હર્વિઝ, લીઓનાર્દો (જ. 21 ઑગસ્ટ 1917, મૉસ્કો, રશિયા) : અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સન્માનનીય (Emeritus) પ્રોફેસર તથા વર્ષ 2007ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ અત્યાર સુધીના (2007) વિજેતાઓમાં સૌથી મોટી ઉંમરના પીઢ અર્થશાસ્ત્રી છે. રશિયામાં ઑક્ટોબર (1917) ક્રાંતિ થઈ તે પૂર્વે લગભગ બે જ માસ અગાઉ તેમનો જન્મ એક યહૂદી પરિવારમાં થયેલો. તેમના જન્મ સમયે તેમનો પરિવાર પોલૅન્ડનો ભૌગોલિક ભાગ ગણાતા કૉંગ્રેસ કિંગ્ડમ નામક સ્થળે નિવાસ કરતો હતો અને એ રીતે તેઓ પોલિશ મૂળના ગણાય. તેમનું આખું નામ લીઓનાર્ડ હર્વિઝ છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન તેમના પિતરાઈ પરિવારને તેમના મૂળ નિવાસસ્થાનથી અન્યત્ર જતા રહેવાની ફરજ પડી હતી. તેમના જન્મ પછી તેમનાં માતા-પિતા લીઓનાર્ડ સાથે પોલૅન્ડના વૉર્સો નગરમાં કાયમી નિવાસ કરવાના ઇરાદાથી સ્થળાંતર કરી ગયેલા. ત્યાર પછીનાં કેટલાંક વર્ષો દરમિયાન તેમના પિતરાઈ પરિવારને સામ્યવાદીઓ (બોલ્શેવિક્સ) અને જર્મનીના નાઝીવાદીઓ આ બંને તરફથી પજવણીનો સામનો કરવો પડતો હતો જેને કારણે 1939માં હિટલરે જ્યારે પોલૅન્ડ પર આક્રમણ કર્યું ત્યારે હર્વિઝના પરિવારને શરણાર્થી થવું પડ્યું હતું. તેનાં માતા-પિતા અને તેના ભાઈને વૉર્સો છોડીને ભાગી જવું પડ્યું હતું; પરંતુ ત્યાર બાદ હિટલરના ગુપ્તચરોએ તેમની ધરપકડ કરી અને શ્રમછાવણીઓમાં ધકેલી દીધા હતા. હર્વિઝને 1940માં પ્રથમ સ્વિટ્ઝર્લૅન્ડમાં અને ત્યાર બાદ પોર્તુગાલમાં શરણ લેવું પડ્યું હતું. અંતે તેઓ અમેરિકા જતા રહેલા જ્યાં તેમનો સમગ્ર પરિવાર ક્રમશ: એક થયો હતો. ઑક્ટોબર 1940ના અરસામાં એવલિન જેનસન નામની યુવતી જેનો ઉછેર વિસકોન્સિનના એક ખેતર પર થયેલો (1921–1940) તે હર્વિઝની સહાયક બની અને 1944માં તેમણે એકબીજા સાથે લગ્ન કર્યાં.

લીઓનાર્દો હર્વિઝ

1938માં હર્વિઝને વૉર્સો યુનિવર્સિટીએ એલએલ.એમ.ની પદવી એનાયત કરી હતી અને ત્યાર બાદ તેમણે નિકોલસ કાલ્ડોર અને ફ્રેડરિક હાયેક જેવા અર્થશાસ્ત્રના દિગ્ગજોના માર્ગદર્શન હેઠળ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અર્થશાસ્ત્ર વિષયનું અધ્યયન કર્યું હતું. 1939માં તેમણે જીનીવા ખાતેની ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ સ્ટડીઝ નામની સંસ્થામાં અધ્યયન કર્યું હતું તથા લુડવિગ વૉન માઇઝેસ દ્વારા સંચાલિત એક પરિસંવાદમાં સક્રિય ભાગ લીધો હતો. અમેરિકામાં સ્થળાંતર કર્યા પછી હર્વિઝે ત્યાંની હાર્વર્ડ યુનિવર્સિટી અને શિકાગો યુનિવર્સિટીમાં અધ્યયન ચાલુ રાખ્યું હતું. 1941માં તેઓએ અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા અર્થશાસ્ત્રી પૉલ સૅમ્યુઅલસનના સંશોધક સહાયક તરીકે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં તથા ઑસ્કાર લૅંગના હાથ નીચે શિકાગો યુનિવર્સિટીમાં સેવાઓ આપી હતી. ઉપરાંત, હર્વિઝે અમેરિકાના સિગ્નલ કોરમાં કામ કરતા સૈનિકોને ઇલેક્ટ્રૉનિક્સ વિષય પણ શિખવાડ્યો હતો. 1942–1944ના ગાળામાં શિકાગો યુનિવર્સિટીમાં તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મટીરિયોલોજી ખાતે અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું અને સાથોસાથ અર્થશાસ્ત્ર વિભાગમાં આંકડાશાસ્ત્રનું અધ્યાપન કર્યું હતું. 1942ના અરસામાં તેઓ અર્થશાસ્ત્ર વિષયમાં સંશોધન કરતા કાઉલ્સ કમિશનમાં જેકબ માર્કચક અને જાલિંગ કૂપમન્સ હર્વિઝના સલાહકાર અને માર્ગદર્શક હતા. 1961માં હર્વિઝ યુનિવર્સિટી ઑવ્ મિનેસોટા ખાતેની સ્કૂલ ઑવ્ સ્ટૅટિસ્ટિક્સના ચૅરમૅનપદે નિમાયા.

