સ્મૂટ, જ્યૉર્જ (જ. 20 ફેબ્રુઆરી 1945, યુકોન, ફ્લોરિડા, યુ.એસ.) : અમેરિકન ખગોળભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. જ્હૉન ક્રૉમવેલ માથેરની ભાગીદારીમાં CoBE (co-smic background explorer) ઉપરના સંશોધનકાર્ય અને અધ્યયન માટે 2006ના નોબેલ પુરસ્કારના વિજેતા. કોબને આધારે તે વૈશ્વિક સૂક્ષ્મતરંગ પાર્શ્વભૂમિ વિકિરણ(cosmic microwave background radiation)ના કાળા પદાર્થના સ્વરૂપ અને વિષમ દિક્ધર્મિતા(anisotropy)નો અભ્યાસ શક્ય બન્યો.
તેમણે અમર આર્લિન્ગસ હાઈસ્કૂલ(આર્લિન્ગટન)માંથી માધ્યમિક શિક્ષણ લીધું અને ત્યાંથી જ 1962માં સ્નાતક થયા. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં પ્રવેશ મેળવતાં પહેલાં ગણિતશાસ્ત્રનો સઘન અભ્યાસ કર્યો. આ સંસ્થામાંથી તેમણે ગણિતશાસ્ત્ર અને ભૌતિકવિજ્ઞાન – એમ બે વિષયોમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 1966માં કણ-ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.
જ્યૉર્જ સ્મૂટ
ત્યાર બાદ તેમણે બ્રહ્માંડવિજ્ઞાન (cosmology) ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે માટે લૉરેન્સ બર્કલે નૅશનલ લૅબોરેટરીમાં વૉલ્ટર આલ્વારીઝ સાથે જોડાયા. ઉપલા વાતાવરણમાં પ્રતિદ્રવ્ય(antimatter)ની પરખ માટે સમતાપમંડલીય (stretospheric) બલૂન વડે પ્રયોગો આદર્યા. તેને આધારે તેમણે બ્રહ્માંડવિજ્ઞાનના સ્થાયી-અવસ્થા સિદ્ધાંતની આગાહી કરી. કોબના આધારે કરેલા સંશોધનથી વિશ્વની ઉત્પત્તિના મહાવિસ્ફોટ(big-bang)ની માન્યતાને મજબૂત ટેકો મળે છે.
તેઓ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક છે. 2003માં તેમને આઇન્સ્ટાઇન ચંદ્રક મળ્યો હતો. તદુપરાંત કેટલાય ઍવૉર્ડ, ચંદ્રકો, ફેલોશિપ અને માનસન્માન તેમને મળ્યાં છે.
પ્રહલાદ છ. પટેલ