સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં, કદીક આવેગપૂર્ણ, તો કદીક અસંબદ્ધ અને તત્વાત્મક વિચારો અને પ્રતિમાઓનો સમૂહ છે.

માનવી પ્રાચીનકાળથી સ્વપ્નને મહત્વ આપતો રહ્યો છે. ઈ. પૂ. 5000 વર્ષો પહેલાં બૅબિલોનવાસીઓ પોતાનાં સ્વપ્નોને માટીના ફલક ઉપર નોંધતા અને તેનો અર્થ કાઢતા હતા. ઇજિપ્તવાસીઓએ તો સ્વપ્નદેવી સેરાપિસના માનમાં મંદિર પણ બાંધ્યું હતું. ભારતીય વિચારકોએ માનવની ચાર અવસ્થાઓમાં તુરીય, જાગૃતિ અને નિદ્રા ઉપરાંત સ્વપ્નાવસ્થાનો પણ સમાવેશ કર્યો છે. કેટલીક પ્રાચીન આદિમ સંસ્કૃતિઓમાં તો સ્વપ્નના અનુભવોને જાગૃતિના અનુભવોની સમકક્ષ ગણી લેવામાં આવતા હતા. હાલ ભારતમાં પણ કેટલેક સ્થળે સ્વપ્નમાં મળેલા આદેશ પ્રમાણે લોકો મંદિર બંધાવે છે કે અમુક વ્યક્તિ ઉપર હુમલા કરે/કરાવે છે.

સ્વપ્ન વિશે કેટલીક હકીકતો : શરીરક્રિયા-વિજ્ઞાનીઓ, મનોવૈજ્ઞાનિકો અને મનશ્ચિકિત્સકોએ સ્વપ્ન જોનાર વ્યક્તિના દેખાવ અને પ્રગટ વર્તનનું પ્રત્યક્ષ નિરીક્ષણ, યંત્રો વડે માપન, સ્વપ્નમાંથી વ્યક્તિના જાગ્યા પછી તુરત જ પ્રશ્નાવલિ અને મુલાકાત વડે તેનાં સ્વપ્નના વૃત્તાન્તની નોંધ, સતત ઘણી રાત્રિઓ સુધી એક જ વ્યક્તિનાં ક્રમિક સ્વપ્નોના વૈયક્તિક ઇતિહાસની પ્રાપ્તિ, સ્વપ્નના સંકેતોના વિશ્લેષણ વડે તેના ગૂઢ અર્થની તારવણી તેમજ સ્વપ્ન દરમિયાન વ્યક્તિનાં મગજ, સ્નાયુઓ, આંખોના ડોળા વગેરેની થતી ક્રિયાઓની નોંધ આ બધાં દ્વારા સ્વપ્નોનાં વિવિધ પાસાંઓનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે. એના પરિણામે સ્વપ્ન વિશે નીચેની હકીકતો પ્રાપ્ત થઈ છે.

દરેક મનુષ્યને લગભગ રોજ રાતે સ્વપ્ન આવતું હોય છે. જેઓ એમ કહે છે કે, ‘મને સ્વપ્ન આવતાં નથી’ તેમને પણ સ્વપ્ન આવે છે તો ખરાં પણ તેઓ તેને ભૂલી જાય છે. સ્વપ્ન અનુભવતી વખતે દૃશ્ય, શ્રાવ્ય અને સ્પર્શને લગતી પ્રતિમાઓ (imaginary) ઊભી થાય છે પણ ગંધ, સ્વાદની પ્રતિમા (image) ભાગ્યે જ અનુભવાય છે. બાહ્ય ઉદ્દીપન વિના પણ સ્વપ્નમાં પ્રત્યક્ષ જેવા અનુભવો થાય છે. તેથી સ્વપ્નને વિભ્રમ (hallucination) જેવી અવસ્થા પણ ગણી શકાય. ઊંઘની ચાર કક્ષાઓ હોય છે. પ્રથમ કક્ષાની ઊંઘ હળવી કે તંદ્રા જેવી હોય છે. આ તબક્કામાં જ્યારે વ્યક્તિની મીંચાયેલી આંખોના ડોળાનાં હલનચલનો થાય ત્યારે તે સ્વપ્ન જોતો હોય છે. એને નેત્રની ઝડપી ગતિ(rapid eye movement – REM)નો તબક્કો – ટૂંકમાં ‘REM ઊંઘ’ કહે છે. ક્રમશ: બીજી, ત્રીજી અને ચોથી કક્ષાની ઊંઘ ઉત્તરોત્તર વધારે ને વધારે ગાઢ બનતી જાય છે. પણ એ ત્રણ તબક્કા દરમિયાન ઘણાં ઓછાં સ્વપ્ન આવે છે.

શિશુઓ પોતાની સોળ કલાકની ઊંઘનો લગભગ અડધો સમય (આશરે આઠ કલાક) સ્વપ્નો જોતાં હોય છે. સ્વપ્નનો અનુભવ ચાલુ હોય તે દરમિયાન વ્યક્તિ એમાં બનતા બનાવોને સાચા માની લે છે. યુવાનોને રોજ રાત્રે ચારથી પાંચ સ્વપ્નો આવે છે. ઊંઘની શરૂઆત થયા પછી આશરે દોઢ કલાક પછી પહેલું સ્વપ્ન આવે છે. ઊંઘની શરૂઆતનાં સ્વપ્નો સરેરાશ 15થી 20 મિનિટ સુધી ચાલે છે. પરોઢિયે આવતું સ્વપ્ન સૌથી લાંબું–આશરે એક કલાક સુધીનું હોય છે. માણસ ધાર્યાં કરતાં સ્વપ્નમાં વધારે સમય ગાળે છે. પુખ્ત વ્યક્તિનાં સ્વપ્નો રોજ રાતે સરેરાશ 1 કલાક 45 મિનિટથી 2 કલાક 15 મિનિટ સુધી ચાલે છે. આમ તે વર્ષમાં આશરે 700 કલાક સ્વપ્નો જોવામાં ગાળે છે !

