હાથગોળો/હાથબૉમ્બ (Hand grenade)
February, 2009
હાથગોળો/હાથબૉમ્બ (Hand grenade) : સામાન્ય રીતે હાથથી અથવા વિકલ્પે કોઈ યાંત્રિક સાધન વડે પણ નિર્ધારિત નિશાન પર ફેંકવામાં આવતો દાડમના આકારનો વિધ્વંસક દારૂગોળો. તે નાના કદના બૉમ્બ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાચના બનેલા ગોળામાં વિસ્ફોટક રસાયણો ભરેલાં હોય છે જે નિશાન પર ધક્કા સાથે અથડાવાની સાથે જ વિસ્ફોટ કરી આસપાસના વિસ્તારમાં વિધ્વંસ કરતો હોય છે. તેનો બહારનો ભાગ પોલાદનો બનેલો હોય છે, જ્યારે અંદર વિસ્ફોટક રસાયણોના પાત્ર ઉપર એક ખીલી (pin) ગોઠવેલી હોય છે, જે ધડાકા સાથે રસાયણો પર અથડાતાં હાથબૉમ્બનો વિસ્ફોટ થાય છે. યુદ્ધ દરમિયાન સૈનિકોને જે શસ્ત્રો-અસ્ત્રો અપાતાં હોય છે તેમાં હાથબૉમ્બનો પણ સમાવેશ થાય છે. કેટલાક હાથબૉમ્બ એટલા બધા શક્તિશાળી હોય છે કે તે ટૅન્કો અને પોલાદી બખ્તર-ગાડીઓ (armoured vehicles) જેવાં યુદ્ધનાં સાધનોનો પણ વિનાશ નોતરી શકે છે. તેનો મહત્તમ પ્રભાવવિસ્તાર (range) 30 મીટર જેટલો હોય છે. જે સૈનિકો હાથબૉમ્બની સાજસામગ્રીનો જથ્થો ધરાવતા હોય છે તેમને ‘ગ્રેનેડિયર્સ’ નામથી ઓળખવામાં આવે છે અને તેમની ટુકડી પાયદળ સાથે જોડાયેલી હોય છે. નજીકની લડાઈમાં હાથબૉમ્બનો ઉપયોગ શત્રુ પર આક્રમણ કરવા માટે થઈ શકે છે. દીવાલ જેવી કોઈ આડશ પાછળ છુપાયેલા શત્રુના સૈનિકો અને તેમની સાધનસામગ્રીનો વિનાશ કરવા માટે હાથબૉમ્બનો અસરકારક ઉપયોગ કરી શકાતો હોય છે, કારણ કે પેલી પારના શત્રુના નિશાન પર તે આડશની ઉપરથી ઝીંકી શકાય છે. રાઇફલ-ગ્રૅનેડ એ તેનું એક વિકસિત સ્વરૂપ છે, જેમાં બંદૂકના બૅરલ પર તેને ગોઠવવામાં આવે છે.
લશ્કરની સાથોસાથ આતંકવાદીઓ પણ તેનો બહોળો ઉપયોગ કરતા હોય એવો તાજેતરનો (1985–2008) અનુભવ છે.
સત્તરમી સદીના મધ્યથી બ્રિટનના લશ્કરમાં ગ્રેનેડિયરોની અલાયદી ટુકડીઓ સંગઠિત કરવાની શરૂઆત થઈ, જે હાથબૉમ્બ (ગ્રૅનેડ) ફેંકવામાં નિપુણ હતી અને તેમનો ઉપયોગ ઘેરાઓ ઘાલવા માટે તથા ખાઈઓમાં સંતાઈને શત્રુ પર આક્રમણ કરવા માટે થવા લાગ્યો. આ પ્રકારની લડાયક ટુકડીઓ ક્રમશ: લુપ્ત થવા લાગી અને હવે સમારંભો સિવાય તેમનું ભાગ્યે જ કોઈ અસ્તિત્વ હોય છે. આ ટુકડીઓ ‘ગ્રૅનેડિયર ગાડર્ઝ’ નામથી ઓળખાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે