હજારે, અણ્ણા (જ. 15 જાન્યુઆરી 1940, ભિંગર, અહમદનગર, જિ. મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી સામાજિક કાર્યકર અને આદર્શ ગ્રામવ્યવસ્થાના શિલ્પી. મૂળ નામ કિસન બાબુરાવ હજારે. અણ્ણાનું પ્રાથમિક શિક્ષણ રાળેગાંવ સિદ્ધિમાં થયું. પરિવારની આર્થિક હાલાકીને કારણે તથા તેમનાં ફોઈને પોતાનું સંતાન ન હોવાથી તેઓ અણ્ણાને મુંબઈ લઈ ગયાં, જ્યાં સાત ધોરણ સુધી તેમણે અભ્યાસ કર્યો. પરિવારને આર્થિક સહાય કરવાના હેતુથી મુંબઈમાં એક દુકાનમાં નોકરી કરી. ફાજલ સમયમાં તેઓ દાદર, મુંબઈમાં ફૂલ વેચીને વધારાની કમાણી કરતા.
અણ્ણા હજારે
સમયાંતરે તેમણે મુંબઈમાં પોતાની દુકાન ખોલી. સમય જતાં તે નાના નાના ગુનાઓ કરવા લાગ્યા અને પોલીસના સકંજામાંથી બચવા માટે નાસભાગ કરવા લાગ્યા. એપ્રિલ 1960માં લશ્કરમાં ભરતી કરવા સારુ મુંબઈમાં જે શિબિર યોજાઈ હતી તેમાં પસંદગી પામતાં સિપાઈ તરીકે લશ્કરમાં જોડાયા. ઔરંગાબાદમાં લશ્કરની પ્રાથમિક તાલીમ લીધા બાદ ટ્રક ડ્રાઇવર તરીકે પંજાબમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી. વતનથી અને પરિવારથી દૂર આ નોકરીમાં તેમને રસ પડ્યો નહિ, એટલે સુધી કે એક વાર તો હતાશાને કારણે તેમણે આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. 1965ના ભારત–પાકિસ્તાન યુદ્ધ દરમિયાન એક વાર જ્યારે તેઓ લશ્કરની ટ્રકમાં સૈનિકોને લઈને પશ્ચિમ ક્ષેત્રમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા હતા ત્યારે એક પાકિસ્તાની વિમાને તેમની ટ્રક પર ઓચિંતું નિશાન લઈને હુમલો કર્યો, જેમાં તેમના વાહનનો કૂચો થઈ ગયેલો અને અણ્ણા સિવાયના બાકીના સૈનિકો માર્યા ગયેલા. નાગાલૅન્ડના પોસ્ટિંગ દરમિયાન પણ એક વાર તેઓ નાગા બળવાખોરોના હુમલામાં આકસ્મિક રીતે બચી ગયા હતા, જ્યારે તેમના અન્ય બધા જ સાથીઓ માર્યા ગયા હતા. એક વાર દિલ્હીના રેલવે સ્ટેશન પરની પુસ્તકની એક દુકાનમાં સ્વામી વિવેકાનંદની પુસ્તિકા ‘કૉલ ટુ ધ યૂથ ફૉર નેશન-બિલ્ડિંગ’ પર તેમની નજર ગઈ અને તે વાંચ્યા પછી અણ્ણા પર તેનો એટલો બધો પ્રભાવ પડ્યો કે તેમણે તેમનું બાકીનું જીવન લોકસેવામાં સમર્પિત કરવાનો નિર્ણય લીધો. વિવેકાનંદ ઉપરાંત મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોબા ભાવેના વિચારોનો પણ તેમના પર પ્રભાવ પડ્યો. 1970માં તેમણે આજીવન અવિવાહિત રહેવાનો નિર્ધાર કર્યો અને સાથોસાથ લશ્કરની નોકરીમાંથી પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. તે વખતે તેમનું પોસ્ટિંગ મુંબઈમાં હતું જ્યાંથી તેઓ અવારનવાર પોતાના વતન રાળેગાંવ સિદ્ધિ જતા. આ મુલાકાતો (1971–1974) દરમિયાન પોતાના વતન અને આજુબાજુના વિસ્તારના આર્થિક અને સામાજિક પછાતપણાનો તેમને ખ્યાલ આવ્યો. 1975માં તેમની લશ્કરની નોકરી પેન્શનપાત્ર થતાં તેમણે નિવૃત્તિ લીધી અને વતન પાછા આવ્યા ત્યારથી આજ દિન (2008) સુધી તેમણે પોતાની સર્વ શક્તિઓ સામાજિક સેવા અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત કરી છે.