1945–46થી 1961ના ગાળા દરમિયાન હર્વિઝે જે પદો પર કામ કર્યું હતું તેમાં 1946માં આયોવા સ્ટેટ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર, 1950–51ના ગાળામાં કાઉલ્સ કમિશનમાં પૂર્ણ સમયના સંશોધન-સહાયક, અર્થશાસ્ત્ર વિભાગમાં કૂપમન્સના સ્થાને અર્થશાસ્ત્રના પ્રોફેસર, યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇસ ખાતે અર્થશાસ્ત્ર તથા ગાણિતિક આંકડાશાસ્ત્રના પ્રોફેસર, શિકાગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર, રૅન્ડ કૉર્પોરેશનના સલાહકાર તથા અમેરિકાના બ્યૂરો ઑવ્ બજેટના સલાહકાર – આ બધાં પદોનો સમાવેશ થાય છે. 1961માં તેઓ આંકડાશાસ્ત્રના અધ્યાપનને વરેલી સ્કૂલ ઑવ્ સ્ટૅટિસ્ટિક્સના ચૅરમૅન, 1969માં રિજેન્ટ્સ પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સ તથા 1989માં કર્ટિસ એલ. કાર્લસન પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સ નિમાયા.

અર્થશાસ્ત્રના અધ્યાપન માટે હર્વિઝે અનેક અમેરિકન તથા એશિયન યુનિવર્સિટીઓનો પ્રવાસ ખેડ્યો હતો જેમાં ભારતની બૅંગલોર યુનિવર્સિટી(1965)નો, જાપાનની ટોકિયો યુનિવર્સિટીનો, ચીનની રેન્મિન યુનિવર્સિટી તથા ઇન્ડોનેશિયાની યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. અમેરિકામાં 1969માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે, 1976માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફોર્નિયા–બર્કલે ખાતે, 1988 અને 1989 આ બંને વર્ષ દરમિયાન નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ખાતે, 1998માં સૅન્ટા બાર્બરા યુનિવર્સિટી ખાતે, 1999માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે તથા વર્ષ 2002માં યુનિવર્સિટી ઑવ્ મિશિગન ખાતે મુલાકાતી પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. વર્ષ 2001માં તેમને યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇસમાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સનું પદ મળ્યું હતું.

