સ્વીટ સુલતાન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પોઝિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centaurea moschata છે. તેની બીજી જાતિ, C. imperialesને રૉયલ સ્વીટ સુલતાન કહે છે.
સ્વીટ સુલતાન 60 સેમી.થી 70 સેમી. ઊંચો એકવર્ષાયુ છોડ છે. તેને સુંદર નાજુક દેખાતાં પીળાં, ગુલાબી, સફેદ કે જાંબલી રંગનાં પુષ્પો આવે છે. તેઓ એક પ્રકારની મીઠી સુગંધી ધરાવે છે.
તેનાં બીજના ધરુ તૈયાર કરી કાયમની જગાએ રોપવામાં આવે છે. ધરુ બહુ નાજુક હોય છે અને ઘણી વખત તેને કાઢીને બીજે રોપતાં ઘણા છોડ મરી જાય છે. એટલે કેટલીક જગ્યાએ એનાં બીજ સીધાં ક્યારામાં છાંટીને તે થોડું મોટું ધરુ જેવું થાય ત્યારે વચ્ચે-વચ્ચેથી છોડ કાઢી લઈ 25 સેમી.થી 30 સેમી.ને અંતરે રોપા રહેવા દઈ તે ઊગવા દેવાય છે. આ છોડને સારી નિતારવાળી જમીન અનુકૂળ છે. તેને પાણી ખૂબ જ માપસરનું આપવામાં આવે છે. વધારે પાણી પડવાથી છોડ કોહવાઈ જાય છે. બીજ રોપ્યા પછી 3થી 3.5 મહિને પુષ્પનિર્માણ થાય છે.
રૉયલ સ્વીટ સુલતાનનાં પુષ્પ મોટાં અને વધારે આકર્ષક તથા સુગંધીદાર હોય છે. એ છોડની ઊંચાઈ 80 સેમી.થી 90 સેમી. જેટલી થાય છે.
આ બંને જાતિઓ ક્યારામાં તેમજ કૂંડામાં ઉછેરી શકાય છે.
cyanusને કંદર્પ તરીકે ઓળખાવવામાં આવે છે. તે પણ એકવર્ષાયુ, બહુશાખી શાકીય વનસ્પતિ છે. તે સાદાં એકાંતરિક રેખીય, અખંડિત કે છેદિત અને અનુપપર્ણીય (exstipulate) પર્ણો ધરાવે છે. પુષ્પો લાંબા દંડ પર નવેમ્બર-ડિસેમ્બરમાં બેસે છે. તેઓ સફેદ, ગુલાબી, જાંબલી કે વાદળી રંગનાં હોય છે. તે ચિકોરીજેનિન ગ્લુકોસાઇડ ધરાવે છે.
behenમાં સ્ફટિકમય આલ્કેલોઇડ, બાહમિન આવેલું હોય છે. તે વાજીકર (aphrodisiac) ગુણધર્મ ધરાવે છે. તેનો ઉપયોગ કમળામાં અને પથરીનાં દર્દોમાં કરવામાં આવે છે.
મ. ઝ. શાહ