મોટા ભાગનાં સ્વપ્નો આપમેળે સ્વયં સ્ફૂર્તિથી આવતાં હોય છે; પણ કોઈક વાર જ્ઞાનેન્દ્રિય કે મગજના ઉદ્દીપન વડે કે વ્યક્તિને સ્વસૂચન કે પરસૂચન મળવાથી પણ સ્વપ્ન આવી શકે છે. મધ્યરાત્રિ સુધી આવતાં મોટા ભાગનાં સ્વપ્નો વાસ્તવિક, સુસંગત અને રોજિંદા ચીલાચાલુ અનુભવોને લગતાં હોય છે. મધરાત પછી આવતાં ઘણાં સ્વપ્નો વિગતપૂર્ણ, અતિકાલ્પનિક અને અતાર્કિક હોય છે અને એમાં વિવિધ આવેગોને ઉત્તેજનારી, આશ્ચર્યજનક ઘટનાઓ બનતી અનુભવાય છે.

કેટલાંક સંશોધનો આડકતરી રીતે સૂચવે છે કે કૂતરાં કે બિલાડી જેવાં પ્રાણીઓને, કેટલાંક પક્ષીઓને અને ડૉલ્ફિન જેવાં દરિયાઈ પ્રાણીઓને પણ સ્વપ્ન આવતાં હોવાં જોઈએ.

સ્વપ્ન દરમિયાન સ્વપ્ન જોનાર વ્યક્તિ એના અનુભવમાં સંપૂર્ણત: ખોવાઈ જાય છે. પોતાના સ્વપ્ન ઉપર કે તેમાં બનતી ઘટનાઓ ઉપર તેનો કાબૂ હોતો નથી. સ્વપ્ન વખતે વ્યક્તિના શરીરમાં કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ થતી રહે છે. આંખના ડોળાનાં હલનચલનો ઉપરાંત હૃદય અને ફેફસાંની ક્રિયાની ગતિમાં પણ અનિયમિત ફેરફાર થાય છે. સ્નાયુઓમાં અનૈચ્છિક હલનચલનો થાય છે અને મસ્તિષ્ક છાલમાંથી ઓછી આવૃત્તિવાળાં અને નીચાં દબાણવાળાં થીટા મોજાં ઉત્પન્ન થાય છે.

સ્વપ્નો વિવિધ પ્રકારનાં હોય છે. કેટલાંક ટૂંકાં તો કેટલાંક લાંબાં. અમુક સ્વપ્ન વિગતે યાદ રહે છે, જ્યારે બીજાં સ્વપ્નો ભુલાઈ જાય છે. કેટલાંક સ્વપ્નો રસપ્રદ અને આનંદદાયક હોય છે, તો બીજાં સ્વપ્નો તટસ્થ તો કેટલાંક અણગમતાં, દુ:ખદાયક કે ભયાનક હોય છે. સ્વપ્નમાં વ્યક્તિની જાતીય અને બીજી પ્રેરણાઓ વ્યક્ત થતી હોય છે. કેટલાંક સ્વપ્નો કૌટુંબિક ઘટનાઓ કે વ્યાવસાયિક અનુભવો અથવા સામાજિક સંબંધોને લગતાં હોય છે. ‘હું સ્વપ્ન જોઈ રહ્યો છું’ એવું સ્વપ્ન જ્યારે વ્યક્તિને આવે ત્યારે તેને સ્વાનુભૂત સ્વપ્ન (lucid dream) કહે છે.

સ્વપ્ન વિશેનાં સંશોધનો : શિરોમણિ અને તેના સાથીઓએ શોધ્યું છે કે ચેતોપગમ (synapse) ઉપર એસેટિકોલાઇન વડે ઉદ્દીપન આપવાથી વ્યક્તિ તુરત જ ઝડપી નેત્રગતિવાળી નિદ્રામાં અને મોટે ભાગે સ્વપ્નાવસ્થામાં આવી જાય છે. આવી જ દવાનું ઇંજેક્શન આપવાથી પણ વ્યક્તિને પહેલા તબક્કાની ઊંઘ અને પછી સ્વપ્ન આવે છે એમ શ્મેકે શોધ્યું છે. જ્યારે વ્યક્તિને પોતે હલનચલન કરે છે એવું સ્વપ્ન આવે છે ત્યારે તેની મસ્તિષ્ક છાલના કારક વિસ્તારમાં ચેતાક્રિયાઓ થાય છે, પણ શરીરના સ્નાયુઓ સ્થિર રહે છે. સ્વપ્ન જોતી વખતે મગજમાં લોહીનો પ્રવાહ વધે છે અને આંગળીઓ તેમજ ચહેરાના સ્નાયુઓમાં સૂક્ષ્મ આંચકા આવે છે. તેથી વેબ સ્વપ્નાવસ્થાને સ્વયંસંચાલિત ચેતાતંત્રના વાવાઝોડાના સમય સાથે સરખાવે છે.

ક્લેઇટમાન અને એસેરન્સ્કીએ શોધ્યું છે કે જો વ્યક્તિને પ્રથમ કક્ષાની (નેત્રગતિવાળી) નિદ્રાથી વંચિત રાખવામાં આવે તો પછીના દિવસોમાં તે વધારે સમય નેત્રગતિવાળી નિદ્રામાં વિતાવે છે. આમ નેત્રગતિવાળી નિદ્રા અને સ્વપ્ન વ્યક્તિ માટે જરૂરી છે. ડિમેન્ટનો અભ્યાસ સૂચવે છે કે સ્વપ્નમાં અનુભવાતી ઘટનાઓના સમયગાળાના આધારે સ્વપ્નદ્રષ્ટાએ સ્વપ્નના સમયગાળા વિશે કરેલાં 83 % અનુમાનો સાચાં હોય છે. આમ સ્વપ્નમાં જણાતો ઘટનાનો સમય લગભગ ખરેખરા સમય જેટલો જ હોય છે.

મૌરીનો અભ્યાસ દર્શાવે છે કે ચાલુ સ્વપ્ને વ્યક્તિનાં મોં કે નાક ઉપર ગલીપચી કરવાથી તેને શારીરિક સતામણીનો અનુભવ થાય છે. ચાલુ સ્વપ્ને ઓરડામાં સુગંધી પ્રવાહી છાંટવાથી વ્યક્તિને ‘પોતે ફૂલ બજારમાં છે’ એવું સ્વપ્ન આવ્યું હોવાનું નોંધાયું છે.

