હમાઇટ (હ્યુમાઇટ Humite) : સ્ફટિકરચના અને રાસાયણિક બંધારણનું ઘનિષ્ઠ સંકલન અને સંબંધ ધરાવતી મૅગ્નેશિયમ નેસોસિલિકેટ ખનિજોની શ્રેણી. નીચેની સારણીમાં બતાવ્યા મુજબ આ શ્રેણીમાં ચાર ખનિજોનો સમાવેશ થાય છે :
હમાઇટ શ્રેણીનાં ખનિજોનાં બંધારણ : કોષ (cell) પરિમાણ
ખનિજ | બંધારણ | a0 | b0 | c0 |
નૉર્બર્ગાઇટ | Mg3(SiO4)(F·OH)2 | 8.74 | 4.71 | 10.22 |
કૉન્ડ્રોડાઇટ | Mg5(SiO4)2(F·OH)2 | 7.89 | 4.74 | 10.29 |
હમાઇટ | Mg7(SiO4)3(F·OH)2 | 20.90 | 4.75 | 10.25 |
ક્લાઇનોહમાઇટ | Mg9(SiO4)4(F·OH)2 | 13.71 | 4.75 | 10.29 |
નૉર્બર્ગાઇટ અને હમાઇટ બંને ઑર્થોર્હોમ્બિક છે; કૉન્ડ્રોડાઇટ અને ક્લાઇનોહમાઇટ બંને મોનોક્લિનિક છે. બધા જ સ્ફટિકોની અક્ષીય લંબાઈ લગભગ સરખી છે. સારણીમાં દર્શાવ્યા મુજબ b અને cનાં કોષપરિમાણ બધાં જ ખનિજોમાં સરખાં છે, જ્યારે aનાં પરિમાણ સૂત્રમાંના મૅગ્નેશિયમ અણુઓની સંખ્યા પર આધાર રાખે છે.
હમાઇટ શ્રેણીનાં ખનિજોના ભૌતિક ગુણધર્મો સમાન છે. ચમક રાળમય અને રંગ મોટે ભાગે પીળાથી કથ્થાઈ હોય છે, પરંતુ ક્યારેક (ભાગ્યે જ) શ્વેત કે રાતો હોય છે. કઠિનતા : 6થી 6.5. વિ. ઘ. : 3.1થી 3.2.
કુદરતમાં મળતાં આ બધાં ખનિજો દેખાવે એકસરખાં જેવાં જણાય છે, તેથી સરળતાથી તેમને જુદાં તારવી શકાતાં નથી. આ ખનિજો લાક્ષણિક રીતે તો ચૂનાખડકની સંપર્ક સપાટી વિભાગોમાં જોવા મળતાં હોય છે. નૉર્બર્ગાઇટ સ્વિડનના નૉર્બર્ગમાં જ મળે છે. આખી શ્રેણી પૈકી તે ખૂબ જ વિરલ છે. બાકીના ત્રણે પ્રકારો માઉન્ટ વિસુવિયસ ખાતેના પ્રસ્ફુટિત દ્રવ્યમાંથી મળેલા છે. કૉન્ડ્રોડાઇટના સૂક્ષ્મ સ્ફટિકો ન્યૂયૉર્કના બ્ય્રુસ્ટર ખાતેની ટિલી ફૉસ્ટર લોહખાણમાંથી મળેલા છે.
ગિરીશભાઈ પંડ્યા