હવામહલ (જયપુર) : રાજપૂતાના સ્થાપત્યનો આંતરરાષ્ટ્રીય ખ્યાત નમૂનો. મહારાજા સવાઈ પ્રતાપસિંઘે 1799માં તેનું બાંધકામ કરાવ્યું હતું. જયપુરનાં જોવાલાયક સ્થળોમાં તે પ્રવાસીઓનું આકર્ષક સ્થળ છે. તેની ઊંચાઈ 26.52 મીટર છે. નીચેથી ઉપર જતાં તેની લંબાઈ-પહોળાઈ ઘટતી જતાં પિરામિડ ઘાટ ધારણ કરે છે. તે પાંચ મજલાનો છે. આ પાંચ મજલા અનુક્રમે શરદ મંદિર, રતન મંદિર, વિચિત્ર મંદિર, પ્રકાશ મંદિર અને હવામંદિર તરીકે ઓળખાય છે. મહેલમાં કુલ 953 બારીઓ છે. કેટલીક બારીઓમાં જાળીકામ છે અને કેટલીક બારીઓમાં રંગબેરંગી કાચ જડેલા છે. જાળીદાર બારીઓ દ્વારા હવાની આવ-જા પૂરતા પ્રમાણમાં થતી રહેતી હોવાથી અંદરના ભાગમાં શીતળતા પ્રસરે છે. નાના જાળીદાર ઝરૂખાઓ અને કમાનાંકિત છતના બાંધકામમાં મુઘલ સ્થાપત્યશૈલીની અસર જણાય છે. તેનો પિરામિડ ઘાટ અસરકારક દૃશ્ય ઉપસાવે છે. હંમેશ ઘૂંઘટ ધારણ કરતી રાજકુટુંબની સ્ત્રીઓ માટે આ મહેલ બાંધવામાં આવ્યો હતો. માર્ગ પરથી પસાર થતી રાજસવારીને આ સ્ત્રીઓ બહાર આવ્યા વિના મહેલની અંદરથી આ બારીઓ દ્વારા જોઈ શકતી. સૂર્યોદય વખતે આ મહેલને જોવાનો ઉત્તમ સમય છે. ત્યારે જ મહેલનું સૌંદર્ય માણી શકાય છે. જાળીદાર અને રંગીન કાચજડિત બારીઓમાંથી નીકળતાં સૂર્યકિરણો એક આહલાદક દૃશ્ય ઊભું કરે છે.
થૉમસ પરમાર