સ્વર (સંગીત) : નાદસ્વરૂપે કરવામાં આવતું શબ્દનું ઉચ્ચારણ, જે રણકાર કે અનુરણન મારફત વ્યક્ત થતું હોય છે. જે નાદ થોડાક લાંબા સમય સુધી ટકે છે, અમુક સમય સુધી લહેરોની જેમ ગુંજતો હોય છે, જે ફરી ફરીને ઉચ્ચારવામાં આવે છે અને જે કર્ણપ્રિયતાનું લક્ષણ ધરાવતો હોય છે તે નાદ એટલે સ્વર. સ્વર એ એવો ધ્વનિ કે સૂર હોય છે જેમાં કોઈ અક્ષર કે વર્ણનું સ્વતંત્ર ઉચ્ચારણ થઈ શકતું હોય છે અને જે સાંભળવાથી આત્માને પ્રસન્ન કરે તેવો આનંદ પ્રાપ્ત થતો હોય છે, પુનરાવૃત્તિ અને રંજકતા એ એના મુખ્ય ગુણધર્મો હોય છે. આમ, નાદસ્વરૂપે શબ્દનું ઉચ્ચારણ તે સ્વર.
સંગીતમાં નિશ્ચિત ક્રમમાં ગોઠવેલા સ્વરોની સંખ્યા સાત હોય છે. જેના સ્થાનવિનિમય અને પરસ્પર જોડાણ (permutation and combination) દ્વારા રંજકતા નિર્માણ કરવામાં આવે છે. સાહિત્યમાં જેમ ગદ્ય અને પદ્ય આ બે વિભાગ પાડવામાં આવે છે તેવી જ રીતે સંગીતમાં શબ્દ અને સ્વર આ બે વિભાગ પાડવામાં આવે છે. સંગીતમાં સાત નિશ્ચિત સૂરોના માળખાને તકનીકી ભાષામાં અનુક્રમે ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ કહેવામાં આવે છે; પરંતુ વ્યવહારમાં તે સા, રે, ગ, મ, પ, ધ, ની તરીકે ઓળખવામાં આવે છે. તેમની વચ્ચે જે નૈસર્ગિક સંવાદધર્મ હોય છે તેને ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે : (1) વાદી સ્વર (2) સંવાદી સ્વર (3) અનુવાદી સ્વર (4) વિવાદી સ્વર. સ્વરોને શુદ્ધ અથવા અચલ અને વિકૃત અથવા ચલ આ બે ભાગમાં પણ વહેંચવામાં આવે છે. જે સ્વર પોતાના નિયત સ્થાન પરથી ખસતા નથી એટલે કે જે તેમના મૂળ સ્થાન પર સ્થિર રહે છે તે સ્વરોને શુદ્ધ સ્વર કહેવામાં આવે છે, જ્યારે જે સ્વર તેમના નિયત સ્થાન પરથી આગળ-પાછળ ખસતા હોય છે તે સ્વરોને ચલ અથવા વિકૃત કહેવામાં આવે છે. સા અને પ આ બે શુદ્ધ અથવા અચલ સ્વરો છે જ્યારે બાકીના પાંચ રે, ગ, મ, ધ અને ની ચલ અથવા વિકૃત સ્વરો છે. રે, ગ, ધ અને ની આ ચાર સ્વરો તેમના નિયત સ્થાનથી સામાન્ય કે ઓછી ઊંચાઈ પર ખસી શકતા હોવાથી તેમને કોમલ સ્વરની સંજ્ઞા આપવામાં આવે છે. જ્યારે મ એકમાત્ર સ્વર એવો છે જેને તીવ્ર સ્વરની સંજ્ઞા આપવામાં આવે છે, કારણ કે તે સ્વર ઓછાવત્તા પ્રમાણમાં તેનું નિયત સ્થાન બદલી શકે છે.
સાતે સ્વરોના માળખાને સ્વરસપ્તક કહેવામાં આવે છે. જ્યારે સાતે સ્વરોની રજૂઆત સા, રે, ગ, મ, પ, ધ અને ની આ ચઢતા ક્રમે કરવામાં આવે છે ત્યારે તે રજૂઆતને આરોહ કહેવામાં આવે છે; પરંતુ જ્યારે તેમને સા, ની, ધ, પ, મ, ગ, રે અને સા આ રીતે ઊતરતા ક્રમમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેને અવરોહ કહેવામાં આવે છે. જ્યારે સ્વરસપ્તકના બે સમાન ભાગ કરવામાં આવે છે ત્યારે તે બે ભાગને અનુક્રમે પૂર્વાંગ અને ઉત્તરાંગ સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે.
ગાયક કે વાદક તેની કલાની રજૂઆત દરમિયાન વિવિધ પ્રકારની જે ચેષ્ટાઓ કરતા હોય છે તેમને વર્ણ કહેવામાં આવે છે. વર્ણના ચાર મુખ્ય પ્રકાર છે : સ્થાયી, આરોહી, અવરોહી અને સંચારી.
સ્વર એ સંગીતનું હાર્દ ગણાય.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે