હર્નાન્દેઝ, મીગલ (જ. 30 ઑક્ટોબર 1910, ઓરિહુએલા, સ્પેન; અ. 28 માર્ચ 1942, અલિકાન્તે) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. તેમણે પરંપરિત ઊર્મિગીતના સ્વરૂપને વીસમી સદીની વસ્તુલક્ષિતા સાથે સાંકળવાનું કાર્ય કર્યું.
મીગલ હર્નાન્દેઝ
જુવાનીમાં તેઓ 1936માં સ્પૅનિશ કમ્યૂનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા અને 1936–1939 દરમિયાન આંતરવિગ્રહમાં લડ્યા હતા. એ અગાઉ તેઓ બકરાં ચારતા. યુદ્ધ પછી તેમને મરણની સજા જાહેર થયેલી; પરંતુ આંતરરાષ્ટ્રીય વિરોધ બાદ તેમને મરણને બદલે આજીવન કારાવાસની સજા થયેલી. માત્ર 31 વર્ષની વયે કેદખાનામાં તેમનું અવસાન થયું હતું. પ્રેમ, વેદના, યુદ્ધ, મરણ અને સામાજિક અન્યાય જેવા વિષયો પર તેમનું પ્રભુત્વ રહ્યું છે. પાછલા જીવનમાં તેમની કવિતા વધારે સાદગીભરી, પ્રગાઢ અને કરુણ બની હતી. જટિલ રચનાઓનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પેરિતો એન લુનાસ’ (‘અ કૉનસર ઑવ્ મૂન્સ’) 1933માં પ્રગટ થયો. મુખ્યત્વે ઉત્કૃષ્ટ શુદ્ધ સૉનેટનો સંગ્રહ ‘એલ રેયૉ ક્વે નો સેસા’ (1936, ‘ધ નેવર એન્ડિંગ લાઇટનિંગ’) તેમનું ઉત્તમ કામ લેખાય છે. જેમાં તેમનો કરુણ અને ઊર્મિપ્રધાન કવિસૂર પ્રગટ થાય છે. ‘એલ હોમ્બ્રે અસેચા’ (1939, ‘ધ મેન હુ લર્ક્સ’) યુદ્ધ અને કારાવાસના ત્રાસ, ભય, પીડા આદિથી ભરેલું ગમગીન કરી દેનારું પુસ્તક છે. મરણોત્તર પ્રગટ થયેલ સંગ્રહ ‘કેન્સિયોનેરો ય રોમાન્સેરો દ ઓઝેન્સિ યાસ’ 1958, ‘સૉંગ બુક ઑવ્ ઍબ્સન્સ’માં ભૂખે મરતાં તેમની પત્ની અને પુત્ર માટે રચાયેલાં જુસ્સો અને દુ:ખભર્યાં કાવ્યો અને હાલરડાંનો સમાવેશ થાય છે. કાવ્યો ઉપરાંત હર્નાન્દેઝે નાટ્યક્ષેત્રે પણ કામ કર્યું છે. આંતરવિગ્રહ દરમિયાન વિચાર-પ્રચાર માટે કેટલાંક એકાંકીઓ રચ્યાં હતાં. તેમાં પેસ્તર દ લા મુર્તે (1938, ‘શેફર્ડ ઑવ્ ડેથ’) સૌથી નોંધપાત્ર છે.
યોગેશ જોષી