સ્વાઝીલૅન્ડ (Swaziland)
January, 2009
સ્વાઝીલૅન્ડ (Swaziland) : આફ્રિકા ખંડના અગ્નિ ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ દ. અ. અને 31° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 17,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં મોઝામ્બિક દેશ આવેલો છે, જ્યારે બાકીની બધી બાજુઓ પર દક્ષિણ આફ્રિકા દેશ આવેલો છે. તેનું સત્તાવાર રાષ્ટ્રીય નામ ‘અમ્બુસો વીસ્વાતિની’ છે. મ્બાબાને (Mbabane) તેનું પાટનગર છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : સ્વાઝીલૅન્ડની પશ્ચિમ સરહદ પર આશરે 1,370 મીટરની ઊંચાઈ સુધીના પર્વતો આવેલા છે. પાઇનનાં વિશાળ જંગલોથી આ ભાગ આચ્છાદિત છે. અહીંનું સરેરાશ તાપમાન 16° સે. જેટલું રહે છે, જ્યારે આ ભાગમાં દર વર્ષે 1,140 મિમી.થી 1,910 મિમી. જેટલો વરસાદ પડે છે. પર્વતોની પૂર્વ તરફના દેશના ભાગમાં અસમતળ, ઘાસભૂમિનો પ્રદેશ છે. મધ્યનો આ પ્રદેશ ખીણપ્રદેશ તરીકે પણ ઓળખાય છે. દેશના મોટા ભાગની વસ્તી આ મધ્યભાગમાં રહે છે; અહીંનું સરેરાશ તાપમાન 19° સે. રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ 760 મિમી.થી 1,140 મિમી. જેટલો પડે છે. દેશના પૂર્વ ભાગમાં ભૂમિ લગભગ સમતળ છે, નીચાણવાળું મેદાન આવેલું છે અને વનસ્પતિમાં ઘાસ અને કાંટાળા છોડવા જોવા મળે છે. અહીંનું તાપમાન 22° સે. રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ 500 મિમી. પડે છે. પૂર્વ સરહદે ઊંચા, સાંકડા લેબોમ્બો પર્વતો છે.
સ્વાઝીલૅન્ડ પાણીના સમૃદ્ધ સ્રોત ધરાવે છે. આ દેશમાં મુખ્ય ચાર નદીઓ પૂર્વ તરફ વહે છે : ઇંગ્વાવુમા, કોમતી, ઉમ્બુલુઝી અને ગ્રેટ ઉસુતુ. તેમનાં જળથી ખેતીને સિંચાઈ મળે છે તથા જળવિદ્યુત મથકો ચાલે છે.
અર્થતંત્ર : સ્વાઝીલૅન્ડ કૃષિ અને ખનિજક્ષેત્રે સમૃદ્ધ હોવાથી દેશનું અર્થતંત્ર વિવિધ રીતે વિકસ્યું છે; તે ઉપરાંત પ્રવાસન પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે. દેશમાં આવેલાં જુગારખાનાંથી આકર્ષાઈને દક્ષિણ આફ્રિકાના ઘણા પ્રવાસીઓની અહીં અવરજવર રહે છે.
સ્વાઝીલૅન્ડ
સ્વાઝીલૅન્ડમાં લગભગ અડધી ભૂમિ યુરોપિયનોની માલિકીની છે. તેઓ ખાટાં ફળો, કપાસ, પાઇનેપલ, ડાંગર, શેરડી અને તમાકુ જેવા રોકડિયા પાકોનું વાવેતર કરે છે. તેઓ માંસ, ચામડાં અને ખાલ માટે ઢોરઉછેર કરે છે. સ્વાઝી લોકો ઢોર ચરાવે છે અને પોતાનાં કુટુંબો પૂરતું અનાજ ઉગાડે છે; પરંતુ હવે તેઓ પણ રોકડિયા પાકોનું વાવેતર કરતા થયા છે. 1940 પછીથી યુરોપિયન કંપનીઓએ અહીંના પહાડી ભાગોમાં દેવદાર અને નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર વધારી મૂક્યું છે, તેથી માનવસર્જિત જંગલોનું પ્રમાણ વધી ગયું છે. યુરોપિયન હસ્તક મિલો લાકડાના માવાનું અને અન્ય જંગલ પેદાશોનું ઉત્પાદન કરે છે.
દેશના પર્વતપ્રદેશો ખનિજજથ્થાઓથી પણ સમૃદ્ધ છે, દેશની આશરે અડધી આવક યુરોપિયનોને હસ્તક આવેલી ખાણોમાંથી મળી રહે છે. સ્વાઝીલૅન્ડમાં ઍસ્બેસ્ટૉસ, લોહધાતુખનિજ, કોલસો, સોનું, કલાઈ, બેરાઇટ, કેઓલિનના જથ્થા આવેલા છે. ઍસ્બેસ્ટૉસ અને લોહધાતુખનિજની નિકાસ થાય છે. આશરે 6,000 જેટલા સ્વાઝી અશ્વેતો દક્ષિણ આફ્રિકાની સોનાની ખાણોમાં શ્રમિકો તરીકે પણ જાય છે. 1960 પછી અહીં સિમેન્ટ, ખાતર, ખાદ્યપેદાશો તેમજ અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદન-એકમો પણ વિકસ્યા છે.
સ્વાઝીલૅન્ડમાં આશરે 1,600 કિમી. લંબાઈના ડામરના કે ગ્રેવલના રસ્તાઓ છે. વસવાટોની વચ્ચે વાંકીચૂકી કેડીઓ પણ છે. મોઝામ્બિકના પાટનગર માપુટો બંદર અને આ દેશનું પાટનગર મ્બાબાને રેલમાર્ગથી જોડાયેલાં છે, એ જ રીતે સ્વાઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ રેલમાર્ગથી જોડાયેલા છે. હવાઈસેવા મ્બાબાને દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને ટાંઝાનિયા સાથે જોડે છે.
વસ્તી–લોકો : સ્વાઝીલૅન્ડની વસ્તી (2006 મુજબ) 10,29,000 છે. 1995 મુજબ અહીંનો વસ્તીવૃદ્ધિદર 2.8 %નો રહ્યો છે. પુરુષોનો અને સ્ત્રીઓનો સરેરાશ આયુદર અનુક્રમે 53 અને 60 વર્ષનો છે. વસ્તીના 90 % લોકો સ્થાનિક આફ્રિકી અશ્વેતો છે. અહીં આશરે 8,000 જેટલા યુરોપિયનો અને યુરો-આફ્રિકનો પણ છે. સાક્ષરતાનું પ્રમાણ 72 % હોવા છતાં પુખ્ત વયના પુરુષો પૈકી 50 % લોકો લખી-વાંચી શકતા નથી. શાળામાં જતાં બાળકોની સંખ્યા 1,10,000 જેટલી છે. વસ્તીના 50 % લોકો ખ્રિસ્તી છે, બાકીના પોતપોતાનો પરંપરાગત ધર્મ પાળે છે. તેઓ સિસ્વાતી નામની બાન્ટુ ભાષા બોલે છે.
સ્વાઝી લોકો સુંદર, ઘાટીલા, વિવેકી અને ખુમારીવાળા છે. મોટા ભાગના ખેડૂતો છે અથવા પશુપાલકો છે. પશુપાલકો ઢોરનું રોકડેથી ખરીદ-વેચાણ પણ કરે છે. શહેરોમાં વસતા અશ્વેતો કારખાનાંઓમાં કે ખાણોમાં કામ કરે છે. આ અશ્વેતો સંયુક્ત કુટુંબની તથા બહુપત્નીત્વની પ્રથા પાળે છે. લગ્નવેળાએ વરપક્ષવાળા કન્યાપક્ષવાળાને પોતાનો મોભો જાળવવા માટે અમુક સંખ્યામાં ઢોર આપે છે. તેમના આવાસોમાં વચ્ચેના ભાગમાં ઢોર રાખવાનો વાડો હોય છે અને તેને ફરતી ગોળાકાર અલગ અલગ ઝૂંપડીઓમાં પત્નીઓ રહે છે, તેમને પોતપોતાની સ્વતંત્ર નાની વાડી પણ હોય છે, જેમાં તેઓ શાકભાજી વગેરે ઉગાડે છે. પુરુષો અને પુત્રો ઢોરની માવજત કરે છે. દેશનાં મોટા ભાગનાં ખેતરો, ખાણો, ઉત્પાદક એકમો દક્ષિણ આફ્રિકી યુરોપિયનોની માલિકીનાં છે; જ્યારે દેશમાં વસતા મોટા ભાગના સ્વાઝી નિવાસીઓ ખેડૂતો છે અથવા શ્રમિકો છે. અહીંનાં મુખ્ય શહેરો મ્બાબાને [વસ્તી 73,000 (1999) (પાટનગર)], માન્ઝિની, બિગબૅન્ડ અને મ્હલુમ છે.
વહીવટ : સ્વાઝીલૅન્ડ રાજાશાહી દેશ છે. રાજા દેશના સર્વોચ્ચ વડા ગણાય છે. રાષ્ટ્રીય ધારાસભા અને પ્રધાનમંડળ (કાઉન્સિલ) રાજાને વહીવટી કાર્યોમાં મદદરૂપ બને છે. વહીવટી સરળતા માટે દેશને ચાર વિભાગોમાં વહેંચેલો છે. દેશના તહેવારો–ઉત્સવો રાજમાતાના અધિકાર હેઠળ હોય છે. રાજમાતાની હયાતી બાદ આ અધિકાર રાણી ભોગવે છે.
ઇતિહાસ : સ્વાઝી લોકોમાં પ્રવર્તતી લોકવાયકા મુજબ તેમના પૂર્વજો મોઝામ્બિકના માપુટો નજીક રહેતા હતા. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સ્વાઝીઓની એક ટુકડી તેમના સરદારની આગેવાની હેઠળ પર્વતો વટાવીને દેશના અગ્નિભાગમાં આવીને વસી. ત્યાં બીજા લોકો પણ વસતા હતા. આ સરદારે તેમજ તેના વંશજોએ અહીં શાસન કરેલું અને અહીંના મૂળ સ્થાનિક લોકોને તથા સ્વાઝીઓને એક કરેલા.
મ્બાબાને શહેરનું દૃશ્ય
1830ના દાયકામાં દક્ષિણ આફ્રિકામાંથી બ્રિટિશ વેપારીઓ અને બોઅરો (દક્ષિણ આફ્રિકાના ડચ ખેડૂતો) અહીં આવ્યા. 1880ના દાયકામાં અહીંના વસાહતીઓએ દેશની ભૂમિમાં સોનું હોવાનું શોધી કાઢ્યું, તેથી સેંકડો પૂર્વેક્ષકો(prospectors)નો ધસારો શરૂ થયો. તેમણે આ વિસ્તારના લોકોને તથા સ્વાઝી સરદારને તેમના પ્રદેશમાં ખેતી કરવાનું, ગોચરોનો ઉપયોગ કરવાનું, ખનિજોનું ખનન કરવા દેવાની મંજૂરીના દસ્તાવેજો પર સહી કરવા જણાવ્યું. સ્વાઝીઓ અભણ હોવાથી પોતાની ભૂમિનો કબજો બહારના લોકો લઈ રહ્યા છે તેની સમજ પડી નહિ.
1894માં બ્રિટિશ અને બોઅરો સ્વાઝીલૅન્ડનો વહીવટ દક્ષિણ આફ્રિકી બોઅર પ્રજાસત્તાક ચલાવશે એ બાબત પર સહમત થયા. 1902માં બ્રિટિશરો સામે બોઅરો લડાઈમાં હારી ગયા અને સ્વાઝીલૅન્ડનો કબજો બ્રિટનને હસ્તક ગયો. 1967માં સ્વાઝીલૅન્ડને પોતાના દેશની આંતરિક બાબતો અંગેની સત્તા મળી તથા 1968ના સપ્ટેમ્બરની 6 તારીખે સ્વતંત્રતા મળી; તે જ વર્ષના સપ્ટેમ્બરની 24મીએ તે યુનાઇટેડ નેશન્સનું સભ્ય પણ બન્યું.
1968માં બ્રિટને સ્વાઝીલૅન્ડમાં બંધારણ દાખલ કર્યું. તે મુજબ સ્વાઝીલૅન્ડ બંધારણીય રાજાશાહીનો દેશ બન્યો. રાજા દેશના વડા ગણાતા થયા. ઘણા પ્રજાજનોને આ પદ્ધતિ તેમની પરંપરાઓ અને હિતો માટે અનુકૂળ ન લાગવાથી તેમણે વિરોધ કર્યો. 1973માં તત્કાલીન રાજાએ બંધારણ રદ કર્યું અને ધારાસભાને વિખેરી નાખી. રાજાએ પ્રધાનમંડળની કાઉન્સિલ દ્વારા શાસન શરૂ કર્યું. રાજાએ સ્વાઝી પરંપરાઓ સાથે મેળ આવે એવું બંધારણ ઘડવા પંચ નીમ્યું. 1979માં નવાં ધારાધોરણો અમલમાં આવ્યાં. 1982માં રાજાનો દેહાંત થયો. 1983માં તેનો પંદર વર્ષનો સગીર પુત્ર ગાદીવારસ બન્યો, 1986માં તેને રાજા બનાવવામાં આવ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા