હિન્દુસ્તાન (હિન્દી દૈનિક) : 1936માં પ્રારંભ. દિલ્હી, કાનપુર, પટણા અને લખનઉથી પ્રકાશિત. હાલ(2009)માં તમામ આવૃત્તિનાં એડિટર ઇન ચીફ (મુખ્ય તંત્રી) સુશ્રી મૃણાલ પાંડે છે. હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાન’ એ વાસ્તવમાં ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ જૂથનું અખબાર છે. ઉપર્યુક્ત ચાર શહેરો ઉપરાંત ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા અને કાનપુરથી 2006માં તેમજ ઉત્તરાખંડના દહેરાદૂનથી 2008માં ‘હિન્દુસ્તાન’ની આવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્તાન (હિન્દી દૈનિક)
સમયની સાથે કદમ મિલાવી હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાને’ સમાજના તમામ વાચકોને રસ પડે તેવા સંખ્યાબંધ વિભાગો શરૂ કર્યા છે; એટલું જ નહિ, પરંતુ યુવા પેઢી અને સતત વ્યસ્તતાને કારણે અખબાર નહિ વાંચી શકતા ટોચના બિઝનેસમૅન ઉપરાંત ટૅકનૉસાવી લોકો માટે ઇન્ટરનેટ એડિશન પણ છેલ્લાં થોડાં વર્ષોથી શરૂ કરવામાં આવી છે. આ કારણોસર જ વર્ષ 2008ના પૂર્વાર્ધમાં થયેલા ઇન્ડિયન રીડરશિપ સર્વે અનુસાર રાજધાની દિલ્હી તેમજ એન.સી.આર.(નૅશનલ કૅપિટલ રીજન)માં બીજા નંબરનું સૌથી વધુ વેચાતું અને વંચાતું અખબાર રહ્યું છે, તો આ જ સર્વેક્ષણ અનુસાર 40 લાખ કરતાં વધુ વાચકો સાથે બિહારમાં ‘હિન્દુસ્તાન’ પ્રથમ ક્રમે છે. બજાર હિસ્સાની દૃષ્ટિએ બિહારમાં તે 73 ટકા હિસ્સો ધરાવે છે. એ જ પ્રમાણે ઝારખંડમાં પણ આ અખબાર પ્રથમ ક્રમે હોવાનું તારણ નીકળ્યું હતું.
આ જૂથના સૌપ્રથમ અંગ્રેજી દૈનિક ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’નો પ્રારંભ 15 સપ્ટેમ્બર, 1924ના રોજ મહાત્મા ગાંધીના હસ્તે થયો હતો. આ અખબાર-જૂથના મૂળ સ્થાપક માસ્ટર સુંદરસિંહ લ્યાલપુરી (Lyallpuri) જેઓ પંજાબમાં અકાલી ચળવળ તથા શિરોમણિ અકાલી દળના સ્થાપક તરીકે પણ જાણીતા છે, તેમણે પ્રારંભનાં વર્ષોમાં અંગ્રેજી અખબારનું તંત્રીપદ સંભાળ્યું હતું. ત્યારપછી કે. એમ. પન્નીકરે સંભાળ્યું હતું અને મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ ગાંધી પણ તંત્રીમંડળમાં હતા.
‘એચટી’ના ટૂંકા નામથી જાણીતા આ અખબાર-જૂથનું સંચાલન હાલ કે. કે. બિરલા-જૂથ પાસે છે અને જી. ડી. બિરલાનાં પૌત્રી સુશ્રી શોભના ભરતિયા હાલ(2009)માં તેનાં સર્વેસર્વાં છે. ‘એચટી’ મીડિયા લિ.ના નેજા હેઠળ હાલ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ (અંગ્રેજી દૈનિક), ‘હિન્દુસ્તાન’ (હિન્દી દૈનિક), ‘મિન્ટ’ (અંગ્રેજી બિઝનેસ દૈનિક) વગેરેનું પ્રકાશન થાય છે. દેશનું માત્ર યુવાનો માટેનું પ્રથમ દૈનિક ‘એચટી નેક્સ્ટ’ આ જૂથે 2004માં શરૂ કર્યું હતું.
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ એ ‘એચટી’ મીડિયા લિ.નું મુખ્ય અંગ્રેજી અખબાર છે. તે નવી દિલ્હી, મુંબઈ, લખનઉ, પટણા અને કૉલકાતા જેવા દેશનાં અગ્રણી શહેરોમાંથી એકસાથે પ્રકાશિત થાય છે. ઉત્તર અને મધ્ય ભારત સુધી (મુંબઈ સુધી) આ અખબારનું પ્રભુત્વ નોંધપાત્ર છે; જોકે દક્ષિણ ભારતમાં હજુ તેનો ખાસ ફેલાવો કે પ્રભાવ નથી. 84 વર્ષ જૂના આ અખબારે ઘણી લાંબી મજલ કાપી છે અને વર્ષ 2008ના અંદાજ પ્રમાણે તેની તમામ આવૃત્તિઓ અને અલગ અલગ પ્રકાશનનું વેચાણ આશરે 22.50 લાખ નકલો છે અને રીડરશિપ 1.44 કરોડ હોવાની ધારણા છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ અખબારના મુખ્ય તંત્રી વીર સંઘવી છે અને તેમના નેજા હેઠળ જ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’નો મહત્તમ વિકાસ થયો છે.
અલકેશ પટેલ