મંદ મનોવિકૃત દર્દીનાં સ્વપ્નોનું ફ્રૉઇડે કરેલું વિશ્લેષણ સૂચવે છે કે આવા દર્દીને સ્વપ્નમાં દેખાયેલા (પ્રગટ) વિષયવસ્તુનાં ઘણાં પ્રતીકોનો ગૂઢ અર્થ હોય છે. એમના અજ્ઞાત મનના પ્રેરકો, આવેગો અને સંઘર્ષો સ્વપ્નમાં વ્યક્ત થતા હોય છે. ડૉ. ચાર્લ્સ યુંગ ફ્રૉઇડ સાથે સંપૂર્ણ રીતે સહમત નથી. તેમના મતે અનુભવ, ભાવિ ઘટનાઓના સૂચનસહિત માનસિક પ્રતિક્રિયાઓને સ્વપ્નાવસ્થામાં લક્ષ્યપૂર્ણ રીતે વ્યક્ત કરતાં ચેતનાનાં બધાં કાર્યો છે. બીજી બાજુ સીગેલનો અભ્યાસ દર્શાવે છે કે રોજના જીવનના (વ્યવસાય, અભ્યાસ, પ્રેમ, લગ્ન, નાણાભીડ કે તંદુરસ્તી જેવા) પ્રશ્નો અંગે આવતાં સ્વપ્નોનાં પ્રતીકો તેનો મૂળ અર્થ જ બતાવે છે. તેમનો કોઈ ગૂઢ અર્થ હોતો નથી. ક્વેનો અભ્યાસ દર્શાવે છે કે પોતાના પર્યાવરણ સાથે સુમેળ ધરાવનાર વ્યક્તિનાં સ્વપ્નો સમધારણ હોય છે અને કુમેળ ધરાવનાર વ્યક્તિનાં સ્વપ્ન તીવ્ર આવેગપૂર્ણ હોય છે. જર્મનીના મેક્સપ્લાંક ઇન્સ્ટિટ્યૂટમાં લાઉઅરે કરેલ અભ્યાસ દર્શાવે છે કે મોટા ભાગનાં સ્વપ્નોમાં વ્યક્તિની વર્તમાન ચિંતાઓનું પ્રતિબિંબ પડતું હોય છે. વૂડનો અભ્યાસ સૂચવે છે કે આગલા દિવસની મનોભાર ઉપજાવનારી ઘટનાઓને લીધે વ્યક્તિ સ્વપ્નમાં એ ઘટનાઓ અંગે ઉપાધિ અને ઉદ્વેગ અનુભવે છે.

હૉલનો અભ્યાસ દર્શાવે છે કે મોટા ભાગનાં સ્વપ્નો ચીલાચાલુ વિષયોનાં, બોલવું-ચાલવું જેવી સામાન્ય ક્રિયાઓનાં અને પરિચિત પર્યાવરણમાં થતા અનુભવોનાં હોય છે. સ્વપ્નોમાં દેખાતાં ત્રીસ ટકા પાત્રો મિત્રો, સગાં કે ઓળખીતાંઓ હોય છે. માત્ર પંદર ટકામાં વ્યક્તિ પોતે એક પાત્ર હોય છે. જ્યારે બાકીનાં સ્વપ્નોમાં અજાણી વ્યક્તિઓ પાત્ર હોય છે. સિત્તેર ટકા સ્વપ્નોમાં ક્રોધ, ભય કે ચિંતા જેવા આવેગો હોય છે. ગ્રિફિથનું સર્વેક્ષણ દર્શાવે છે કે કૉલેજિયનોએ પોતાને આવેલાં સ્વપ્નના વિષય તરીકે આ વિગતો આપી છે. 82 % લોકોને પડવાનું સ્વપ્ન આવ્યું. 76 %ને કોઈ પોતાનો પીછો કરે છે કે પોતાના ઉપર હુમલો કરે છે એવું સ્વપ્ન આવ્યું. 71 %ને કાર્ય કરવાની મથામણ વિશે અને 72 %ને શિક્ષણસંસ્થા કે શિક્ષકો વિશે સ્વપ્ન આવ્યાં. 65 %ને સ્વપ્નમાં લૈંગિક અનુભવો થયા. 63 %ને પોતે મોડા પડ્યા હોવાનું સ્વપ્ન આવ્યું. 62 %ને ખાવાનું, 58 %ને ભયનું, 57 %ને પ્રિય વ્યક્તિના મૃત્યુનું, 56 %ને ઓરડામાં પુરાઈ જવાનું, 56 %ને પૈસા જડવાનું, 52 %ને તરવાનું, 40 %ને આગનું, 39 %ને પરીક્ષામાં નાપાસ થવાનું, 34 %ને ઊડવાનું અને 33 %ને પોતાના મૃત્યુનું સ્વપ્ન આવ્યું.

વિનસનનો તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે કે નેત્રગતિવાળી નિદ્રામાં સ્વપ્ન જોતાં પ્રયોગ-પાત્રોને નેત્રગતિ-વિનાની ઊંઘમાં સ્વપ્ન જોતાં પ્રયોગપાત્રો કરતાં (શીખેલા) વધારે શબ્દો યાદ રહે છે.

હેજેકનો અભ્યાસ દર્શાવે છે કે જાગૃતિમાં પોતાની કુટેવને રોકવાનો નિશ્ચય કરનાર વ્યક્તિને એ નિશ્ચયનો ભંગ કરવાનું સ્વપ્ન આવે છે. તેને દોષની લાગણી થવા છતાં એ સ્વપ્ન જોયા પછી તે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં પોતાની એ કુટેવને રોકવામાં સફળ થાય છે. કાર્ટરાઇટનો અભ્યાસ સૂચવે છે કે પોતાના જીવનમાં મૂલ્યવાન વસ્તુ ગુમાવનાર વ્યક્તિ ‘પોતે ખોટની હતાશાને દૂર કરવા પ્રયત્નશીલ બને છે’ એવું સ્વપ્ન જુએ છે. આવી વ્યક્તિની સફળ થવાની શક્યતા વધે છે.

ડીમેન્ટ, ક્લેઇટમાન અને નિદ્રાના કે સ્વપ્નના અભ્યાસકોએ નિદ્રા કે સ્વપ્ન સાથે થતાં આંખોના ડોળાનાં હલનચલનોનું અને મસ્તિષ્ક છાલના વિદ્યુત-તરંગો(E.E.G.)નું સમયબદ્ધ માપન કર્યું છે. આ આલેખોમાં જાગૃતિ દરમિયાન અને ઊંઘની ચાર કક્ષાઓમાં ઊપજતા તરંગોના આકારો વચ્ચે સ્પષ્ટ તફાવત જણાઈ આવે છે. (જુઓ આકૃતિ 2.) ઉપરાંત ઊંઘના આરંભથી માંડીને તેની સમાપ્તિ સુધી જુદી જુદી કક્ષાઓ અને સ્વપ્નાવસ્થા કયા કયા સમયના અંતરે આવે છે તેનો સ્તંભાલેખ પણ દોરવામાં આવ્યો છે. (જુઓ આકૃતિ 1.) સ્વપ્ન અને નિદ્રાનું શારીરિક પાસું કંઈક અંશે તેની મદદથી સમજાય છે.

આકૃતિ 1 : ઊંઘની તેના આરંભથી જુદા જુદા સમયના અંતરે નોંધાયેલી કક્ષાઓ / અવસ્થાઓ

સ્વપ્નના સ્વરૂપ અને તેમાં આવતા વિષયવસ્તુ ઉપર ઘણી બાબતોની અસર થાય છે. રાતના આગલા ભાગમાં આવતા સ્વપ્નમાં વ્યક્તિના તાજેતરના અનુભવો અને ઘટનાઓની સ્મૃતિ-પ્રતિમાઓ ઊપજે છે. પાછલી રાતનાં સ્વપ્નો દૂરના ભૂતકાળની કે બાળપણની ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે. સ્વપ્ન જોતાં પહેલાં વ્યક્તિએ કરેલી પ્રવૃત્તિઓ અને તેણે અનુભવેલી ઘટનાઓની સ્વપ્નના વિષય ઉપર અસર પડે છે. મોટે ભાગે તેનો વિષય જાગ્રતાવસ્થાના અનુભવનો વિરોધી હોય છે. દા. ત., સ્વપ્ન પૂર્વે સઘન કસરત કરી હોય તો આરામ લેવાનું કે મનોરંજનનું સ્વપ્ન આવે છે. જો સ્વપ્ન પૂર્વે વ્યક્તિએ ઘણા કલાકો એકાંતમાં ગાળ્યા હોય તો તેને અન્ય વ્યક્તિઓના મિલનનું કે મેળાવડાનું સ્વપ્ન આવે છે.

પુરુષો કરતાં સ્ત્રીઓ સ્વપ્નને વધુ વિગતવાર યાદ રાખે છે. સ્ત્રીઓને મોટે ભાગે સ્વપ્નમાં ઘર કે નજીકની જગ્યા દેખાય છે. સ્ત્રીનાં સ્વપ્નોમાં વધારે પાત્રો હોય છે અને તેમની વચ્ચે વધારે સામાજિક આંતરક્રિયા અને આવેગોને થતી ઉત્તેજના અનુભવાય છે. પુરુષોનાં સ્વપ્નોમાં સિદ્ધિ માટેનાં પ્રયત્નો, સ્પર્ધા, આક્રમકતા, દુશ્મનાવટ અને નપુંસકતાની ચિંતા વધારે હોય છે. નાનાં બાળકોને પ્રાણીઓનાં સ્વપ્ન વધારે આવે છે; પણ તેમાં ઘટના કે કથાતત્વ ઓછાં હોય છે. મોટાં બાળકોને પ્રવૃત્તિઓ અને રમતોનાં સ્વપ્નો આવે છે. તરુણોનાં સ્વપ્નોમાં વધારે પાત્રો અને વધુ ઝડપી ઘટનાઓ હોય છે. વૃદ્ધોને માંદગી અને મૃત્યુનાં સ્વપ્ન વધારે આવે છે. કમનસીબ ઘટનાઓનાં સ્વપ્નાં નિમ્ન મધ્યમ વર્ગના લોકોને વધારે, જ્યારે ઉચ્ચમધ્યમ વર્ગના લોકોને ઓછાં આવે છે. અમેરિકામાં સરખી કક્ષાના હબસીઓ અને ગોરાઓનાં સ્વપ્નો વચ્ચે ખાસ તફાવત જણાયો નથી. જો સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ સાથે મિત્રતા કેળવીને તે જાગ્રત હોય ત્યારે યોગ્ય શબ્દો અને સ્વરના યોગ્ય આરોહ-અવરોહ સાથે તેને સૂચન આપવામાં આવે તો એ સૂચનની તેના સ્વપ્ન ઉપર ધારી અસર કરી શકાય છે.

આકૃતિ 2 : જુદી જુદી અવસ્થાઓ દરમિયાન વિદ્યુત-મસ્તિષ્ક-આલેખ અને આંખના ડોળાની ગતિના આલેખ

સ્વપ્ન અંગેના સિદ્ધાંતો : હૉબસનના મતે મનુષ્યનાં અવરોધાયેલાં પ્રત્યક્ષ જ્ઞાનોને સ્વપ્ન મુક્ત કરે છે. જાગ્રતાવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો ઉપર સતત ચાલુ રહેતો ઉદ્દીપકોનો મારો આંખ-કાન વગેરે ઉપર છાપ તો પાડે છે; પણ એ વખતે બીજાં કાર્યોમાં રોકાયેલા હોવાથી એ માહિતી ઉપર પૂરતું ધ્યાન આપી શકતા નથી. તેથી તેનો અર્થ સમજવાનો સમય રહેતો નથી. તેનો સ્મૃતિમાં સંચય થાય છે; પણ એ દૃશ્યો કે અવાજોની છાપો સ્મૃતિમાંથી બહાર આવી સ્વપ્નમાં પ્રગટ થાય છે કેમકે એમાંની મોટા ભાગની છાપો દુનિયામાં અસરકારક રીતે વર્તવા જરૂરી હોય છે. પાછળથી હૉબસન અને મેકકાર્લીએ સક્રિયીકરણ અને સંશ્લેષણ(activation synthesis)નો સિદ્ધાંત આપ્યો. એ મુજબ સ્વપ્ન મનુષ્યના શરીરમાં ચાલતી જૈવક્રિયાઓની આડપેદાશ છે. સ્મૃતિમાં સંઘરાયેલી માહિતીને બહાર લાવી સ્વપ્ન એનું વર્ગીકરણ કરે છે. છૂટીછવાઈ માહિતીને મનુષ્યના ધ્યેય પ્રમાણે ભેગી કરીને વધારે અસરકારક રીતે ગોઠવવામાં બોધનતંત્રને સ્વપ્ન મદદ કરે છે. તેમજ ખૂટતી માહિતીને ઉમેરે છે.

મગજના એસેટિલ કોલાઇનનું પ્રમાણ વધી જવાથી મોટા પિરામિડ-કોષોમાં ચેતાપ્રવાહ વહે છે. જાળરૂપ પ્રવૃત્તિતંત્ર સક્રિય બનવાથી મગજના સંવેદનના વિસ્તારોમાં ચેતાક્રિયા થાય છે અને આપણને સ્વપ્ન આવે છે. પેનફિલ્ડના પ્રયોગો આ સિદ્ધાંતની ધારણાઓને ટેકો આપે છે.

ઘણાં સ્વપ્નો માણસના જીવનના અનુભવોને લગતાં, તાર્કિક અને સુસંગત હોય છે. તે ચેતાકોષોની આડેધડ ક્રિયાઓનું પરિણામ ન હોઈ શકે.

ફાઉલ્કસે અને એન્ટ્રોબસે સ્વપ્નનો બોધાત્મક સિદ્ધાંત આપ્યો છે. એ મુજબ સ્વપ્નમાં મગજના ઘણા વિસ્તારોમાં ચેતાક્રિયાઓ વધી જાય છે. તે શરીરની અંદરના ઉદ્દીપકો ઉપર ધ્યાન આપે છે, જ્યારે બાહ્ય પર્યાવરણના ઉદ્દીપકો ઉપર ઓછું ધ્યાન આપે છે. એ વખતે જ્યારે મગજના સંવેદનકારક, પ્રેરણા અને આવેગ-સંબંધિત વિસ્તારોમાં થતી ક્રિયાઓ એકબીજી ઉપર અસર કરે છે ત્યારે સ્વપ્નનું વિષયવસ્તુ નિષ્પન્ન થાય છે; તેથી માહિતીની પ્રક્રિયા કરવાની, યાદ રાખવાની અને સમસ્યા ઉકેલવાની ક્રિયાઓ વડે સ્વપ્નને શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે. સ્વપ્નો મનુષ્યને પ્રગટ રીતે જ સર્જનાત્મક રીતે વિચારીને તેની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે; દા. ત., લેખક સ્ટીવન્સનને જેકિલ અને હાઇડનાં પાત્રોનો વિચાર સ્વપ્નમાંથી જ આવ્યો હતો. સિલાઈયંત્રના શોધક હોવને યંત્ર માટે ટોચના છેડે કાણાવાળી સોય વિકસાવી ને વાપરવાનો વિચાર સ્વપ્નમાં દેખાયેલા જંગલી માણસના હાથના ‘છેડે કાણાવાળા ભાલા’ના દૃશ્ય ઉપરથી આવ્યો હતો. સ્વપ્ન અંગે એન્ટ્રોબસે નીચેનું પ્રતિમાન (model) આપ્યું છે.

સ્વપ્ન અંગે ફ્રૉઇડનો આગવો મત છે. તે કહે છે કે સ્વપ્ન તો સ્વપ્નદ્રષ્ટાની ઇચ્છાપૂરક પ્રવૃત્તિ છે. વ્યક્તિ જાગ્રત હોય ત્યારે વાસ્તવિક જીવનમાં તેની ઘણી ઇચ્છાઓ અતૃપ્ત રહે છે. સ્વપ્નોની દુનિયાને વાસ્તવિકતાનાં બંધનો ન હોવાથી અને તેમાં વ્યક્તિની દોષશોધક નીતિમત્તાનો ચોકીદાર (sensor) ન હોવાથી તે સ્વપ્નો દ્વારા પોતાની અતૃપ્ત ઇચ્છાઓને તૃપ્ત કરે છે. જે માણસો ‘મને તો સ્વપ્ન આવતાં જ નથી’ એમ કહે છે તેઓ ખરેખર તો પોતાના સ્વપ્નનું દમન કરતા હોય છે. જ્યારે વ્યક્તિના મનમાં જાગ્રતાવસ્થામાં તેના અહમને ધમકી આપનારા વિચારો આવે ત્યારે તે એ વિચારોને સ્વપ્નમાં જુદું સ્વરૂપ આપીને છુપાવે છે, તેથી સ્વપ્નના પ્રગટ (patent) વિષય કરતાં તેનો ગુપ્ત (latent) વિષય જુદો હોય છે, જેને અજ્ઞાત મનની પ્રક્રિયાઓને જાણનાર મનોવિશ્લેષણશાસ્ત્રી શોધી કાઢે છે. દા. ત., જો વ્યક્તિને સ્વપ્નમાં પ્રગટ વિષય તરીકે ‘ટ્રેન બોગદામાં પ્રવેશે છે’ એવું દેખાય તો ફ્રૉઇડના મતે સાચો, ગુપ્ત અર્થ ‘પુરુષનું લિંગ સ્ત્રીની યોનિમાં પ્રવેશે છે’ એવો થાય. પોતાની સ્ત્રીમિત્ર સાથે સમાગમ કરવો કે ન કરવો એ વિશે વ્યક્તિના મનમાં સંઘર્ષ ચાલતો હોવાથી વાસ્તવિક જગતમાં તે જાતીય ઇચ્છા સંતોષી શકતો નથી તેથી તે સ્વપ્નમાં પોતાની ઇચ્છાને ‘ટ્રેન’ અને ‘બોગદા’નું પ્રતીક આપીને સંતોષવાનો પ્રયત્ન કરે છે. મનોપચારની પોતાની લાંબી કામગીરી દરમિયાન ઢગલાબંધ દાખલામાં આવું જણાયું હોઈ ફ્રૉઇડ મૂંઝવણો અને મનોવિકૃતિઓનાં નિદાન અને સારવારમાં દર્દીનાં સ્વપ્નોના વિશ્લેષણને ખાસ મહત્ત્વ આપે છે. દર્દીઓને ઉપચારમાં વિશ્વાસ હોવાથી આવાં અર્થઘટનોને સ્વીકારે છે; પણ ઉપચાર કે સ્વપ્નોના તારવેલા અર્થ જ સાચા છે એ અંગે કોઈ ખાસ સ્વતંત્ર અને વૈજ્ઞાનિક પુરાવા મેળવી શકાયા નથી.

કાર્ટરાઇટના સમતુલાના સિદ્ધાંત પ્રમાણે સ્વપ્નો જાગ્રતાવસ્થા સાથે સમતુલા જાળવતાં હોય છે. એમ મનાય છે કે જાગૃતિમાં મગજનો ડાબો ગોળાર્ધ વધુ સક્રિય હોય છે તેથી સ્વપ્ન દરમિયાન મગજના જમણા ગોળાર્ધને વધુ ચેતાક્રિયા કરવાની તક મળે છે. જાગ્રત જીવનમાં જે ખૂટે છે તે માણસને સ્વપ્નમાં મળી રહે છે. જાગૃતિમાં મેળવેલા જ્ઞાનને સ્વપ્નના આવેગો સાથે સાંકળે છે તેથી જ્ઞાનભાવની સમતુલા રચાય છે.  સ્વપ્ન વખતની ઝડપી નેત્રગતિવાળી ઊંઘને મગજની તાજગી અને વિકાસ સાથે સંબંધ છે. ફ્રિટ્ઝ પર્લ્સ નામના હાલના સમવાદી મનોપચારક તો અસીલોને/દર્દીઓને તેમના જીવનમાં પરિવર્તન લાવવા માટેના ઉપાયો તેમનાં સ્વપ્નોમાંથી જ શોધી કાઢવા પ્રેરે છે અને મદદ કરે છે. તેથી કટોકટીમાંથી પાર ઊતરીને જીવનમાં ફરીથી સમતુલા સ્થાપવા માટે સારું નસીબ અને સારા મિત્રો ઉપરાંત સારા સ્વપ્નતંત્રની પણ જરૂર પડે છે.

ક્રિચના વ્યસ્ત (reverse) શિક્ષણના સિદ્ધાંત પ્રમાણે સ્વપ્ન એ અર્થહીન ઘોંઘાટ જેવી ઘટના છે. જાગૃતિ દરમિયાન મનુષ્યો ઘણી નકામી અને અસરકારક વર્તન માટે અપ્રસ્તુત હોય એવી માહિતી મેળવતા રહે છે. આવી કચરારૂપ માહિતી મનુષ્યોના સ્મૃતિતંત્ર અને બોધતંત્ર માટે બોજો બની જાય છે. નેત્રગતિમુક્ત ઊંઘ અને સ્વપ્નાવસ્થા આ બિનજરૂરી માહિતીને ચેતાતંત્રમાંથી બહાર કાઢે છે. આમ સ્વપ્ન મગજમાંથી (માનસિક) કચરો હઠાવીને સફાઈનું કામ કરે છે. નકામી વિગતોને ભૂંસી નાખવાથી ગૂંચવાડાની અને ખલેલની શક્યતા ઘટી જાય છે; તેથી ઉપયોગી માહિતીને યાદ રાખવી સરળ બને છે. તેથી સ્વપ્નનો પોતાનો અર્થ કે સાર્થકતા હોતાં નથી. આ છેલ્લો મુદ્દો અસ્વીકાર્ય છે, કેમકે ઘણાં સ્વપ્ન અર્થપૂર્ણ જ નહિ; વ્યક્તિના જીવનમાં અત્યંત મહત્વનાં પણ હોય છે.

કારની અને વિનસનનો સ્મૃતિદૃઢીકરણનો અને જીવનસાતત્યની જાળવણીનો સિદ્ધાંત જણાવે છે કે જાગ્રતાવસ્થામાં મળેલી નવી માહિતી સ્વપ્ન દરમિયાન દૃઢ બને છે. જે દિવસે વ્યક્તિ વધારે શીખી હોય તે રાત્રે તેને વધારે લાંબી નેત્રગતિવાળી નિદ્રા અને સ્વપ્ન આવે છે. તેને લીધે તેણે શીખેલું એને વધારે પ્રમાણમાં અને વધારે ચોક્કસ યાદ રહે છે. સ્વપ્ન દરમિયાન મન તાજેતરના વારંવાર ઊપજતા અનુભવોની સ્મૃતિની જોડે ભૂતકાળની વિરલ સ્મૃતિઓને ગોઠવે છે. આ બે સ્મૃતિઓનો સાથે વિચાર કરવાથી વ્યક્તિને જીવનનું સાતત્ય ટકાવવાનો વ્યૂહ ઘડવામાં મદદ મળે છે; જેમ કે, ‘જો હાલના જેવા જ સંજોગો ભવિષ્યમાં ઊભા થાય તો હું હાલ કરતાં વધારે અસરકારક કયાં પગલાં લઈ શકું ?’ પસાર થતા જીવન દરમિયાન માણસનું સાતત્ય અને તેની અસ્મિતા ટકાવવામાં ઉપયોગી બનતી માહિતી ઉપર સ્વપ્ન દરમિયાન મન ફરીથી વિચાર અને બીજી બોધનક્રિયાઓ કરે છે; તેથી માણસને સ્વપ્ન દ્વારા જીવનની અસ્પષ્ટતાઓ, શંકાઓ અને અનિર્ણાયકતાઓમાંથી અસરકારક રસ્તો જડે છે.

સ્વપ્ન ભવિષ્યમાં થનારા બનાવોની આગાહી કરે છે એવું પણ મનાય છે; પણ એ અંગે છૂટાછવાયા દાખલા સિવાય નક્કર પુરાવા મળતા નથી. સમસ્યાથી ઘેરાયેલી વ્યક્તિના મનમાં તેને હલ કરવાના વિચારો ઘોળાતા હોય તેમાંથી તેને અમુક રીતે ઉકેલ કાઢવો યોગ્ય જણાય ત્યારે તેને સ્વપ્નમાં એનો અમલ કરીને સફળતા મળવાનું દૃશ્ય દેખાય. જાગ્રત બન્યા પછી તે એવાં જ પગલાં લે એવું બને. તેને ‘આગાહી’ ગણવી કે કેમ તે એક અર્થઘટનનો પ્રશ્ન છે.

સ્વપ્નોની અસર અને તેની ઉપયોગિતા : સ્વપ્નોમાં સ્વપ્ન જોનાર વ્યક્તિના આવેગો અને પ્રેરણાઓ પ્રગટ થાય છે, તેથી ફ્રૉઇડની ભાષામાં કહીએ તો સ્વપ્નમાં સ્વપ્નદ્રષ્ટાનું ભાવ-વિરેચન થાય છે અને તેથી તે રાહત અનુભવે છે. સ્વપ્ન જોયા પછી તેના વર્ણન દ્વારા વ્યક્તિની મનોદશાનું સ્પષ્ટીકરણ થાય છે અને તેના અજ્ઞાત મનોવ્યાપારો બહાર આવે છે. સ્વપ્નો ઊંઘનાર વ્યક્તિને ખલેલ પાડ્યા સિવાય તેની ઊંઘમાં વિરામ લાવે છે. સ્વપ્નો વ્યક્તિમાં વિશિષ્ટ મનોવલણ દૃષ્ટિ અને સૂઝ ઉપજાવે છે. સ્વપ્નોનું વિશ્લેષણ કરવાથી વ્યક્તિની મૂંઝવણોનાં કારણો વહેલાં ઓળખી શકાય છે, તેથી તેને સલાહ આપવાનો કે તેનો માનસોપચાર કરવાનો સમય અને કેટલેક અંશે ખર્ચ બચે છે. સ્વપ્નોની રચનાત્મક અસર થાય છે. તે વ્યક્તિને નવું સર્જન કરવા માટેના વિચારો પૂરા પાડે છે; દા. ત., જર્મન રસાયણશાસ્ત્રી કાકલેએ સ્વપ્નમાં એક સાપને પોતાની જ પૂંછડીને ગળતો જોયો. એ શ્યમાંથી મળેલા વિચારના આધારે તેણે બેન્ઝિન પદાર્થનું રિંગ બંધારણ શોધ્યું. સ્વપ્નની દૃષ્ટિ-પ્રતિમાઓ નવી શોધમાં વિશેષ ઉપયોગી બને છે. સ્વપ્ન મગજને પુન: સક્રિય કરે છે.

ભારતીય પરંપરા પ્રમાણે સ્વપ્નવિદ્યા : સ્વપ્નને ભારતીય પરંપરા પ્રમાણે આત્માની સ્વપ્નાવસ્થાની અનુભૂતિને પામવાની વિદ્યા માનવામાં આવે છે. આત્માની ચાર અવસ્થાઓમાં જાગ્રત અને સ્વપ્નની અવસ્થાઓમાં ઘણું સામ્ય હોવાથી જાગ્રત અવસ્થાના આધારે સ્વપ્નના અનુભવ અને સ્વપ્નના અનુભવના આધારે જાગ્રત અવસ્થાના અનુભવોને સમજવા પ્રયત્ન કરવામાં આવે છે.

‘શુક્લ યજુર્વેદ’નું ‘શિવસંકલ્પસૂક્ત’, અથર્વવેદનાં ‘દુસ્વપ્નનાશન-સૂક્તો’ અને અથર્વવેદ પરિશિષ્ટનો  ‘સ્વપ્નાધ્યાય’ (અ. 68) ભારતીય સ્વપ્નમીમાંસાના આદિ સ્રોત છે.

‘શિવસંકલ્પસૂક્ત’માં મનની અસીમ ગતિનું વર્ણન છે. ‘અથર્વવેદ’ પરિશિષ્ટના ‘સ્વપ્નાધ્યાય’ના આરંભમાં વાત, પિત્ત, કફ અને મિશ્ર પ્રકૃતિ અનુસાર માનવીનાં લક્ષણો બતાવી વિભિન્ન પ્રકૃતિવાળા લોકોને સામાન્યતયા દેખાતા વિવિધ પ્રકારનાં સ્વપ્નો વિશે ચર્ચા કરવામાં આવી છે. પિત્ત પ્રકૃતિવાળાઓને સ્વપ્નમાં ઝળહળતી દિશાઓ, સૂકાં ગુલ્મ, બળતું વન, અગ્નિ વગેરે દેવો, રાતો ચંદ્ર, કરેણ-પલાશનાં ફૂલ, દિગ્દાહ, ઉલ્કા વગેરે દેખાય છે. શીતળતા માટે તેઓ સ્વપ્નમાં સ્નાન કરે છે, પાણી પીએ છે, આવેશમાં આવી જઈ કલહ કરે છે; સ્ત્રીઓનાં અપમાન કરે છે, તેઓ થાક અનુભવે છે. કફ પ્રકૃતિના લોકો સ્વપ્નમાં ચંદન વન, કમળ, પોયણાં, શીતળશુભ પદાર્થો, બરફ, મૃણાલ-વલય, હંસયુક્ત આકાશ, વરાહ, મહિષ, ગેંડો, રથ, હાથી, કુંદ, ગાય, દૂધ, ગૌર ચંદ્ર, શુભ્ર વિમાન, મધુર ફળ, બ્રાહ્મણો, દહીં, દૂધ, સુંદર વેષધારિણી સુંદરીઓ વગેરેને નિહાળે છે. વાતપ્રકૃતિના લોકોને સ્વપ્નમાં આંધી, ઊંચાં ભવનો, ગાઢ જંગલો, શ્યામ તારાગણ, ધ્વસ્ત થતા સૂર્ય-ચંદ્ર, મેઘમાલા, ભમતાં-ઊડતાં પક્ષીઓ, ભાગતાં હરણ, ભ્રાન્ત ગજરાજ, પર્વતો, ગુફાઓ, ઉપરથી પડવું, મારામારી વગેરે દેખાય છે. મિશ્ર પ્રકૃતિના લોકોને સ્વપ્નમાં દેવ, ગંધર્વ, યક્ષ, પર્વતો વગેરે દેખાય છે. સામાન્ય રીતે વિવિધ પ્રકૃતિ દરેકમાં હોવા છતાં પ્રધાન પ્રકૃતિ અનુસાર વ્યક્તિનો દેખાવ, સ્વભાવ અને ઘડતર હોય છે. કોઈ એક ધાતુની વૃદ્ધિ અનુસાર સ્વપ્નદર્શન થાય છે.

જે જે ઇન્દ્રિયોના વિષય વિદ્ધ અવરુદ્ધ થાય તે વિશેનાં કર્મ સ્વપ્નમાં દેખાય છે. (68/51) જે સ્વપ્નો યાદ ન રહે તે સ્વપ્નો ફળ આપતાં નથી એમ ગર્ગાચાર્ય માને છે. સ્વપ્નમાં સુખોપભોગ જોઈ સૂઈ ન જવાનું જણાવાયું છે. ક્રોપ્ટુકિએ સ્વપ્નફળ વિશે પણ કેટલાંક વિધાનો કર્યાં છે. નદી-દ્વીપ-ધરતીનું લંઘન, સૈન્ય, છત્ર-ધજા ગ્રહણ કરવાં, એક કમળપત્ર કે સુવર્ણપાત્રમાં ઘી-દૂધ ખાવાં, ગોદોહન, પર્વત ઉપર ચડી પૃથ્વી જોવી, લોહીના સમુદ્રમાં આકંઠ ડૂબવું, સિંહ જોડેલા રથમાં બેસી પર્વત ઉપર ચડવું, ધરતી કે પર્વત ધ્રુજાવવાં, બ્રાહ્મણ કે રાજાનો અભિષેક, શિરચ્છેદ, લોહીથી ખરડાયેલું વિમાન, સેનાપતિપદની પ્રાપ્તિ વગેરે સ્વપ્ન અર્થલાભ કરાવનારાં છે. હાથ છેદાય તો પુત્રપ્રાપ્તિ થાય. બાહુ છેદાય તો ધન મળે. જનનેન્દ્રિય કે પગ છેદાતાં પુષ્કળ સુખ મળે. દહીં-માંસનું ભક્ષણ, દસ્યુ હણાતાં રડતાં રડતાં જાગવું વગેરે સ્વપ્ન અર્થલાભ અને મિત્રોનો સમાગમ સૂચવે છે એવો ભાર્ગવનો મત છે. સફેદ પુષ્પો, કન્યા, દહીં, ગો બ્રાહ્મણ, દેવો, રાજાના અધ્યક્ષો, મિત્રો, કલ્યાણવાચક શબ્દો, શ્વેત વસ્ત્રધારી નારીઓ, નિર્મળ આકાશ વગેરેનું દર્શન શુભ છે. સ્વપ્નમાં વિષ કે શોણિતથી ખરડાયેલો પ્રીતિ પામે છે. અંગની વૃદ્ધિનું દર્શન ભૂમિલાભ સૂચવે છે. બાંધવોને પોતાને વીંટળાઈને રડતા જુએ તો તે તુષ્ટિ પામે છે. સ્વપ્નમાં મૃત્યુ પામનાર આયુષ્યમાન થાય છે. ખીંટી ઉપર મુદ્રા, વીણા, સોનું વગેરે જોનારને સ્ત્રીલાભ થાય છે. સ્વપ્નમાં પૂર્ણકુંભનું દર્શન શુભ છે. શસ્ત્રઘાત જ્વરનું આગમન સૂચવે છે. વીખરાયેલા કેશ, અંગે અભ્યંગ (તૈલમર્દન), દક્ષિણમાં ગમન, મુંડન, પ્રેતદર્શન, શત્રુદર્શન, હસતા-નાચતા લોકોથી વીંટળાયેલા હોવું વગેરે સ્વપ્નો અશુભ સૂચવે છે. કમળ લેતા હોય તેવું દર્શન હસ્તછેદ, પ્રસન્ન થતા હોય તો શોક અને દોરડું કપાતાં મૃત્યુ સૂચવાય છે. દરવાજે આગળો, કૂકડાનું પથારીમાં ચડી બેસવું, સ્વપ્નમાં સફેદ, પીળા કે રાતા સાપને મારવો વગેરે અશુભ સ્વપ્ન છે. સ્વપ્નમાં વૃદ્ધિ થવી એ વિનાશ સૂચવે છે. જ્યારે હાનિ લાભનું સૂચન કરે છે.

પ્રથમ યામમાં આવેલું સ્વપ્ન વર્ષે ફળ આપે છે. બીજા યામનું સ્વપ્ન આઠ માસે, ત્રીજા યામનું સ્વપ્ન ચાર મહિને, ગાયો છોડવાના સમયનું સ્વપ્ન મહિને અને પ્રાત:કાલીન સ્વપ્ન તુરત જ ફળ આપે છે. શુભ સ્વપ્ન જોઈને સૂઈ રહેવાનું અયોગ્ય મનાયું છે. અશુભ સ્વપ્નદર્શન થતાં ઇષ્ટદેવ કે સૂર્યનું દર્શન, પ્રભુનું સ્મરણ અને તિલપાત્રદાન વગેરે કરવાનું વિધાન છે. અશ્વત્થસેવા, ગો-સ્પર્શ, બ્રાહ્મણતર્પણ, સ્વ સ્ત્યયનસ્વસ્તિવાચન વગેરે અશુભ સ્વપ્નોની અસર દૂર કરે છે. અશુભ સ્વપ્નની અસર નિવારવા માહેન્દ્રી, રૌદ્રી, અપરાજિતા, કૌલેરી કે આદિત્ય શાંતિ કરાવવી જરૂરી મનાઈ છે.

પ્રકૃતિ અનુસાર સ્વપ્નદર્શન એ સામાન્ય ઘટના છે. કેટલાંક સ્વપ્ન અતૃપ્ત ઇચ્છાઓની પૂર્તિ સૂચવે છે. ઘણાં ઓછાં સ્વપ્ન શુભ-અશુભ ફળનો નિર્દેશ કરનારાં હોય છે. ‘બુદ્ધચરિત’, ‘વેણીસંહાર’, જાતક-કથાઓ વગેરે સાહિત્યકૃતિઓમાં બુદ્ધજન્મનાં સૂચક કે દુર્યોધનનો વધ સૂચવતાં સ્વપ્નોનો નિર્દેશ છે. રામાયણનું ત્રિજ્ય-સ્વપ્નવર્ણન કે પુરાણોમાં આવતાં સ્વપ્નોના સંદર્ભો સ્વપ્નોના શુભાશુભ સંકેતોને પામવા થયેલા પ્રયત્નોનું પરિણામ છે. સ્વપ્નને આત્માનો વિશ્વવિહાર પણ માનવામાં આવે છે. સ્વપ્ન એ મનના જ્યોતિ-સ્વરૂપમાં પ્રદીપ્ત થતાં, અંત:કરણમાં ઝિલાયેલા અનુભવો હોવાનું પણ મનાય છે. ક્યારેક મન ઉપર ભાવિ ઘટનાના સંકેતોની અસરો શુભાશુભ સ્વપ્નદર્શન તરીકે ઓળખવામાં આવે છે. આમ વેદકાળથી આધુનિક મનોવિજ્ઞાન પર્યંત સ્વપ્નરહસ્યને પામવાના પ્રયત્નોનું પરિણામ સ્વપ્નવિદ્યા છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

દશરથલાલ ગૌ. વેદિયા