સ્વરૂપદાસ (જ. 1801, બડલી, પ્રાંત અજમેર; અ. 1863) : રાજસ્થાની કવિ અને દાદુના અનુયાયી. તેમનું બાળપણનું નામ શંકરદાન હતું. તેમનાં માતા-પિતા ઉમરકોટ (હાલ પાકિસ્તાનમાં) રહેતાં હતાં. પાછળથી તેઓ અજમેરમાં જોધા રાજપૂતાનાના પ્રસિદ્ધ સ્થળ બડલી ખાતે સ્થાયી થયાં. તેમના કાકા પરમાનંદે તેમને કવિતાની કળા શીખવી અને સંસ્કૃતના વિદ્વાન બનાવ્યા. ત્યાર બાદ તેઓ દાદુ સંપ્રદાયમાં ભળ્યા અને સ્વરૂપદાસ નામ ધારણ કર્યું. તેઓ રાજસ્થાની ડિંગલ, પિંગળ અને સંસ્કૃતનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા વિદ્વાન હતા. સિતામૌના વારસદાર રતનસિંહ તેમનાથી ખૂબ પ્રભાવિત હતા અને તેમને ‘ગુરુ’ માનતા હતા.
તેમનો ઉક્તિ ચંદ્રિકા તરીકે જાણીતો ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ ઉત્કૃષ્ટ ગ્રંથ છે. તેમજ તેમણે પદ્ય અને ગદ્યના અન્ય 11 ગ્રંથો આપ્યા છે : ‘રાસરત્નાકર’ (1826), ‘પાખંડખંડન’ (1833), ‘વર્ણાર્થમંજરી’ (1838), ‘હિણયાનાંજન’ (1839), ‘વૃત્તિબોધ’ (ગદ્ય, 1841), ‘તર્કપ્રબંધ’ (ગદ્ય, 1842), ‘દૃષ્ટાંતદીપિકા’ (ગદ્ય અને પદ્ય, 1844), ‘સાધારણોપદેશ’ (ગદ્ય, 1846), ‘સૂક્ષ્મોપદેશ’ (ગદ્ય અને પદ્ય, 1848), ‘અવિવેકપદ્ધતિ’ (ગદ્ય, 1851), ‘ચિજ્જદા બોધપત્રિકા’ (ગદ્ય, 1852).
તેમના ગ્રંથોમાં ભારોભાર તત્વજ્ઞાન, શ્રદ્ધા, આચાર-શાસ્ત્ર, દંભનું ખંડન અને આત્મજ્ઞાન ભરેલાં છે. આમ તેમના ગ્રંથો, વિચારો અને કાવ્યાત્મક શ્રેષ્ઠતાની દૃષ્ટિએ મહત્વના છે.
બળદેવભાઈ કનીજિયા