હર્ડીકર, શરદ મોરેશ્વર (ડૉ.) (જ. 22 જૂન 1932, સતારા જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત) : ખ્યાતિપ્રાપ્ત ઑર્થોપેડિક સર્જન અને ઑર્થોપેડિક્સના પ્રતિષ્ઠિત પ્રોફેસર.
તેઓએ ગ્રેટ બ્રિટનમાં અનુસ્નાતકનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ત્યાં 1959થી 1964 સુધી કાર્ય કર્યું. એક ઑર્થોપેડિક સર્જન તરીકે તેઓએ આખા મહારાષ્ટ્ર રાજ્યમાં, વિશેષ રૂપે ગ્રામીણ ક્ષેત્રોમાં વિશાળ સંખ્યામાં ફેલાયેલા તેમના દર્દીઓ સાથે નિકટનો સંપર્ક સ્થાપિત કર્યો છે.

(ડૉ.) શરદ મોરેશ્વર હર્ડીકર
તેમની વ્યાવસાયિક નિપુણતાથી દેશભરના અનેક લોકોને તકલીફમાંથી રાહત મળી છે અને તેમના મુખ પર હાસ્ય પાછું ફર્યું છે. અનેક યુવા ઑર્થોપેડિક સર્જનોને પ્રશિક્ષિત કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું તેનો શ્રેય તેમને જાય છે. તેમણે સ્પૅસ્ટિક રોગથી પીડાતાં બાળકોને પુનર્વાસ, ઑસ્ટિયોપોરોસિસ તથા ટ્રાઇબલ મેડિસિનમાં ઘણી શોધો કરી છે. તેમણે મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં 75 નિઃશુલ્ક પોલિયો શિબિર આયોજિત કર્યા અને 5000 વિકલાંગ બાળકોને તપાસ્યા તથા 1500 બાળકોનાં નિઃશુલ્ક ઑપરેશન કર્યાં. તેમણે સ્પૅસ્ટિક બાળકો માટે એક કેન્દ્રની સ્થાપના કરી. તેમણે પોલિયો, મસ્તિષ્ક પક્ષાઘાત (સેરેબ્રલ પાલ્સી) તથા કમરદર્દ વગેરેના સંબંધમાં જાણકારી આપતાં અનેક ઉપયોગી પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેમણે 1971માં હર્ડીકર હૉસ્પિટલ ખોલી જેને 75 ખાટલાવાળી સાર્વજનિક ધર્માર્થ હૉસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી. આ હૉસ્પિટલમાં ઑર્થોપેડિક, માનસિક આઘાત ચિકિત્સા (ટ્રૉમા), ગહન ચિકિત્સા કક્ષ તથા પુનર્વાસ વિંગ્સની સુવિધાઓ ઉપલબ્ધ છે.
હર્ડીકર ઍસોસિયેશન ઑવ્ સ્પાઇન સર્જન ઑવ્ ઇન્ડિયા’ના અધ્યક્ષ અને વર્ષ 1996 સુધી પૂનામાં સેમિનાર ઍન્ડ હૅન્ડ્સ ઑન વર્કશૉપ ઑન જૉઇન્ટ રિપ્લેસમેન્ટ ઑવ્ ઇન્ડો-જર્મન ઑર્થોપેડિક ફાઉન્ડેશનના અધ્યક્ષ હતા. તેઓ મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યકારણ સંબંધી ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમીક્ષા સમિતિના સદસ્ય રહી ચૂક્યા છે. તેમના આ કાર્ય માટે ભારત સરકારે 2004માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.
પૂરવી ઝવેરી