હર્નાન્દેઝ, યોઝ (. 10 નવેમ્બર 1834, ચેક્રા પ્યુરેડન, બિયોનેસ એરિસ; . 21 ઑક્ટોબર 1886, બેલ્ગ્રેનો, બિયોનેસ એરિસ) : આર્જેન્ટિન કવિ, આર્જેન્ટિના અને પમ્પાસનાં ઘાસનાં મેદાનોમાં ઘોડા પર સવાર થઈને ઘેટાં ચારતી વિચરતી જાતિના હૂબહૂ ચિત્રણ માટે જાણીતા.

યોઝ હર્નાન્દેઝ

માંદગીના કારણે 14 વર્ષની વયે તેમણે બિયોનેસ એરિસ છોડ્યું અને પમ્પાસમાં રહેવા ગયા. ત્યાં તેઓ ગૉચોસની રહેણી-કરણીના પરિચયમાં આવ્યા. ગૉચોસના જીવનનો તેમણે અભ્યાસ કર્યો. 1853થી 1868 સુધી બિયોનેસ એરિસ સાથેના રાજકીય સંઘર્ષમાં તેમણે ભાગ લીધો હતો. તેમના ગ્રંથ ‘એલ ગૉચો માર્ટિન ફાયરો’(1872 ‘ધ ગૉચો’ માર્ટિન ફાયરો, 1974)માં પીડાયેલા ગૉચોના જીવનનું ચિત્રણ થયું છે. ગૉચો પોયટ્રીના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે તેની ગણના થાય છે. તેના બીજા ભાગ – લા વુએલ્ટ દ માર્ટિન ફાયરો(1879, ‘ધ રીટર્ન ઑવ્ માર્ટિન ફાયરો’)માં જે સમાજ છોડીને ગૉચો નાયક ચાલ્યો ગયેલો તે પાછો ફરે છે અને સમાજને ફરી એકત્ર કરે છે. આ કાવ્યોમાં ગૉચોના જીવનના ચિત્રણ ઉપરાંત મનુષ્યની એકલતા પણ વ્યક્ત થાય છે. શરૂઆતમાં બૌદ્ધિકો દ્વારા તેમના કાર્યનું યોગ્ય મૂલ્યાંકન થયું નહોતું; પરંતુ પછીથી તેમની કવિતાની આર્જેન્ટિનાની રાષ્ટ્રીય કવિતા તરીકે કદર થઈ હતી.

યોગેશ જોષી