હાર્ડી, ઑલિવર (જ. 18 જાન્યુઆરી 1892, હાર્લેમ; અ. 1957) : હાસ્ય-અભિનેતા. મૂળ નામ નોર્વેલ હાર્ડી. મૂક ચિત્રોનાં અંતિમ વર્ષોમાં એક હાસ્યકલાકારોની જોડીનો ઉદય થયો હતો. થોડા જ સમયમાં લૉરેલ અને હાર્ડીની આ જોડીએ અપાર લોકપ્રિયતા મેળવી લીધી હતી. લૉરેલ નીચી દડીનો દૂબળો-પાતળો અને ભોળો જ્યારે હાર્ડી ઊંચો, પડછંદ અને લૉરેલ પર હુકમ ચલાવનારો. બંનેના છબરડાઓ તેમને અવનવી મુસીબતમાં મૂકતા રહે અને તેમાંથી તેઓ જે રીતે બહાર નીકળે તે જોનારાઓને હસીહસીને બેવડ વાળી દે. સ્ટેન લૉરેલની જેમ ઓલિવર હાર્ડીને અભિનય વારસામાં મળ્યો નહોતો. તેમના પિતા વકીલ હતા. હાર્ડી દસ વર્ષના હતા ત્યારે તેમણે પિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનાં માતા જ્યોર્જિયા અને ફ્લોરિડામાં હોટલોના માલિક હતા. આ હોટલોમાં નાટકોના કલાકારો અને કસબીઓ ઊતરતા. તેમની પાસેથી અભિનયજગતની જાતજાતની વાતો સાંભળીને હાર્ડી તે તરફ આકર્ષાયા હતા. આઠ વર્ષની ઉંમરે તો તેઓ ઘર છોડીને એક નાટકમંડળીમાં જોડાઈ ગયા હતા. તેઓ સારું ગાઈ શકતા એટલે થોડો સમય સંગીતની પણ તાલીમ લીધી હતી. એકધારા કામથી કંટાળીને તેઓ ઘેર પરત આવ્યા હતા, પણ ભણવામાં તેમનું મન કદી ચોંટ્યું નહિ. હવે તેમને ચલચિત્રોમાં રસ જાગ્યો અને 1910માં જ્યૉર્જિયાના મિલેજવિલેજમાં એક છબિઘર શરૂ કર્યું. તેને કારણે અંતે તેઓ અભિનયક્ષેત્રે પહોંચી ગયા. 1913માં ફ્લોરિડામાં લુબિન ફિલ્મ કંપનીમાં તેમને કામ મળી ગયું. તેમના ભારે શરીર અને ચહેરાની વિવિધ મુદ્રાઓ કરવાની તેમની આવડતને કારણે તેમને હાસ્ય નિપજાવતા ખલનાયકની ભૂમિકાઓ પ્રારંભે મળી હતી.
ઑલિવર હાર્ડી
1915થી 1925નાં વર્ષો દરમિયાન હાર્ડીએ એ સમયના ખ્યાતનામ હાસ્ય અભિનેતાઓ બિલી વેસ્ટ, જિમ્મી ઓબ્રે, લેરી સિમોન અને બોબી રે વગેરેના સાથીદારની ભૂમિકાઓ કરતા રહ્યા. આગળ જતાં તેમની જેની સાથે જોડી જામી હતી તે સ્ટેન લૉરેલ સાથે 1918માં હાર્ડીએ એક લઘુ હાસ્યચિત્રમાં કામ કર્યું હતું, પણ એ સમયે લૉરેલને અભિનય કરતાં લેખન અને દિગ્દર્શનમાં વધારે રસ હતો; પરંતુ આ બંને સાથે કામ કરે તો મજાની જોડી જામી શકે એવી પહેલી વાર દિગ્દર્શક લિયો મેકકેરીના ધ્યાન ઉપર આવતાં તેમણે બંનેને સાથે લેવાનું શરૂ કર્યું. તેને કારણે 1927માં ‘લૉરેલ ઍન્ડ હાર્ડી’ ચિત્રોની શ્રેણીનું નિર્માણ થયું. તેને જબ્બર સફળતા મળતાં એ પછી તો બંનેને સાથે ચમકાવતાં ઘણાં ચિત્રો બન્યાં. થોડા સમયમાં જ ચિત્રો સવાક બનવા માંડ્યાં, પણ સદનસીબે લૉરેલ અને હાર્ડીનો અવાજ તેમનાં પાત્રોને અનુરૂપ હોવાથી સવાક ચિત્રોમાં પણ આ જોડીની લોકપ્રિયતા જળવાઈ રહી. પ્રારંભે તેમણે મોટે ભાગે લઘુ હાસ્યચિત્રોમાં કામ કર્યું હતું, પણ 1931માં નિર્માણ પામેલું ચિત્ર ‘પાર્ડન અસ’ પૂરી લંબાઈનું કથાચિત્ર હતું. 1935 સુધી આ જોડીએ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું, પણ એ પછી બંનેનો સાથે કામ કરવામાં રસ ઓછો થતો ગયો અને 1939માં આ જોડી છૂટી પડી ગઈ. બંને વચ્ચે કોઈ કડવાશ નહોતી, પણ લૉરેલને તેમના દિગ્દર્શક રોચ સાથે વાંધો પડ્યો હતો. એ પછી હાર્ડીએ એ જ વર્ષે એકલાએ ‘ઝેનોબિયા’ નામના એક ચિત્રમાં કામ કર્યું હતું, જેમાં તેમણે એક બીમાર હાથીનો ઇલાજ કરતા તબીબની ભૂમિકા ભજવી હતી. એ જ વર્ષના અંતભાગમાં લૉરેલ અને હાર્ડીએ ફરી સાથે કામ કરવું શરૂ કર્યું અને 1945 સુધીમાં તેઓ વધુ આઠ ચિત્રોમાં સાથે જોવા મળ્યા. 1947માં આ જોડીએ પહેલી વાર યુરોપ ઉપરાંત કેટલાક દેશોનો પ્રવાસ કર્યો. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમના કાર્યક્રમોને ખૂબ સફળતા મળી. પરત આવ્યા બાદ હાર્ડીએ કેટલાંક ચિત્રોમાં એકલાએ કામ કર્યું, જેમાં ‘વોટ પ્રાઇસ ગ્લોરી’ (દિગ્દર્શક જોન ફોર્ડ), ‘ધ ફાઇટિંગ કેન્ચુકિયન’ (સહ અભિનેતા જોન વેઇન), ‘રાઇડિંગ હાઇ’ (સહ અભિનેતા બિંગ ક્રોસ્બી) નોંધપાત્ર હતાં. 1951માં હાર્ડીએ ફરી એક વાર લૉરેલ સાથે એક હાસ્યચિત્ર ‘એટોલ કે’માં કામ કર્યું, પણ તે વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં આ જોડીએ ફરી કદી સાથે કામ કર્યું નહિ. થોડા સમય પછી બંનેને સાથે લઈને એક ટેલિવિઝન શ્રેણીનું આયોજન થયું હતું, પણ તે દરમિયાન જ લૉરેલને હૃદયરોગનો હુમલો આવતાં એ શક્ય બની શક્યું નહોતું. લૉરેલ સાજા થયા ત્યાં હાર્ડીને હુમલો આવ્યો હતો. એ પછી હાર્ડીનું જીવન સાવ નિષ્ક્રિય થઈ ગયું હતું અને જીવનના અંત સુધી તેઓ તેમાંથી બેઠા થઈ શક્યા નહોતા.
હરસુખ થાનકી