સ્વામી વિરજાનંદ (જ. 1778; અ. 14 સપ્ટેમ્બર 1868) : મથુરાના નેત્રહીન સંત. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના સુપ્રસિદ્ધ ગુરુ સ્વામી વિરજાનંદનો જન્મ જાલંધર પાસેના ગંગાપુર નામના ગામમાં એક ભારદ્વાજ ગોત્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1778માં થયો હતો. તેમનું નામ વ્રજલાલ હતું. તેમને ધર્મચંદ નામે ભાઈ હતો. પાંચ વર્ષની વયે બળિયાના પ્રકોપથી નેત્રહીન થયા. સંસ્કૃતના પરમ જ્ઞાતા તેમના પિતાશ્રીએ સંસ્કૃતવિદ્યાની દીક્ષા આપી. નાની વયમાં પિતાનું અવસાન થતાં એમના મોટા ભાઈ અને ભાભી ઉપર નાના ભાઈની જવાબદારી આવી પડી. ભાઈભાભીના વર્તનથી સ્વામીએ ઘર છોડ્યું. ફરતાં ફરતાં હૃષીકેશ આવ્યા. ત્યાં લગભગ ત્રણ વર્ષ ધ્યાન અને તપશ્ચર્યામાં જીવન વિતાવ્યું. કોઈ દૈવી પ્રેરણાથી હૃષીકેશથી હરિદ્વાર (હરદ્વાર) આવ્યા. ત્યાં પૂર્ણાનંદનો સંપર્ક થતાં સંન્યાસની દીક્ષા લીધી અને સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું. વ્યાકરણ અને આર્ષશાસ્ત્રોમાં અભિરુચિ જાગ્રત થઈ. સંસ્કૃત સાહિત્યની અન્ય વિદ્યાઓમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું. તેમણે અધ્યાપનકાર્ય પણ આરંભ્યું.
સ્વામી વિરજાનંદ
અધ્યયન-અધ્યાપન સમાપ્ત કરી સ્વામી વિરજાનંદ સંસ્કૃતના વિદ્યાધામ કાશીમાં મીમાંસા, વેદાન્ત, આયુર્વેદ વગેરે શાસ્ત્રોમાં પારંગત બન્યા અને વિદ્વાનોમાં પ્રતિષ્ઠા પામ્યા. ત્યાંથી તેઓ ગયામાં ચાર વર્ષ રહ્યા અને ઉપનિષદોનું વિવેચનાત્મક અધ્યયન કર્યું. આમ હરિદ્વારથી ગયા સુધી તેમની વિદ્યાયાત્રા ચાલી. ગયાથી સ્વામીશ્રી કોલકાતા ગયા. ત્યાં તેઓશ્રી વિદ્વાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. ત્યાં કેટલાંક વર્ષો સુધી રહી જનસમાજ ઉપર તેમનો પ્રભાવ પાથર્યો. અહીં ભૌતિક સુવિધાઓ મળતાં તેમણે નગરનો ત્યાગ કરી ગંગાતીરે ગડિયા ઘાટ ઉપર નિવાસ કર્યો. ત્યાં તત્કાલીન અલવરના રાજાની મુલાકાત થતાં અલવરનરેશ તેમનાથી પ્રભાવિત થયા. તેમના નિમંત્રણથી તેઓ અલવર જવા સંમત થયા. ત્યાં તેઓ કેટલોક સમય રહ્યા. મહારાજાના અનુરોધથી તેમણે ‘શાબ્દબોધ’ની રચના કરી. તેની હસ્તપ્રત હજી અલવરમાં સચવાઈ રહી છે. ત્યાંથી સ્વામી સોરોં ગયા. ત્યાંથી ભરતપુર અને મુરસાત થઈને મથુરામાં આવી વસ્યા. મથુરામાં તેમણે એક પાઠશાળા શરૂ કરી, જ્યાં સમગ્ર દેશમાંથી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. પાઠશાળાનું ખર્ચ ક્ષત્રિય રાજકુમારોના દાનથી ચાલતું હતું. વિદ્યાર્થી પાસેથી કાંઈ લેવામાં આવતું નહિ. મથુરામાં જ સ્વામી શ્રી વિરજાનંદને સુયોગ્ય શિષ્ય સ્વામીશ્રી દયાનંદ સરસ્વતી મળ્યા. સ્વામી વિરજાનંદ એક કડક અધ્યાપક હતા. તેમના વિદ્યાર્થીઓ પણ ઊંચું અનુશાસન ધરાવે અને કર્મઠ બને તેવી તેમની મહેચ્છા હતી.
સ્વામી દયાનંદ સરસ્વતીનું અધ્યયન પૂર્ણ થતાં ગુરુદક્ષિણામાં તેમને પ્રતિજ્ઞા કરાવી કે ‘દેશમાં આર્ષસાહિત્ય અને વેદજ્ઞાનનો તેઓ નિરંતર પ્રચાર કરે’. સ્વામી દયાનંદ સરસ્વતીએ એ પ્રતિજ્ઞાને આજીવન વ્રત બનાવ્યું. તેમના સમયમાં સંસ્કૃત વ્યાકરણની પ્રક્રિયાને સમજવા ભટ્ટોજી દીક્ષિતની સિદ્ધાંતકૌમુદીને મહત્વ આપ્યું; પરંતુ સ્વામી શ્રી વિરજાનંદે પાણિનીય સંસ્કૃત વ્યાકરણના અધ્યયન માટે પાણિનીય પરંપરાને પુનર્જીવિત કરી તેનો પ્રચારપ્રસાર કર્યો છે.
સ્વામી વિરજાનંદ 90 વર્ષની વયે કૃષ્ણપક્ષની તેરસ ને સોમવાર – 14 સપ્ટેમ્બર, 1868માં બ્રહ્મલીન થયા.
ભારતના તાર-ટપાલ ખાતાએ આ મહાન ઋષિના સન્માન અને સ્મૃતિમાં 14–9–1971ના રોજ સ્મારક ટપાલટિકિટ પ્રગટ કરીને અંજલિ આપી છે.
દશરથલાલ ગૌ. વેદિયા