1975માં વતનમાંના એક મંદિરનો પુનરુદ્ધાર કરવાનું કામ અણ્ણાએ હાથમાં લીધું અને તેના માટે લોકફાળો તો ભેગો કર્યો જ, પરંતુ તેની શરૂઆત લશ્કરમાંથી નિવૃત્તિ વખતે તેમને પ્રૉવિડન્ડ ફંડ તરીકે જે રકમ મળી હતી તે રૂ. 20,000 આ કાર્ય માટે દાન આપીને કરી. આ કાર્યમાં તેમણે ગામના યુવકોને સક્રિય બનાવ્યા. પોતાના ગામમાં ચાલતી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ બંધ કરવાનું કઠિન કામ તેમણે ગામની સ્ત્રીઓની મદદથી હાથ ધર્યું, જેમાં તેમને સફળતા મળતાં ત્યાર પછી મહિલાઓ તેમની પડખે ઊભી રહી. રોજ સાંજના સમસ્યાઓની ચર્ચા કરવા માટે ગામના રહેવાસીઓ ભેગા થતા, જેમાં યુવકોની સંખ્યા નોંધપાત્ર રહેતી. તેમણે ગામમાં રોજગારી ઝુંબેશ ઉપાડી, જેને પરિણામે રાળેગાંવના આશરે 200 જેટલા બેકારોને સરકારી યોજનાઓમાં નોકરીઓ મળી અને અન્ય કેટલાકને અણ્ણાએ લશ્કરમાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું. કૃષિની ઊપજ વધારવા માટે રાજ્ય સરકારની યોજનાઓનું અમલીકરણ પોતાના વતનમાં અસરકારક રીતે થાય તેવા પ્રયત્નો તેમણે આદર્યા, જેમાં જમીનનું સંવર્ધન (conservation), સિંચાઈના પાણીનો પૂરતો પુરવઠો તથા વૉટરશેડ ડેવલપમેન્ટ પર તેમણે ભાર મૂક્યો. વરસાદના પાણીનો વ્યય ન થાય તે માટે ગામમાં અને ગામની આજુબાજુના વિસ્તારમાં લોકોના સહકારથી નીક બનાવવાની ઝુંબેશ તેમણે ઉપાડી. ત્યાર બાદ સરકારને ગામમાં ગળણકૂંડીઓ (percolation tanks) બનાવવા ફરજ પાડી તથા પાણી વહી ન જાય તે માટે જરૂરી પ્રમાણમાં ઠેર ઠેર પાળ બાંધી. જ્યાં જ્યાં શક્ય અને જરૂર જણાઈ ત્યાં ત્યાં કૂવાઓ ગળાવ્યા, જેથી ભૂગર્ભમાં પાણીનો પુરવઠો સતત રિચાર્જ થયા કરે. ગામમાં ઠેર ઠેર વૃક્ષોની વાવણી કરી. આ બધાં કાર્યોને લીધે રાળેગાંવની પ્રગતિ થવાથી ગામના ઉત્પાદનમાં વધારો થયો. ગામના લોકોની આવકમાં વધારો થતો ગયો. દા. ત., વર્ષ 1975માં ગામના લોકોની માથાદીઠ આવક રૂ. 271 હતી જે વર્ષ 2007માં રૂ. 2,200 જેટલી થઈ. ગામનાં 40 ટકા ઉપરાંત કુટુંબો હવે વાર્ષિક રૂ. 48,000 કરતાં પણ વધારે કમાતાં હોય છે, જેમાંથી 25 ટકા કુટુંબોની વાર્ષિક આવક રૂ. 4 લાખ કરતાં પણ વધારે હોય છે. લગભગ દરેક પરિવાર પોતાની જમીન પર ફળફળાદિ અને લીલાં શાકભાજીનું વાવેતર કરતા હોય છે. પરિણામે વર્ષમાં દસ મહિના સુધી જમીન પર કોઈ ને કોઈ ઊપજ થતી જ હોય છે. રાળેગાંવ સિદ્ધિમાં ટપક સિંચાઈ(drip irrigation)ના પ્રયોગો પણ સફળતાથી દાખલ થયા છે. શેરડી જેવી ઊપજો જેમાં વધુ પાણીની જરૂર પડે છે તેના ઉત્પાદન પર સામૂહિક નિર્ણય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તેની અવેજીમાં ઓછા પાણીની જરૂરવાળા પાકો જેવા કે કઠોળ, તેલીબિયાં વગેરે પસંદ કરવામાં આવે છે. કૃષિ-ઉત્પાદનમાં વધારો થતાં અનાજની અધિશેષ ઊપજના નિકાલ માટે ગામમાં 1963માં ‘અનાજ બૅંક’ ઊભી કરવામાં આવી છે, જેમાંથી જરૂરિયાતમંદ પરિવારો અનાજ ઉધાર લઈ શકે છે. આ ‘બૅંક’નું સંચાલન ગામના યુવકો કરે છે. તેમના જ સહકારથી તથા મહિલાઓના ટેકાથી ગામમાં અગાઉ ચાલતી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, તમાકુ અને ગુટખાની દુકાનો બંધ કરી દેવામાં આવી છે (1975). તેની અવેજીમાં દૂધના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવેલ છે, જેમાંથી ગામને દર વર્ષે આશરે એક કરોડ રૂપિયાની આવક થતી હોય છે.
હજારેના નેતૃત્વને લીધે 1976માં પ્રથમ બાલવાડી શરૂ કરવામાં આવી, પ્રાથમિક શાળામાં બહારથી નિષ્ઠાવાન શિક્ષકો લાવવામાં આવ્યા, 1979માં સંત યાદવ બાબા શિક્ષણ પ્રસારક મંડળના નેજા હેઠળ ગામના લોકોના શ્રમદાનથી એક હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. સમય જતાં 200 વિદ્યાર્થી રહી શકે એવું એક છાત્રાલય પણ શ્રમદાનથી બાંધવામાં આવ્યું. 1982માં ગામની કન્યાઓ પ્રથમ વાર હાઈસ્કૂલની પરીક્ષામાં પાસ થઈ. આજે (2008) ગામમાં 100 જેટલા પદવીધરો છે.
રાળેગાંવ સિદ્ધિ ગામમાંથી અસ્પૃશ્યતા અને જાતિવાદને જાકારો આપવામાં આવ્યો છે. ગામના સામાજિક અને આર્થિક જીવન-વ્યવહારોમાં દલિતોને સામેલ કરી લેવામાં આવ્યા છે અને તેમને સમાન દરજ્જો આપવામાં આવેલ છે. ગામના લોકોએ હરિજનો માટે મકાનો બનાવી આપ્યાં છે અને દેવાના બોજમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. લગ્ન જેવા પ્રસંગોની ઉજવણી સામૂહિક રીતે પણ સાદાઈ અને કરકસર દ્વારા ગામના લોકો કરે છે અને તેમાં પણ ગામનું યુવક મંડળ આગળ પડતો ભાગ ભજવે છે. 1976–1986ના દાયકામાં 424 લગ્નો આ રીતે સંપન્ન કરવામાં આવ્યાં હતાં.
