નદીઓ તેહરી ખાતે ભાગીરથીને મળે છે. ઉત્તરથી દક્ષિણ વહનવાળી આ હિમનદીઓ વધુ સૂર્યતાપ મેળવતી હોવાથી પાછળ હઠતી જાય છે.

ચોરાબારી હિમનદી : આ હિમનદી પણ પીછેહઠનું સારું ઉદાહરણ પૂરું પાડે છે, તેનો પુરાવો પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ મંદિરની પાછળના ભાગમાં છોડેલા હિમઅશ્માવલિના તાજા ઢગલાઓથી મળી રહે છે. ગંગોત્રી હિમનદીથી વધુ પૂર્વ અને ઈશાન તરફ અલકનંદા-થાળું આવેલું છે. ભિલાંગના થાળાની પૂર્વમાં આવેલું મંદાકિની થાળું તેનો જળજથ્થો ચોરાબારી હિમનદીમાંથી મેળવે છે.

અલકનંદા–સરસ્વતી હિમનદીરચના : અલકનંદા-સરસ્વતી થાળું હિમનદી-પીછેહઠનું બીજું એક ઉદાહરણ પૂરું પાડે છે. આ થાળું વધુ ઈશાન તરફ આવેલું છે. અલકનંદા-થાળું એક વિભાજક દ્વારા ભાગીરથી-થાળાથી જુદું પડે છે. આ વિભાજક ઉત્તરમાં તિબેટ સીમાથી બદરીનાથ શિખરજૂથ થઈને દક્ષિણમાં દેવપ્રયાગ સુધી વિસ્તરેલો છે. અલકનંદા-થાળું મુખ્ય ત્રણ વિભાગોમાં – પશ્ચિમ તરફ અલકનંદા–સરસ્વતી થાળાવિભાગમાં; પૂર્વ તરફ ધૌલીગંગા-થાળા-વિભાગમાં તથા અગ્નિ તરફ ઋષિગંગા-થાળા-વિભાગમાં વહેંચાયેલું છે.

અલકનંદા હિમનદી એક વખતે બદરીનાથ ખીણવિભાગને આવરી લેતી હતી, તે હવે માના ગામની પશ્ચિમે આશરે પાંચ કિમી. પાછળ સુધી પીછેહઠ કરી ગઈ છે, જ્યારે સરસ્વતી હિમનદી એક વખતે ઉત્તરમાં તિબેટ સીમા પરના માના ઘાટ નજીકથી શરૂ થતી હતી અને ઉત્તરથી દક્ષિણ સીધી વહીને ઝૂલતી ખીણ રૂપે માના ગામ નજીક અલકનંદા હિમનદીને મળતી હતી, તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ છે. તેનો કોઈ અવશેષ જોવા મળતો નથી; પરંતુ તેનું ક્યારેક અસ્તિત્વ હતું તેની ખાતરી કરાવતા પુરાવા – U-આકારની ખીણ, ઝૂલતી શાખા-ખીણો, અણિયાળાં શિખરો, ‘એરેટ્સ’ અને તળ હિમઅશ્માવલિના ઢગ – છોડેલા છે. તે ઉત્તરથી દક્ષિણ વહેતી હતી, સૂર્યતાપ મેળવતી હતી, તેથી પીછેહઠ કરી ગઈ છે. માના ગામથી ઉપરવાસનો અલકનંદાનો ભાગ પશ્ચિમથી પૂર્વનો હોવાથી તેમજ ઊંચી પર્વતદીવાલથી આરક્ષિત હોવાથી જળવાઈ રહેલો છે.

આકૃતિ 24 : ઉત્તર સિક્કિમની હિમનદીઓ

અગાઉની અલકનંદા હિમનદી બે વિશાળ હિમનદીઓના સંગમથી બનતી હતી : જમણી બાજુ સતોપંથ અને ડાબી બાજુ ભગીરથ. આ બંને હિમનદીઓ એક વિભાજક દ્વારા ગંગોત્રી હિમનદીથી અલગ પડે છે. સતોપંથ અને ભગીરથ હિમનદીઓ નંદાદેવી અભયારણ્ય વિસ્તારમાં નંદાદેવી પર્વતની તળેટીમાં પાંચ કિમી.ના અંતરે ભેગી થાય છે. અહીંથી ઉત્તર તરફના વહનવાળી હિમનદીઓ હજી તેમના વિશાળ કદમાં જળવાઈ રહેલી છે. વધુ પશ્ચિમે આવેલી ત્રિશૂલ અને બિથરટોલી હિમનદીઓમાંથી ત્રિશૂલ નદી નીકળે છે. આ બંને હિમનદીઓ ક્યારેક જોડાયેલી હતી અને તેમણે ત્રિશૂલ ખીણની રચના કરેલી, તે ઋષિગંગાને મળતી હતી; પરંતુ તેમના મુખાગ્ર ભાગો અલગ થતા જવાથી 1960ના દાયકામાં તે છૂટી પડી ગઈ છે.

કુમાઉં હિમાલયની હિમનદીઓ : કુમાઉં હિમાલયમાં અગાઉ ગૌરીગંગાના મૂળ ખાતે ઘણી હિમનદીઓ જોવા મળતી હતી. આ વિભાગની સૌથી મોટી ગણાતી મિલામ હિમનદી ઉત્તરથી દક્ષિણ-તરફી વહનવાળી હોવાથી ઝડપી પીછેહઠ કરી ગઈ છે. સંકલ્પ હિમનદી પણ એ જ રીતે પાછળ ગઈ છે. અહીંની પોતિંગ નામની નાની હિમનદી તેની દક્ષિણે રહેલી પર્વતદીવાલથી સુરક્ષિત હોવાથી ઓછું પ્રતિક્રમણ પામી છે.

તિસ્તાથાળાની હિમનદીઓ : પૂર્વ હિમાલયમાં, વિશેષે કરીને તિસ્તા-થાળામાં, ઉત્તરથી દક્ષિણ વહનવાળી હિમનદીઓ, દક્ષિણથી ઉત્તર વહેતી હિમનદીઓની સરખામણીએ, વધુ ઝડપી દરથી પીછેહઠ કરી ગઈ છે. અહીંની ઝેમુ હિમનદી જે કાંચનજંઘાની તળેટીમાંથી પૂર્વ તરફ વહે છે તે હજી આ વિભાગની મોટી હિમનદી ગણાય છે, જ્યારે અંતિમ પ્લાયસ્ટોસીન સમય દરમિયાન, તિસ્તા-થાળામાં તિસ્તા-ખાંગ્સે લાંબામાં લાંબી હિમનદી હતી.

નેપાળની હિમનદીઓ : નેપાળની હિમનદીઓના ગલનથી ભારતીય નદીઓ પર જોખમ વધી રહ્યું છે. એવરેસ્ટ નજીકની ખંબા હિમનદી 1953થી આજ સુધીમાં 5 કિમી. જેટલી પાછળ ખસી છે. વૈજ્ઞાનિકો માને છે કે હિમાલયના તાપમાનમાં વૃદ્ધિ થતી ગઈ છે. નેપાળમાં 3000થી વધુ નાની-મોટી હિમનદીઓ છે. કોસી નદીના છેક ઉપરવાસના થાળામાં 779 જેટલી અને ગંડકી થાળામાં 1032 જેટલી હિમનદીઓ છે. આ બધી હિમનદીઓ ક્રમે ક્રમે જો ઓગળતી જાય તો (વર્લ્ડ વાઇલ્ડ ફંડ – WWFના અહેવાલ મુજબ) ભારતની નદીઓમાં આવતાં પૂરને ખાળવાનું ભારત અને નેપાળ માટે અઘરું થઈ પડશે.

હિમનદીઓ પર માનવસર્જિત દખલની અસર : દુનિયાના ઘણા દેશોએ હિમનદી-સંપત્તિનો આર્થિક લાભ મળી રહે એવા પ્રયાસો કરેલા છે. એ પૈકીનો માનવસર્જિત દખલનો એક રશિયન અનુભવ અહીં ઉદાહરણ રૂપે ઉલ્લેખનીય ગણાય.

કારાકોરમની પશ્ચિમે થોડા અંતરેથી નીકળતી આબ-ઇ-વાખાન અને પામીરની ગાંઠની પશ્ચિમ બાજુએથી નીકળતી આબ-ઇ-પંજા ભેગી થઈને અમુદરિયા નદી બને છે. સીરદરિયા નદી પણ નજીકના વિસ્તારમાંથી જ નીકળે છે. આ બંને નદીઓ મધ્ય એશિયાના ઉઝબેકિસ્તાનના કપાસ અને ફળો ઉગાડતા પ્રદેશોમાં થઈને પસાર થાય છે. વીસમી સદીના મધ્યકાળના અરસામાં તત્કાલીન સોવિયેત સંઘની સરકારે કૃષિપ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આ નદીઓનાં પાણી ખેડૂતોને પૂરાં પાડવા આયોજન કરેલું. આ વિસ્તારની હિમનદીઓ અને હિમક્ષેત્રો પર હેલિકૉપ્ટરની મદદથી ધાતુરજનો છંટકાવ કરવાનું ગોઠવ્યું. ધાતુરજ નીચી વિશિષ્ટ ઉષ્મા ધરાવતી હોઈ વધુ સૂર્યતાપ ગ્રહણ કરે, જેથી હિમ અને બરફનું ઝડપથી પાણીમાં રૂપાંતર થાય અને નદીઓને વધુ જળજથ્થો મળી રહે. આ યોજનાને કારણે ખેડૂતોને થોડાંક વર્ષ લાભ તો મળ્યો; પરંતુ પછીનાં વર્ષોમાં હિમક્ષેત્રો સંકોચાતાં ગયાં, છેવટે પરિણામ એ આવ્યું કે એ નદીઓને જ પાણી મળતું ઓછું થઈ ગયું.

ભારત સરકારે પણ આવા જ પ્રકારના અખતરા પશ્ચિમ હિમાલયની કેટલીક હિમનદીઓ પર કરેલા; પરંતુ તે ઘણા ખર્ચાળ રહ્યા હોવાથી બંધ કરવા પડેલા.

આ પ્રકારના અનુભવો સૂચવે છે કે પર્વતોમાં રહેલા, ઠરેલા સ્વચ્છ જળના સ્રોતોને ગલન દ્વારા ઘટતા અટકાવવા હોય, તો તેમની ઉપર હવામાંથી લાકડાના વહેરનો ભૂકો કે અન્ય કોઈ અવાહક દ્રવ્ય વેરવું જોઈએ; પરંતુ તેમ કરતાં પહેલાં તેની યોગ્યાયોગ્યતા કાળજીપૂર્વક ચકાસવી જોઈએ. હિમનદીઓનું ગલન થતું અટકાવવાનો બીજો એક વ્યવહારુ વિકલ્પ વૈશ્વિક તાપમાન ઘટાડવાનો છે; પરંતુ તે એક અઘરી સમસ્યા છે અને માનવકાબૂ બહારની છે.

ઔદ્યોગિકીકરણ, કોલસો–ખનિજતેલ–કુદરતી વાયુ જેવાં ઇંધનોની બળતણક્રિયા, વનનાશ વગેરે બાબતો પર રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય પરિષદો યોજાતી રહે છે; પરંતુ વૈશ્વિક તાપમાનને વધતું રોકવાના ઉપાયો-પ્રયાસો સંનિષ્ઠપણે થતા નથી. વિકસિત દેશો સ્થાનિક સ્તરે ઉપાયો યોજે, અમલ કરે તથા બીજા દેશો તેમને અનુસરે તો જ અમુક પ્રમાણમાં સુધારો થવાને અવકાશ છે.

પૃથ્વી પર ભૂસ્તરીય અતીતના અમુક અમુક કાળગાળાઓમાં હિમીભવન અને હિમગલનનાં આવર્તનો થયેલાં છે. (જુઓ, હિમીભવન અને હિમયુગો.) પ્લાયસ્ટોસીન કાલખંડ આ પ્રકારનાં આવર્તનોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હિમાલય-વિસ્તાર માટે હિમજન્ય પરિસ્થિતિ પ્રવર્તી હોવાના ઓછામાં ઓછા ત્રણ તબક્કા નોંધાયા છે. આ ઉપરાંત, વર્મ/વિસ્કોન્સિનના અંતિમ તબક્કા દરમિયાન પણ નાના પાયા પરના ઉપ-તબક્કા પણ પ્રવર્ત્યા છે. પશ્ચાત્ હિમજન્ય કાળમાં પણ હિમનદીઓનાં અતિક્રમણ–પ્રતિક્રમણ થયાં છે; તેના પુરાવા હિમનદીઓના મુખાગ્ર ભાગ નજીકની હિમઅશ્માવલિઓ પૂરા પાડે છે. આ પૈકી છેલ્લે છેલ્લે આલ્પ્સ પર્વતમાળામાં તેમજ અન્યત્ર કેટલીક હિમનદીઓનું અતિક્રમણ (વૃદ્ધિ) પણ થયું છે. આ ઉપરથી એવું સૂચન મુકાયું છે કે આજે આપણે આંતરહિમજન્ય સમયગાળા(interglacial period)માં જીવી રહ્યા છીએ, ભવિષ્યમાં ક્યારેક હિમજન્ય ગાળામાં પ્રવેશ કરીશું. માનવ આયુકાળ સીમિત હોવાથી હજારો વર્ષ પછી આવનારા હિમયુગની આશા બાંધવી–બંધાવવી યોગ્ય નથી. આજે તો તાતી જરૂરિયાત માત્ર એટલી જ ગણાય કે દરેક દેશ-પ્રદેશનો માનવસમાજ ઘટતા જતા મીઠા જળના ઠરેલા સ્રોતને જાળવે.

હિમગલન : વિકસિત તેમજ વિકાસશીલ દેશોમાં છેલ્લાં 150–200 વર્ષ દરમિયાન ઔદ્યોગિકીકરણ, ઇંધનોનું બળતણ અને તેને કારણે વૈશ્વિક પ્રદૂષણ તેમજ તાપમાન વધ્યાં છે; પરિણામે હિમક્ષેત્રો ઓગળતાં જાય છે. છેલ્લા હિમયુગ પછીથી ઍન્ટાર્ક્ટિકાના પશ્ચિમ ભાગનો હિમપટ ધીમા દરથી ઓગળી રહ્યો છે, તેથી સમુદ્રસપાટી ઊંચી આવી રહી છે. જો આ ક્રિયા ચાલુ રહે તો સમુદ્રસપાટીનું સ્તર 1.5 મીટરથી 5–40 મીટર જેટલું ઊંચે આવી શકે. ઍન્ટાર્ક્ટિકાનો હિમપટ વાર્ષિક 31 ઘનકિલોમિટરના દરે ઓગળતો જાય છે; તેનાથી સમુદ્રસપાટી વાર્ષિક @ મિમી. અથવા એકસો વર્ષે 1 મિમી. જેટલી વધતી જાય છે.

સારણી : હિમાલયની હિમનદીઓનાં પીછેહઠનાં નિરીક્ષણો

ક્રમ હિમનદી/સ્થાન

પીછેહઠ – વાર્ષિક

દર મીટરમાં

1. કાશ્મીરના સિંધ-થાળામાં થાજિવાસનાર હિમનદી 5
2. લદ્દાખ : સ્તોક હિમનદી 6
3. પશ્ચિમ લાહુલ : ચંદ્રા-થાળું ગંગસ્તાંગ હિમનદી 12
4. પૂર્વ લાહુલ : ચંદ્રા-થાળું બડા શિગરી હિમનદી 44
5. ગઢવાલ હિમાલય : નંદાદેવી અભયારણ્ય : ત્રિશૂલ હિમનદી 10
6. ગઢવાલ હિમાલય : નંદાદેવી અભયારણ્ય : બિથરટોલી હિમનદી 8
7. ગઢવાલ હિમાલય : ધૌલીગંગા-થાળું પૂર્વ કામેટ હિમનદી 5
8. ગઢવાલ હિમાલય : ભાગીરથી-થાળું ગંગોત્રી હિમનદી 15
9. ગઢવાલ હિમાલય : અલકનંદા-થાળું સતોપંથભગીરથ હિમનદી 12
10. કુમાઉં હિમાલય : ગૌરીગંગા-થાળું મિલામ હિમનદી 13.5
11. કુમાઉં હિમાલય : ગૌરીગંગા-થાળું પોતિંગ હિમનદી 5
12. કુમાઉં હિમાલય : ગૌરીગંગા-થાળું સંકલ્પ હિમનદી 23
13. સિક્કિમ હિમાલય : તિસ્તા-થાળું ઝેમુ હિમનદી 8
14. સિક્કિમ હિમાલય : તિસ્તા-થાળું તિસ્તા-ખાંગ્સે હિમનદી 8

વૈશ્વિક તાપમાન અને હિમગલન : એકવીસમી સદીના પ્રારંભથી સાંભળવામાં આવતું રહ્યું છે કે વૈશ્વિક તાપમાન વધતું જવાથી આબોહવામાં બદલાવ આવી રહ્યો છે. આબોહવામાં થતા જતા ફેરફારો પર ચાંપતી નજર રાખવા નિમાયેલી સમિતિ(ઇન્ટર ગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ – IPCC)ના તજજ્ઞો કહે છે કે આ સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં 1.8° સે.થી 4° સે. જેટલો વધારો થવાની શક્યતા છે; આ વધારો ઓછામાં ઓછો 1.1° સે. અને વધુમાં વધુ 6.4° સે. જેટલો થઈ શકે છે. (2001માં રજૂ થયેલા અહેવાલમાં આ આંકડા 1.4° સે. અને 5.8° સે. હતા.) પરિણામે હિમગલન થાય અને સમુદ્રસપાટી 28 સેમી.થી 43 સેમી. જેટલી ઊંચી આવે; એટલું જ નહિ, ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તોફાની વાવાઝોડાં થાય અને વરસાદની તીવ્રતા વધે. આ સમિતિના અહેવાલ અનુસાર, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થવાનું મુખ્ય કારણ છેલ્લાં 250 વર્ષ(ઈ. સ. 1750)થી શરૂ થયેલી માનવીય ઔદ્યોગિક ગતિવિધિઓ છે.

વૈશ્વિક તાપમાન વધવા સાથે હિમનદીઓ અને હિમાવરણો પીગળતાં ગયાં છે અને હજી વધુ પીગળીને પીછેહઠ કરતાં જશે. આ સમિતિના નિષ્ણાતોની ચર્ચાની ફલશ્રુતિ આ પ્રમાણે મુકાઈ છે : માનવસર્જિત ઔદ્યોગિક ગતિવિધિઓથી હરિતગૃહ વાયુપ્રદૂષણ વધ્યું છે, ઇંધન-બળતણનું પ્રમાણ વધ્યું છે અને જમીનનો ઉપયોગ બદલાયો છે, પરિણામે પૃથ્વીના નીચેના વાતાવરણને અસર પહોંચી છે. તેઓ ઉમેરે છે કે ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં 2007માં જન્મેલાં બાળકો જ્યારે તેમની 50 વર્ષની ઉંમરે પહોંચશે ત્યારે તેમને નવી કક્ષાના રોગોનો તેમજ દુકાળનો સામનો કરવાનો આવશે.

ગિરીશભાઈ પંડ્યા