હાગિયા સોફિયા કૉન્સ્ટન્ટિનોપલ
February, 2009
હાગિયા સોફિયા, કૉન્સ્ટન્ટિનોપલ : બાયઝેન્ટિયન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો. કૉન્સ્ટન્ટિનોપલમાં આવેલ આ ઇમારત પ્રારંભમાં દેવળ સ્વરૂપે હતી અને બાયઝેન્ટિયન દેવળોમાં સૌથી મોટા અને નામાંકિત દેવળ તરીકે તેની ગણના થતી હતી.
હાગિયા સોફિયા, કૉન્સ્ટન્ટિનોપલ
અગાઉનાં તેનાં બે મૂળ સ્વરૂપો આગમાં નાશ પામ્યાં હતાં. તેમાંના પ્રથમ સ્વરૂપમાં કાષ્ઠની છત ધરાવતા બાસિલિકાનું આયોજન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને જાતે કર્યું હતું. વર્તમાન હાગિયા સોફિયાનું બાંધકામ 532માં પ્રથમ સુવર્ણકાળ દરમિયાન સમ્રાટ જસ્ટિનિયનના માર્ગદર્શન હેઠળ થયું હતું. બાંધકામ ઉપર દેખરેખ રહી શકે તે માટે તેણે તેની નજીકમાં જ પોતાનું કામચલાઉ રહેઠાણ ઊભું કર્યું હતું. બે સ્થપતિ – એન્થેમિયસ અને ઇસિદોર સમ્રાટને ઇમારતના પ્લાન અને ટૅકનિક વિશે માર્ગદર્શન આપતા હતા. દસ હજાર કારીગરો તેના બાંધકામમાં રોકાયા હતા. છ વર્ષમાં તેનું બાંધકામ પૂરું થયું. 27મી ડિસેમ્બર 537ના રોજ સમ્રાટ જસ્ટિનિયનની હાજરીમાં તેનો પ્રવેશ-સમારોહ યોજવામાં આવ્યો હતો. વારંવારના ધરતીકંપને કારણે તેનો અનેક વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને તેથી તેની બહારની બાજુએ દર્શનીય ન હોય તેવા ટેકાઓ (butresses) ઉમેરવામાં આવ્યા છે. 1453માં જ્યારે તૂર્કોએ કૉન્સ્ટન્ટિનોપલ જીતી લીધું ત્યારે આ ઇમારતની અંદરના અલંકૃત જડતરકામને નુકસાન પહોંચાડવામાં આવ્યું તેમજ કેટલાંકની પર ચૂનો લગાવીને ઢાંકી દેવામાં આવ્યું. તેના ચારે ખૂણે ચાર મિનારા ઉમેરવામાં આવ્યા અને તેને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું. 1929થી આ ઇમારત બાયઝેન્ટાઇન મ્યુઝિયમ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ. લગભગ સમચોરસ આકારની આ ઇમારત 76 67 મીટરનો વિસ્તાર ધરાવે છે. બાસિલિકાના આયોજનને કેન્દ્રમાં રાખીને તે મધ્ય મંડપ (nave) અને તેની બંને બાજુએ બે મજલાના પાર્શ્વમાર્ગ (aisles) ધરાવે છે. મૂળ ઓલ્ટાર (altar) પૂર્વ દિશાના ચાપાકાર ભાગ(apse)માં આવેલ છે. પશ્ચિમ બાજુએ ત્રણ બારણાં રાખવામાં આવ્યાં છે. મધ્ય મંડપ બંને બાજુએ છેડે ચાપાકાર ભાગ ધરાવે છે. આ ઇમારતની સૌથી મોટી સિદ્ધિ તેની છત-રચના(roofing)ની છે. મધ્ય મંડપ મોટા ઘુંમટ વડે આચ્છાદિત છે. મુખ્ય ઘુંમટની દરેક બાજુએ એકસરખા વ્યાસ ધરાવતા અર્ધા ઘુંમટો નીચી સપાટીએ ઊભા કરવામાં આવ્યા છે. સૌથી મોટો મધ્યનો ઘુંમટ 321 મીટર વ્યાસનો અને જમીનથી 55 મીટર ઊંચો છે. ઘુંમટનો પાયા(base)નો ભાગ 40 બારીઓથી આવૃત્ત છે. બહારથી આ ઘુંમટ સપાટ (flat) દેખાય છે. આનું કારણ એ છે કે પાછળના સમયમાં ઘુંમટમાં(drum)નું ઉમેરણ કરવામાં આવ્યું હતું. પાછળના સમયમાં મુસ્લિમો દ્વારા ઉમેરવામાં આવેલા ટેકાઓ અને અન્ય ઉમેરણો સાથેના ચાર મિનારાઓએ ઇમારતના મૂળના બાહ્ય સૌંદર્યને હાનિ પહોંચાડી છે. જોકે પ્રારંભથી જ તેની આંતરિક ભવ્યતા તેની બાહ્ય ભવ્યતા કરતાં ચઢિયાતી રહી છે. તેના નિર્માણના સમકાલીન બનેલાં સર્વ સ્થાપત્યમાં તેની આંતરિક ભવ્યતા ચઢિયાતી છે. તેની અંદર પ્રવેશનારને તેની વિશાળતા (spaciousness) અને તેની ઊંચાઈની પ્રતીતિ થાય છે. તેની અંદરનું રંગીન જડતરકામ (mosaic work) ઘણું જ આકર્ષક છે. તેની આ રંગીન સમૃદ્ધિ દર્શકના ચિત્ત પર ઊંડી અસર નિપજાવે છે.
થૉમસ પરમાર