1944માં તેમણે ગાણિતિક અર્થશાસ્ત્ર અને મૉડેલિંગ જેવા તેમના અત્યંત પ્રિય વિષયોમાં મૌલિક લખાણ પ્રકાશિત કર્યું હતું. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના ક્ષેત્રમાં અને ખાસ કરીને ગાણિતિક અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં તેમનું પ્રદાન મૌલિક ગણવામાં આવે છે. 1950ના દાયકામાં બિનસુરેખ (non-linear) પ્રોગ્રૅમિંગના ક્ષેત્રના સંશોધનમાં તેમણે કેનેથ ઍરો સાથે તથા ત્યાર બાદ ડૅનિયલ મૅકફૅડનના સ્નાતક સલાહકાર તરીકે કામ કર્યું હતું. આ બંનેને ત્યાર બાદ ક્રમશ: 1972 અને 2000માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2006માં તેમની નિમણૂક સન્માનનીય પ્રોફેસરના પદ પર થઈ હતી; પરંતુ તે પૂર્વે જ વર્ષ 1988માં તેઓએ પૂર્ણ સમયના પ્રોફેસરના પદ પરથી નિવૃત્તિ લીધી હતી અને માત્ર મુલાકાતી પ્રોફેસરનાં પદો પર કામ કર્યું હતું (1988–2007). હર્વિઝના સંશોધને એ સાબિત કરી બતાવ્યું છે કે મૂડીવાદ અને સમાજવાદ જેવી આર્થિક પદ્ધતિઓના વિશ્લેષણની પ્રક્રિયાને આર્થિક મૉડેલ્સ કેવી રીતે ઉપયોગી નીવડી શકે છે. તેમણે વિકસાવેલ ‘સહઅસ્તિત્વક્ષમ કે સુસંગત પ્રલોભનો’(incentive compatibility)નો સિદ્ધાંત શકવર્તી નીવડ્યો છે, કારણ કે આ સિદ્ધાંત દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું છે કે તર્કશુદ્ધ આર્થિક નિર્ણયો લેવાની પ્રક્રિયામાં વ્યક્તિગત પ્રલોભનો જ વધુ અસરકારક નીવડતાં હોય છે અને કેન્દ્રસ્થ આયોજનની પદ્ધતિમાં વ્યક્તિગત પ્રલોભનોનો અભાવ હોવાથી તે પોતાનાં ઉદ્દિષ્ટો સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડતાં હોય છે.

હર્વિઝે ઘણાં સામયિકોના સંપાદનકાર્યમાં સક્રિય સહકાર આપ્યો છે. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા 1978માં પ્રકાશિત ‘રિસૉર્સ-ઍલક્યુશન પ્રોસેસીસ’ તથા 1987માં પ્રકાશિત ‘સોશ્યલ ગોલ્સ ઍન્ડ સોશ્યલ ઑર્ગનાઇઝેશન’ના સંપાદનકાર્યમાં તેમણે સક્રિય સહકાર આપ્યો હતો.

તેમની સમગ્ર કારકિર્દી (1945–2007) દરમિયાન હર્વિઝે અર્થશાસ્ત્રનાં અનેક પાસાંઓનું અધ્યાપન કર્યું હતું. જેમાં આર્થિક સિદ્ધાંતોથી માંડી કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, જાહેર અર્થતંત્ર, અર્થતંત્રને લગતી માળખાગત સંસ્થાઓ તથા ગાણિતિક અર્થશાસ્ત્ર સુધીનાં પાસાંઓનો સમાવેશ થાય છે. વર્ષ 2007માં પણ અર્થશાસ્ત્રને લગતાં વિવિધ પાસાંઓ પર તેમનું સંશોધનકાર્ય ચાલુ છે જેમાં આર્થિક પદ્ધતિઓનાં માળખાંઓ તથા તેમની તકનીક, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, રમતનો સિદ્ધાંત, વિવિધ સામાજિક ધ્યેયો વચ્ચે પસંદગી અને તેમનું અલગીકરણ તથા આર્થિક મૉડેલ્સનો સમાવેશ થાય છે.

1947માં હર્વિઝને ઇકૉનૉમેટ્રિક સોસાયટીના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને 1969માં તેઓ તે સંસ્થાના પ્રમુખપદે ચૂંટાયા હતા. વર્ષ 1965માં તેઓને અમેરિકન અકાદમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સીસના સભ્ય બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1974માં તેમને નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સીસનું સભ્યપદ તથા 1977માં અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના ડિસ્ટિંગ્વિશ્ડ ફેલોનું પદ એનાયત કરવામાં આવ્યું હતું. 1990માં તેમને તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે ‘નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ ઇન બિહેવ્યરલ ઍન્ડ સોશ્યલ સાયન્સ’ એનાયત કરવામાં આવ્યું હતું. વર્ષ 2007 સુધી હર્વિઝને છ યુનિવર્સિટીઓએ ડૉક્ટરેટની માનદ પદવી એનાયત કરી છે જેમાં નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી (1980), શિકાગો યુનિવર્સિટી (1993), બાર્સેલોના યુનિવર્સિટી (1989), કઈઓ યુનિવર્સિટી (1993), પોલૅન્ડની વૉર્સો સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ (1994) તથા યુનિવર્સિટી ઑવ્ બીલફ્રેલ્ડ(2004)નો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ડૅનિઅલ મૅકફૅડેન હર્વિઝના વિદ્યાર્થી છે.

ઑક્ટોબર 2007માં હર્વિઝને અન્ય બે અમેરિકન અર્થશાસ્ત્રીઓની સાથે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે