સ્લે, રૉબર્ટ્સ ફ્રેડરિક (જ. 30 સપ્ટેમ્બર 1832, કાનપુર; અ. 14 નવેમ્બર 1914, સેન્ટ ઑમર, ફ્રાન્સ) : બાહોશ બ્રિટિશ સરસેનાપતિ અને કંદહાર, પ્રિટોરિયા અને વૉટરફૉર્ડના પ્રથમ ઉમરાવ. ઇંગ્લૅન્ડના ઍટન અને સૅન્ડહર્સ્ટ ખાતે શિક્ષણ. 19 વર્ષની નાની વયે 1851માં બંગાળમાં બ્રિટિશ તોપખાનામાં સેકન્ડ લેફ્ટેનન્ટના હોદ્દા પર નિમણૂક અને ત્યારથી અવસાન સુધીની છ દાયકા ઉપરાંતની (1851–1914) જ્વલંત લશ્કરી કારકિર્દીમાં અનેક યુદ્ધ મોરચાઓ પર સફળ નેતૃત્વ પૂરું પાડેલું, જેમાં ભારતમાં થયેલ 1857ના બળવા દરમિયાન બુલંદશહર, અલીગઢ, આગ્રા, કનોજ, બંથરા, લખનૌ, ખોડગંજ, ફતેગઢ, મિયાનગંજ વગેરેનો સમાવેશ થાય છે. 1858માં ખોડગંજ ખાતેની લડાઈમાં બળવાખોરો પાસેથી ધ્વજ (સ્ટેન્ડર્ડ) છીનવી લેવાના પરાક્રમ માટે તેમને ‘વિક્ટોરિયા ક્રૉસ’ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ભારત બહાર પણ તેમણે કેટલાક મોરચે શૌર્યપૂર્ણ કામગીરી કરી હતી; દા. ત., 1867માં ઍબિસિનિયાના મલકુસ્ટો ખાતે રાજા થિયૉડરને હરાવ્યો અને ત્રણ દિવસની ભયંકર લડાઈ બાદ પાટનગર મગદલા કબજે કર્યું. 1878માં અફઘાનિસ્તાનના રાજા શેરઅલી ખાનને પોતાના હસ્તકના બ્રિટિશ લશ્કર વડે ખૈબર કોટલ ખાતે નિર્ણાયક પરાજય આપ્યો. 1879માં કાબુલ ખાતેના બ્રિટિશ રેસિડેન્ટનું દગાબાજીથી ખૂન થતાં તેનો બદલો લેવા માટે રૉબર્ટ્સે કુરમ અને કંદહાર થઈને કાબુલ પર ચડાઈ કરીને 8,000 સૈન્યદળ ધરાવતા અફઘાન લશ્કરને હાર આપી ખરી; પરંતુ કાબુલનો કબજો ગુમાવ્યા બાદ પણ અફઘાનિસ્તાનના અસંતુષ્ટ મુલ્લાઓની ઉશ્કેરણીથી એક લાખ અફઘાનીઓએ ધર્મયુદ્ધના નામે શેરપુર ખાતેની રૉબર્ટ્સની લશ્કરી છાવણીને ઘેરો ઘાલ્યો, જેનો રૉબર્ટ્સે કુનેહપૂર્વક સામનો કર્યો અને તે લડાઈમાં પણ નક્કર વિજય મેળવ્યો.
રૉબર્ટ્સ ફ્રેડરિક સ્લે
1879માં અફઘાનિસ્તાનના રાજા શેરઅલીખાનની રૉબર્ટ્સના હાથે હાર થતાં તેણે બ્રિટિશરો સાથે કરેલી સંધિ મુજબ તેના સ્થાને તેના પુત્ર યાકૂબને ગાદી પર બેસાડવામાં આવ્યો હતો; પરંતુ આ વ્યવસ્થા લાંબા સમય સુધી ચાલી શકી નહિ અને અબ્દુલ રહેમાન ખાનને નવા રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો, જેના વિરોધમાં યાકૂબના ભાઈ અયૂબખાને બ્રિટિશ લશ્કર પર ભયંકર આક્રમણ કર્યું. એટલે સુધી કે ભારતીય દળ છિન્નભિન્ન થયું, બ્રિટિશ તોપખાનાનો જડમૂળથી નાશ થયો અને કંદહારને ઘેરો ઘાલવા અયૂબના સૈનિકો આગળ વધવા લાગ્યા. આ પરિસ્થિતિનો સામનો કરવા રૉબર્ટ્સે દસ હજાર સૈનિકો સાથે પર્વતમાર્ગે 313 માઈલનો લાંબો માર્ગ કાપી બાવીસ દિવસમાં કંદહાર પહોંચ્યો અને અયૂબની નેતાગીરી હેઠળના વિશાળ સંખ્યા ધરાવતા અફઘાન લશ્કર પર તૂટી પડ્યો. આ લશ્કરી અભિયાનમાં પણ રૉબર્ટ્સે સંપૂર્ણ વિજય મેળવ્યો અને અફઘાન લશ્કર હસ્તકની તમામ તોપો તેણે કબજે કરી, જેની કદર રૂપે રૉબર્ટ્સને અફઘાન તોપમાંથી બનાવેલો ‘કાબુલથી કંદહાર’ (From Kabul to Kandhar) નામક કાંસ્યતારક એનાયત કરવામાં આવ્યો હતો. આ સંગ્રામને કારણે એક સફળ નેતૃત્વ પૂરું પાડનાર સેનાપતિ ઉપરાંત લશ્કરના સંચાલનમાં બાહોશ વ્યૂહરચનાકાર તરીકે રૉબર્ટ્સે ખ્યાતિ પ્રાપ્ત કરી.
બ્રિટિશ વ્યાપારીઓ દ્વારા બ્રહ્મદેશ(હવે મ્યાનમાર)માં ઉત્પન્ન થતા સાગના વ્યાપારમાં બ્રહ્મદેશના શાસકોની દખલગીરી નાબૂદ કરવા માટે રૉબટર્સે અભિયાન હાથ ધર્યું, જેના સફળ પરિણામે તે દેશના રાજા થિબા મિન બ્રિટિશરોને શરણે આવ્યો. આ સફળતા બાદ બ્રિટિશ શાસકોએ બ્રહ્મદેશને દસ વર્ષ માટે ખાલસા જાહેર કર્યું.
1851માં બ્રિટિશ લશ્કરમાં સૌથી નીચલી પાયરીના હોદ્દા (સેકન્ડ લેફ્ટેનન્ટના પદ) પર દાખલ થયેલ રૉબર્ટ્સ બ્રિટિશ લશ્કરમાં ક્રમશ: સતત બઢતી મેળવતા રહ્યા અને 1895માં સર્વોચ્ચ પદ ફીલ્ડ માર્શલ બન્યા (1895–1899). ભારત અને આફ્રિકામાંની તેમની સેવાની કદર બ્રિટિશ સંસદનાં બંને ગૃહોએ કરી હતી. તેમની લશ્કરી કારકિર્દી દરમિયાન તેમને એનાયત કરવામાં આવેલા લશ્કરી માનસન્માનમાં વિક્ટોરિયા ક્રૉસ, ઇન્ડિયન જનરલ સર્વિસ મેડલ, શૌર્યસૂચક પટ્ટીઓ, કાબુલ અને કંદહારનાં ચંદ્રકો, સાઉથ આફ્રિકન વૉર મેડલ વગેરેનો સમાવેશ થાય છે. આવી ઉજ્જ્વળ કારકિર્દીના પરિપાક રૂપે રૉબર્ટ્સને બ્રિટિશ લશ્કરના સરસેનાપતિનું સર્વોચ્ચ પદ એનાયત કરવામાં આવ્યું હતું, જે પદ પર તેઓ અવસાન સુધી રહ્યા હતા.
બળદેવભાઈ કનીજિયા