હઝારિકા, અતુલચન્દ્ર (જ. 9 સપ્ટેમ્બર 1903, લતાશીલ, તા. ગુવાહાટી, આસામ; અ. 1986) : અસમિયા કવિ, નાટ્યકાર, વિવેચક અને બાળસાહિત્યકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘મંચલેખા’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમના પિતાનું નામ રમાકાન્ત અને માતાનું નામ નિરૂપમા હતું. તેમણે 1923માં ગુવાહાટીની કૉલેજિયેટ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક; 1928માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.; 1935માં અર્લી લૉ કૉલેજમાંથી બી.એલ.; 1941માં શિલોંગની સેન્ટ એડમન્ડ્સ કૉલેજમાંથી બી.ટી. અને 1943માં કોલકાતા યુનિવર્સિટીમાંથી અસમિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
અતુલચન્દ્ર હઝારિકા
1930માં ગુવાહાટીની સોવારમ હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. પછી 1945 સુધી જુદી જુદી સરકારી હાઈસ્કૂલોમાં સેવા આપ્યા બાદ કૉટન કૉલેજમાં પ્રાધ્યાપક નિમાયા. ત્યાંથી તેઓ 1960માં સેવાનિવૃત્ત થયા. પછી ગુવાહાટી યુનિવર્સિટીના બી.ટી. વિભાગમાંથી તેઓ 1968માં સેવાનિવૃત્ત થયા.
ખુલ્લામાં ભજવાતાં બંગાળી ‘યાત્રા’ નાટકો અને રંગમંચ પર નાટ્યપ્રયોગોની ખરેખર ભજવણીનો ઇજારો તોડવા, તેમણે આસામમાં શરૂઆતથી તે 1967 સુધીનો રંગમંચવિષયક અભ્યાસ કર્યો. અસમિયા રંગમંચની જરૂરિયાતોને પહોંચી વળવા તેમણે પૌરાણિક વિષયવસ્તુ, ભારત તથા અસમિયા મહાકાવ્યોની પ્રખ્યાત દંતકથાઓ અથવા આસામ અને ભારતના ઇતિહાસના કેટલાક યાદગાર પ્રસંગો પર આધારિત નાટકોની રચના કરી. તેમણે શેક્સપિરિયન નાટકોની શૈલી પણ અપનાવી.
તેમનાં ઉલ્લેખનીય નાટકો છે : ‘માત્રી મંગલ’ (1927), ‘બેઓલા’ (1933), ‘કનૌજ કુંવરી’ (1933), ‘નંદદુલાલ’ (1935), ‘કુરુક્ષેત્ર’ (1936), ‘શ્રી રામચંદ્ર’ (1937), ‘નરકાસુર’ (1939), ‘સાવિત્રી’ (1939), ‘કલ્યાણી’ (1939), ‘માર્ગિયાના’ (1939), ‘શકુન્તલા’ (1940), ‘બાણિજ કન્વાર’ (1945), ‘છત્રપતિ શિવાજી’ (1947), ‘માનસપ્રતિમા’ (1948), ‘અશ્રુતીર્થ’ (1952), ‘દમયંતી’ (1952), ‘આહુતિ’ (1952), ‘ટિકેન્દ્રજિત’ (1959), ‘સતી’ (1962) અને ‘વિસર્જન’ (1962) વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ‘નરકાસુર’ અત્યંત લોકપ્રિય બન્યું હતું અને ‘બાણિજ કન્વાર’ તથા ‘અશ્રુતીર્થ’ આસામની સાંસ્કૃતિક મંચ સજાવટ સામે અનુક્રમે શેક્સપિરિયન નાટકો ‘ધ મરચન્ટ ઑવ્ વેનિસ’ અને ‘કિંગ લિયર’નું અસમિયા રૂપાંતર છે. તેમનાં નાટકોમાં તેમણે ગીતો અને સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાઓનો ઉપયોગ કર્યો છે. વળી દેશભક્ત, વીરો અને વીરાંગનાઓ માટે ન્યાયી જયજયકારની ઊંડી માનવસહાનુભૂતિ, વિદેશી કથાઓ માટેના દેશી સાંસ્કૃતિક સજાવટનું સર્જન અને અસમિયા પ્રણાલિકા અને સંસ્કૃતિના સમર્થનમાં ગર્વની લાગણી તેમનાં નાટકોની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોવાથી આસામમાં નાટ્યકાર તરીકે તેઓ અનન્ય સ્થાન ધરાવે છે.
પ્રથમ કક્ષાના કવિ તરીકે તેમણે નીચેના કાવ્યસંગ્રહો આપ્યા છે : ‘દીપાલી’ (1938), ‘કૌમુદી’ (1939), ‘મણિમાળા’ (સૉનેટ, 1941), ‘તપોવન’ (1955), ‘રણઝંકાર’ (1962), ‘રક્તજબા’ (ગીતો, 1963), ‘જયતુ જનની’ (1963), ‘ઝંકાર’ (1964), ‘રંગઢળી’ (1971), ‘ગાંધી મલિકા’ (1972), ‘મણિકુટ’ (1973), ‘અપરાજિતા’ (1974), ‘એકતાન’ (1976) અને ‘ગગનાર સૂર’ (1978). તે બધા પૈકી ‘મણિકુટ’ શ્રેષ્ઠ સંગ્રહ છે.
આ ઉપરાંત તેમણે 37 પદ્યકૃતિઓ આપી છે અને તે ખાસ કરીને બાળકો માટે વાર્તાઓ, દંતકથાઓ અને ઐતિહાસિક ઘટનાઓ રૂપે છે. તેમાં વધુ લોકપ્રિય કૃતિઓ છે : ‘કથાકીર્તન’ (1945), ‘કથાદેશમ્’ (1946, 1951), ‘અંકિતા-નાતાર-સાધુ’ (1953), ‘કાવ્યકથા’ (1953), ‘રામાયણાર રાહ ઘર’ (1963), ‘અંડેરસેનાર સાધુ’ (1961) અને ‘ઐતાર સાધુ’ (1968). તેમની ઉલ્લેખનીય બાળકાવ્યકૃતિઓમાં ‘રણકઝણક’ (1953), ‘ફેહુજલી’ અને ‘રુર્જનાર જિલ્મિલ’(1980)નો સમાવેશ થાય છે.
1930ના દશકામાં તેઓ આસામ છાત્ર સમ્મિલનના મુખપત્ર ‘મિલન’ના સફળ સંપાદક રહ્યા તેમજ તેઓ ખાસ કરીને ખ્યાતનામ અસમિયા સાહિત્યકાર લક્ષ્મીનાથ બેઝબરૂઆ અને જ્યોતિપ્રસાદ અગરવાલની સાહિત્યિક કૃતિઓના પ્રતિષ્ઠિત સંપાદક અને સંકલનકાર પુરવાર થયા. તેમની પુરસ્કૃત કૃતિ ‘મંચલેખા’ (1967) એટલે 1468થી 1967 સુધીના અસમિયા રંગભૂમિનો ઇતિહાસ નિરૂપતો ગ્રંથ; ‘સ્મૃતિર પપરી’ (1977) અને ‘સ્મૃતિલેખા’ (1980) એટલે નિજી સાહિત્યિક મૂલ્યની તેમની અંગત સ્મૃતિના ગ્રંથો દ્વારા તેમને અમર ખ્યાતિ પ્રાપ્ત થઈ. 1959માં તેઓ આસામ સાહિત્ય સભાના પ્રમુખ ચૂંટાયા.
1971માં તેમને પદ્મશ્રી ઍવૉર્ડ તથા 1982માં તેમને ‘સાહિત્યાચાર્ય’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પુરસ્કૃત કૃતિ ‘મંચલેખા’માં નાટ્યક્ષેત્રે તેમની અગ્રગામી સિદ્ધિ અને તેના નિરૂપણમાં સહજતા અને પ્રવાહિતા બદલ તેનું તત્કાલીન અસમિયા નાટ્યસાહિત્યમાં અનન્ય પ્રદાન લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા