સ્લમડૉગ મિલ્યેનર : વર્ષ 2009માં આઠ ઑસ્કારવિજેતા અંગ્રેજી ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. પ્રકાર : રંગીન. નિર્માણવર્ષ : 2008. નિર્માણ- સંસ્થા : ફોકસ સર્ચલાઇટ પિક્ચર્સ. નિર્માતા : ક્રિશ્ચિયન કોલસન. દિગ્દર્શક : ડેની બોયલ. પટકથા : સિમોન બુફોય. કથા : વિકાસ સ્વરૂપલિખિત નવલકથા ‘ક્યૂ ઍન્ડ એ’ પર આધારિત. સંપાદક : ક્રિસ ડિક્ધસ. છબિકલા : એન્થની ડોડ મેન્ટલ. સંગીત : એ. આર. રહેમાન. કલાનિર્દેશન : અભિષેક રેડકર. મુખ્ય કલાકારો : દેવ પટેલ, અનિલ કપૂર, ફ્રેડા પિન્ટો, સૌરભ શુક્લ, ઇરફાન ખાન, અઝહરુદ્દીન ઇસ્માઇલ, આયુષ ખેડેકર, મહેશ માંજરેકર, તનય છેડા, આશુતોષ ગજીવાલા, રૂબીના અલી.
મુંબઈ ખાતેની એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં ઊછરેલો જમાલ નામનો એક યુવક ‘કૌન બનેગા કરોડપતિ’ નામના ટેલિવિઝન ક્વિઝ-શોમાં એક પછી એક પ્રશ્નોના સાચા જવાબો આપતાં બે કરોડ રૂપિયાનું ઇનામ જીતી જાય છે એવા કથાનક પર આધારિત આ અંગ્રેજી ચિત્ર ટિકિટબારી પર ખૂબ સફળ થયું. તે સાથે ‘વિદેશમાં ભારતની ગરીબી અને બેહાલી વેચવાની’ તેની ટીકાઓને કારણે વિવાદાસ્પદ પણ બન્યું, પણ 81મા ઑસ્કાર ઍવૉર્ડ સમારોહમાં તેને મળેલ કુલ દસ નામાંકનોમાંથી શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ સંગીત, શ્રેષ્ઠ ગીત, શ્રેષ્ઠ ધ્વનિમિશ્રણ, શ્રેષ્ઠ પટકથા (આધારિત), શ્રેષ્ઠ છબિકલા અને શ્રેષ્ઠ સંપાદન મળીને કુલ આઠ ઑસ્કાર ઍવૉર્ડ મેળવ્યા. તેમાં ખાસ તો સંગીતકાર એ. આર. રહેમાનને સંગીત તથા ગીત ‘જય હો, જય હો’ માટે બે ઑસ્કાર મળ્યા. તે ઉપરાંત ‘જય હો’ના ગીતકાર ગુલઝારને તથા ધ્વનિમિશ્રણ માટે રસૂલ પુકુટ્ટીને પણ બે વિદેશી કસબીઓ ઇયાન ટેપ તથા રિચાર્ડ પ્રાઇક સાથે ઑસ્કાર મળ્યા. આ ચિત્ર માટે રહેમાનને બીજા ગીત ‘ઓ સાયા’ માટે ગીતકાર માયા અરુલ પ્રગાસમ સાથે નામાંકન મળ્યું હતું તથા શ્રેષ્ઠ ધ્વનિ- સંપાદન (ટોમ સેયર્સ અને ગ્લેન ફ્રીમેન્ટલ) માટે પણ નામાંકન મળ્યું હતું. ઑસ્કાર મળ્યા પહેલાં આ ચલચિત્રે ચાર ‘ગોલ્ડન ગ્લોબ’ ઍવૉર્ડ અને સાત ‘બાફ્ટા’ ઍવૉર્ડ સહિત બીજા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવ્યા હતા. સંગીત માટે બે ઑસ્કાર મેળવવા ઉપરાંત ગોલ્ડન ગ્લોબ જીતનાર એ. આર. રહેમાનને આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર બનવાનું ગૌરવ મળ્યું છે.
ભારતીય લેખક વિકાસ સ્વરૂપની અંગ્રેજી નવલકથા ‘ક્યૂ ઍન્ડ એ’ પર આધારિત આ ચલચિત્ર વિદેશમાં નિર્માણ પામ્યું પણ મોટા ભાગના ભારતીય કલાકારો અને કસબીઓએ તેમાં અભિનય અને અન્ય પ્રકારનું કામ કર્યું. હાલ ભારતીય ફિલ્મરસિકોએ તેને ભારતનું જ હોય તેવો આવકાર આપ્યો. ઝૂંપડપટ્ટીમાં ઊછરેલા અને રઝળપાટભરી જિંદગી જીવનાર જમાલને થયેલા અનુભવો અને ક્વિઝ-શોમાં પુછાયેલા પ્રશ્નોનું સંકલન ચિત્રને ગતિશીલ રાખે છે.
ભારતમાં આ ચિત્ર અંગ્રેજી ઉપરાંત હિંદીમાં ડબ કરીને ‘સ્લમડૉગ કરોડપતિ’ તરીકે પ્રદર્શિત થયું છે. આ ઉપરાંત જર્મન, ફ્રેન્ચ, સ્પૅનિશ વગેરે ભાષાઓમાં પણ તે ડબ કરાયું છે.
હરસુખ થાનકી