ગામને લગતી વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકાય તે પહેલાં તે ગ્રામસભામાં ચકાસવામાં આવે છે અને તે અંગે બહુમતી દ્વારા લોકશાહી ઢબે નિર્ણયો લેવામાં આવે છે. ગ્રામપંચાયત ઉપરાંત ગામમાં અન્ય અનેક સોસાયટીઓ લોકશાહી ઢબે સ્થાપવામાં આવી છે. મહિલાઓના વિકાસ માટે અલાયદી સોસાયટીઓ સ્થાપવામાં આવી છે, જેમનું સંચાલન મહિલાઓ જ કરે છે.
દર વર્ષે ઑક્ટોબરની બીજી તારીખે ગાંધીજીનો જન્મદિવસ સામૂહિક રીતે ઊજવવામાં આવે છે અને તેમાં સૌથી વયોવૃદ્ધ પુરુષ અને મહિલાનું ગામ વતી જાહેર સન્માન કરવામાં આવે છે. જન્મ પછી દરેક બાળક માટે ગામ વતી નાતજાતના ભેદ વિના નવાં કપડાં સિવડાવી આપવામાં આવે છે. તેવી જ રીતે જે યુવતી ગામના યુવક સાથે પરણીને વહુ તરીકે પહેલી વાર ગામમાં આવે છે તેનું શ્રીફળ દ્વારા પરંપરાગત રીતે સામૂહિક સ્વાગત કરવામાં આવે છે અને તેને ગામની વહુનું બિરુદ આપવામાં આવે છે. ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ વખતોવખત સન્માન કરવામાં આવે છે. ગામનો કોઈ યુવક કોઈ ખાસ સિદ્ધિ હાંસલ કરે ત્યારે તેનું પણ સમગ્ર ગામ વતી જાહેર અભિવાદન કરવામાં આવે છે. આવા પ્રસંગે ગ્રામભોજનનું આયોજન કરવામાં આવે છે.
અણ્ણા હજારે પોતે ગામના મંદિરમાં જ નિવાસ કરે છે. આદર્શ ગ્રામવ્યવસ્થાના આ શિલ્પીને વર્ષ 2008 સુધી અનેક ઍવૉર્ડ્ઝથી સન્માનવામાં આવ્યા છે. દા. ત., 1986માં તત્કાલીન પ્રધાનમંત્રીના હસ્તે ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર ઍવૉર્ડ, 1989માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘કૃષિભૂષણ ઍવૉર્ડ’, 1990માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનો ઍવૉર્ડ અને 1998માં પદ્મભૂષણ ઍવૉર્ડ, રેમન મેગ્સેસે ઍવૉર્ડ વગેરે. 1987માં અહમદનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તથા 1989માં પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
અણ્ણા હજારે છેલ્લા લગભગ ત્રણ દાયકાથી મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર-વિરોધી અભિયાન ચલાવે છે, જેને કારણે મહારાષ્ટ્ર સરકારના બે મંત્રીઓને રાજીનામું આપવું પડ્યું હતું.
આદર્શ ગ્રામવ્યવસ્થાના આ શિલ્પકારનાં રચનાત્મક કાર્યો અને તેની પાછળની વિચારસરણીનો ભારત સરકાર પર એટલો બધો પ્રભાવ પડ્યો છે કે ભારતીય નાગરિક વહીવટી સેવા (IAS) માટે પસંદ થયેલા યુવકોની દરેક ટુકડીને સમૂહમાં એક અઠવાડિયા માટે રાળેગાંવ સિદ્ધિ જોવા મોકલવામાં આવે છે અને તેને ગ્રામવિકાસની તાલીમનો અનિવાર્ય ભાગ ગણવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે