હર્ષચરિત : સંસ્કૃત ભાષાનું ગદ્યલેખક મહાકવિ બાણે લખેલું આખ્યાયિકા પ્રકારનું આદર્શ ગદ્યકાવ્ય.
આઠ ઉચ્છવાસોના બનેલા આ ગદ્યકાવ્યમાં પ્રારંભિક શ્લોકોમાં વ્યાસ, ભાસ, પ્રવરસેન, કાલિદાસ, હરિશ્ર્ચંદ્ર, ગદ્યકાવ્ય ‘વાસવદત્તા’ અને ‘બૃહત્કથા’ તથા આઢ્યરાજના નિર્દેશો છે.
‘હર્ષચરિત’ના પ્રારંભિક બે ઉચ્છવાસોમાં આલેખવામાં આવેલ આત્મકથાપરક વિગતોમાં બાણે પોતાના વાત્સ્યાયન વંશનું વર્ણન, વિવિધ દેશોમાં તેમણે કરેલ પરિભ્રમણ, ભ્રમણ દરમિયાનના અનુભવો તથા મિત્રોનું વર્ણન, હર્ષના ભાઈ કૃષ્ણના સંદેશ મુજબ હર્ષને મળવાને પ્રસ્થાન તથા હર્ષ સાથેનું મિલન અને તે પછી, હર્ષનો અનુગ્રહ પામી પાછા ફરી, સંબંધીજનોના કહેવાથી હર્ષના જીવન અંગેની કથાનો આરંભ વગેરે બાબતો અત્યંત રોચક શૈલીમાં રજૂ કરાઈ છે. ત્રીજા ઉચ્છવાસમાં હર્ષના ચરિતને આલેખતાં બાણભટ્ટ સૌપ્રથમ રાજધાની સ્થાણ્વીશ્વર, હર્ષના પૂર્વજ પુષ્પભૂતિ તથા તાંત્રિક સાધનામાં સહાય કરનાર ભૈરવાચાર્યનું વર્ણન આપે છે. ચોથા ઉચ્છવાસમાં પુષ્પભૂતિના વંશનો ટૂંકો પરિચય આપી, પ્રભાકરવર્ધન અને રાણી યશોમતીનું વર્ણન તથા તે પછી તેમનાં ત્રણ સંતાનો–રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજ્યશ્રી–ના જન્મ અંગેની કથા નિરૂપાઈ છે. રાજ્યશ્રીનો વિવાહ મૌખરિ રાજા અવન્તિવર્માના પુત્ર ગ્રહવર્મા સાથે ધામધૂમપૂર્વક કરાય છે તેનું વર્ણન છે. પાંચમા ઉચ્છવાસમાં રાજવંશ ઉપર આવી પડેલી આફતોનું વર્ણન છે. તેમાં પહેલાં હૂણો દ્વારા રાજ્યની ઉત્તરે આક્રમણ કરાતાં, તેમને પરાસ્ત કરવા માટે સેના સાથે રાજ્યવર્ધનનું પ્રસ્થાન, તેની સાથે ગયેલા હર્ષનું શિકાર પ્રતિ આકર્ષણ, માર્ગમાં જ પિતાની માંદગીના સમાચાર જાણી હર્ષનું પાછા ફરવું, પિતાના સ્વાસ્થ્યની ચિંતાથી ઘેરાયેલા હર્ષને પિતાની હયાતીમાં જ માતા સતી થતાં લાગેલો આઘાત તથા રાજાના મૃત્યુથી પ્રજામાં વ્યાપેલો શોક વગેરેનું માર્મિક ચિત્રણ છે. છઠ્ઠા ઉચ્છવાસમાં હૂણોને હરાવીને પાછા ફરેલ રાજ્યવર્ધનની હર્ષને રાજ્યધુરા સોંપવાની ઇચ્છા, માલવરાજ દ્વારા ગ્રહવર્માની હત્યા અને રાજ્યશ્રીને કેદ કર્યા અંગે સમાચાર જાણી તેને હણવાને રાજ્યવર્ધનનું પ્રયાણ, ગ્રહવર્માનો વધ અને પછી કપટપૂર્વક કરાયેલ રાજ્યવર્ધનની હત્યા વિશે જાણી બહેનની વહારે જવા તત્પર બનેલ હર્ષ દ્વારા સ્કંદગુપ્તની સલાહ માની યોગ્ય પ્રબંધપૂર્વક કરાતું પ્રયાણ અને તે સમયે થતા સર્વનાશને સૂચવનારાં અનેક અપશુકનો વગેરે બાબતો નિરૂપાઈ છે. સાતમા ઉચ્છવાસમાં યુદ્ધ માટે પ્રસ્થિત હર્ષની સેનાનું વર્ણન છે. સેનાની કૂચ સમયે થતો શોરબકોર અને સૈનિકો દ્વારા પ્રજાને થતો ત્રાસ વગેરેના વર્ણન પછી, કેદમાંથી ભાગી છૂટીને વિન્ધ્યાટવીમાં આશ્રય પામેલ રાજ્યશ્રી અંગેની બાતમી મળતાં, બહેનની શોધ માટે હર્ષે કરેલ પ્રસ્થાન અંગેનું નિરૂપણ છે. છેલ્લા આઠમા ઉચ્છવાસમાં રાજ્યશ્રીની શોધ કરતા હર્ષને પ્રાપ્ત થતી એક શબર યુવકની સહાય તથા બૌદ્ધ ભિક્ષુ દિવાકરમિત્રનો મેળાપ વર્ણવાયો છે. દરમિયાન અગ્નિપ્રવેશ કરવા માગતી રાજ્યશ્રીની ભાળ મળતાં, હર્ષ દ્વારા તેનો બચાવ અને દિવાકરમિત્ર દ્વારા રાજ્યશ્રીના શોકને દૂર કરવાને અપાતો ઉપદેશ ને અન્તે દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂર્ણ થયા બાદ બહેન સાથે ભગવાં ધારણ કરવાની હર્ષે વ્યક્ત કરેલી મન:કામના બાદ ભદન્ત દિવાકરમિત્ર તથા રાજ્યશ્રીની સાથે હર્ષનું પોતાની છાવણીમાં પાછા ફરવું વગેરે બાબતો રજૂઆત પામી છે. તે પછી છેલ્લે સૂર્યાસ્ત અને ચન્દ્રોદયના વર્ણન સાથે અચાનક જ કૃતિ અટકે છે.
સમ્રાટ હર્ષના જીવનનો ઉત્તરાર્ધ કવિએ નિરૂપ્યો નથી. એ જ રીતે, બાણના જીવનની પણ પાછલી વિગતો અહીં ઉપલબ્ધ થતી નથી; પરંતુ જેટલી પણ સામગ્રી કવિએ અહીં રજૂ કરી છે, તે દ્વારા હર્ષના સમયમાં પ્રવર્તમાન સાંસ્કૃતિક, સામાજિક, રાજનૈતિક અને ધાર્મિક પરિસ્થિતિઓના અભ્યાસ માટે તે બહુ ઉપયોગી બની રહે છે.
આ રીતે હર્ષચરિતની રચના એક ઐતિહાસિક વ્યક્તિ સમ્રાટ હર્ષવર્ધન ને કેન્દ્રમાં રાખીને કરાઈ છે. સાથે જ, હર્ષ સાથે સંકળાયેલ અનેક ઐતિહાસિક વ્યક્તિઓ અંગે પણ આ દ્વારા જાણકારી મળે છે.
આ ઉપરાંત વિષયને અનુરૂપ ભાષાનો પ્રયોગ તથા તદનુરૂપ અલંકારોની યોજના, પ્રકૃતિનું સુચારુ ચિત્રાંકન તેમજ સ્વાભાવિક પાત્રનિરૂપણ, વિશિષ્ટ શબ્દગુંફન અને રસપરિપાક જેવા ગુણોથી સમૃદ્ધ એવી આ રચનામાં પાંડિત્ય ને ભાવાભિવ્યક્તિ બંનેનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે.
જાગૃતિ પંડ્યા