સ્વામી રામભદ્રાચાર્ય (જ. 1950, શાંદીર્ખુદ, જિ. જૌનપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃતના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવ્ય વ્યાકરણમાં આચાર્ય એમ.એ. તથા પીએચ.ડી. અને ડી.લિટ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એક સક્રિય કાર્યકર્તા છે.
સ્વામી રામભદ્રાચાર્ય
તેઓ હિંદી, અંગ્રેજી, ફ્રેંચ તેમજ ભારતની પ્રાદેશિક ભાષાઓ જેવી કે ભોજપુરી, મૈથિલી, ઊડિયા, ગુજરાતી, પંજાબી, મરાઠી, માગધી, અવધી અને વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેમણે વિદ્યાર્થી અવસ્થાથી જ લેખનકાર્યનો આરંભ કર્યો હતો. ‘આઝાદ ચંદ્રશેખર ચરિતમ્’ (1975) તેમની પ્રથમ રચના છે. સંસ્કૃતમાં : ‘પ્રસ્થાનત્રયીભાષ્યમ્’, ‘નારદભક્તિસૂત્ર’, ‘રામસ્તવરાજ’, ‘ભૃંગદૂતમ્’, ‘સરયૂલહરી’, ‘રાઘવાભ્યુદયમ્’ તથા હિંદીમાં : ‘અરુંધતી મહાકાવ્ય’, ‘કાકા વિદુર’, ‘માઁ શબરી’ (કાવ્ય), ‘માનસ મેં તાપસ પ્રસંગ’, ‘સીતાનિર્વાસન નહીં’ (વિવેચન), ‘ભરતમહિમા’, ‘તુમ પાવક મઁહ કાહુ નિવાસા’ અને ‘માનસ મેં સુમિત્રા’ (પ્રવચન) તેમની પ્રમુખ કૃતિઓ છે.
તેમને ભારતના રાષ્ટ્રપતિ, લાલબહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ (નવી દિલ્હી), પાર્લમેંટ ઑવ્ રિલિજન્સ (શિકાગો), ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન, મધ્યપ્રદેશ સંસ્કૃત અકાદમી તથા સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય (વારાણસી) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ જગદગુરુ રામભદ્રાચાર્ય હૅંડીકૅપ્ડ યુનિવર્સિટીના સ્થાપક છે. વળી તેમણે વિકલાંગ વિદ્યાર્થીઓ માટે 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સ્થાપી છે.
કવિ પ્રજ્ઞાચક્ષુ છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘શ્રીભાર્ગવરાઘવીયમ્’ મહાકાવ્યમાં કવિએ પ્રશિષ્ટ શૈલી અપનાવી છે અને પોતાના વિચારો સબળ રીતે રજૂ કર્યા છે. એમની આલંકારિક રીતિ માઘ કવિની યાદ તાજી કરાવે છે. તેમની આ કૃતિમાં વ્યાકરણ, છંદ:શાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર-વિષયક સંદર્ભોના સૂઝપૂર્વકના વિનિયોગના કારણે આ કૃતિ સંસ્કૃતમાં લખાયેલ ભારતીય મહાકાવ્ય રૂપે એક મહત્ત્વનું પ્રદાન છે.
બળદેવભાઈ કનીજિયા