હપતેથી વેચાણ-પ્રથા : પ્રથમ હપતામાં આંશિક કિંમત ચૂકવીને બાકીની કિંમત નિશ્ચિત રકમના નિશ્ચિત સંખ્યાના હપતામાં ચૂકવી મોંઘી વસ્તુ ખરીદવાની પ્રથા. કોઈ એક વ્યક્તિ કોઈ એક ચીજ ખરીદવાની (ખરીદ)શક્તિ પ્રાપ્ત કરે તે પહેલાં તે ચીજ ખરીદવા માંગતી હોય અને વેચનાર તેના પર ભરોસો મૂકવા તૈયાર હોય તો વેચાણની જે કેટલીક પ્રથાઓ અસ્તિત્વમાં આવી છે તેમાંની એક હપતેથી વેચાણ-પ્રથા છે. આ પ્રથા હેઠળ વેચનાર ખરીદનારને માલની માલિકી અને કબજો આપી દે છે. એના બદલામાં ખરીદનાર ચીજની કિંમતનો અમુક ભાગ પહેલા હપતા તરીકે તરત જ ચૂકવે છે. પહેલા હપતાની ચુકવણીથી નાણાકીય વ્યવહાર તો થાય છે; પરંતુ એ ચુકવણીથી એ પણ નક્કી થાય છે કે ખરીદનાર અને વેચનાર કરારબદ્ધ થયા છે. હપતા વેચાણપ્રથામાં મહદ્અંશે લેખિત કરાર થાય છે કે જેમાં ચીજનું વર્ણન, કિંમત, હપતાની સંખ્યા, હપતાની રકમ, ચુકવણીની મુદત, ન્યાયાધીશ–હકૂમત અને ચીજની માલિકી અને કબજો પહેલો હપતો ચૂકવાતાં ખરીદનારનો રહેશે તે જણાવવામાં આવે છે. કરાર પર ખરીદનાર અને વેચનાર પોતાની સંમતિ દર્શાવતાં સહી-સિક્કા કરે છે. ચીજની જે રોકડ કિંમત હોય છે તે પૂરી એકીસાથે ચૂકવાતાં વેચનારનાં બધાં નાણાં છૂટાં થાય છે. હપતા વેચાણ-પ્રથામાં એ બનતું નથી. પહેલા હપતાની રકમ સિવાયની રકમ ચોક્કસ મુદત દરમિયાન સમયાંતરે મળે છે. આથી, હપતા વેચાણ-પ્રથામાં ચીજની કિંમત રોકડ કિંમત કરતાં વધારે હોય છે. આ વધારાની કિંમત વેચનાર માટે ચીજમાંથી નીપજતી ઊપજ નથી પણ વ્યાજની ઊપજ છે. તે જ પ્રમાણે તે ખરીદનાર માટે પણ ચીજની કિંમત અને વ્યાજની રકમનો સરવાળો બને છે. ચીજ પરનો ઘસારો ખરીદનારનો બોજો બને છે. એ ચીજની રોકડ કિંમતને પાયો ગણી ઘસારો ગણે છે. હપતા વેચાણપ્રથા હેઠળ પહેલો હપતો ચૂકવાતાં માલની માલિકી અને કબજો ખરીદનારનાં બનવાથી તે ચીજને વેચી શકે છે. ગીરો મૂકી શકે છે કે અન્યને ભાડે કે ઉપયોગ માટે આપી શકે છે. ટૂંકમાં, ભલે પૂરી કિંમત નહિ ચૂકવી હોય તોપણ ખરીદનાર એના માલિક તરીકે વ્યવહારો કરી શકે છે. ખરીદનાર હપતો ચૂકવી નહિ શકે તો વેચનાર ચીજનો કબજો અને માલિકી પુન: મેળવી શકતો નથી. આ માટે એણે લેણદાર તરીકે રકમ વસૂલીની કાર્યવાહી કરવાની રહે છે.
એમાં સમયાંતરે એક સુધારો થયો છે જે હેઠળ વેચનાર ખરીદનાર પાસેથી ચીજની કિંમત જેટલી કે એનાથી વધારાની કિંમતની અન્ય ચીજ કે મિલકત ગીરો લખાવી લે છે. ભાડા-ખરીદ (hire purchase) પ્રથા કરતાં હપતેથી વેચાણ-પ્રથા(sale by instalments)માં ખરીદનાર અને વેચનારના હકો એકબીજાથી ઘણા જુદા પડે છે.
ખરીદનાર છેલ્લો હપતો ભરે ત્યાર પછી જ તે ભાડા-ખરીદ પ્રથામાં ચીજનો માલિક બની શકે છે અને છેલ્લો હપતો ભર્યો હોય નહિ ત્યાં સુધી તે ચીજનો ફક્ત ભાડવાત જ રહે છે; તેથી ઊલટું હપતેથી વેચાણ-પ્રથામાં ખરીદનાર પહેલો હપતો ભરે તેવો તુરત જ તે ચીજનો માલિક બની જાય છે. તે ચીજને ગીરો મૂકી શકે છે અને વેચી પણ શકે છે અને તેમ કરતાં તેને વેચનાર અટકાવી શકતો નથી. વળી ખરીદનાર હપતો ભરવામાં ચૂક કરે તો વેચનાર વેચેલી ચીજને કબજે લઈ શકતો નથી; પરંતુ પોતાના લેણાની વસૂલાત માટે ખરીદનાર સામે ફક્ત દીવાની દાવો જ કરી શકે છે. આમ હપતેથી વેચાણ-પ્રથા વેચનાર માટે અસલામત અને નુકસાનકારક છે તેથી તે લોકપ્રિય રહી નથી.
સૂર્યકાન્ત શાહ