હાયપેરૉન (Hyperon)
February, 2009
હાયપેરૉન (Hyperon) : પ્રોટૉન અને ન્યૂટ્રૉન સિવાય દીર્ઘ આયુ (long-life) ધરાવતા મૂળભૂત કણોનો સમૂહ. દીર્ઘ આયુવાળા કણો એ અર્થમાં છે કે તે પ્રબળ આંતરક્રિયા (strong interaction) દ્વારા ક્ષય પામતા નથી. એટલે કે તેમનો સરેરાશ જીવનકાળ (life-time) 10–24 સેકન્ડથી ઘણો વધારે હોય છે. લૅમડા (Lamda), સિગ્મા (Sigma), ક્ષાય (Xi) અને ઓમેગા-ઋણ એ હાયપેરૉન કણો છે.
હાયપેરૉનનું પ્રચક્રણ (S) અર્ધપૂર્ણાંક અને દળ ન્યૂક્લિયૉનના દળ કરતાં વધારે હોય છે. આ કારણે આ કણો બૅરિયૉન કુળના છે અને અસાધારણતા (વિચિત્રતા – strangeness) (S ≠ 0) ધરાવે છે.
K-મેસૉન (કેયૉન) એ મેસૉન કુળનો અસ્થાયી મૂળભૂત કણ છે. તેની અસાધારણતા S = ± 1 છે. તે સરેરાશ સમય 10–8થી 10–10 સેકન્ડમાં ક્ષય પામે છે. પ્રબળ આંતરક્રિયા સાથે સંકળાયેલ સમયની દૃષ્ટિએ આ સમય ઘણો વધારે ગણાય છે. K-મેસૉન એમ ચાર પ્રકારના હોય છે.
બુદબુદ-કોષ્ઠ ઉદભાસન(અનાવરણ)નું યોજનાવત્ રેખાચિત્ર : સ્થિર રહેલા (અદૃશ્ય) પ્રોટૉન ઉપર π+ અથડાય છે.
ઘણી વાર હાયપેરૉન્સ અને K-મેસૉન જોડમાં પેદા થાય છે. તે નીચે પ્રમાણે પ્રક્રિયા દર્શાવે છે :
π+ + P → ∧° + K° + π+ + π–
∧° → π–+ P
K° → π+ + π–
∧°-હાયપેરૉન તટસ્થ કણ છે જે બબલ-ચેમ્બરમાં દેખાતો નથી. તેમાં પ્રોટૉન અને π+ મેસૉન ક્ષય પામે છે. π–મેસૉનનો જીવનકાળ 2.6 × 10–10 સે. હોય છે.
K° મેસૉન પણ તટસ્થ મૂળભૂત કણ છે, જે બબલ-ચેમ્બરમાં દેખાતો નથી. તેનો સરેરાશ જીવનકાળ 10–10 સેકન્ડ છે અને તે π+ અને π– મેસૉનમાં ક્ષય પામે છે.
પ્રહલાદ છ. પટેલ