હાયેક, ફ્રેડરિક આગસ્ટ વૉન (જ. 1899 વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1992, લંડન) : ઑસ્ટ્રિયન વિચારધારાના હિમાયતી, સમાજવાદી વિચારસરણીના વિરોધી, મુક્ત અર્થતંત્રના ટેકેદાર તથા 1974 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1927–1931 દરમિયાન વિયેના ખાતેના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક્સ રિસર્ચ સંસ્થાના નિયામકપદે કામ કર્યું અને સાથોસાથ વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું. 1931માં કાયમી નિવાસ માટે વિયેનાથી લંડન પ્રસ્થાન કર્યું અને 1931–1950ના ગાળામાં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે ‘ટૂકે નામના પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક સાયન્સ અને સ્ટૅટિસ્ટિક્સ’ના પદ પર સેવાઓ આપી. 1950–1962 દરમિયાન અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં સોશિયલ ઍન્ડ મૉરલ સાયન્સના પ્રોફેસરનું પદ શોભાવ્યું અને સાથોસાથ યુનિવર્સિટી ઑવ્ સૅલ્સબરીમાં મુલાકાતી પ્રાધ્યાપક રહ્યા.
પ્રો. હાયેક મુક્ત અર્થતંત્રના, મુક્ત બજારના પ્રખર હિમાયતી હતા અને તેથી સમાજવાદી ઢબના આયોજનનો તેમણે સખત વિરોધ કરેલો. વૈશ્વિક સ્તર પર જોવા મળતા ફુગાવાને ડામવા માટે તેમણે નાણાંના પુરવઠાના કડક નિયમન અને નિયંત્રણની હિમાયત કરી હતી.
ફ્રેડ્રિક આગસ્ટ વૉન હાયેક
તેમણે વિપુલ લેખનકાર્ય કર્યું છે : (1) ‘મૉનિટરી થિયરી ઍન્ડ ટ્રેડ સાઇકલ્સ’ (1929), ‘પ્રાઇસિસ ઍન્ડ પ્રોડક્શન’ (1931), ‘પ્રૉફિટ્સ, ઇન્ટરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ’ (1939), ‘ધ પ્યૉર થિયરી ઑવ્ કૅપિટલ’ (1941), ‘રોડ ટુ સર્ફડમ’ (1944), ‘ઇન્ડિવિડ્યુઅલિઝમ ઍન્ડ ઇકૉનૉમિક ઑર્ડર’ (1948), ‘ધ કૉસ્ટ ઑવ્ લિબર્ટી’ (1961), ‘સ્ટડીઝ ઇન ફિલૉસૉફી, પૉલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સ’ (1967), ‘લૉ, લેજિસ્લેશન ઍન્ડ લિબર્ટી’ (ત્રણ ખંડોમાં પ્રકાશિત : 1973–1979), ‘ડીનૅશનલાઇઝેશન ઑવ્ મની’ (1976), ‘ન્યૂ સ્ટડીઝ ઇન ફિલૉસૉફી, પૉલિટિક્સ, ઇકૉનૉમિક્સ ઍન્ડ હિસ્ટરી ઑવ્ આઇડિયાઝ’ (1978) તથા ‘ધ ફેટલ કન્સીટ : ધ એરર્સ ઑવ્ સોશિયાલિઝમ’ (1988).
અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારના તેમના સહવિજેતા હતા સ્વીડિશ અર્થશાસ્ત્રી ગુન્નાર મિરડૉલ (1898–1987).
બાળકૃષ્ણ માધવરાવ મૂળે