હિન્દુસ્તાન ફિલ્મ કંપની : ચલચિત્ર નિર્માણસંસ્થા. સ્થાપના 1918. દાદાસાહેબ ફાળકેએ મુંબઈમાં રહીને 1913માં ભારતનું પ્રથમ કથાચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવ્યું હતું. તે પછી પાંચેક વર્ષમાં જે કેટલાંક ચિત્રો બનાવ્યાં તેમાં છેલ્લું હતું ‘લંકાદહન’. આ ચિત્રને વ્યાવસાયિક રીતે ભારે સફળતા મળી હતી. તેને કારણે તેમને નાણાકીય સહાય માટે અને ભાગીદારીમાં ચિત્રનિર્માણ કંપની શરૂ કરવા પ્રસ્તાવો મળવા માંડ્યા. તેમાં એક પ્રસ્તાવ હતો નાસિકના વી. એસ. આપટેનો. ફાળકેએ એ પ્રસ્તાવ સ્વીકારી લઈને 1918માં નાસિક ખાતે ભાગીદારીમાં ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’ અને એક સ્ટુડિયોની સ્થાપના કરી હતી.
‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મનું એક દૃશ્ય
ફાળકે તેમાં ‘વર્કિંગ પાર્ટનર’ તરીકે અને આપટે ‘મૅનેજિંગ પાર્ટનર’ હતા. બીજા ભાગીદારોની જવાબદારી નાણાકીય રોકાણની હતી. ફાળકેનાં અગાઉનાં ચિત્રો પણ આ કંપનીની મિલકત બની ગયાં. ભગવાન ઈસુની જેમ ભગવાન શ્રીકૃષ્ણના જીવન પરથી ચિત્ર બનાવવાનો તેમણે નિર્ધાર કર્યો હતો, જે ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’ના નેજા હેઠળ તેમણે પૂરો કર્યો. બાળકૃષ્ણની ભૂમિકામાં તેમણે પોતાની પુત્રી મંદાકિનીને લીધી હતી. ‘કૃષ્ણજન્મ’ પછી ફાળકેએ ‘કાલિયમર્દન’નું સર્જન કર્યું, તેમાં પણ બાળકૃષ્ણની ભૂમિકામાં મંદાકિની હતી. આ બંને ચિત્રો ખૂબ સફળ થયાં હતાં. કંપનીએ મુંબઈ અને મદ્રાસ(ચેન્નાઈ)માં પોતાની કચેરીઓ શરૂ કરી હોઈ ચિત્રોનું વિતરણ પણ ખૂબ સારી રીતે થઈ શક્યું, પણ તે દરમિયાન 1919માં ભાગીદારો સાથે ખટરાગ ઊભો થતાં ફાળકે ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’માંથી છૂટા થઈ ગયા અને બનારસ જતા રહ્યા. લગભગ બે વર્ષ તેઓ ચિત્રનિર્માણથી દૂર રહ્યા, પણ 1923માં તેઓ પરત આવ્યા અને ફરી ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’માં જોડાયા. ફાળકેએ ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’માં આવીને ‘સતી મહાનંદા’નું નિર્માણ કર્યું. આ ચિત્ર પણ વ્યાવસાયિક રીતે ખૂબ સફળ રહ્યું હતું. એ પછી ફાળકેએ બીજાં ચિત્રો પણ બનાવ્યાં પણ તેમના આ બીજા તબક્કામાં તેઓ પોતાની મરજી મુજબ કામ કરવા પૂરતા સ્વતંત્ર નહોતા. 1932 સુધી તેઓ કંપની સાથે જોડાયેલા રહ્યા હતા. એ પછી કંપની વિખેરી નંખાઈ હતી. 1918થી 1932 દરમિયાન હિન્દુસ્તાન ફિલ્મ કંપનીએ કુલ 93 ચિત્રોનું નિર્માણ કર્યું હતું. આ કંપનીના નેજા હેઠળ ફાળકેએ 1932માં બનાવેલું અંતિમ ચિત્ર ‘સેતુબંધન’ હતું.
હરસુખ થાનકી