હાનાબુસા, ઇચો (જ. 1652, ઓસાકા, જાપાન; અ. 7 ફેબ્રુઆરી 1724, એડો, જાપાન) : કાનો શૈલીની પરંપરામાંથી મુક્ત થઈ હાસ્યપ્રેરક પ્રસંગોનું આલેખન કરવા માટે મશહૂર જાપાની ચિત્રકાર. મૂળ નામ ટાગા શિન્કો. રોજિંદા જીવનમાંથી હાસ્યરસ નિપજાવે તેવી ઘટનાઓ અને દૃશ્યો શોધીને એમણે એમનાં ચિત્રોની શૃંખલા સર્જી. તત્કાલીન જાપાનના સરમુખત્યાર રાજવી શોગુનનું પણ તેમણે ઠઠ્ઠા-ચિત્ર આલેખેલું; પરિણામે 1698થી 1709 સુધી  અગિયાર વર્ષ સુધી એમણે એક નાના ટાપુ પર દેશનિકાલ વેઠવો પડેલો. પાછા ફર્યા બાદ તેમની કારકિર્દી ખીલી ઊઠી. વાંદરાનાં આલેખનો ઉપરાંત ફુજી પર્વતના આલેખનમાં પણ એમણે કુશળતા મેળવી હતી.

અમિતાભ મડિયા