હલોઈ, ગણેશ (જ. 1936, જમાલપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. કોલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યા બાદ તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં કર્યાં. ભોપાલના ભારત ભવન, સિંગાપુરના સિંગાપુર મ્યુઝિયમ અને દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. 1955માં અમેરિકાના ‘લેથેમ’ (Latham) ફાઉન્ડેશને તેમને કલા માટે ઍવૉર્ડ એનાયત કર્યો હતો. હાલમાં તે કોલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં અધ્યાપક છે.
ગણેશ હલોઈ
તે વિશ્વભારતી યુનિવર્સિટીના કલાભવનમાં કલાના મુલાકાતી પ્રાધ્યાપક છે. એમનાં ચિત્રોમાં સમકાલીન બંગાળી સમાજનું પ્રતિબિંબ દેખાય છે. તે કોલકાતામાં રહીને કલાસર્જન કરે છે. દિલ્હીની લલિતકલા અકાદમી તથા કોલકાતાની બિરલા અકાદમીમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે.
અમિતાભ મડિયા