હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.)

February, 2024

હાલડેન, એફ. ડંકન એમ. (Haldane F. Duncan M.) (જ. 14 સપ્ટેમ્બર 1951, લંડન, યુનાઇટેડ કિન્ગ્ડમ) : સાંસ્થિતિક પ્રાવસ્થા સંક્રમણ (topological phase transition) તથા દ્રવ્યની સાંસ્થિતિક પ્રાવસ્થાઓની સૈદ્ધાંતિક શોધ માટે 2016નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો તથા અન્ય ભાગ ડેવિડ થાઉલેસ અને માઇકલ કોસ્ટર્લિટ્ઝને એનાયત થયો હતો.

એફ. ડંકન એમ. હાલડેન

ડંકન હાલડેને લંડનની સેન્ટ પૉલ શાળામાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી 1978માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમના માર્ગદર્શક ફિલિપ ઍન્ડર્સન હતા, જેઓ ભવિષ્યનાં નોબેલ પુરસ્કાર વિજેતા થયેલા. ડંકન હાલડેને લવે-લૅન્જેવિન ઇન્સ્ટિટ્યૂટ (ફ્રાંસ), યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયા, બેલ લૅબોરેટરીઝ તથા યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સૅન ડિયેગોમાં સંશોધનકાર્ય કર્યું છે. 1990થી તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટી, ન્યૂજર્સીમાં કાર્યરત છે.

દ્રવ્ય વિભિન્ન પ્રાવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવે છે, જેમકે ઘન, પ્રવાહી અને વાયુ રૂપે. અતિ નિમ્ન તાપમાને અસામાન્ય પ્રાવસ્થાઓ સંભવે છે, જેમકે અતિવાહકતા તથા અસામાન્ય ચુંબકત્વ. આ પ્રાવસ્થાઓને તથા ડંકન હાલડેને સાંસ્થિતિના (topological) સિદ્ધાંતનો ઉપયોગ કર્યો, જે ગણિતની એક શાખા છે. ઉદાહરણ રૂપે 1980માં તેમણે કેટલાંક દ્રવ્યોમાં પરમાણુ શૃંખલાના ચુંબકીય ગુણધર્મોને સમજાવ્યા. આ સંશોધનોથી ભવિષ્યમાં નવાં દ્રવ્યો તથા નવા ઇલેક્ટ્રૉનિક ઘટકોનું નિર્માણ થઈ શકે છે.

1996માં હાલડેન FRS (ફેલો ઑવ્ રૉયલ સોસાયટી, લંડન) તરીકે ચૂંટાયા. અમેરિકન ફિઝિકલ સોસાયટી દ્વારા તેમને બર્કલી ઇનામ આપવામાં આવ્યું. 2012માં તેમને ડિરાક ચંદ્રક અર્પણ થયો તથા 2017માં ગોલ્ડન પ્લેટ પુરસ્કાર એનાયત થયો. હાલમાં તેઓ પ્રિન્સ્ટન ન્યૂજર્સીમાં સ્થાયી થયેલ છે.

પૂરવી ઝવેરી