સ્વરૂપ, ગોવિંદ (જ. 23 માર્ચ 1929, ઠાકુરવાડા, ઉત્તરપ્રદેશ) : ખ્યાતનામ ભારતીય ખગોળવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સંસ્થાઓમાંથી લીધું. ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી 1948માં બી.એસસી. અને 1950માં એમ.એસસી.ની ઉપાધિઓ મેળવી. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ ગયા. યુ.એસ.ની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં 1957–1961 દરમિયાન સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.
કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ની રેડિયો સંશોધન સમિતિના મંત્રીપદથી કારકિર્દીનો પ્રારંભ કર્યો. તે પછી 1950–1953 દરમિયાન નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી(ન્યૂ દિલ્હી)માં સંશોધનકાર્ય કર્યું. 1953–1955 વચ્ચે કૉલમ્બો પ્લાનની ફેલોશિપ મળતાં સીડનીઑસ્ટ્રેલિયા ગયા. 1956–1957માં યુ.એસ.ની હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ ઍસોસિયેટ; 1957–1963માં યુ.એસ.ની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં સ્નાતક વિદ્યાર્થી અને મદદનીશ પ્રાધ્યાપક; 1963–1965 સુધી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ(ઊટાકામંડ)માં રીડર; 1965–1970 સુધી ઍસોસિયેટ પ્રાધ્યાપક, 1970–1979 સુધી પ્રાધ્યાપક, 1979માં વરિષ્ઠ પ્રાધ્યાપક; અને જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (GMRT) પ્રકલ્પ (પરિયોજના), તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રીસર્ચના નિયામક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી.
ગોવિંદ સ્વરૂપ
1975માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી; ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના ફેલો તરીકે રહ્યા. ઇન્ડિયન જીયૉફિઝિકલ યુનિયનના સભ્ય અને 1991માં રૉયલ સોસાયટી ઇન ઍસ્ટ્રૉનોમીના ફેલો તરીકે રહ્યા.
આ સાથે તેઓ ઍસ્ટ્રૉનોમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા તથા ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રૉનોમિકલ યુનિયનના સભ્ય તરીકે રહ્યા.
કાર્ય : પ્રો. સ્વરૂપે સૌર ક્ષેત્રે સંશોધનમાં બહુ જ મોટો ફાળો આપ્યો છે. વિશેષ તો પરાગાંગેય (extra galatic) રેડિયો ઍસ્ટ્રૉનોમી અને બ્રહ્માંડવિદ્યા(cosmology)ના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. U-સોલર-રેડિયો બસ્ટ, સેન્ટિમીટર અને ડેસિમીટર તરંગલંબાઈએ Quiet Sunનો અભ્યાસ, વિધૂર્ણી વિકિરણ (gyro radiation) પરિરૂપ (નમૂનો) એ તેમનું અગ્ર હરોળનું પાયારૂપ સંશોધન છે, જેના વડે ધીમે ધીમે બદલાતા ઘટકો સમજાવી શકાય છે. ઊટી ખાતેના રેડિયો ટેલિસ્કોપના નિર્માણમાં માર્ગદર્શન અને નિરીક્ષણકાર્ય તેમણે કર્યું છે. ઇન્ડિયન જર્નલ ઑવ્ રેડિયો ઍન્ડ સ્પેસ ફિઝિક્સના સંપાદકમંડળના સભ્ય તરીકે પણ કાર્ય કર્યું છે.
1972માં પદ્મશ્રી, 1972માં શાંતિસ્વરૂપ ભટનાગર પારિતોષિક, 1974માં નહેરુ ફેલોશિપ, 1984માં પી. સી. મહાલેનોબિસ ચંદ્રક, 1986માં સેકન્ડ બિરેન રૉય ટ્રસ્ટ ચંદ્રક; 1987માં વેણુ બાપુ મેમૉરિયલ ઍવૉર્ડ; 1987માં તત્કાલીન યુ.એસ.એસ.આર.નો ત્સ્કોલોવોસ્કી (Tskolovosky) ચંદ્રક; 1987માં મેઘનાદ સહા ચંદ્રક; 1988માં TWAS(Third World Academy of Sciences)નો ઍવૉર્ડ; 1993માં સર સી. વી. રામન ઍવૉર્ડ મળ્યા અને 1987માં રૂરકી યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઑવ્ એન્જિનિયરિંગ’ની માનાર્હ ઉપાધિ આપી.
હાલ તેઓ પુણેમાં સ્થાયી થયા છે.
પ્રહલાદ છ. પટેલ